‘ગાંધીજીની દિનવારી’ના સંપાદક ચંદુલાલ જેમણે બાપુના જીવનકાર્યનું 'દસ્તાવેજીકરણ' કર્યું

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

દુનિયાભરની દસ્તાવેજી તવારીખમાં ગાંધીજી વિશેનાં બે કામ વિશ્વસ્તરે સ્થાન પામે એવાં છે : ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી (CWMG) અને ગાંધીજીની દિનવારી. સો ગ્રંથોમાં પથરાયેલો ગાંધીજીનો અક્ષરદેહ (CWMG) અલગ લેખનો વિષય છે. આ લેખમાં વાત છે ‘ગાંધીજીની દિનવારી’ના સંપાદક-સંશોધક ચંદુલાલ ભગુભાઈ દલાલની.

ચંદુલાલની મહત્તા સમજવા માટે, પહેલાં ‘ગાંધીજીની દિનવારી’ વિશે થોડી પાયાની વિગતોઃ ગાંધીજીના જન્મથી આફ્રિકાનાં વર્ષો અને 1915માં તેમના ભારતમાં આગમનથી 1948માં તેમની હત્યા સુધી—એમ બે પુસ્તકોમાં દિનવારીનું મહાકાર્ય વહેંચાયેલું છે. તેમાં ગાંધીજીના રોજેરોજના જીવનનો હિસાબ આપવામાં આવ્યો છે.

ગાંધીજીના શરૂઆતના જીવનની કેટલીક વિગતો સ્વાભાવિક રીતે જ ઉપલબ્ધ નથી, પણ તેમનાં દક્ષિણ આફ્રિકાનાં વર્ષોની અને ખાસ તો, 1915થી 1948 સુધીના સમયગાળાની ઝીણવટભરી વિગતો, ચંદુલાલે એક સંશોધકનાં ખંત- ચોકસાઈ તથા એક પ્રેમી-અનુયાયીના આદરભાવથી મૂકી આપી છે. 1915થી 1948 સુધીના ગાંધીજીના જીવનના કુલ 12,075 દિવસમાંથી 11,739 દિવસની પાકી માહિતી, 124 દિવસ વિશે આધાર સાથેનાં અનુમાન અને બાકીના 212 દિવસ વિશે તેમણે અટકળથી વિગત આપી છે.

અધ્યાપક, અફસર અને આંદોલનકારી

નવાઈની વાત એ છે કે ચંદુલાલે તેમના જીવનનું આ મહાકાર્ય નિવૃત્ત થયા પછી હાથ ધર્યું. કારકિર્દીની શરૂઆતમાં તો તે અભ્યાસ-નોકરી અને સ્વતંત્રતા સંગ્રામ વચ્ચે વહેંચાયેલા રહ્યા.

ધ્રાંગધ્રાના ગર્ભશ્રીમંત પરિવારમાં નવેમ્બર 6, 1899ના રોજ જન્મેલા ચંદુલાલ મુંબઈની સિડનહામ કૉલેજમાં કૉમર્સના ગ્રૅજ્યુએટ થયા હતા. આર્થિક રીતે આકર્ષક કારકિર્દી તેમના માટે સુલભ હતી, પણ 1922થી 1925 સુધી તે ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સંકળાયા. તે ગાળામાં તેમણે બે પુસ્તકો ‘આંકડાશાસ્ત્રનાં મૂળ તત્ત્વો’ અને ‘વ્યાપારી ભૂગોળ’ લખ્યાં, જે ગુજરાતીમાં તે વિષયનાં આરંભિક પુસ્તકો હોવાથી, વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહ્યાં.

થોડો વખત તે પિતા સાથે ધંધામાં ભળ્યા, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં એકાઉન્ટન્ટ તરીકે પસંદગી પામ્યા, મીઠાના સત્યાગ્રહ વખતે ગેરકાયદે મીઠું વેચીને જેલવાસ પણ વેઠ્યો. ત્યાર પછી લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાંથી ‘પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન’નો ડીપ્લોમા કોર્સ કર્યો અને પાછા આવીને ફરી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ઓડિટ વિભાગમાં જોડાઈ ગયા.

કારકિર્દીમાં તે સતત આગળ વધતા હતા, પણ નોકરી ખાતર મન મારવાનું તેમણે મંજૂર ન રાખ્યું. 1942ની ‘હિંદ છોડો’ ચળવળ શરૂ થઈ ત્યારે તેમના પિતાને ચિંતા થઈ કે દીકરો આંદોલનમાં ભાગ લે તો તેની સાથે તેના પિતાની મિલકત પણ જપ્ત થઈ જશે. તેમને નચિંત કરવા માટે ચંદુલાલે પિતાની મિલકતમાંથી પોતાનો ભાગ જતો કર્યો અને આજીવન તે ટેક પાળી.

અમીરી-ગરીબી વચ્ચે અણનમ

સાહ્યબીમાં ઉછરેલા ચંદુલાલ 1942ની ચળવળમાં જેલવાસ ભોગવીને બહાર આવ્યા, ત્યારે કંગાલિયતના કિનારે પહોંચી ગયા હતા. પણ તેમનાં પત્ની શારદાબહેન તેમને સતત હિંમત અને ટેકો આપતાં રહ્યાં. જેલવાસ પછી ઘરના બે છેડા ભેગા કરવા માટે કમને મુંબઈમાં મિલની નોકરી સ્વીકારી, પણ ત્રણેક વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનું આમંત્રણ મળતાં, તે આવી ગયા અને ત્યાં ઊંચો પગાર-મોટર-મોભો ધરાવતા ચીફ ઑફિસરના પદે નીમાયા.

અમદાવાદમાં મ્યુનિસિપાલિટી કૉર્પોરેશનમાં ફેરવાઈ ત્યાર પછી, મેયરે કરેલા વચનભંગના મુદ્દે ચંદુલાલે કશા ખચકાટ વિના સાહ્યબીની નોકરી છોડી દીધી. સરદાર પટેલ અને ઠક્કરબાપાના સૂચનથી તે મહિનાઓ સુધી આસામના ધરતીકંપમાં રાહત કામગીરીના ઓડિટ માટે વગર વેતને રહ્યા.

વળી પાછું અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું તેડું, થોડો સમય કામગીરી, મતભેદ અને આખરે 1954માં તેમણે એ નોકરી કાયમ માટે છોડી. તેમનાં આવડત-અનુભવનો લાભ લેવા માટે ગાંધી આશ્રમના ટ્રસ્ટી અને ભારતની લોકસભાના પહેલા અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકરે તેમને ગાંધી આશ્રમ સ્મારક સંગ્રહાલયના નિયામક બનાવ્યા. જાણે, ચંદુભાઈનો બીજો ભવ શરૂ થયો.

26 હજાર પત્રોનું વર્ગીકરણ-સૂચિકરણ

ગાંધી આશ્રમના સ્મારક સંગ્રહાલયમાં તેમણે ગાંધીજીએ લખેલા અને તેમની ઉપર આવેલા આશરે 26 હજાર પત્રોના વર્ગીકરણનું મહાકાર્ય નમૂનેદાર રીતે કર્યું. તેમના સહકાર્યકર અને આગળ જતાં નિયામક બનેલા કિશનભાઈ ત્રિવેદીએ નોંધ્યું છે કે તમામ પત્રોને તેમની વિષયસામગ્રી પ્રમાણે 12 મુખ્ય અને 85 પેટાવિષયોમાં વહેંચવામાં આવ્યા. તે દરેકને તેમણે ચોક્કસ કોડ નંબર આપ્યા.

દરેક પત્ર કે દસ્તાવેજ સહેલાઈથી શોધી શકાય એ માટે તેમણે લાઇબ્રેરીમાં હોય એવાં કાર્ડ તૈયાર કર્યાં. તેની ચાર પ્રકારની સૂચિ તૈયાર કરવામાં આવી : લખનારના નામ પ્રમાણે, પત્ર જેને લખાયો હોય તેના નામ પ્રમાણે, પત્રના વિષય મુજબ અને પત્રની તારીખ પ્રમાણે. પત્રો શોધવા માટે આ કાર્ડ વારેઘડીએ વપરાય અને ખરાબ થાય, એ શક્યતા ધ્યાનમાં રાખીને તેમણે રજિસ્ટર પણ તૈયાર કરાવ્યાં. તેમાં અંગ્રેજીમાં આ બધી વિગતો ઉપરાંત પત્રના ટૂંકસારનું ખાનું પણ ઉમેર્યું. કિશનભાઈએ લખ્યું છે કે ઇંગ્લૅન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પણ આ રજિસ્ટરની માઇક્રોફિલ્મ સ્મારક સંગ્રહાલય પાસેથી મેળવી હતી.

સહેજ થોભીને વિચારતાં સમજાશે કે આ કામ કેવળ કારકુનીનું કે નકરી ચીવટચોક્સાઈનું નહીં, ગાંધીપરંપરાની સમજ અને તેના વિશેના અભ્યાસનું પણ હતું. મોટા ભાગના પત્ર હાથે લખેલા હોય (ટાઇપ થયેલા ન હોય), ગુજરાતી, હિંદી કે અંગ્રેજીમાં હોય, તેમનો પ્રત્યેક અક્ષર ઉકેલવો, તેની વિગતો નોંધવી, તેનો ટૂંકસાર કાઢવો, તેમાંથી પણ અગત્યની વિગતોની નોંધ અલગ કાપલીઓમાં વ્યવસ્થિત રીતે રાખવી—એ ભગીરથ કાર્ય ચંદુલાલે પાર પાડ્યું.

હૃદયકુંજની પાછળની નાની ઓરડીમાં લાકડાના પાટલા ઉપર પાતળી ગાદી પાથરીને, પાછળ લાકડાના સીધા પાટિયાનો ટેકો લઈને તે દિવસે 11થી 4 સુધી સતત કામ કરતા હતા. આખી કવાયત દૃષ્ટિપૂર્વક થઈ હોવાથી તેની આડપેદાશ તરીકે તેમને દિનવારીનો વિચાર આવ્યો.

દિનવારી : ગાંધીજી વિશેનો અનન્ય-અપૂર્વ સંશોધન ગ્રંથ

લગભગ 11 વર્ષ સુધી ગાંધી આશ્રમના સ્મારક સંગ્રહાલય (મેમોરિયલ મ્યુઝીયમ)ના નિયામક રહ્યા પછી તેમણે રાજીનામું આપ્યું, પણ ગાંધીજી સાથેનો તેમનો નાતો છૂટે એમ ન હતો. 63 વર્ષની જૈફ વયે તેમણે ગાંધીજીની દિનવારી તૈયાર કરવાનું કામ હાથમાં લીધું. પત્રોના વર્ગીકરણ વખતે કરેલી નોંધો આ કામ માટે શરૂઆતનું ભાથું બની.

ફક્ત પત્રોથી ગાંધીજીના જાહેર જીવનના એકેએક દિવસનો હિસાબ આપવાનું શક્ય ન હતું. એ માટે તેમણે ગુજરાતનાં વિવિધ શહેર ઉપરાંત દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, પૂણે, પટણા જેવાં શહેરોમાં જઈને-રહીને અખબારો અને બીજી સંદર્ભસામગ્રીમાંથી, આશરે 340 છાપાં-સામયિક-પુસ્તકોનો અભ્યાસ કરીને, ગાંધીજીવનક્રમની ખૂટતી કડીઓ જોડી. ઓડિટરની દૃષ્ટિ તેમને સંશોધક તરીકે બહુ ફળી. દિનવારીમાં તેમણે વિરોધાભાસી વિગતોની ખરાઈ કરી, ગાંધીજીથી તારીખ લખવામાં ભૂલ થઈ હોય તો તે પણ નોંધ્યું અને ચોક્કસ તારીખે બનેલી બીજી મહત્ત્વની ઘટનાઓનો પણ પાદટીપ તરીકે ઉલ્લેખ કર્યો.

દળદાર દિનવારીના અંતે તૈયાર કરેલી વાચક-ઉપયોગી સૂચિઓ કમાલની હતી. વગર કમ્પ્યુટરે તેમણે આખી દિનવારીમાં આવતાં વ્યક્તિઓ, સ્થળો અને વિષયોના કક્કાવાર ઉલ્લેખની સૂચિ આપી. તેના કારણે દિનવારીની ઉપયોગીતા એટલી વધી ગઈ કે જ્યારે પણ ગાંધીજી વિશેની કોઈ સ્થૂળ વિગત શોધવાની થાય ત્યારે સૌથી પહેલા દિનવારી યાદ આવે અને જેટલી વાર તેને હાથમાં લઈએ એટલી વાર તેના સંપાદક ચંદુલાલ સમક્ષ મનોમન આદરથી માથું નમી જાય.

1915થી 1948ની દિનવારીની પહેલી આવૃત્તિ 1970માં પ્રકાશિત થઈ. ત્યાર પછી તેની સંવર્ધિત આવૃત્તિ ગુજરાત સરકારે 1990માં પ્રકાશિત કરી. તેનો અંગ્રેજી અનુવાદ પણ થયો. પહેલી આવૃત્તિ પછી ચંદુલાલે ખંતથી ગાંધીજીના જીવનના પૂર્વાર્ધની દિનવારી પણ તૈયાર કરી.

મહાદેવભાઈની ડાયરીનું મહાકાર્ય

ગાંધીજીના પુત્રવત્ સચિવ મહાદેવભાઈ દેસાઈએ હાથે લખેલી ડાયરીઓના સંપાદન-પ્રકાશનનું અધૂરું રહેલું કામ ચંદુલાલે આગળ વધાર્યું અને મહાદેવભાઈની ડાયરીના ભાગ-7થી ભાગ-18 સુધીનું કામ જહેમતપૂર્વક પૂરું કર્યું. તે પણ ગાંધીસાહિત્યમાં ચંદુલાલનું મહામૂલું પ્રદાન છે. બીજા કોઈ સંપાદકે આટલી સંખ્યામાં મહાદેવભાઈની ડાયરીનું કામ કર્યું નથી. એ કામ હજુ પણ અધૂરું છે.

આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાની ગાંધીજીની લડતના ઇતિહાસના પાંચ ભાગ, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનરાગમન, રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો (ગણેશ વાસુદેવ માવળંકર સાથે)—જેવાં મહત્ત્વનાં દસ્તાવેજી પુસ્તકો પણ તેમણે લખ્યાં. ગાંધીજીના મહાન પ્રદાનને ઝાંખું પાડવા માટે તેમના પુત્ર હરિલાલની કરુણ કથાને પ્રમાણ ચૂકીને ઉછાળવાનો ધંધો શરૂ થયો, તે પહેલાં ચંદુલાલે હરિલાલનું નમૂનેદાર જીવનચરિત્ર લખ્યું, જે 1977માં પ્રકાશિત થયું. મહાદેવભાઈ દેસાઈનું ચરિત્ર પણ તે લખવા ઇચ્છતા હતા. તે પૂરું થઈ શક્યું નહીં.

ગાંધીજી પ્રત્યે અનન્ય આદરભાવ હોય તો જ થઈ શકે એવાં કામ કર્યાં પછી પણ ચંદુલાલે તેમની સ્વતંત્ર વિચારશક્તિ અકબંધ રાખી. મ્યુનિસિપાલિટીમાં નોકરી વખતે ગાંધીજીની ચળવળના તે લડવૈયા-જેલવાસ ભોગવી ચૂકેલા, પણ વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા અને ગાંધીજીને કરાયેલા ફૂલહારનું વાઉચર ચંદુલાલ પાસે ઓડિટ થવા આવ્યું ત્યારે તેમણે તે નામંજૂર કર્યું. નારાજ થયેલા વલ્લભભાઈએ કારણ પૂછતાં તેમણે કહ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પસાર ન થયો હોય એવો ખર્ચ તે મંજૂર કરી શકે નહીં.

છેવટ સુધી શક્ય એટલી સક્રિયતા અને છેલ્લા થોડા દિવસ બીમારીમાં ગાળીને માર્ચ 2, 1980ના રોજ તેમણે વિદાય લીધી, ત્યારે (પત્રકાર બળવંતરાય શાહે નોંધ્યા પ્રમાણે) છાપાંમાં તેમના અવસાનની નોંધ સુધ્ધાં આવી ન હતી.

મુખ્ય સંદર્ભ : ચંદુલાલ ભગુભાઈ દલાલ જન્મશતાબ્દિ ગ્રંથમાળા, ગ્રંથ બીજો, સંપાદક : મનુ પંડિત, કશ્યપ ચંદુલાલ દલાલ, 2002.