Ind Vs Aus ટી-20 મૅચની છેલ્લી ઓવરમાં શું થયું કે અમ્પાયરને ભારતની 'જીતના હીરો' ગણાવાઈ રહ્યા છે?

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની પાંચમી મૅચમાં ભારતે છ રને વિજય મેળવ્યો છે.

બંને ટીમોના સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં રમાયેલી આ શ્રેણીમાં ભારતે 4-1થી વિજય મેળવ્યો છે.

છેક છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મૅચમાં અક્ષર પટેલ સતત બીજી મૅચમાં પ્લૅયર ઓફ ધી મૅચ જાહેર થયા છે.

પરંતુ મૅચમાં છેલ્લી ઓવરમાં અમ્પાયરે કંઈક એવું કર્યું કે સોશિયલ મીડિયા પર લોકો મજાકમાં તેમને ભારતની જીતના હીરો પણ ગણાવી રહ્યા છે.

છેલ્લી ઓવરમાં શું થયું?

ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઊતરેલા ભારતે શ્રેયસ ઐયરના 53 અને અક્ષર પટેલના 31 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરોમાં 8 વિકેટે 160 રન બનાવ્યા હતા.

161 રનના પડકારનો પીછો કરતા ઑસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર 10 રન કરવાના હતા અને ઑસ્ટ્રેલિયન કેપ્ટન મૅથ્યૂ વેડ સ્ટ્રાઇક પર હતા.

ઇનિંગની છેલ્લી ઓવર અર્શદીપ સિંહ ફેંકી રહ્યા હતા. ગત ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારી ચૂકેલા વેડને કારણે ઑસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત મનાતી હતી.

અર્શદીપ સિંહે પહેલા બૉલમાં એકપણ રન ન આપ્યો. ત્યારબાદ ઓવરના ત્રીજા બોલે મૅથ્યૂ વેડ શ્રેયસ ઐયરના હાથે કૅચ આઉટ થઈ ગયા. પછીના બૉલ પર એક જ રન મળ્યો.

હવે સ્ટ્રાઇક પર નાથન ઍલિસ હતા અને ઑસ્ટ્રેલિયાને જીતવા માટે બે બૉલમાં નવ રન કરવાના હતા.

નાથન ઍલિસે આ બૉલ પર ચોગ્ગો ફટકારવાનો જોરદાર પ્રયત્ન કર્યો. પરંતુ સ્ટ્રેઇટ ફટકારેલો આ બૉલ અર્શદીપ સિંહની આંગળીઓએ ટકરાઈને સીધો જ અમ્પાયર સાથે અથડાયો અને જાણે કે અમ્પાયરે ફીલ્ડરનું કામ કર્યું. ચોગ્ગો રોકાઈ ગયો અને એ સાથે જ ઑસ્ટ્રેલિયાની જીત મેળવવાની આશા પર પાણી ફરી વળ્યું.

અંતે ઑસ્ટ્રેલિયા છ રને મૅચ હારી ગયું.

અમ્પાયર સાથે ટકરાયેલા બૉલને કારણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર લોકો, ખાસ કરીને ભારતના ચાહકો તેમને ભારતની જીતના હીરો ગણાવી રહ્યા છે અને તેમને ધન્યવાદ પાઠવી રહ્યા છે.

ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન વેડે વ્યક્ત કર્યો ગુસ્સો

હાર બાદ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મૅથ્યૂ વેડે ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "છેક સુધી પહોંચીને મૅચ જીતી ન શકવી એ વાત પચાવવી અઘરી પડે છે. અમે ઘણી સારી બૉલિંગ કરી હતી અને ભારતને પ્રમાણમાં રોકવામાં સફળ રહ્યા હતા. આ ટોટલ પણ ચેઝ કરી શકાય તેવો હતો."

વધુમાં તેઓ કહે છે, "જે બન્યું તે ખરેખર નિરાશાજનક છે. મૅચનું અપેક્ષાકૃત પરિણામ મળ્યું હોત તો વધુ સારું હતું. 3-2 થી શ્રેણીનો અંત થવો જોઈતો હતો."

આ પહેલાં પણ ઓવરના પહેલા બૉલે અર્શદીપ સિંહે ફેંકેલા ઘાતક બાઉન્સરને અમ્પાયરે વાઇડ જાહેર ન કરતા મૅથ્યૂ વેડે ઇશારાથી ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ભારત માટે કેવી રહી શ્રેણી?

સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારત સૂર્યકુમાર યાદવે ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળ્યું હતું.

ભારતના યુવા સ્પિનર રવિ બિશ્નોઈએ આ શ્રેણીમાં નવ વિકેટ ઝડપી હતી. તેમને પ્લૅયર ઑફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.

આ શ્રેણી જીતવાની સાથે જ ભારત એવી ટીમ બની ગઈ છે જે ઘરઆંગણે રમાયેલી 14 શ્રેણીમાં સતત વિજેતા બની છે.

ભારતે આંતરરાષ્ટ્રીય ટી-20 શ્રેણીમાં સૌથી વધુ મૅચ જીતવાનો પાકિસ્તાનનો રેકૉર્ડ તોડ્યો છે. ભારત હવે કુલ 213 મૅચમાંથી 136 મૅચ જીતીને ટોચ પર છે.

ઑસ્ટ્રેલિયાના સ્પિનરોની સરખામણીએ ભારતના સ્પિનરો આ શ્રેણીમાં સફળ રહ્યા હતા. ઑસ્ટ્રેલિયાના સ્પિનરોએ 6 વિકેટ તો ભારતના સ્પિનરોએ 15 વિકેટ ઝડપી હતી.

હવે ભારતની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં તેઓ 10 ડિસેમ્બરથી ત્રણ ટી-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ રમશે.