You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડ: બદ્રીનાથ પાસે હિમસ્ખલનમાં ફસાયેલા 55માંથી 50 મજૂરોને બચાવાયા, ચાર લોકોનાં મૃત્યુ
- લેેખક, આસિફ અલી
- પદ, બીબીસી માટે, ઉત્તરાખંડથી
શુક્રવારે સવારે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ પાસે ગ્લેશિયર તૂટવાને કારણે 55 મજૂરો બરફમાં દબાઈ ગયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 33 મજૂરોને બચાવી લેવાયા છે. ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. કુલ 50 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
પહેલાં જાણકારી આપવામાં આવી હતી કે આ મજૂરોની સંખ્યા 57 છે, પરંતુ શુક્રવારે સાંજે ચમોલીના ડીએમ સંદીપ તિવારીએ જાણકારી આપતા બીબીસીને જણાવ્યું હતું કે, "એ ક્ષેત્રમાં 57 નહીં, પરંતુ 55 લોકો હતા. બે લોકો રજા પર હતા. અત્યાર સુધીમાં 50 લોકોને બચાવી લેવાયા છે અને બાકીના લોકો હજુ પણ ગુ્મ છે. સેના યુદ્ધસ્તરે રાહત અને બચાવકાર્યમાં જોડાયેલી છે."
એ પહેલાં તેમણે જણાવ્યું હતું કે, "માણા ગામ અને માણા પાસ વચ્ચે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન પાસે હિમસ્ખલનની સૂચના મળી હતી. ત્યાર બાદ અનેક એજન્સીઓને કામે લગાવવામાં આવી હતી."
બચાવકાર્ય માટે સેના સાથે આઇટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફની રેસ્ક્યૂ ટીમને લગાવી દેવામાં આવી હતી.
સમાચાર એજન્સીઓ તરફથી જે તસવીરો સામે આવી રહી છે, તેમાં ઘૂંટણ સુધીના બરફ વચ્ચે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને બચાવકર્મીઓ સંઘર્ષ કરી રહ્યા છે.
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ ઍક્સ પર લખ્યું હતું કે, "હિમપ્રપાતને કારણે ઘણા કામદારો દટાયા હોવાના દુઃખદ સમાચાર મળ્યા. આઇટીબીપી, બીઆરઓ અને અન્ય ટીમો રાહત અને બચાવકાર્યમાં સામેલ છે. હું ભગવાન બદ્રી વિશાળથી તમામ કામદાર ભાઈઓની સલામતી માટે પ્રાર્થના કરું છું."
સીએમ ધામીએ રાહત અને બચાવકાર્ય અંગે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી છે અને આજે તેઓ ઘટનાસ્થળની મુલાકાત લે તેવી શક્યતા છે.
દુર્ઘટના કેવી રીતે બની?
ચમોલીના ડીએમ સંદીપ તિવારીએ બીબીસીને જણાવ્યું હતું કે, "આ લોકો બીઆરઓના રોડ બાંધકામ પ્રોજેક્ટ માટે કામ કરતા મજૂરો હતા. તેમનું કામ સેનાની મૂવમેન્ટ માટે રસ્તો તૈયાર કરવાનું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના મતે, "જ્યાં હિમસ્ખલન થયું તે સ્થળની નજીક તેમના રહેવા માટેનાં કૅમ્પ બનાવવામાં આવ્યા હતા. તેઓ ત્યાં કન્ટેનરમાં રહે છે. જ્યારે સવારે અચાનક હિમપ્રપાત થયો, ત્યારે તેઓ પોતાને બચાવવા માટે આમતેમ દોડ્યા હશે."
સંદીપ તિવારીએ કહ્યું, "તેમાંથી દસ લોકો સેના અથવા આઇટીબીપી કૅમ્પ તરફ દોડી ગયા હતા, જેઓ સવારે જ મળી આવ્યા હતા. બાકીના 22 લોકો જોશીમઠ તરફ દોડી ગયા જ્યાં તેમને સલામતી માટે એક હોટલ મળી ગઈ, અને તેઓ તેમાં રોકાઈ ગયા. આ 22 લોકોને તે હોટલમાંથી પણ બહાર કાઢવામાં આવ્યા છે."
તેમણે કહ્યું કે, "અત્યાર સુધીમાં કુલ 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, બાકીના 22 લોકો ક્યાં છે તે હજુ પણ જાણી શકાયું નથી, કારણ કે હવામાન ખૂબ જ ખરાબ છે."
સંદીપ તિવારીએ કહ્યું, "જો આવતી કાલે હવામાન સારું રહેશે તો હેલિકૉપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે."
તેમણે કહ્યું કે, "બચાવ કામગીરી માટે સિંગલ એન્જિન અને ડબલ એન્જિન સહિત ચાર ચૉપર મોકલવામાં આવશે, આ ઉપરાંત MI-17 માટે પણ વિનંતી મોકલવામાં આવી છે."
વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું, "અમારી એનડીઆરએફની ટીમ પણ જોશીમઠ પહોંચી ગઈ છે, તે પણ સ્થળ તરફ આગળ વધશે."
ભારે બરફવર્ષાને કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી
ડિઝાસ્ટર મૅનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર હિમપ્રપાતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 32 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
અગાઉ, ચમોલીના ડીએમ સંદીપ તિવારીએ કહ્યું હતું કે ત્યાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી હોવાથી બચાવકાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે અને તેના કારણે હેલિકૉપ્ટર સેવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી.
તેમણે કહ્યું, "મૂવમેન્ટ જ મુશ્કેલ છે. અમે તે લોકોનો સંપર્ક કરી શકતા નથી કારણ કે ત્યાં કોઈ સેટેલાઇટ ફોન કે અન્ય સાધનો ઉપલબ્ધ નથી. અમને અત્યાર સુધી કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી નથી."
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, એસડીઆરએફના આઇજી પોલીસ રિદ્ધિમ અગ્રવાલે જણાવ્યું હતું કે, "સંગઠનની ટીમ જોશીમઠ જવા રવાના થઈ ગઈ છે, પરંતુ લામબાગડમાં રસ્તો બંધ હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને ખોલવા માટે સેનાનો સંપર્ક કરવામાં આવ્યો છે."
તેમણે કહ્યું, "સહસ્રધારા હેલિપૅડ પર બીજી ટીમને ઍલર્ટ પર રાખવામાં આવી છે. ઘટનાસ્થળ વિશે સચોટ માહિતી મળી છે. હવામાન સુધરતાં જ, ઊંચાં સ્થળોએ કામ કરવામાં કુશળ એસડીઆરએફ ટીમને હેલિકૉપ્ટર દ્વારા પેરાશૂટ દ્વારા નીચે ઉતારવામાં આવશે."
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી, આઇટીબીપી અને એનડીઆરએફના ડીજી સાથે વાત કરી હતી.
તેમણે એક્સ પર લખ્યું હતું કે, "અકસ્માતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા એ અમારી પ્રાથમિકતા છે. સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે બચાવ કામગીરીમાં રોકાયેલું છે. એનડીઆરએફની બે ટીમો પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી રહી છે."
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે એક્સ પર લખ્યું, "માણા વિસ્તારમાં હિમપ્રપાતની એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે જેમાં બીઆરઓનો જીઆરઇએફ કૅમ્પ પ્રભાવિત થયો છે. વહીવટી તંત્ર અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે."
"સ્થાનિક સૈન્ય એકમો પણ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. બરફમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ શક્ય સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે."
અત્યાર સુધીમાં શું સામે આવ્યું?
શુક્રવારે સાંજે, ભારતીય સેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, "ઘટનાસ્થળે હાજર સેનાના ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના જીવ બચાવવા માટે સર્જરી કરી છે."
નિવેદન અનુસાર, માણામાં ખરાબ હવામાન અને ચાલુ હિમવર્ષા વચ્ચે સેનાનું બચાવકાર્ય ચાલુ છે. ઘાયલોને બહાર કાઢવા અને અન્ય બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવા માટે રસ્તો ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
સેનાએ બીઆરઓને ટાંકીને જણાવ્યું હતું કે હિમપ્રપાત પછી, 22 કામદારો પોતાને બચાવવામાં સફળ રહ્યા અને બાદમાં તેમને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા.
એએનઆઇ પ્રમાણે, આ કૅમ્પમાં આઠ કન્ટેનર અને એક શેડ હતો. અહીં કુલ 55 કામદારો રહેતા હતા જેઓ રસ્તાના બાંધકામની કામગીરી કરી રહ્યા હતા. હિમપ્રપાત પછી, તેઓ બરફ નીચે દટાઈ ગયા હતા.
ઘટના પછી તરત જ, આર્મીની સ્વિફ્ટ રિસ્પોન્સ ટીમ, આઇબેક્સ બ્રિગેડના 100 થી વધુ સૈનિકો, ડૉક્ટરો, ઍમ્બુલન્સ અને અન્ય સાધનો સાથે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવ્યાં હતાં.
સેનાના જણાવ્યા અનુસાર, ટીમ સવારે 11.50 સુધીમાં જ પાંચ કન્ટેનર શોધી કાઢવામાં સફળ રહી અને દસ લોકોને બચાવી લીધા હતા. તેમાંથી બધા લોકો જીવિત હતા, પરંતુ તેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
બાકીના ત્રણ કન્ટેનરની શોધ ચાલુ છે. જોકે, આ વિસ્તારમાં ભારે હિમવર્ષા ચાલુ છે અને જોશીમઠ અને માણા વચ્ચેનો રસ્તો સાફ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બચાવ કામગીરી અને તબીબી સહાય માટે જોશીમઠથી વધારાની તબીબી ટીમો માણામાં એકત્ર કરવામાં આવી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન