ભારતમાં 3,000થી વધુ લોહયુગની કબરોનો ભાગ મળ્યો, આ આશ્ચર્યજનક શોધ કેટલી મહત્ત્વની છે?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લાં 20 વર્ષ કરતાં વધુ સમયથી ભારતના દક્ષિણ રાજ્ય તામિલનાડુના પુરાતત્ત્વવિદો આ પ્રદેશના પ્રાચીન ભૂતકાળની કડીઓ શોધી રહ્યા છે.

તેમના ખોદકામમાં સાક્ષરતાની સમયરેખામાં ફેરફાર કરવો પડે તેવી પ્રારંભિક લિપિઓ મળી આવી છે. તે સમયના ભારતની વિકસિત શહેરી વસાહતોને વિશ્વ સાથે જોડતા દરિયાઈ વેપાર માર્ગોના નકશા પણ દોરવામાં આવ્યા છે.

આ કડીઓ રાજ્યને પ્રારંભિક સભ્યતા અને વૈશ્વિક વાણિજ્યના મશાલચી તરીકેની ભૂમિકાને મજબૂત બનાવે છે. હવે તેમણે આનાથી પણ જૂની કડી શોધી કાઢી છે અને એ છે લોખંડનું સૌથી જૂનું ઉત્પાદન અને તેના ઉપયોગ શું હોઈ શકે તેના પુરાવા.

હાલમાં એવું માનવામાં આવે છે કે તુર્કી એ સૌથી પ્રાચીન જાણીતા પ્રદેશોમાંનું એક છે કે જ્યાં ઈસવીસન પૂર્વની 13મી સદીની આસપાસ નોંધપાત્ર સ્તરે લોખંડનું ખનન અને તેની વિવિધ બનાવટ કરવામાં આવતી હતી.

પુરાતત્ત્વવિદોએ તામિલનાડુમાં છ સ્થળોએ લોખંડના પુરાવા શોધી કાઢ્યા છે. જે ઈસવીસન પૂર્વ 2,953–3,345 અથવા 5,000થી 5,400 વર્ષ જેટલા જૂના છે. આ પુરાવા સૂચવે છે કે ઓજારો, શસ્ત્રો અને અન્ય વસ્તુઓ બનાવવા માટે લોખંડ કાઢવા, પિગાળવા અને આકાર આપવાની પ્રક્રિયા ભારતીય ઉપખંડમાં સ્વતંત્ર રીતે વિકસિત થઈ હશે.

કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયન પુરાતત્ત્વના પ્રોફેસર દિલીપકુમાર ચક્રવર્તી કહે છે, "આ શોધ એટલી મહત્ત્વપૂર્ણ છે કે તેનાં સંપૂર્ણ પરિણામો બહાર આવતાં થોડો વધુ સમય લાગશે."

તામિલનાડુનાં લોહ યુગની શરૂઆતના પુરાવાના સમાચાર સ્થાનિક કક્ષાએ છવાઈ ગયા

આદિચ્ચનલ્લુર, શિવગલઈ, માયલાદુમ્પરાઈ, કિલનામંડી, મંગાડુ અને થેલુંગાનુર સ્થળો પરનાં ખોદકામ અને તારણો સ્થાનિક સમાચાર બન્યા છે.

જેમ કે "શું તમિલનાડુમાં લોહ યુગની શરૂઆત થઈ હતી?" આ યુગ એ સમયગાળાને ચિહ્નિત કરે છે, જ્યારે વિવિધ સંસ્કૃતિઓએ લોખંડનો વ્યાપક ઉપયોગ અને ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું. તેમાંથી સાધનો, શસ્ત્રો અને માળખાકીય સુવિધાઓ પણ બનાવવાનું શરૂ કર્યું હતું.

ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા (ISSER)ના પુરાતત્ત્વ વિભાગના પ્રોફેસર પાર્થ આર. ચૌહાણ આવાં તારણો કાઢતાં પહેલાં સાવધાની રાખવાની તાકિદ કરે છે. તેમનું માનવું છે કે લોખંડની ટેકનૉલૉજી "ઘણા પ્રદેશોમાં સ્વતંત્ર રીતે" ઊભરી આવી હોઈ શકે.

ઉપરાંત " આ બધા પ્રારંભિક પુરાવા અનિશ્ચિત રહે છે, કારણ કે વિશ્વના ઘણા પ્રદેશોમાં યોગ્ય રીતે સંશોધન કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત ત્યાં પુરાતત્ત્વીય પુરાવા છે, પરંતુ તેને યોગ્ય રીતે તારીખવાર ગોઠવવામાં નથી આવ્યા."

ચૌહાણ કહે છે કે જો તામિલનાડુની શોધને વધારે સખત શૈક્ષણિક અભ્યાસ દ્વારા માન્ય કરવામાં આવે તો "તે ચોક્કસપણે વિશ્વના પ્રારંભિક રેકૉર્ડમાં સ્થાન મેળવશે." ISSERના પુરાતત્ત્વવિદ ઓઇશી રોય ઉમેરે છે કે આ શોધ "વિશ્વના વિવિધ ભાગોમાં (લોહ ઉત્પાદનનો) સમાંતર વિકાસ સૂચવે છે."

મોટા પાયે ઉત્પાદન અને આધુનિક ટેકનૉલૉજી

પ્રારંભિક લોખંડ બે સ્વરૂપોમાં ઉપલબ્ધ હતું - ઉલ્કાયુક્ત અને ગંધિત. અયસ્કમાંથી કાઢવામાં આવેલું પીગળેલું લોખંડ મોટા પાયે ઉત્પાદન સાથે લોખંડ ટેકનૉલૉજીની સાચી શરૂઆત દર્શાવે છે. સૌથી પ્રાચીન લોખંડની કલાકૃતિઓ કે જેમાં નવ નળીઓવાળા મણકા સામેલ છે, એ ઉલ્કાયુક્ત લોખંડમાંથી બનાવવામાં આવ્યા હતા. આ લોખંડ આકાશમાંથી પડેલા ઉલ્કાપિંડમાંથી મેળવવામાં આવ્યું હતું.

લોખંડ ધરાવતા ખડકોને ઓળખવા એ પહેલો પડકાર છે. એક વાર એ મળી જાય પછી ધાતુ કાઢવા માટે તેને અત્યંત ઊંચા તાપમાને ભઠ્ઠીમાં પિગાળવા પડે છે. આ પ્રક્રિયા વિના કાચું લોખંડ ખડકમાં જ બંધ રહે છે. નિષ્કર્ષણ પછી કુશળ લોખંડનું કામ કરનારાઓ આ ધાતુને સાધનો અને ઓજારોનો આકાર આપે છે. આ પ્રારંભિક લોખંડકામનું મહત્ત્વપૂર્ણ પગલું હતું.

તામિલનાડુમાં મોટા ભાગની જગ્યાઓ જ્યાં લોખંડ મળી આવ્યું છે, તે પ્રાચીન વસવાટ વિસ્તારો છે. પુરાતત્ત્વવિદ કે. રાજન અને આર. શિવાનંતમ કહે છે કે ખોદકામ કરનારાઓએ અત્યાર સુધી 3,000થી વધુ લોહ યુગની કબરોનો એક ભાગ શોધ્યો છે, જેમાં સાર્કોફેગી (પથ્થરની શબપેટીઓ) અને લોખંડની કલાકૃતિઓનો ભંડાર છુપાયેલો છે. આ શોધમાં તેમણે લોખંડના બનેલાં કોદાળ, ભાલા, છરીઓ, તીર, છીણી, કુહાડી અને તલવારો શોધી કાઢી છે.

એક સ્થળે ખોદકામ કરાયેલી કબરમાંથી 85થી વધુ લોખંડની વસ્તુઓ મળી આવી છે. જેમાં છરીઓ, તીરના ઘા, વીંટીઓ, છીણી, કુહાડી અને તલવારો, વાસણો મળી આવ્યાં છે. વિશ્વભરની પાંચ પ્રયોગશાળાઓમાં તપાસાયેલા 20થી વધુ નમૂનાઓની પ્રાચીનતા સાબિત થઈ છે.

કેટલીક શોધો ખાસ કરીને આશ્ચર્યજનક છે.

પેરિસસ્થિત ફ્રેન્ચ નૅશનલ સેન્ટર ફૉર સાયન્ટિફિક રિસર્ચના ઇતિહાસકાર ઓસમંડ બોપેરાચી એક મુખ્ય શોધ પર પ્રકાશ પાડે છે કે દફનવિધિ સ્થળમાંથી એક લોખંડની તલવાર જે અતિ-ઉચ્ચ-કાર્બન સ્ટીલથી બનેલી છે તે ઈસ પૂર્વે 13મી-15 સદીની છે.

તેમણે કહ્યું, "આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સ્ટીલ ઉત્પાદનના પ્રથમ સંકેતો હાલના તુર્કીમાં ઈસવીસન પૂર્વે 13મી સદીના છે. રેડિયોમેટ્રિક તારીખો સાબિત કરે છે કે તામિલનાડુના નમૂનાઓ આનાથી પહેલાંના છે."

રૉય ઉમેરે છે કે તામિલનાડુ શરૂઆતના લોખંડ સૂચવે છે કે ત્યાંના લોકો "લોખંડના ઉત્પાદકો પણ હતા, ફક્ત વપરાશકર્તાઓ જ નહીં. એક ટેકનૉલૉજિકલ રીતે અદ્યતન સમુદાય પણ હતો."

તામિલનાડુ :મળી આવી અદ્યતન લોખંડ બનાવવાની ભઠ્ઠી

ઉપરાંત કોડુમનલ નામના સ્થળે ખોદકામ કરનારાને એક ભઠ્ઠી પણ મળી આવી છે. જે એક અદ્યતન લોખંડ બનાવતી કાર્યપદ્ધતિ તરફ ઇશારો કરે છે.

ભઠ્ઠી જ્યાં હતી તે ભાગ અલગ રંગનો દેખાતો હતો. અતિશય ગરમીને કારણે કદાચ આમ થયું હોય. નજીકમાં ખોદકામ કરનારાઓને લોખંડના સ્લેગ મળી આવ્યા હતા. જેમાંથી કેટલાક ભઠ્ઠીની દીવાલ સાથે ભળી ગયા હતા.

આ અદ્યતન ધાતુકામની તકનીકોનો સંકેત આપે છે. સ્પષ્ટપણે અહીંના લોકો ફક્ત લોખંડનો ઉપયોગ જ કરતા નહોતા, પરંતુ તેનું મોટા પાયે ઉત્પાદન પણ કરતા હતા.

ભારતમાં થયેલા ખોદકામમાં તામિલનાડુ એ લોખંડ શોધી કાઢનાર પ્રથમ સ્થળ નથી. આ ઉપરાંત આઠ રાજ્યોમાં ઓછામાં ઓછા 27 સ્થળોએ લોખંડના પ્રારંભિક ઉપયોગના પુરાવા મળી આવ્યા છે. જેમાંના કેટલાક તો 4,200 વર્ષ જૂના છે.

આ વિષય પરના એક પેપરના સહલેખક પુરાતત્ત્વવિદ રાજને કહ્યું, "તામિલનાડુના તાજેતરના ખોદકામ ભારતીય લોખંડની પ્રાચીનતાને વધુ 400 વર્ષ પાછળ ધકેલે છે."

પૂર્વી, પશ્ચિમી અને ઉત્તર ભારતની અગાઉની શોધોનો ઉલ્લેખ કરતાં રૉય જણાવે છે, "લોહ યુગ એક ટેકનૉલૉજિકલ પરિવર્તન છે. તે કોઈ ઘટના નથી. આ સ્વતંત્ર રીતે અનેક સ્થળોએ વિકસે છે,"

રૉય ઉમેરે છે, "હવે સ્પષ્ટ છે કે સ્વદેશી લોખંડ ટેકનૉલૉજી ભારતીય ઉપખંડમાં શરૂઆતમાં વિકસિત થઈ હતી."

ભારતમાં લોહ યુગની શરૂઆતના પુરાવા એકત્રિત કરવા માટે વધુ સંશોધનની જરૂર

નિષ્ણાતો કહે છે કે તમિલનાડુમાં થયેલા ખોદકામ મહત્વપૂર્ણ છે અને ભારતીય ઉપખંડમાં લોહયુગ અને લોહ ઓગાળવાની પદ્ધતિઓ વિશેની આપણી સમજને નવો આકાર આપી શકે છે.

ધ તમિલ્સ - અ પૉર્ટ્રેટ ઑફ અ કૉમ્યુનિટીનાં લેખક નિર્મલા લક્ષ્મણ નોંધે છે, "આ ખોદકામો એક વિશિષ્ટ રીતે સુસંસ્કૃત શૈલીની સંસ્કૃતિના અસ્તિત્વની સાક્ષી આપે છે."

જોકે, પુરાતત્ત્વવિદો ચેતવણી આપે છે કે સમગ્ર ભારતમાંથી તાજા ડેટા એકત્રિત કરવા માટે હજુ પણ ખોદકામની જરૂર છે. જેમ એક નિષ્ણાતે કહ્યું હતું કે, "ભારતીય પુરાતત્ત્વનું ખોદકામ તામિલનાડુની બહાર એકદમ શાંત સ્થિતિમાં છે."

ભારતીય એક અગ્રણી પુરાતત્ત્વવિદ કટરાગડ્ડા પડ્ડાય્યાએ કહ્યું કે આ "ફક્ત શરૂઆત" છે.

"આપણે લોહ ટેકનૉલૉજીનાં મૂળમાં ઊંડા ઊતરવાની જરૂર છે - આ તારણો શરૂઆત દર્શાવે છે, નિષ્કર્ષ નહીં. મુખ્ય વાત એ છે કે આનો ઉપયોગ એક આધાર તરીકે કરવો. આ પ્રક્રિયાને ઊલટી રીતે જોવી. અને એવાં સ્થળોને ઓળખી કાઢવાં, જ્યાંથી ખરેખર પહેલા લોહ ઉત્પાદન શરૂ થયું હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.