સંયુક્ત રાષ્ટ્રની તપાસ સમિતિએ કહ્યું, "ઇઝરાયલે ગાઝામાં નરસંહાર કર્યો"

સંયુક્ત રાષ્ટ્રના એક તપાસપંચે કહ્યું છે કે ઇઝરાયલે ગાઝામાં પેલેસ્ટાઇનના નાગરિકોનો નરસંહાર કર્યો છે.

સંયુક્ત રાષ્ટ્રના એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલે હમાસ સાથે યુદ્ધ શરૂ થયા પછી આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ નરસંહારનાં પાંચ કૃત્યોમાંથી ચાર કૃત્યોને અંજામ આપ્યો છે.

આમાં એક સમૂહના સભ્યોની હત્યા કરવી, તેમને ગંભીર શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડવું, સમૂહને નષ્ટ કરવા માટેની સ્થિતિ ઉત્પન્ન કરવી અને બાળકોના જન્મને રોકવા સામેલ થવું વગેરે કૃત્યો છે.

આ તપાસની શરૂઆત 2021માં યુએનની હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટમાં ઇઝરાયલી નેતાઓનાં નિવેદન અને ઇઝરાયલના સૈન્યની કાર્યવાહીને નરસંહારના પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.

જોકે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે આ અહેવાલને 'ભ્રામક અને જૂઠ્ઠો' ગણાવ્યો છે.

તપાસપંચમાં એક ભારતીય વિશેષજ્ઞ પણ સામેલ

આ અહેવાલમાં એવું કહેવાયું છે કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળના પાંચ નિયમો પૈકી ચાર નિયમોનો ઇઝરાયલે ભંગ કર્યો છે અને એવું કહેવા માટે પૂરતા પુરાવા છે કે ઇઝરાયલે ગાઝામાં 'નરસંહાર' કર્યો છે.

આ રિપોર્ટમાં ઇઝરાયલી નેતાઓનાં નિવેદનો, ઇઝરાયલી સેનાએ જે પૅટર્નમાં વર્તણૂક કરી કે પગલાં ભર્યાં તેને નરસંહારના ઇરાદાના પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યાં છે.

યુનાઇટેડ નૅશન્સના માનવાધિકાર પંચ દ્વારા 2021માં સ્વતંત્ર ઇન્ટરનૅશનલ કમિશન ઑફ ઇન્ક્વાયરીનું ગઠન કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ ગાઝામાં તમામ પ્રકારના કથિત માનવ અધિકારોના કાયદા અને અધિકારોના ઉલ્લંઘનની તપાસ કરવાનો હતો.

આ ત્રણ સભ્યની ઍક્સપર્ટ કમિટીનું નેતૃત્વ નવી પિલ્લઈ કરી રહ્યાં હતાં. તેઓ દક્ષિણ આફ્રિકાના પૂર્વ યુએન માનવઅધિકાર સંગઠનના પ્રમુખ હતાં. એ સિવાય આ કમિટીમાં ઑસ્ટ્રલિયાના માનવાધિકાર વકીલ ક્રિસ સિડોટી અને ભારતના હાઉસિંગ અને જમીન અધિકારોના ઍક્સપર્ટ મિલૂન કોઠારી પણ હતા.

કમિશને કહ્યું છે કે તેમનો તાજેતરનો રિપોર્ટ "સંયુક્ત રાષ્ટ્રનોસૌથી મજબૂત અને સૌથી પ્રામાણિક રિપોર્ટ" છે.

રિપોર્ટમાં બીજું શું કહેવાયું છે?

72 પેજના આ રિપોર્ટમાં એવા આરોપો છે કે ઇઝરાયલના સત્તાવાળાઓ તથા ઇઝરાયલનાં સુરક્ષા દળોએ નરસંહારના પાંચમાંથી ચાર કૃત્યો કર્યાં છે અને હજુ પણ કરી રહ્યા છે. આ કૃત્યોને 1948ના જેનોસાઇડ કન્વેન્શનમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યાં છે.

  • એક સમૂહના સભ્યોની હત્યા કરવી:

સંરક્ષિત જગ્યાઓ પર અલગ-અલગ હુમલા કરવા, નાગરિકોને નિશાન બનાવવા અને એવી પરિસ્થિતિઓ પેદા કરવી કે જેના કારણે લોકોનાં મૃત્યુ થાય.

  • કોઈ સમૂહના સભ્યોને તીવ્ર શારીરિક અને માનસિક રીતે નુકસાન પહોંચાડવું:

જેમાં નાગરિકો પર અને સંરક્ષિત ચીજો પર સીધા હુમલા કરવા, ડિટેઇન કરાયેલા લોકો સાથે દુર્વ્યવહાર કરવો, બળપ્રયોગ કરીને લોકોને સ્થળાંતર કરવા માટે મજબૂર કરવા અને પર્યાવરણને હાનિ પહોંચાડવા જેવી ચીજો સામેલ છે.

  • પેલેસ્ટિનિયન લોકો માટે જરૂરી જગ્યાઓ અને જમીનોને પૂર્ણપણે કે આંશિક રીતે નષ્ટ કરવી:

આમાં મેડિકલ સુવિધાઓની પહોંચ જ નષ્ટ કરી દેવી અને લોકોને તેનાથી વંચિત રાખવા, બળજબરીપૂર્વક સ્થળાંતર કરાવવું, પેલેસ્ટિનિયન લોકો સુધી પાણી, વીજળી અને બળતણ પહોંચતાં રોકવું, પ્રજનન સંબંધી હિંસા કરવી અને બાળકોને પ્રભાવિત કરતી વિશેષ સ્થિતિઓ પેદા કરવી સામેલ છે.

  • બાળકોના જન્મને રોકવા:

ગાઝાના સૌથી મોટી ફર્ટિલિટી ક્લિનિક પર ડિસેમ્બર, 2023માં હુમલો કરવો અને તેમાં લગભગ ચાર હજાર ભ્રૂણ અને 1000 જેટલા વીર્યના નમૂના અને અનફર્ટિલાઇઝડ એગ્ઝ હતાં.

કમિશનનાં વડાં પિલ્લઈએ કહ્યું હતું કે, "આ તમામ હકીકતો અને પુરાવા એકઠાં કરવામાં અને તેને વેરિફાઇ કરવામાં અમને બે વર્ષ લાગ્યાં છે. માત્ર હકીકત જ તમને દોરી શકે છે. જો આવા ઇરાદા હેઠળ આ કૃત્યો કરાયાં હોય તો તેને તમે જેનોસાઈડ કન્વેન્શન હેઠળ મૂકી શકો છો."

ઇઝરાયલે આ મામલે શું કહ્યું?

ઇઝરાયલે આ કમિટીનાં ત્રણેય ઍક્સપર્ટ્સને 'હમાસતરફી' ગણાવ્યાં છે અને કહ્યું છે કે આ રિપોર્ટ માત્ર હમાસનાં જૂઠાણાં અને બીજા લોકોએ કરેલા આ જૂઠાણાંના પુનરાવર્તન પર આધારિત છે. આ બધી વાતોને પહેલાં જ 'સંપૂર્ણપણે ફગાવવામાં આવી છે.'

ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, "આ રિપોર્ટમાં લખાયેલાં જૂઠાણાંની સામે હમાસે ખુદ ઇઝરાયલમાં નરસંહાર કરવાનો પ્રયત્ન કર્યો છે. હમાસે 1200 લોકોને માર્યાં છે, મહિલાઓ પર બળાત્કાર કર્યો છે, પરિવારોને જીવતા સળગાવ્યા છે અને જાહેરમાં કબૂલ્યું છે કે તેમનું લક્ષ્ય દરેક યહૂદીઓની હત્યાનું છે."

ઇઝરાયલની સેનાના અધિકારીએ પણ આ રિપોર્ટને 'નિરાધાર' ગણાવ્યો છે અને કહ્યું છે કે, "કોઈ બીજા દેશે આ પરિસ્થિતિઓમાં તેમના નાગરિકોને આવી સ્થિતિમાંથી બચાવવા માટે આવી રીતે લડવું પડ્યું નથી."

હમાસે 7 ઑક્ટોબર, 2023ના રોજ દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 1200 લોકો માર્યા ગયા અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી ઇઝરાયલે ગાઝામાં સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું.

હમાસ દ્વારા ચલાવાતા આરોગ્ય મંત્રાલય અનુસાર ઇઝરાયલના હુમલાના કારણે ગાઝામાં ઓછામાં ઓછા 64,905 લોકોનાં મૃત્યુ થયાં છે.

(બીબીસી સંવાદદાતા ડૅવિડ ગ્રિટનના અહેવાલ પર આધારિત)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન