યુકેની સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેમ ચેતવણી આપી રહી છે?

    • લેેખક, નિક ઇયર્ડલી
    • પદ, પોલિટિકલ કૉરસપૉન્ડન્ટ
    • લેેખક, પોલ સિડોન
    • પદ, પોલિટિકલ રિપોર્ટર

યુકેની સરકારે ત્યાં અભ્યાસ કરી રહેલા હજારો વિદ્યાર્થીઓનો સીધો સંપર્ક કરીને તેમને કહ્યું છે કે જો તેઓ વિઝાની મુદ્દત કરતાં વધુ સમય સુધી યુકેમાં રહેશે તો તેમને હાંકી કાઢવામાં આવશે.

તાજેતરના વર્ષોમાં યુકેમાં નવું 'ચેતવણીકારક' ચલણ જોવા મળી રહ્યું છે, જેના પછી યુકેની સરકારે નવતર અભિયાન હાથ ધર્યું છે.

આ ચલણ મુજબ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કાયદેસરના સ્ટુડન્ટ વિઝા ઉપર યુકેમાં આવે અને જ્યારે તેમના વિઝા ઍક્સ્પાયર થઈ જાય એટલે તઓ રાજ્યાશ્રયની માગણી કરે છે.

આથી, યુકેના ગૃહવિભાગે નવું અભિયાન ચાલુ કર્યું છે. જેના અંતર્ગત, યુકેનો ગૃહ વિભાગ ઈમેઇલ તથા ટૅક્સ્ટ મૅસેજ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓનો સીધો સંપર્ક શરૂ કર્યો છે.

યુકેનાં ગૃહ મંત્રી યેવટ્ટ કૂપરે બીબીસીને જણાવ્યું કે કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ "તેમના દેશમાં પરિસ્થિતિ બદલાઈ ન હોય, તો પણ..." રાજ્યાશ્રયની માંગ કરે છે.

પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ

યુકેના ગૃહ વિભાગના ડેટા મુજબ, જૂન મહિનામાં રાજ્યાશ્રય માટેની જેટલી અરજીઓ આવી, એમાંથી લગભગ 13 ટકા (14 હજાર 800 લગભગ) યુકેમાં સ્ટડી વિઝા ઉપર આવેલાં લોકોએ કરી હતી.

આમાંથી મોટા ભાગના પાકિસ્તાની મૂળના હતા. તેમની લગભગ પાંચ હજાર 700 જેટલી અરજીઓ આવી હતી. આ સિવાય ભારત, બાંગ્લાદેશ અને નાઇજીરિયાના વિદ્યાર્થી હતા.

વિભાગના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષની સરખામણીમાં અરજદાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, છતાં વર્ષ 2020ની સરખામણીમાં તે છ ગણો વધુ છે.

આ અરજદાર વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ નિર્ધારિત સમય કરતાં કેટલો વધુ વખત યુકેમાં રહ્યા હતા, તેના વિશે યુકેના ગૃહવિભાગે સ્પષ્ટતા નથી કરી.

તાજેતરના મહિનાઓ દરમિયાન યુકેના ગૃહ મંત્રાલયે રાજ્યશ્રયની અરજી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેના ભાગરૂપે જ વિદેશી વિદ્યાર્થીઓ ઉપર તવાઈ ઊતરી હોવાનું માનવામાં આવે છે.

મે મહિનામાં, ગૃહ વિભાગે જાહેરાત કરી હતી કે યુકેમાં પ્રવેશવા માટે માઇગ્રન્ટ્સ દ્વારા યુનિવર્સિટીમાં અભ્યાસનો રસ્તો અપનાવવામાં આવે છે અને તેને અટકાવવા માટે તે નિયમોને કડક કરવા વિચારી રહ્યું છે.

આ યોજનાના ભાગરૂપે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી યુનિવર્સિટીના વિઝા નકાર તથા અભ્યાસ પૂર્ણતાના દરને કડક કરી દેવામાં આવ્યા છે. જો, યુનિવર્સિટીઓ તેનું પાલન નહીં કરે, તો તેઓ ભવિષ્યમાં વિઝા સ્પૉન્સર કરી ના શકે, તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.

નાની-નાની બોટોમાં માઇગ્રન્ટ્સનું યુકેમાં આગમન તથા માઇગ્રન્ટ્સને રાખવા માટે હોટલોના ઉપયોગ અંગે યુકેમાં વિરોધ જોવા મળી રહ્યો છે. એટલે સરકારે માઇગ્રેશન ઉપર ગાળિયો કસવાની કવાયત હાથ ધરી છે.

કૂપરે જાહેરાત કરી છે કે જે યોજના હેઠળ રૅફ્યૂજી તેમનાં પરિવારજનોને યુકેમાં લાવી શકતાં હતાં, તેના માટેની નવી અરજીઓને હંગામી ધોરણે મોકૂફ કરી દેવામાં આવી છે.

યુકેની સરકારે ફ્રાન્સની સાથે 'વન ઇન, વન આઉટ'ના કરાર કર્યા છે, જેના હેઠળ માઇગ્રન્ટ્સને મોકલવાનું કામ ચાલુ મહિનામાં શરૂ થઈ જશે.

યુકેમાં અભ્યાસ કરતાં એક લાખ 30 હજાર જેટલા વિદ્યાર્થીઓ તથા તેમનાં પરિવારજનોને જણાવવામાં આવ્યું છે કે જો તેમની પાસે યુકેમાં રહેવાનો "કાયદેસરનો અધિકાર ન હોય" તો તેમણે દેશ "છોડી જ દેવો."

10 હજાર વિદ્યાર્થીઓના વિઝાની મુદ્દત પૂરી થવા ઉપર છે. તેમનો ટૅક્સ્ટ મૅસેજ તથા ઇમેઇલ દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો છે અને તેમને ચેતવણી આપવામાં આવી છે કે – તેઓ ડિપૉર્ટ થઈ શકે છે.

બીબીસીની સમજ છે કે સામાન્ય રીતે આ ગાળા દરમિયાન રાજ્યાશ્રયની અરજીઓ વધી જતી હોય છે, એટલે આગામી મહિનાઓ દરમિયાન હજુ હજારો વિદ્યાર્થીઓને સંદેશ મોકલવામાં આવશે.

મૅસેજના લખાણ મુજબ, "જો તમે રાજ્યાશ્રયને માટે અરજી કરો અને તેમાં પાત્રતા નહીં હોય, તો તેને તત્કાળ અને દ્રઢતાપૂર્વક નકારી દેવામાં આવશે."

"રાજ્યાશ્રયનો ટેકો મેળવવા માટેની કોઈ પણ અરજીને 'નિરાધારપણા'ના ક્રાઇટેરિયા ઉપર ચકાસવામાં આવશે. જો, તમે એ પાત્રતા નહીં ધરાવતા હો, તો તમને કોઈ ટેકો નહીં મળે."

"જો તમારી પાસે યુકેમાં રહેવાનો કાયદેસરનો અધિકાર ન હોય, તો તમારે છોડી દેવો જોઈએ."

"જો તમે નહીં છોડો, તો અમે તમને કાઢીશું."

બીબીસી બ્રૅકફાસ્ટ કાર્યક્રમમાં કૂપરે કહ્યું કે કેટલીક વખત વિદ્યાર્થીઓ રાજ્યાશ્રય વ્યવસ્થામાં પ્રવેશી જાય છે અને પછી વર્ષો સુધી રહે છે, જેના કારણે "રાજ્યાશ્રય રહેણાક અને હોટલોમાં મુશ્કેલીઓ ઊભી થાય છે."

તેમણે ઉમેર્યું, "વ્યાજબી રૅફ્યૂજીને ટેકો આપવા માટે અમે શક્ય પ્રયાસો કરીશું."

"પરંતુ જો તેમના દેશમાં કોઈ મૂળભૂત ફેરફાર ન થયો હોય, તો વિદ્યાર્થીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજ્યાશ્રયનો દાવો ન કરવો જોઈએ."

છેલ્લા કેટલાક સમયથી રાજકીયપક્ષોનું ધ્યાન નાની બોટોમાં આવી રહેલા લોકો ઉપર છે. લગભગ એટલા જ લોકો કાયદેસર વિઝા લઈને આવે છે અને જ્યારે તેમની મુદ્દત પૂર્ણ થઈ જાય એટલે રાજ્યાશ્રય માટે અરજી કરે છે.

કેટલાક દાવા વાજબી હોય છે, પરંતુ મંત્રીઓને ચિંતા છે કે ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશમાં રહેવાની તેમની મુદ્દત પૂરી થઈ ગઈ હોય છે, એટલે તેઓ રાજ્યાશ્રયની અરજી કરતા હોય છે.

ગૃહવિભાગના જણાવ્યા પ્રમાણે, જૂન મહિનામાં રાજ્યાશ્રય માટે એક લાખ 11 હજાર 84 અરજીઓ આવી હતી, જેમાંથી 43 હજાર 600 અરજદારો નાની હોડીઓમાં આવ્યા હતા.

જ્યારે 41 હજાર 100 અરજદારો કામ, અભ્યાસ કે પ્રવાસી વિઝા ઉપર કાયદેસર રીતે યુકેમાં પ્રવેશ્યા હતા. જેમાં સ્ટુડન્ટ વિઝા ઉપર આવેલા અરજદારોની સંખ્યા 14 હજાર 800 હતી.

અગાઉ, વિદેશથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ થાય એના પછી 24 મહિના સુધી યુકેમાં રહી શકતા હતા, હવે આ ગાળો ઘટાડીને 18 મહિનાનો કરી દેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીઓનાં સંગઠન યુનિવર્સિટીઝ યુકેના કહેવા પ્રમાણે, અમે સરકારની ચિંતાઓને સમજી છીએ, "રાજ્યાશ્રયની અરજીઓમાં ઉછાળ અંગે ચિંતા વ્યક્ત કરી છે, તથા અમે આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે."

સંગઠનના કહેવા પ્રમાણે, "આ અંગે યુનિવર્સિટીઓ પણ પોતાની ભૂમિકા ભજવી શકે તે માટે ગૃહવિભાગ તથા શિક્ષણક્ષેત્ર વચ્ચે ઉન્નત તથા રિયલ-ટાઇમ ડેટા શૅરિંગની જરૂર છે. જેથી કરીને કોઈ મુદ્દો ઊભો થાય, તો યુનિવર્સિટીઓ તત્કાળ તેને પ્રતિસાદ આપી શકે."

રૅફ્યૂજી કાઉન્સિલનું કહેવું છે કે કેટલાક વિદ્યાર્થીઓ યુકે આવે, એ પછી તેમના દેશમાં પરિસ્થિતિઓ "નાટ્યાત્મકઢબે" બદલી શકે છે.

આ બિનલાભ સંસ્થા ખાતે સિનિયર પોલિસી ઍનાલિસ્ટ જોન ફૅટનોબૉયના કહેવા પ્રમાણે, આ લોકો યુકે આવીને રાજ્યાશ્રય માંગ્યા પછી જ પોતાની જાતને સલામત માને છે અને આ પ્રકારની વાત કરી શકે છે, "કારણ કે તેમને ઘરઆંગણે વળતી કાર્યવાહી કે સર્વેલન્સનો ભય હોય છે."

"જે લોકો વિઝા ઉપર અહીં આવે છે અને આશ્રય માગે છે તેઓ વ્યવસ્થાનો દુરૂપયોગ કરી રહ્યા છે તથા તેમને ખરેખર સંરક્ષણની જરૂર નથી, એમ કહેવું ખોટું હશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન