ગૌતમ અદાણી પર ભારતમાં આરોપ લાગ્યા, તો અમેરિકામાં કેસ કેમ થયો?

ગૌતમ અદાણી, સાગર અદાણી, અદાણી ગ્રૂપ, અમેરિકામાં લાંચ, હિંડનબર્ગ, વિનીત જૈન,

ઇમેજ સ્રોત, Getty Images

અદાણી જૂથના અબજપતિ ચૅરમૅન ગૌતમ અદાણી વધુ એક મુશ્કેલીમાં ફસાતા જણાઈ રહ્યા છે.

ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર તથા છ અન્ય શખ્સોની સામે ન્યૂયૉર્કની અદાલતમાં ઇન્ડાઇટમન્ટ (આરોપનામું) દાખલ કરવામાં આવ્યું છે.

આ લોકો અદાણી ગ્રીન ઍનર્જી લિમિટેડ અને અઝૂર પાવર ગ્લોબલ સાથે જોડાયેલા છે.

અમેરિકાની સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશનનો આરોપ છે કે ગૌતમ અદાણી અને તેમના સાગરિતોએ ભારતમાં રિન્યુઍબલ ઍનર્જી કંપની માટે 25 કરોડ ડૉલર (લગભગ રૂ. બે હજાર 100 કરોડ) રકમની લાંચ આપી. અમેરિકનો પાસેથી નાણાં ઊભાં કરતી વખતે આ વાત રોકાણકારોથી છુપાવવામાં આવી હતી.

ઇન્ડાઇટમન્ટ એટલે....

ગૌતમ અદાણી, સાગર અદાણી, અદાણી ગ્રૂપ, અમેરિકામાં લાંચ, હિંડનબર્ગ, વિનીત જૈન, ઇન્ડિક્ટમેન્ટ, બીએસઈ, એનએસઈ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં ઇન્ટાઇટમન્ટ એટલે વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલું લેખિત આરોપપત્ર છે. તે ભારતમાં દાખલ થતી ચાર્જશીટ જેવું હોય છે.

ગ્રાન્ડ જ્યૂરી જેની ઉપર આરોપ લાગ્યા હોય તેની સામેના પક્ષકાર માટે કાઢવામાં આવે છે.

જ્યારે કોઈ શખ્સ પર આરોપ લાગે છે, ત્યારે તેને ઔપચારિક રીતે નોટિસ આપવામાં આવે છે અને તેને જણાવવામાં આવે છે કે તેણે ગુનો આચર્યો છે.

જે વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવે છે, તે પોતાના વકીલ મારફત બચાવ માટેનાં પગલાં લઈ શકે છે.

ગુરુવારે અદાણી જૂથે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે એજીઈએલ તથા તેના ડાયરેક્ટરો સામેના આરોપને નકાર્યા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે. આ સિવાય જરૂરી કાયદાકીય પગલાં લેવાની વાત કહી છે.

લાંચ ભારતમાં આપી તો અમેરિકામાં કેસ કેમ?

વીડિયો કૅપ્શન, તમારી પાસે Credit Card હોય તો આ રીતે કરી શકો છો કમાણી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતમાં સોશિયલ મીડિયા યૂઝર્સના મનમાં સવાલ હતો કે અદાણી રિન્યૅબલ ઍનર્જી કંપનીએ કથિત રીતે ભારતમાં લાંચ આપીને કૉન્ટ્રેક્ટ મેળવવાનો પ્રયાસ કર્યો, તો ગૌતમ અદાણી તથા તેમના સહયોગીઓ સામે અમેરિકામાં કેસ કેમ હાથ ધરવામાં આવ્યો છે?

ન્યૂયૉર્કની અદાલતમાં દાખલ થયેલા ઇન્ડાઇટમન્ટ મુજબ ગૌતમ અદાણી તથા અન્યોએ 'બ્રાઇબરી સ્કિમ' (એટલે કે લાંચ આપીને કંપની માટે કૉન્ટ્રેક્ટ મેળવવા) વિશે માહિતી આપ્યા વગર અમેરિકા અને વિદેશી રોકાણકારો પાસેથી નાણાં ઊભાં કર્યાં હતાં.

આરોપનામા મુજબ, "અમેરિકાના રોકાણકારોના ભોગે આ ગુનો આચરવામાં આવ્યો હતો. આથી તેમની સામે ભ્રષ્ટાચાર, છેતરપિંડી અને કામકાજમાં અવરોધ ઊભા કરવાનો કેસ ચલાવવામાં આવશે. ચાહે તે ગુનો દુનિયાના કોઈ પણ છેડે કેમ ન આચરવામાં આવ્યો હોય."

એફબીઆઈના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન્ચાર્જના કહેવા પ્રમાણે, "અદાણી તથા આ કેસમાં તેમના સહયોગીઓએ લાંચખોરીના ભ્રષ્ટાચાર અંગે ખોટા નિવેદન આપીને નાણાં ઊભાં કર્યાં હતાં અને રોકાણકારો સાથે છેતરપિંડી કરી."

"તેમાંથી અમુક લોકોએ સરકારી તપાસમાં અડચણ ઊભી કરીને લાંચખોરીના કાવતરાને છુપાવવાના પ્રયાસ કર્યા હતા."

અમેરિકાની કંપનીઓ પર શું અસર થશે?

ગૌતમ અદાણી, સાગર અદાણી, અદાણી ગ્રૂપ, અમેરિકામાં લાંચ, હિંડનબર્ગ, વિનીત જૈન, ઇન્ડિક્ટમેન્ટ, બીએસઈ, એનએસઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇનડાઇટમન્ટમાં રુશ્વતખોરીના આરોપ અદાણીની કંપની ઉપર નહીં, પરંતુ ગૌતમ અદાણી તથા અન્યો સામે વ્યક્તિગત રીતે લાગ્યા છે.

ગુરુવારે અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના શૅરના ભાવોમાં કડાકો જોવા મળ્યો હતો. જે શુક્રવારે માર્કેટના શરૂઆતના સેશનમાં પણ યથાવત્ રહેવા પામ્યો હતો. અઝૂર પાવર ભારતમાં લિસ્ટેડ નથી.

અમેરિકાની સિક્યૉરિટી ઍન્ડ ઍક્સચેન્જ કમિશન ગૌતમ અદાણી અને તેમના સાથીઓ સામે કાયમી નિષેધ મૂકી શકે છે.

તેમને દંડ થઈ શકે છે. ગૌતમ અદાણી, સાગર અદાણી તથા અન્ય લોકો પર પ્રતિબંધ મૂકી શકે છે.

જાન્યુઆરી-2023માં હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો એ પછી અદાણી કંપનીના શૅરના ભાવોમાં ભારે કડાકો બોલી ગયો હતો. એ સમયે સીક્યુજી પાર્ટનર્સે મોટા પ્રમાણમાં લેવાલી કરી હતી.

સીક્યુજી પાર્ટનર્સે ઑસ્ટ્રેલિયાનાં શૅરબજારોને જણાવ્યું છે કે અદાણી તથા તેમના સહયોગીઓ સામે અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા એસઈસી દ્વારા જે કંઈ થઈ રહ્યું છે, તેના પર તેમની નજર છે.

સીક્યુજી પાર્ટનરનું કહેવું છે કે તે પૉર્ટફોલિયો કન્સ્ટ્રક્શન માટેની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરે છે. સીક્યુજીનું કહેવું છે કે તેણે અલગ-અલગ ક્ષેત્રમાં રોકાણ કર્યું છે. તેના ક્લાયન્ટ્સની 90 ટકા ઍસેટ્સ્ અદાણી જૂથ સિવાય રોકાણ થયેલી છે.

અદાણીની કંપની પર આરોપ

ગૌતમ અદાણી, સાગર અદાણી, અદાણી ગ્રૂપ, અમેરિકામાં લાંચ, હિંડનબર્ગ, વિનીત જૈન, ઇન્ડિક્ટમેન્ટ, બીએસઈ, એનએસઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સમગ્ર પ્રકરણમાં ગૌતમ અદાણી સામે વ્યક્તિગત રીતે નામજોગ આરોપ

અમેરિકામાં વાદીપક્ષના કહેવા પ્રમાણે, "ભારતીય ઊર્જા કંપની” અને તેમના રોકાણકારોને બૉન્ડ વેચીને પૈસા એકઠી કરતી અમેરિકન કંપનીએ ભારતની સરકારી કંપની સોલાર ઍનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને અગાઉથી નક્કી કરેલા ભાવોથી આઠ ગીગાવોટ તથા ચાર ગીગાવોટ સૌરઊર્જા પૂરી પાડવાનો કૉન્ટ્રેક્ટ લીધો હતો.

એસસીઆઈ આ વીજળી દેશની વીજકંપનીઓને વેચવાની હતી, પરંતુ તેને કોઈ ખરીદદાર નહોતું મળતું.

એટલે અદાણી જૂથ તથા અઝૂર પાવરની સાથે વીજ ખરીદકરાર (પીપીએ) થઈ શકે તેમ ન હતા.

એ પછી ગૌતમ અદાણી તથા અન્યોએ કેટલાંક રાજ્યોના ઉચ્ચ અધિકારીઓને કથિત રીતે લાંચ આપી, જેથી કરીને તેઓ સોલર ઍનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા સાથે વીજ ખરીદના કરાર કરે.

ન્યૂયૉર્ક પૂર્વ જિલ્લાના ઍટર્ની જનરલની ઑફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, "વર્ષ 2020થી 2024 દરમિયાન આ લોકોએ ભારતીય અધિકારીઓને 25 કરોડ ડૉલરની લાંચ આપવા માટે તૈયાર થઈ ગયા, જેથી કરીને સૌરઊર્જા ખરીદીની ડીલ મેળવી શકે.”

" આને કારણે અદાણી જૂથને આગામી 20 વર્ષ દરમિયાન બે અબજ ડૉલરનો લાભ થવાનો હતો. ખુદ ગૌતમ અદાણી અનેક અધિકારીઓને વ્યક્તિગત રીતે મળ્યા હતા.”

અન્ય દેશોમાં વિવાદ

ગૌતમ અદાણી, સાગર અદાણી, અદાણી ગ્રૂપ, અમેરિકામાં લાંચ, હિંડનબર્ગ, વિનીત જૈન, ઇન્ડિક્ટમેન્ટ, બીએસઈ, એનએસઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અદાણીની ઑસ્ટ્રેલિયાના ખાણ પ્રોજેક્ટનો સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો (ફાઇલ તસવીર )

ગૌતમ અદાણી, સાગર અદાણી તથા અન્યો ઉપર આરોપ છે કે કોને કેટલી લાંચ આપવી તથા કેવી રીતે આપવી તેની ચર્ચા કરવા માટે અઝુર પાવરના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

અમેરિકાના ઍટર્ની બ્રેઓન પીસે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈને લાંચ મુદ્દે ખોટું બોલ્યું કે તેઓ અમેરિકા તથા આંતરરાષ્ટ્રીય બજારમાંથી નાણાં ઊભાં કરવાં માગે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ઑસ્ટ્રેલિયામાં અદાણી ઍન્ટરપ્રાઇસિસ અંગે વિવાદ થયો હતો. કંપનીને ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ ખાતે કારમાઇકલ કોલસા ખાણનો કૉન્ટ્રેક્ટ મળ્યો હતો. જે ઑસ્ટ્રેલિયાની સૌથી મોટી કોલસા ખાણ હતી.

અદાણી જૂથ પર આરોપ છે કે તેણે પર્યાવરણને લગતા નિયમોની અવગણના કરી હતી. એ સમયે ક્વિન્સલૅન્ડમાં 'સ્ટૉપ અદાણી' નામથી અભિયાન ચાલ્યું હતું, જે લગભગ દોઢ મહિના સુધી ચાલ્યું હતું. વર્ષ 2020થી આ માઇન કાર્યરત થઈ ગઈ છે.

જૂન 2022માં શ્રીલંકાની સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડના અધ્યક્ષ એમ.એમ.સી. ફર્ડિનાન્ડોએ સાર્વજનિક એકમો અંગેની સંસદીય સમિતિને જણાવ્યું હતું કે મન્નાર જિલલામાં વિન્ડ પ્લાન્ટનું ટૅન્ડર અદાણી જૂથને આપવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ઉપર દબાણ ઊભું કર્યું હતું.

રાજપક્ષેએ આ વાતને નકારી કાઢી હતી અને ફર્ડિનાન્ડોએ પણ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. એ પછી ફર્ડિનાન્ડોએ પદ છોડી દીધું હતું.

હિંડનબર્ગ રિપોર્ટથી અદાણીને નુકસાન

ગૌતમ અદાણી, સાગર અદાણી, અદાણી ગ્રૂપ, અમેરિકામાં લાંચ, હિંડનબર્ગ, વિનીત જૈન, ઇન્ડિક્ટમેન્ટ, બીએસઈ, એનએસઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી અને હિંડનબર્ગ રિસર્ચના નેટ ઍન્ડરસન

કોરોનાકાળ દરમિયાન તથા એ પછીના સમયમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં અસામાન્ય ઉછાળો આવ્યો હતો. તેઓ ભારત અને એશિયાના સૌથી વધુ ધનિક બની ગયા હતા. એક સમયે તેમની ગણતરી વિશ્વના ટોચના ત્રણ ધનવાનોમાં થતી હતી.

એવામાં જાન્યુઆરી-2023માં ન્યૂયૉર્કની ઓછી જાણીતી હિંડનબર્ગ રિસર્ચ નામની કંપનીએ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં અદાણી ઉપર કંપનીના શૅરના ભાવોમાં કૃત્રિમ ઉછાળ લાવવાના, નાણાકીય તથા અન્ય પ્રકારની ગેરરીતિઓ આચરવાના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા.

'શૉર્ટ સૅલર' કંપનીના કહેવા પ્રમાણે, અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કૅપિટલને "ખૂબ જ વધારી શકાય" તે માટે આમ કરવામાં આવ્યું હતું.

અદાણીએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. એ પછી આ મામલો ભારતની સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, જ્યાં અદાણીને ક્લીનચિટ મળી ગઈ હતી. જોકે, ભારતમાં શૅરબજારની નિયમન સંસ્થા સેબીનાં વડાં માધવી પુરી બુચ અને અદાણી સમૂહ વચ્ચેના સંબંધ વિશે સવાલ ઊઠતા રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.