કૅનેડામાં લગ્ન થયાં અને વીજાપુરના બિલિયા ગામમાં ધીંગાણું થયું, શું છે આખો મામલો?

ઇમેજ સ્રોત, LADOL POLICE
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
‘ગવાડાની લાડી અને બિલિયાનો વર,’ એક એવી પ્રેમકહાણી, જે બિલકુલ ફિલ્મી છે. મહેસાણા જિલ્લાના વીજાપુરના બિલિયા ગામમાં પ્રેમ થયો, કૅનેડાના ટૉરેન્ટોમાં લગ્ન થયાં, બિલિયામાં ધીંગાણું થયું, લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ અને હવે ગવાડા ગામમાં તણાવ છે.
બિલિયા ગામના યુવક અને ગવાડા ગામની યુવતીએ કૅનેડામાં લગ્ન કરી લેતાં બંનેના પરિવારજનો વચ્ચે ખટરાગ ઊભો થયો છે. આ ખટરાગ છેવટે હિંસક હુમલાના આરોપ અને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
યુવકના પરિવારજનોએ યુવતીના પરિવાર પર હિંસક હુમલો કરવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે તો સામે પક્ષે યુવતીના પરિવારજનો આ ફરિયાદને ઉપજાવેલી હોવાનો આરોપ લગાવે છે. ફરિયાદ થતાં પોલીસ પણ સતર્ક છે. તેમણે હવે ફરિયાદના આધારે યુવતીના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે.
આ દરમિયાન કૅનેડામાં રહેતી યુવતીએ એક વીડિયો મારફતે પરિવારજનોને અપીલ કરવી પડી કે તેણે રાજીખુશીથી લગ્ન કર્યાં છે અને અને લગ્નજીવનથી ખુશ છે.
આ નવદંપતીના જીવનમાં ટૂંકા સમયના આ પ્રેમમાં અનેક વળાાંક આવ્યા, ત્યારે આ બધા વળાંકો વચ્ચે જોઈએ કે યુવક-યુવતીએ કૅનેડામાં લગ્ન કર્યાં તેના પર અહીં ઉધામા કેમ થયા?

યુવકના પિતાએ યુવતીના પરિવારજનો સામે નોંધાવી ફરિયાદ

ઇમેજ સ્રોત, KETAN PATEL
આ મામલાને સમજવા માટે આપણે થોડા ફ્લૅશબેકમાં જવું પડશે. યુવકનું નામ છે પ્રિન્સકુમાર પટેલ અને યુવતીનું નામ છે ખુશી પટેલ. પ્રિન્સ કડવા પટેલ છે અને ખુશી લેઉવા પટેલ.
પ્રિન્સના જીવનમાં 'ખુશી' આવી અને ખુશીના જીવનમાં 'રાજકુમાર.' બંને સ્કૂલમાં ભણતાં હતાં ત્યારથી એકબીજાને પ્રેમ કરતાં હતાં.
બંનેના પ્રેમ વિશે પરિવારજનોને ખબર નહોતી. બંનેએ નક્કી કર્યું કે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવું. પહેલાં ખુશી વિદ્યાર્થી વિઝા પર કૅનેડા ગયાં, 17 એપ્રિલ, 2023ના રોજ ટૉરેન્ટો પહોંચ્યાં અને તેમની પાછળ 18મીએ પ્રિન્સકુમાર કૅનેડા પહોંચ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન બન્નેના પ્રેમ વિશે પરિવારજનોને જાણ થઈ. પ્રિન્સકુમારના પરિવારજનોને તો આ સબંધ સામે વાંધો નહોતો પણ ખુશીનાં માતા-પિતા નારાજ થયાં.
જોકે, આ નારાજગી વચ્ચે પ્રિન્સકુમાર અને ખુશીએ કૅનેડામાં જ લગ્ન કરી લીધાં પણ બંનેએ કોઈ પરિવારજનોને તેની જાણ ન કરી.
જોકે, ખુશીના પરિવારજનોને એ પ્રેમલગ્નની ખબર પડી અને તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.
ખુશી તેના પરિવારજનો સાથે વાતચીત નહોતાં કરતાં. પરિવારનો આરોપ છે કે આ દરમિયાન તેમના મોબાઇલ પર પ્રિન્સે ખુશીનો એક ફોટો મોકલ્યો અને એ ફોટો પર પર અગરબત્તી હતી તથા શ્રદ્ધાંજલિ લખેલું હતું.
ખુશીના પરિવારજનોએ ખુશી અને પ્રિન્સકુમારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ ન શક્યો. આથી તેઓ ગામના કેટલાક આગેવાનોની સાથે પ્રિન્સકુમારના ગામે પહોંચ્યા. ત્યાં મામલો બગડ્યો અને મારામારી થઈ.

ઇમેજ સ્રોત, KETAN PATEL
પ્રિન્સકુમારના પિતા પંકજ પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, “20થી 25 માણસોનું ટોળું મારા ઘરે ઘૂસી ગયું હતું અને તેમણે તોડફોડ કરી હતી. તેઓ એવી બૂમો પાડતા હતા કે તેમની દીકરી ખુશીને અમે કૅનેડામાં મારી નાખી, અને એવો વહેમ રાખીને અમારા ઘરે ઉત્પાત મચાવ્યો.”
પંકજ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે, “મને મારવા માટે આ લોકોએ છૂટ્ટી પાઈપ મારી હતી. બચવા માટે હું પાછલા બારણેથી ખેતરોમાં ભાગ્યો. અઢી કિલોમીટર દોડીને મેં મારો જીવ બચાવ્યો. આ જીવલેણ હુમલો જ હતો.”
પંકજ પટેલ ખુશીના પરિવારજનો સામે સવાલ ઉઠાવતાં કહે છે, “સબંધ સામે વાંધો હતો તો તેમણે અમારી સાથે વાતચીત કરવાની જરૂર હતી, આમ હિંસા કે મારામારી કરવાથી શો ફાયદો?”
પંકજ પટેલનાં પત્ની ભાવનાબહેનનો પણ આરોપ છે કે તેમના ઘરમાં ઘૂસેલા ટોળાએ તેમને માર માર્યો અને તેમનાં કપડાં ફાડી નાખ્યાં હતાં.
પંકજ પટેલ આરોપ લગાવતાં કહે છે, “તેમણે ખુશીનો શ્રદ્ધાંજલિ સાથેનો ફોટો લોકોને બતાવીને ઉશ્કેર્યા અને મારા ઘર પર હુમલો કર્યો.”

ખુશીના પરિવારજનોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, ROHIT PATEL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પંકજ પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ ખુશીનો પરિવાર ઘરે તાળું મારી, ગામ છોડીને ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે. બીબીસી ગુજરાતીએ તેમનો સંપર્ક સાધવાની કોશિશ કરી પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.
જોકે, જ્યારે બંને પરિવાર વચ્ચે માથાકુટ થઈ હતી તે વખતે ખુશીના દૂરના મામા રોહિત પટેલ ઘટનાસ્થળે હાજર હતા. રોહિત પટેલ કહે છે કે પંકજ પટેલે ખોટી ફરિયાદ નોંધાવી છે. રોહિત પટેલ એવો પણ આરોપ લગાવે છે કે આખી ફરિયાદ ઉપજાવી કાઢેલી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રોહિત પટેલ કહે છે, “જે પ્રકારની હિંસાની ફરિયાદ કરી છે તે પ્રકારની ઘટના ઘટી જ નથી. અમને ખુશીની શ્રદ્ધાંજલિવાળો ફોટો મળ્યો એટલે અમે તપાસ કરવા ગયા કે અમારી દીકરીનું શું થયું છે. અમે અમારી દીકરી કે જમાઈનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક ન થતાં અમે તેમના ઘરે ગામના આગેવાનો સાથે ખુશીની ભાળ મેળવવા ગયા હતા. હું આ ઘટના વખતે હાજર હતો. મહિલાઓ વચ્ચે ગાળા-ગાળી અને ઝપાઝપી થઈ હતી બાકી હિંસક હુમલાની વાત ખોટી છે.”
રોહિતનું કહેવું છે કે પ્રિન્સકુમારના ઘરની બાજુમાં જ ખુશીના મામાનું ઘર છે. તેઓ ત્યાં બેઠા હતા અને મામલો બગડ્યો હતો. તેઓ કહે છે કે આ પહેલાં પણ બંને પરિવારજનો સાથે માથાકુટ થઈ હતી.
“15 દિવસ પહેલાં પણ પ્રિન્સકુમારે ખુશીના પરિવારજનોને ઉશ્કેરણીજનક શબ્દો કહેતાં વાત પોલીસ સ્ટેશને ગઈ હતી. જોકે ખુશીના પરિવારજનોએ જામીન મેળવતા મામલાથી છૂટકારો થયો હતો.”
ખુશીના પરિવારજનોને એવો શક છે કે ખુશી તેના મામાને ઘરે વૅકેશનમાં આવતાં હતાં ત્યારથી તેમની અને પ્રિન્સ વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા હતા.
રોહિત કહે છે કે જ્યારથી ખુશી અને પ્રિન્સકુમારનાં લગ્ન થયાં છે ત્યારથી ખુશીએ તેમના પરિવારજનોના મોબાઇલ નંબર બ્લૉક કરી દીધા હતા. તે કોઈની સાથે વાતો નહોતાં કરતાં.
રોહિત પ્રિન્સકુમાર પર આરોપ લગાવતાં કહે છે, “ખુશીના મોબાઇલ પરથી જ અમને ખુશીનો શ્રદ્ધાંજલિવાળો ફોટો મળ્યો હતો. આ ફોટો પ્રિન્સકુમારે જ મોકલ્યો હતો અને તેને કારણે જ અમારી ચિંતા વધી હતી.”

શું કહેવું છે ખુશીનું?

ઇમેજ સ્રોત, PANKAJ PATEL
લગ્ન બાદ થોડા સમય પછી ખુશી પોતાનાં માતા-પિતા સાથે વાતચીત નહોતાં કરતાં પરંતુ જેવી પ્રિન્સકુમારના ઘરે હુમલાની પોલીસ ફરિયાદ થઈ કે તરત તેમના ફોન આવવાનું શરૂ થઈ ગયું હતું.
ખુદ પ્રિન્સકુમારના પિતા પંકજ પટેલે તેમનાં દીકરા-વહૂ કુશળ છે તેની ખાતરી કરવા માટે લાડોલ પોલીસને વૉટ્સઍપ કૉલ પર વાત કરાવી હતી. પોલીસે રેકૉર્ડ કરેલા આ કૉલ પ્રમાણે ખુશી એવું કહે છે કે તેઓ પ્રિન્સકુમાર સાથે લગ્ન કરીને ખુશ છે.
આ વીડિયોમાં ખુશી વધુમાં કહે છે, “અમે પરિવારજનોની મરજી વગર લગ્ન નહોતાં કરવાનાં. પરંતુ મારાં માતા-પિતાએ પ્રિન્સકુમારને અને તેમના પરિવારને ધમકી આપવાનું શરૂ કરતાં અમે તાત્કાલિક લગ્ન કરી લીધાં. હું મારા સાસરિયા પર થયેલા હુમલા બાદ પોલીસને વિનંતી કરું છું કે તે તેમને રક્ષણ આપે.”
ખુશી વિશે શ્રદ્ધાંજલીવાળા ફોટા મળ્યા બાદ ફેલાયેલા ભ્રમનો ખુલાસો કરતાં કહે છે, “હું અહીં સહીસલામત છું. મેં પ્રિન્સ સાથે મારી મરજીથી રાજીખુશીથી લગ્ન કર્યાં છે.”
19 સેકંડનો એક વીડિયો બીબીસીને લાડોલ પોલીસ તરફથી પ્રાપ્ત થયો છે અને બીજો 2.16 મિનિટનો વીડિયો પંકજ પટેલ તરફથી પ્રાપ્ત થયો છે. બીબીસી ગુજરાતીએ પ્રિન્સ અને ખુશીનો સંપર્ક કરવાની પણ કોશિશ કરી પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે પોલીસ ફરિયાદની ઘટના બાદ ખુશી વારંવાર સિમ બદલી રહ્યાં છે. પરિવારજનોની પણ ત્યારે જ વાતચીત શક્ય બને છે જ્યારે તેઓ સામેથી કોઈ મોબાઇલ પર કૉલ કરે છે..
એક વખત કૉલ કર્યા બાદ તે નંબર પર ભારતથી કોઈ કૉલ કરવામાં આવે તો તે નંબર બંધ આવે છે.

પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, PANKAJ PATEL
પોલીસ હાલ તપાસ કરી રહી છે. પ્રિન્સકુમારના પિતા પંકજ પટેલે ફરિયાદ નોંધાવતાં ખુશીનો પરિવાર ઘરે તાળું મારીને ભૂગર્ભમાં ઊતરી ગયો છે.પોલીસે હાલ ગામમાં જઈને પૂછપરછ શરૂ કરી છે.
લાડોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી. એ. સોલંકી કહે છે, “છોકરા-છોકરીએ લગ્ન કરી લેતાં આ ધમાલની ફરિયાદ નોંધાઈ છે. છોકરીવાળા હાલ ઘરેથી ફરાર છે. તેમને શોધવાની કોશિશ જારી છે. તેમનું મોબાઇલ લૉકેશન ટ્રેસ કરીને તેમને પકડવાની કાર્યવાહી ચાલુ છે.”
પોલીસે હાલ પંકજ પટેલના ઘરે જઈને લોકોનાં નિવેદનો પણ લીધાં છે.
પહેલા ખુશી પક્ષે જે પ્રકારની શંકા હતી કે તેમની દિકરીને કૅનેડામાં મારી નાખવામાં આવી છે તે શંકાનુ સમાધાન કરવા માટે પોલીસે ખુદ ખુશી સાથે વાત કરીને તેનું વૉટ્સઍપ પર નિવેદન લીધું હતું. જેમાં ખુશીએ પોતે સલામત અને ખુશ હોવાની વાત કરી હતી.
જોકે, ખુશીના પરિવારજનોને હજુ શંકા છે કે આ વાત ખુશીએ પ્રિન્સકુમારના દબાણને કારણે કરી હોવી જોઈએ.
રોહિત પટેલ કહે છે, “વિદેશમાં શું ચાલે તે આપણને શું ખબર પડે? તે પહેલાં અમારી સાથે વાત જ નહોતી કરતી. જ્યારે પોલીસ ફરિયાદ થઈ ત્યારે તેના કૉલ આવવાના શરૂ થયા. આ બધું પ્રિન્સના કહેવાથી જ થયું હોવું જોઈએ.”
પોલીસનું જણાવવું છે કે તે આ મામલાના તમામ પાસાની તપાસ કરી રહી છે.














