મહેસાણા :'બોગસ પાસપોર્ટ પર અમેરિકા જતાં પકડાવાથી' માનવ તસ્કરીમાં ધરપકડ સુધી દિવ્યેશ પટેલની કહાણી

કબૂતરબાજી

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

ઇમેજ કૅપ્શન, ગેરકાયદે અમેરિકા મોકલવાના કેસમાં પકડાયેલો દિવ્યેશ પટેલ
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

મહેસાણાની એક વ્યક્તિ જે બોગસ પાસપોર્ટ મારફતે ચીનના રસ્તે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે પણ પકડાય જાય છે. બાદમાં આ વ્યક્તિ અમેરિકા જવાના લોકોના સપનાનો કારોબાર કરીને કરોડો રૂપિયાની કમાણી કરવાનું નક્કી કરે છે.

તે બની જાય છે ઇમિગ્રેશન એજન્ટ. પોલીસ પ્રમાણે આ ઇમિગ્રેશન એજન્ટનું નામ છે દિવ્યેશ પટેલ જે ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા ઘૂસવા માટે ગયેલા નવ લોકોના ગુમ થઈ જવાના મામલાના આરોપી છે.

સાબરકાંઠા પોલીસે દિવ્યેશ પટેલની ધરપકડ કરી છે. હાલ પોલીસ દિવ્યેશની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી રહી છે.

પોલીસ આપેલી માહિતી મુજબ પૂછપરછમાં દિવ્યેશે કબૂલ્યું હતું કે તેણે અને તેના સહયોગીઓએ કુલ નવ લોકોને આ પ્રકારે અમેરિકા મોકલ્યા છે.

પણ આ તપાસ વચ્ચે જે માહિતી સામે આવી એ પ્રમાણે દિવ્યેશે પણ અગાઉ ગેરકાયદે પાસપોર્ટની મદદથી પત્ની સાથે અમેરિકા જવાની કોશિશ કરી હતી પરંતુ તે પકડાઈ ગયો હતો.

બીબીસી ગુજરાતીએ આખો મામલો શું છે, આરોપી દિવ્યેશ કઈ રીતે બોગસ પાસપોર્ટથી અમેરિકા જતા પકડાયો હતો, તેણે ગુજરાતના નવ લોકોને કઈ રીતે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરવા માટે મોકલ્યા, તેમની સાથે કયા-કયા બીજા ઍજન્ટો સામેલ છે, તેઓ કઈ રીતે લોકોને અમેરિકા મોકલવા પૈસા પડાવતા હતા?

આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવાની કોશિશ કરી.

કબૂતરબાજી

70 લાખ રૂપિયા લઈને લોકોને અમેરિકા મોકલવાનો આરોપ

કબૂતરબાજી

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

ઇમેજ કૅપ્શન, ગેરકાયદે અમેરિકા જવા નિકળેલા ભરતભાઈ રબારી છેલ્લા છ મહિનાથી ગુમ છે

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે છેલ્લા પાંચ મહિનાથી ગાયબ પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામના ભરતભાઈ રબારીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે પશુપાલનનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા ભરતભાઈ રબારીનો દિવ્યેશ પટેલ સાથે સંપર્ક થયો. દિવ્યેશે તેમને 70 લાખ રૂપિયામાં અમેરિકા મોકલવાની વાત કરી. સોદો નક્કી થયો જેમાં પહેલા 20 લાખ રૂપિયા આપવા અને જ્યારે ભરતભાઈ અમેરિકા પહોંચે ત્યારે બાકીના 50 લાખ રૂપિયા આપવા.

આઠમી જાન્યુઆરી, 2023ના રોજ ભરત રબારી પહેલા અમદાવાદથી મુંબઈ ગયા અને ત્યારબાદ તેઓ મુંબઈથી ઍમ્સ્ટર્ડેમ ગયા. બાદમાં તેઓ પૉર્ટ ઑફ સ્પેન ગયા અને ત્યાંથી તેઓ ડોમેનિકા પહોંચ્યા.

ભરત રબારીના પરિવારના જણાવ્યા પ્રમાણે આ મુસાફરી દરમિયાન તેમનો ફોન આવતો રહેતો.

પણ, ત્યારબાદ તેમનો પરિવારને ફોન આવવાનો બંધ થયો. છેલ્લો ફોન 4 ફેબ્રુઆરી, 2023ના રોજ આવ્યો હતો. પરિવાર અનુસાર છેલ્લા પાંચ મહિનાથી ભરત રબારીનો તેમના પરિવારજનો સાથે કોઈ સંપર્ક નથી. તેઓ ક્યાં છે તેની ભાળ પણ નથી.

પરિવારના જણાવ્યા અનુસાર ભરત રબારીનાં પત્ની ચેતના રબારી તો તેમના પતિની ભાળ ન મળવાથી રડી-રડીને અડધાં થઈ ગયાં છે.

ચેતના રબારી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "ઍજન્ટો અમને કહેતા કે આજે પહોંચી જશે, કાલે પહોંચી જશે, પણ છેલ્લા પાંચ મહિનાથી તેમનો કોઈ સંપર્ક નથી. તેથી અમે પોલીસ ફરિયાદ નોંધાવી."

"અમે વ્યાજે પૈસા લાવીને 20 લાખ રોકડા આપ્યા હતા. અમારી સરકારને એટલી જ વિનંતી કે મારા પતિને હેમખેમ પરત લાવે."

ભરત રબારીના ભાઈ શૈલેષ રબારી પણ તેમના ભાઈની ભાળ ન મળવાથી દુ:ખી છે.

ભાવુક બનેલા શૈલેષ રબારી ઍજન્ટો સામે પોતાનો બળાપો કાઢે છે. તેઓ કહે છે, "પાંચ મહિના સુધી તેમણે અમને ફેરવ્યા."

"પાંચ મહિના બાદ પણ તેમનો સંપર્ક ન થતાં અમે પોલીસને ફરિયાદ આપી છે."

ચેતના રબારીની ફરિયાદને આધારે સાબરકાંઠા પોલીસે દિવ્યેશ પટેલની ધરપકડ કરી છે.

સાબરકાંઠાના પોલીસ વડા વિશાલકુમાર વાઘેલા બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવે છે, "ચેતના રબારીની ફરિયાદના આધારે અમે દિવ્યેશ પટેલની ધરપકડ કરી છે. આ કેસના તમામ પાસાની અમે તપાસ હાથ ધરી રહ્યા છીએ."

કબૂતરબાજી

"કુલ નવ જણાને આ રીતે અમેરિકા મોકલાયા હતા"

કબૂતરબાજી

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

ઇમેજ કૅપ્શન, પાંચ મહિનાથી પતિની ભાળ ન મળવાથી ચેતના રબારી રડી-રડીને અડધાં થઈ ગયાં

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાના જણાવ્યા પ્રમાણે માત્ર ભરતભાઈ રબારી જ નહીં પણ અન્ય આઠ જણા પણ ગાયબ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ તો માત્ર ભરત રબારીના પરિવારજનો જ તેમના ગુમ થવા મામલે સામે આવ્યા છે. બાકીના કોણ છે અને તેઓ હાલ ક્યાં છે તેની પોલીસ તપાસ કરી રહી છે.

વિશાલકુમાર વાઘેલા કહે છે, "અમે હાલ આ લોકોને જ્યાં રાખવામાં આવતા હતા તેમની ભાળ મેળવવા માટે જે તે દેશમાં આવેલા ભારતના દૂતાવાસની મદદ લઈ રહ્યા છીએ."

પોલીસે હાલ આ નવ લોકોની ભાળ મેળવવા માટેની એક અલગ ટીમ બનાવી છે તો બીજી તરફ દિવ્યેશની સાથે બીજા જે ઍજન્ટો છે તેની શોધખોળ પણ આરંભી છે.

પોલીસ તપાસમાં જાણ થઈ એ મુજબ ભરતભાઈ રબારી સિવાય અન્ય આઠ લોકોનાં નામ આ પ્રમાણે છે.

  • અંકિતકુમાર કાન્તિભાઈ પટેલ, નારદીપુર, કલોલ, ગાંધીનગર
  • કિરણકુમાર તુલસીભાઈ પટેલ, આંબલીયાસણ, મહેસાણા
  • અવની જીતેન્દ્રકુમાર પટેલ, સરઢવ, ગાંધીનગર
  • સુધીરકુમાર હસમુખભાઈ પટેલ, હેડુવા, મહેસાણા
  • પ્રતીકભાઈ હેમંતભાઈ પટેલ, ઉત્તરસંડા, નડિયાદ-ખેડા
  • નિખિલકુમાર પ્રહ્લાદભાઈ પટેલ, સીપોર, વડનગર, મહેસાણા
  • ચંપાબહેન ફતેસિંહ વસાવા, આંબલીયાસણ, મહેસાણા
  • ધ્રુવરાજસિંહ બલવંતસિંહ વાઘેલા, નારદીપુર, ગાંધીનગર
કબૂતરબાજી

કૅનેડા-અમેરિકા બૉર્ડર પર માર્યા ગયેલા ડિંગુચા ગામના જગદીશ પટેલનો ભાઈ મહેન્દ્ર પટેલ પણ પોલીસના રડાર પર

કબૂતરબાજી

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

વિશાલકુમાર વાઘેલા કહે છે, "આ મામલે દિવ્યેશની સાથે જોડાયેલો મુખ્ય ઍજન્ટ મહેન્દ્ર પટેલ ગાયબ છે અને તે અમદાવાદમાં ન્યૂ રાણીપ વિસ્તારમાં રહે છે. મહેન્દ્ર જ્યારે પકડાશે ત્યારે આ મામલે વધુ માહિતી મળવાની સંભાવના છે."

પોલીસે આ મામલે દિવ્યેશના વધુ એક સાથી ચતુર જયરામ પટેલની પણ કડીના ધારીસણાથી ધરપકડ કરી છે.

પોલીસનું કહેવું છે કે ચતુર પટેલે આ નવ લોકો પૈકી ત્રણ લોકો-કિરણ પટેલ, ચંપા વસાવા અને નિખિલ પટેલ માટે વચેટિયા તરીકેની ભૂમિકા ભજવી હતી.

પોલીસનું એમ પણ કહેવું છે કે દિવ્યેશ, મહેન્દ્ર, ચતુર અને તેમનો વધુ એક સાગરીત શૈલેષ પટેલે આ નવ લોકોને પહેલાં કૅરેબિયન દેશ ડૉમિનિકા પહોંચાડવાનું કામ કર્યું હતું. અહીંથી જ આ નવ લોકોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરાવવાના હતા.

પોલીસ સૂત્રો પ્રમાણે 'અમેરિકામાં તેમના વધુ બે ઍજન્ટો પણ કાર્યરત હતા. તેમનું નામ હતું ધવલ પટેલ અને વિજય પટેલ.'

'ધવલ પટેલે ચાર લોકોને અમેરિકા મોકલવાના ઍજન્ટ તરીકે ભૂમિકા ભજવી હતી, જ્યારે કે વિજય પટેલનું કામ તમામને રિસિવ કરવાનું હતું અને તેમને ફેસિલિટી આપવાનું હતું.'

'મહેન્દ્ર પટેલ એક જાન્યુઆરી, 2022માં ડિંગુચાથી ગેરકાયદે અમેરિકા ઘૂસવા જતા કૅનેડા બોર્ડર પર થીજી ગયેલા પરિવારના મોભી જગદીશ પટેલના ભાઈ થાય છે.'

પોલીસ સૂત્રોનું કહેવું છે કે 'ભલે ભરતભાઈ રબારીનો પરિવાર એવું કહેતો હોય તે તેમની ભરતભાઈ સાથે છેલ્લે તેઓ ડૉમિનિકા હતા ત્યારે વાત થઈ હતી પરંતુ આ નવ લોકોનું છેલ્લું અધિકારિક લોકેશન ગુઆડેલૂપ હતું.'

ગુઆડેલૂપ એ પૂર્વ કૅરેબિયન સાગરમાં સ્થિત ફ્રાંસનો એક વિસ્તાર છે. અહીં વિવિધ ટાપુઓ આવેલા છે.

કબૂતરબાજી

દિવ્યેશ પહેલાં કઈ રીતે પકડાયો હતો?

કબૂતરબાજી

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

ઇમેજ કૅપ્શન, દિવ્યેશ પટેલનો સાગરીત ચતુર પટેલ

વાત નવ, જાન્યુઆરી, 2020ની છે. એક દંપતિ - સંદિપ પટેલ અને રીટા પટેલ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર પકડાયાં હતાં. હકીકતમાં તેમનું નામ દિવ્યેશ પટેલ અને નિધિ પટેલ હતું. પરંતુ તેઓ નકલી પાસપોર્ટ પર ચીનના ગૉંગઝાઉ જતાં હતાં.

આઈજીઆઈ ઍરપોર્ટ પોલીસ સ્ટેશન પર નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે 'દિવ્યેશને ભરત પટેલ નામના એક ઍજન્ટે 50 લાખના ખર્ચે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરાવવાનો સોદો કર્યો હતો.'

'આ દંપતિને તેમનો બોગસ પાસપોર્ટ દિલ્હી ઍરપોર્ટ પર જ આપવામાં આવ્યો હતો.'

'બંને પહેલાં સીધા કૅનેડા જવા ઇમિગ્રેશનની લાઇનમાં ઊભાં હતાં પરંતુ ભરતભાઈનો ફોન આવતા તેઓ બાદમાં ચીનના ગૉંગઝાઉ જવા ચીની ઇમિગ્રેશનની લાઇનમાં ઊભાં રહી ગયાં. ભરતભાઈએ તેમને સૂચના આપી હતી કે પહેલાં તેઓ ગૉંગઝાઉ જશે અને ત્યાંથી તેઓ કૅનેડા અને ત્યારબાદ તેમને અમેરિકા લઈ જવાશે.'

જોકે, ચીનની સધર્ન ઍરલાઇન્સના કર્મચારીઓને સંદેહ પડતા તેમને સુરક્ષા એજન્સીને સુપ્રત કરી દેવાયા હતા.

સાબરકાંઠા પોલીસનું કહેવું છે કે 'આ કેસ બાદ દિવ્યેશ આ પ્રકારે વિવિધ ઇમિગ્રેશન ઍજન્ટોના સંપર્કોમાં આવ્યો હતો.'

પોલીસનું કહેવું છે કે તે ભલે અમેરિકા ન જઈ શક્યો પરંતુ તેણે લોકોના અમેરિકા જવાના સપનાને વટાવવાનું શરૂ કર્યું.

હાલ, દિવ્યેશ અને ચતુર પટેલની તો પોલીસે ધરપકડ કરી છે પરંતુ પોલીસને હવે તલાશ છે મહેન્દ્ર પટેલની.

જે આ મામલાનો મુખ્ય સૂત્રધાર મનાય છે. પોલીસ અનુસાર મહેન્દ્રના પકડાયા બાદ આ કેસની વધુ કડીઓ ખુલશે.

કબૂતરબાજી
કબૂતરબાજી