રોટલીનો બાંધેલો લોટ અને ફણગાવેલાં કઠોળ આરોગ્ય માટે કેટલાં ખતરનાક બની શકે?

સમગ્ર વિશ્વમાં રોજ સરેરાશ 16 લાખ લોકો ફૂડ પોઈઝનિંગને કારણે બીમાર પડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સમગ્ર વિશ્વમાં રોજ સરેરાશ 16 લાખ લોકો ફૂડ પૉઇઝનિંગને કારણે બીમાર પડે છે
    • લેેખક, પેડાગડી રાજેશ
    • પદ, બીબીસી સંવાદદાતા
ગ્રે લાઇન

આંધ્ર પ્રદેશના અનંતપુરમના બુક્કારયાસમુદ્રમ ખાતેની એક ખાનગી એન્જિનિયરિંગ કૉલેજની 26 વિદ્યાર્થિનીઓને ઊલટી, ઊબકા અને માથાના દુખાવાની તકલીફ સાથે તાજેતરમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કૉલેજની કૅન્ટીનમાં આગલી રાતે ભોજન કર્યા પછી આ વિદ્યાર્થિનીઓને ફૂડ પૉઇઝનિંગ થયું હતું.

આંધ્ર પ્રદેશના શ્રીકુલમ જિલ્લામાંના ટેક્કાલીમાં પછાત વર્ગની હૉસ્ટેલના 29 વિદ્યાર્થીઓને ફૂડ પૉઇઝનિંગને કારણે માર્ચમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ, સમગ્ર વિશ્વમાં રોજ સરેરાશ 16 લાખ લોકો ફૂડ પૉઇઝનિંગને કારણે બીમાર પડે છે અને દૂષિત ખોરાકના ચેપને કારણે વિશ્વભરમાં રોજ 340 બાળકો મૃત્યુ પામે છે.

વિશ્વ આરોગ્ય સંગઠન દર વર્ષે સાતમી જૂને ‘ફૂડ સેફટી ડે’ની ઉજવણી કરે છે ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે ફૂડ પૉઇઝનિંગ માટે મુખ્યત્વે જવાબદાર ખાદ્ય પદાર્થો ક્યા છે અને ફૂડ પૉઇઝનિંગથી બચવા માટે શું કરવું જોઈએ.

અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા મુજબ, રાંધેલું અથવા યોગ્ય રીતે ન રંધાયેલું માંસ, યોગ્ય રીતે ધોવામાં ન આવેલાં શાકભાજી, કાચું દૂધ તથા મિલ્ક પ્રોડક્ટ્સ, લાંબા સમય સુધી સંગ્રહિત ઈંડાં, યોગ્ય રીતે સાફ ન કરવામાં આવેલી માછલી, અશુદ્ધ રીતે ફણગાવેલા કઠોળ અને લાંબા સમય સુધી રાખવામાં આવેલો બાંધેલો લોટ ખોરાકી ઝેર માટે જવાબદાર હોય છે.

ગ્રે લાઇન

ધોયા વગરના શાકભાજી

શાકભાજી રાંધતા પહેલાં તેને બરાબર સાફ કરવા અનિવાર્ય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શાકભાજી રાંધતા પહેલાં તેને બરાબર સાફ કરવા અનિવાર્ય છે

તાજા અને કાચાં શાકભાજીના ઘણા ફાયદા છે, પરંતુ ક્યારેક તે ખોરાકી ઝેર અને બીજી બીમારીઓનું કારણ બને છે.

કાચાં શાકભાજીમાં ઈ-કોલી, સાલ્મોનેલા અને લિસ્ટેરિયા વગેરે જેવાં બૅક્ટેરિયા હોઈ શકે છે. કાચાં શાકભાજી ખેતરમાંથી આપણાં રસોડાં સુધી પહોંચે ત્યાં સુધીમાં ગમે તે તબક્કે તે પ્રદૂષિત થઈ શકે છે.

તેથી શાકભાજી રાંધતા પહેલાં તેને બરાબર સાફ કરવા અનિવાર્ય છે.

એ શાકભાજી ક્યાં ઉગાડવામાં આવ્યાં છે એ પણ મહત્ત્વનું છે, એમ જણાવતાં ડૉ. પ્રતિભા લક્ષ્મીએ ઉમેર્યું હતું કે “શાકભાજી અસલામત વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. તેમાં જંતુનાશકોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેથી શાકભાજી અને ફળોનું સેવન તેને મીઠાયુક્ત પાણીમાં બરાબર સાફ કર્યા પછી જ કરવું જોઈએ. અન્યથા, એલર્જી કે ચેપ લાગવાનો ભય રહે છે.”

ડૉ. પ્રતિભા લક્ષ્મી સાથે સહમત થતાં ડૉ. આર એસ બી નાયડુએ પણ કહ્યું હતું કે “આપણે મુખ્યત્વે સ્વચ્છતાનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ. પાણી પુરી ખાધા પછી થયેલા ફૂડ પૉઇઝનિંગના ઘણા કિસ્સા આપણે વારંવાર સાંભળીએ છીએ. તેનું મુખ્ય કારણ સ્વચ્છતાનો અભાવ છે. પાણીપુરી વેચતા લોકો, તેમાં વપરાતી સામગ્રી યોગ્ય રીતે સાફ કરતા નથી અથવા તો અસ્વચ્છ વાતાવરણમાં રાંધતા હોય છે. પાણીપુરી વેચતા લોકોમાં જ ઘણીવાર સ્વચ્છતાનો અભાવ હોય છે.”

ગ્રે લાઇન

કાચું દૂધ અને મિલ્ક પ્રોડક્ટ્સ

કાચા દૂધમાં ઘણાં બૅક્ટેરિયા હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાચા દૂધમાં ઘણાં બૅક્ટેરિયા હોય છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નોન-પાશ્ચરાઈઝ્ડ દૂધ અને એવા દૂધમાંથી બનાવવામાં આવતી પ્રોડક્ટ્સના આહારથી પણ ફૂડ પૉઇઝનિંગ થવાની શક્યતા હોય છે, કારણ કે કાચા દૂધમાં પણ ઈ-કોલી, કેમ્પીલોબૅક્ટર, ક્રિપ્ટોસ્પૉરીડિયમ, લિસ્ટેરિયા અને સાલ્મોનેલા જેવા ઘણાં બૅક્ટેરિયા હોય છે. એવા દૂધમાંથી બનાવવામાં આવેલો આઇસક્રીમ તથા દહીં પણ ખોરાકી ઝેરનું કારણ બની શકે છે.

કાચા દૂધમાં રહેલા બૅક્ટેરિયા દૂધના પાશ્ચરાઈઝેશન અથવા દૂધને ગરમ કરવાથી મરી જાય છે. દૂધને ગરમ કરવાથી તેમાંના પોષક તત્વોને કોઈ અસર થતી નથી.

સીડીસીના જણાવ્યા મુજબ, કાચા દૂધમાંનું લિસ્ટેરિયા બહુ ખતરનાક છે. તેનાથી ગર્ભપાત અને બાળકના અકાળ જન્મની સમસ્યા પણ સર્જાઈ શકે છે.

ડૉ. પ્રતિભા લક્ષ્મીના જણાવ્યા મુજબ, કાચા દૂધના આહારથી પેટના ટીબીનું જોખમ વધી જાય છે.

તેમણે કહ્યું હતું કે “ઘણા લોકો કાચું દૂધ પીવાની હિમાયત કરે છે. તેઓ પોતાની દલીલના સમર્થનમાં સ્તનપાન કરતાં બાળકોનું ઉદાહરણ આપે છે, પરંતુ સ્તનમાંથી મળતા દૂધ અને પશુના દૂધ વચ્ચે મોટો ફરક છે. ગાય-ભેંસને દોહતા લોકોના હાથ કેટલા સ્વચ્છ હોય છે, તેઓ કેવાં પ્રકારનાં વાસણોનો ઉપયોગ કરે છે, કેવી પરિસ્થિતિમાં એ દૂધનો સંગ્રહ કરવામાં આવે છે આ બધી બાબતો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી દૂધને કાયમ ગરમ કરીને જ પીવાની સલાહ આપવામાં આવે છે.”

ગ્રે લાઇન

ફણગાવેલાં કઠોળ બાબતે સાવધ રહો

ફણગાવેલા કઠોળમાં પણ સાલ્મોનેલા જેવા બૅક્ટેરિયા હોઈ શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફણગાવેલા કઠોળમાં પણ સાલ્મોનેલા જેવા બૅક્ટેરિયા હોઈ શકે છે

ફણગાવેલાં કઠોળ આરોગ્યવર્ધક છે. તેમાં કઠોળ સહેજ ગરમી અને ભેજવાળા વાતાવરણમાં ફણગાવવામાં આવે છે, પરંતુ એવા વાતાવરણમાં બૅક્ટેરિયા પણ ઝડપથી વિકસે છે. તેથી ફણગાવેલાં કઠોળમાં પણ સાલ્મોનેલા જેવા બૅક્ટેરિયા હોઈ શકે છે.

ડૉ. પ્રતિભા લક્ષ્મીના જણાવ્યા મુજબ, અંકુરિત કઠોળને કેટલા સમયથી રાખવામાં આવ્યાં છે, તે હવામાં કેટલો સમય ખુલ્લાં હતાં વગેરે જેવી બાબતો ફણગાવેલાં કઠોળની બાબતમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

તેમણે કહ્યું હતું કે “કઠોળને લાંબો સમય પાણીમાં પલાળી રાખવાં ન જોઈએ. તેવી જ રીતે તેનો બંધ જગ્યામાં લાંબા સમય સુધી સંગ્રહ પણ ન કરવો જોઈએ. પૂરતાં પ્રમાણમાં હવા ઉપલબ્ધ હોય તેવા વાતાવરણમાં બૅક્ટેરિયા વિકસવાની શક્યતા ઓછી હોય છે.”

ગ્રે લાઇન

બાંધી રાખેલો લોટ

બાંધેલા લોટ(કણક)માં બેક્ટેરિયા હોઈ શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંધેલા લોટ(કણક)માં બૅક્ટેરિયા હોઈ શકે છે

ઘઉંથી માંડીને અનેક પ્રકારના ધાન્યના બાંધેલા લોટ(કણક)માં બૅક્ટેરિયા હોઈ શકે છે. તેથી કણક પકાવીને જ તેનો આહાર કરવો જોઈએ, તેવું સૂચન સીડીસી કરે છે.

નીશા દિલીપે કહ્યું હતું કે “કણક જેટલી તાજી હશે એટલી જ સ્વસ્થ હશે. કણક હોય કે શાકભાજી, તેમનો લાંબા સમય સુધી સંગ્રહ કરવો ન જોઈએ. સમયની સાથે તેમાં બૅક્ટેરિયા પણ વધે છે. તેથી ચેપ લાગવાની શક્યતામાં વધારો થાય છે.”

એ ઉપરાંત બૅક્ટેરિયા અને ફૂડ પૉઇઝનિંગના ડરથી સ્વચ્છતાનો વધુ પડતો આગ્રહ પણ ઇચ્છનીય નથી, એવી ચેતવણી નિષ્ણાતો આપે છે.

ડૉ. પ્રતિભા લક્ષ્મીએ કહ્યું હતું કે “બધા બૅક્ટેરિયા ખરાબ નથી હોતા. કેટલાક બૅક્ટેરિયા આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતાં હોય છે. આપણે પેટમાં ઘણા બૅક્ટેરિયા હોય છે, જે આપણને જીવલેણ રોગોથી બચાવે છે.”

ગ્રે લાઇન

કાચુ માંસ

રાંધ્યા વિનાનું કે યોગ્ય રીતે ન રાંધેલું માંસ ખાવાથી અનેક રોગનો ચેપ લાગી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાંધ્યા વિનાનું કે યોગ્ય રીતે ન રાંધેલું માંસ ખાવાથી અનેક રોગોનો ચેપ લાગી શકે છે

રાંધેલું કે યોગ્ય રીતે ન રંધાયેલું કાચું માંસ ખાવાથી ખોરાકી ઝેરની સંભાવના વધી જાય છે. તેમાં કેમ્પીલોબેક્ટર નામના બેક્ટેરિયા હોય છે. ક્યારેક તેમાં ઇ-કોલી, સાલ્મોનેલા અને ક્લોસ્ટ્રિડિયમ પરફ્રિન્જન્સ વગેરે જેવા અન્ય બેક્ટેરિયા પણ હોય છે.

તેથી કાચા માંસને ક્યારેય ન ધોવાનું સૂચન સીડીસી કરે છે. તેના જણાવ્યા મુજબ, “કાચા માંસને ધોવાથી તેમાંના બૅક્ટેરિયા આસપાસના વાસણો તથા તવાઓમાં ફેલાય છે. સમગ્ર વાતાવરણ પ્રદૂષિત થાય છે.” માંસને યોગ્ય રીતે રાંધવાથી બૅક્ટેરિયા ખતમ થઈ જાય છે.

સીડીસી સૂચવે છે કે “જમ્યા પછી માંસની વાનગી વધે તો તેને બે કલાકમાં રેફ્રિજરેટરમાં રાખી દેવી જોઈએ.”

કાચા માંસને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવાનું હોય તો તેના ટુકડા કરી નાખવાથી તે વધારે સારી રીતે રેફ્રિજરેટ થશે અને તેમાં બૅક્ટેરિયાના ગુણાકારની શક્યતા ઘટશે.

ડૉ. પ્રતિભા લક્ષ્મીએ કહ્યું હતું કે “કાચું માંસ સિસ્ટીસરકોસીસ જેવા રોગનું કારણ બની શકે છે. રાંધ્યા વિનાનું કે યોગ્ય રીતે ન રાંધેલું માંસ ખાવાથી અનેક રોગોનો ચેપ લાગી શકે છે. તેથી સારી રીતે રાંધવામાં આવેલું માંસ જ ખાવું જોઈએ.”

માંસ આધારિત ફાસ્ટ ફૂડ ખાવાથી થતી ઝેરી અસરનું મુખ્ય કારણ અંડરકૂકિંગ હોય છે, એમ જણાવતાં ડૉ. આર એસ બી નાયડુએ કહ્યું હતું કે “રેસ્ટોરાં અને સ્ટ્રીટ ફૂડ કાઉન્ટર પર મળતા કબાબ ટીક્કા યોગ્ય રીતે રાંધેલા હોતા નથી. તેમાં જે માંસનો ઉપયોગ કરવામાં આવે છે તે માંસમાંના બૅક્ટેરિયા ખતમ ન થઈ જાય ત્યાં સુધી તેને પકાવવામાં આવતું નથી. તેથી તે ફૂડ પૉઇઝનિંગનું કારણ બને છે.”

ગ્રે લાઇન

કાચાં ઈંડાં

કાચાં ઈંડા ખાવાથી અનેક ઇન્ફેક્શન થઈ શકે છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, કાચાં ઈંડાં ખાવાથી અનેક ઇન્ફેક્શન થઈ શકે છે

કાચાં ઈંડામાં સાલ્મોનેલા બૅક્ટેરિયા હોઈ શકે છે. સ્વચ્છ દેખાતા અને તિરાડ વિનાનાં ઈંડાંમાં પણ તે બૅક્ટેરિયા હોઈ શકે છે.

તેથી બાફેલાં ઈંડાં ખાવાની સલાહ આપવામાં આવે છે. સફેદ ઈંડાંમાંનું યૉક સખત ન થાય ત્યાં સુધી તેને ઉકાળવાની સલાહ સીડીસી આપે છે. ઈંડાં સ્ટોર કરતી વખતે રેફ્રિજરેટરમાં તાપમાન યોગ્ય રીતે ઍડજસ્ટ કરવું જરૂરી છે.

પોષણશાસ્ત્રી નીતા દિલીપે કહે છે કે, “શક્ય હોય તેટલાં ફ્રેશ ઈંડાનું સેવન કરવું જોઈએ. કેટલીક વાર વિલંબને કારણે ઈંડાંને નુકસાન થાય છે અને એવાં ઈંડાં ખાવાથી અનેક ઇન્ફેક્શન થઈ શકે છે. તેથી ઈંડાં ખરીદતી વખતે તેના પૅક પરની તારીખ ચેક કરવી જોઈએ અને તાજાં ઈંડાંનું સેવન જ કરવું જોઈએ.”

ગ્રે લાઇન

કાચી માછલી

કાચી માછલીમાં બૅક્ટેરિયા સાથે કેટલાક વાઇરસ પણ હોઈ શકે છે

ઇમેજ સ્રોત, OQBA/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કાચી માછલીમાં બૅક્ટેરિયા સાથે કેટલાક વાઇરસ પણ હોઈ શકે છે

કાચી માછલીમાં બૅક્ટેરિયા સાથે કેટલાક વાઇરસ પણ હોઈ શકે છે. તે વિવિધ ચેપનું અને ક્યારેક મોતનું કારણ પણ બની શકે છે. તેથી સીડીસી સૂચવે છે કે માછલીને સારી રીતે ધોવી અને રાંધવી જોઈએ. એ પછી જ તેનો આહાર કરવો જોઈએ.

સીડીસીના જણાવ્યા મુજબ, “પ્રૉન્સ માછલી પ્રદૂષિત પાણીમાં પેદા થાય છે. તેમાં નોરો વાઇરસ હોઈ શકે છે. તેથી ઝીંગાને સારી રીતે ધોવા જોઈએ અને દૂર્ગંધ ખતમ ન થઈ જાય ત્યાં સુધી રાંધવા જોઈએ.”

ડૉ. પ્રતિભા લક્ષ્મીએ કહ્યું હતું કે માછલીના વેપારીને, તે જે માછલી વેચી રહ્યો છે તે ક્યાંથી લાવવામાં આવી છે તે અવશ્ય પૂછવું જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે, “આજકાલ પ્રદૂષિત પાણીમાં માછલીઓ ઉછેરવામાં આવે છે. એવી માછલીનું સેવન કરવાથી વિવિધ ચેપ લાગી શકે છે. કાચી માછલીનો આહાર તો ક્યારેય ન કરવો જોઈએ. ફિશ મેડિસિનનું પણ આવું જ છે. મૂળ મુદ્દો, માછલી કેવા પાણીમાં ઉછેરવામાં આવી છે તે છે. માછલીનો ઉછેર કરતા લોકો સ્વચ્છતાના કેટલા આગ્રહી છે એ જાણવું જરૂરી છે.”

રેડ લાઇન
રેડ લાઇન