મહિલા એશિયા કપમાં શ્રીલંકા બન્યું વિજેતા, ભારતને આઠ વિકેટથી હરાવ્યું

મહિલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને આઠ વિકેટે હરાવી દીધું છે.

મહિલા એશિયા કપની ફાઇનલ મૅચ શ્રીલંકાના રંગિરી દાંબુલા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી.

ફાઇનલમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની મહિલા ટીમે શ્રીલંકાને 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

શ્રીલંકાએ માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 18.4 ઓવરમાં જ આ લક્ષ્યને હાંસલ કરી લીધું. શ્રીલંકાની પ્રથમ વિકેટ માત્ર સાત રન પર જ પડી ગઈ હતી.

ત્યાર બાદ શ્રીલંકાનાં કૅપ્ટન ચમરી અટ્ટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાએ 87 રનની મજબૂત ભાગીદારી નિભાવી. કૅપ્ટન અટ્ટાપટ્ટુએ 61 રન ફટકાર્યા, જ્યારે હર્ષિતાએ 69 રનની અણનમ ઇનિંગ રમી હતી.

આ ઉપરાંત કવિશા દિલહારી પણ 30 રન ફટકારીને અણનમ રહ્યાં. ભારત તરફથી દિપ્તિ શર્મા જ એક વિકેટ મેળવવામાં સફળ રહ્યાં.

ભારતે પહેલા બેટિંગ કરતા સાવચેતીપૂર્વક શરૂઆત કરી હતી. ભારતની તરફથી ઓપનર સ્મૃતિ મંધાનાએ સૌથી વધારે 60 રન ફટકાર્યા હતા. ભારતે 20 ઓવરને અંતે છ વિકેટ ગુમાવીને 165 રન ફટકાર્યા હતા.

ટીમ ઇન્ડિયા: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, ઉમા ક્ષેત્રી, હરમનપ્રીતકોર (કૅપ્ટન), જેમિમા રોડ્રિગ્સ, ઋષા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા ઠાકુરસિંહ

શ્રીલંકા ટીમ: વિષ્ણુ ગુણારત્ને, ચમરી અટ્ટાપટ્ટુ (કૅપ્ટન), હર્ષિતા સમારાવિક્રમા, નીલાક્ષી ડિસિલ્વા, હસિની પરેરા, કવિશા દિલહારી, અનુષ્ટા સંજીવની, સુગંધિકાકુમારી, ઇનોશી પ્રિયદર્શિની, ઉદેશિકા પ્રબોધિની, સચિની નિસાંસલા.

આ વર્ષે ટીમોનું પ્રદર્શન કેવું રહ્યું?

ભારતીય ટીમે બાંગ્લાદેશની ટીમને દસ વિકેટે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તો શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી છે.

દરેક વખતે ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી છે. માત્ર 2018માં ભારતીય ખિતાબથી દૂર રહી હતી. ત્યારે બાંગ્લાદેશની ટીમ ચૅમ્પિયન બની હતી.

બંને ટીમના રેકૉર્ડની વાત કરીએ તો 24 મૅચમાં ભારતમાં 19 મૅચ જીતી છે, જ્યારે શ્રીલંકાની ટીમ ચાર વાર જીતી શકી છે. એક મૅચ રદ કરવી પડી હતી.

એશિયા કપમાં બંને ટીમો વચ્ચે ચાર વાર ટક્કર થઈ છે, જેમાં ટીમ ઇન્ડિયા દરેક વાર જીતી છે.

એશિયા કપથી અગાઉ શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડીઝને તેના ઘરે ત્રણ ટી20 મૅચની સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું.

અગાઉ માર્ચમાં શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યું હતું. ટી20 વર્લ્ડકપના ક્વૉલિફાયરમાં છ મૅચ જીતીને શ્રીલંકાએ ઑક્ટોબર થનાર વર્લ્ડકપમાં સ્થાન મેળવ્યું છે.

તો ભારતીય ટીમે જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયાને ત્રણ મૅચની ટી20 સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. બાંગ્લાદેશને 5-0થી હાર આપી અને દક્ષિણ આફ્રિકા સામે ટી20 સિરીઝમાં 1-1થી બરાબર રહી હતી.

એશિયા કપનો ઇતિહાસ

પહેલો મહિલા એશિયા કપ 2004માં રમાયો હતો. ત્યારે માત્ર ભારત અને શ્રીલંકાની ટીમોએ ભાગ લીધો હતો. પાંચ મૅચની આ ટુર્નામેન્ટ ભારતે 5-0થી જીતી હતી.

ત્યાર બાદ ભારતે સતત ત્રણ વાર (2005, 2006, 2008) શ્રીલંકાને હરાવીને વનડે એશિયાકપનો ખિતાબ જીત્યો હતો.

2012થી મહિલા એશિયા કપ ટી20 રમાય છે. વનડે ફૉર્મેટમાં બધા ચાર એશિયા કપ ભારતે જીત્યા છે. જ્યારે ટી20ની ચાર ટુર્નામેન્ટમાંથી ત્રણ ભારતે જીતી છે.

2018માં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ફાઇનલમાં હારી હતી.