ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં 'ખટાશ' આવવાથી પાકિસ્તાનને કોઈ ફાયદો થશે ખરો?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ટેક્સાસમાં 2019માં યોજાયેલા 'હાઉડી મોદી' કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને 'અબ કી બાર, ટ્રમ્પ સરકાર' નો નારો આપ્યો હતો. ત્યાર પછીના વર્ષે જ્યારે ટ્રમ્પ ભારત આવ્યા, ત્યારે અમદાવાદમાં તેમના સ્વાગત માટે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ યોજાયો હતો.
વિશ્લેષકોએ આ પગલાંને બંને નેતાઓ વચ્ચેના ઉષ્માભર્યા સંબંધ તરીકે જોયાં હતાં. વર્ષ 2024માં વડા પ્રધાન મોદી ફરીથી સત્તામાં આવ્યા અને બીજી તરફ ટ્રમ્પે પણ સત્તામાં વાપસી કરી.
મીડિયામાં ફરીથી તેને બંને નેતાઓના સંબંધોના દૃષ્ટિકોણથી ભારત-અમેરિકા સંબંધોને જોવામાં આવ્યા. જોકે, છેલ્લા લગભગ છ મહિનામાં એવું લાગે છે કે બંને નેતા વચ્ચેના સંબંધો પહેલાં જેવા રહ્યા નથી.
ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા પછી આ વખતે ઘણા દેશો પર ટેરિફ એટલે કે વેપાર શુલ્ક લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકી બજારમાં અન્ય દેશોનો માલ સસ્તા ભાવે આવે છે, જ્યારે અમેરિકી માલ પર બીજા દેશો વધુ શુલ્ક વસૂલે છે.
જોકે, ટેરિફની જાહેરાત પછી ટ્રમ્પે આ દેશોને વેપાર કરાર અંગે વાતચીત માટે 90 દિવસની છૂટ આપી હતી. પરંતુ, 30 જુલાઈએ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી.

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા મુદ્દે પૅનલ્ટી લગાવવાની પણ વાત કરી. ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત થઈ જ હતી કે થોડા સમય પછી અમેરિકાએ પાકિસ્તાન સાથે એક કરાર કર્યો.
અમેરિકાએ પાકિસ્તાન સાથે ત્યાંના તેલના ભંડારોને વિકસિત કરવાની વાત કરી છે. બંને દેશો વચ્ચે વેપાર કરાર પણ થયા છે.
ભારત-અમેરિકા સંબંધો સાથે-સાથે ભારતના વેપારિક સંબંધો અંગે પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે. રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધો કેટલા મહત્ત્વપૂર્ણ છે? વેપાર શુલ્ક ભારત માટે કેટલા ગંભીર છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત કઈ દિશા અપનાવી શકે? વડા પ્રધાન મોદીની છબિ પર તેની શું અસર થશે? પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે થયેલા તેલના ભંડાર સંબંધિત કરાર ભારત માટે શું અર્થ ધરાવે છે? અને ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોની આ દિશાને કેવી રીતે જોવી જોઈએ?
બીબીસી હિન્દીના સાપ્તાહિક કાર્યક્રમ 'ધ લેન્સ'માં કલેક્ટિવ ન્યૂઝરૂમના ડાયરેક્ટર ઑફ જર્નાલિઝમ મુકેશ શર્માએ આ પ્રશ્નો પર ચર્ચા કરી.
તેમની સાથે ચર્ચામાં જોડાયા 'ઇન્ડિયન કાઉન્સિલ ફૉર રિસર્ચ ઑન ઇન્ટરનૅશનલ ઇકૉનૉમિક રિલેશન્સ'ના વિઝિટિંગ પ્રોફેસર શોન રે, 'હિંદુ બિઝનેસલાઇન'નાં રેસિડેન્ટ ઍડિટર પૂર્ણિમા જોશી, પત્રકાર ઝુબેર અહમદ, બીબીસી ઉર્દૂના સિનિયર ન્યૂઝ ઍડિટર આસિફ ફારૂકી અને દિલ્હીથી 'ઇન્ડિપેન્ડન્ટ ઍનર્જી પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ'ના ચૅરમૅન નરેન્દ્ર તનેજા જોડાયાં હતાં.
ભારત પર 25 ટકા ટેરિફની કેટલી અસર?

ઇમેજ સ્રોત, Francis Chung/Politico/Bloomberg via Getty
અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફ અને તેના અસર અંગે પ્રોફેસર શોન રેનું માનવું છે કે આને બે અલગ દૃષ્ટિકોણથી જોઈ શકાય છે — પ્રથમ: ટૂંકા ગાળાનો, બીજું: લાંબા ગાળાનો.
પ્રોફેસર શોન રે કહે છે, "ટૂંકા ગાળામાં નિશ્ચિત રીતે નિકાસમાં ઘટાડો થશે. નિકાસકર્તાઓની આવક પણ ઘટશે. ટેરિફ સાથે આપણાં ઉત્પાદનોના ભાવ વધી જશે. સાથે જ થોડી અનિશ્ચિતતા પણ છે, કારણ કે જે વેપારનો કરાર થવાનો હતો તે હજુ સુધી થયો નથી."
પ્રોફેસર શોન રે કહે છે, "લાંબા ગાળાની અસર વધુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો આ ટેરિફ એક વર્ષથી વધુ સમય સુધી ચાલુ રહે તો સપ્લાય ચેઇનમાં ફેરફાર આવી શકે છે અને ભારતે ડાઇવર્સિફિકેશન કરવું પડશે."
પ્રોફેસર રેનું માનવું છે કે ટૂંકા ગાળામાં અમેરિકી ટેરિફની સૌથી વધુ અસર કપડાં, દવાઓ, ઑટોપાર્ટ્સ, અને અન્ય એન્જિનિયરિંગ ઉત્પાદનો પર પડશે.
મોદી-ટ્રમ્પ સંબંધોની વ્યાપાર સમજૂતી પર કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત-અમેરિકા સંબંધોની વાત થાય, ત્યારે તાજેતરના સમયમાં તેને બંને દેશોના નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોના દૃષ્ટિકોણથી જોવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું ઘણું બન્યું છે જેને ભારત-અમેરિકા વચ્ચેના સારા સંબંધો તરીકે જોઈ ન શકાય.
તો શું આ ભારત સરકાર માટે એક ઝટકો છે? કે પછી તેને સામાન્ય દૃષ્ટિકોણથી જોવું જોઈએ?
'હિંદુ બિઝનેસ લાઇન'નાં રેસિડેન્ટ ઍડિટર પૂર્ણિમા જોશીનું માનવું છે કે તાજેતરમાં જે કંઈ થયું છે તેનાથી સરકારની ઘણી "ફજેતી" થઈ છે.
તેઓ કહે છે, "જેમ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ભારતની લડાઈ દરમિયાન જાહેરાત કરી કે સીઝફાયર તેમણે કરાવ્યું છે અને પછી વારંવાર આ વાત કહી. આ પર વડાપ્ર ધાનને સંસદમાં સ્પષ્ટીકરણ આપવું પડ્યું."
"વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો કે આપણા દ્વિપક્ષીય મામલામાં અમેરિકાએ દખલ કેવી રીતે કરી? સંરક્ષણ મામલાઓમાં ભાજપ હંમેશા કડક વલણ ધરાવે છે, તે થોડો બૅકફૂટ પર હતો."
વેપાર કરાર અંગે પૂર્ણિમા જોશી કહે છે કે મોદી અને ટ્રમ્પ બંને નેતાઓ 'પ્રોસેસ-ડ્રિવન' નથી; વડા પ્રધાન જ્યારે કામ કરે છે ત્યારે તેમાં વિદેશ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલયની ઘણી દખલ હોય છે અને ખાસ કરીને વેપાર કરાર, જે ખૂબ જ જટિલ બાબત છે, તેમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે સારા સંબંધો હોવા છતાં પણ કંઈ કરવું શક્ય નથી.

ઇમેજ સ્રોત, Jeenah Moon/Bloomberg via Getty
પૂર્ણિમા જોશી કહે છે, "કારણ કે, અમેરિકા જે વસ્તુઓ ભારત પાસેથી માંગે છે, તે ભારત આપી શકે એમ નથી. ટ્રમ્પ ઇચ્છે છે કે ભારતનાં કૃષિ અને ડેરી ક્ષેત્રો ખુલ્લાં થાય. આ એવી બાબતો છે જે ભારત કરી શકે એમ નથી. તેમાં જો સરકાર ઇચ્છે, તો પણ સહમતિ આપી શકે એમ નથી."
પૂર્ણિમા જોશી કહે છે કે મોદીએ ટ્રમ્પ માટે એટલા મોટા કાર્યક્રમો કર્યા, 'અબ કી બાર, ટ્રમ્પ સરકાર' કહ્યું, તેમને એટલું માન આપ્યું કે ટ્રમ્પને લાગ્યું કે ભારત સાથે ડીલ કરવી ખૂબ સરળ બાબત હશે.
તેઓ કહે છે, "ટ્રમ્પે જે રીતે ભારત પર ટેરિફ લગાવ્યો છે અને રશિયા પાસેથી તેલ અને સંરક્ષણ સામગ્રી ખરીદે તો પૅનલ્ટી લાદવાની વાત કહી છે, તે એક રીતે આપણી સ્વાયતતા પર પણ હુમલો છે. અન્ય કોઈ દેશ આપણને કેવી રીતે કહી શકે કે આપણે ક્યાંથી શું ખરીદવું જોઈએ?"
છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પ ભારત-અમેરિકા સંબંધોમાં ટેરિફ અને ટ્રેડ ડીલની વાત કરી રહ્યા છે. જો તેને ભારતનાં હિતોને ધ્યાનમાં રાખીને જોવામાં આવે, તો શું ટ્રમ્પ ખરેખર વેપારની વાત કરી રહ્યા છે કે પછી ભારતના રશિયા અને ચીન સાથેના સંબંધો પર નિશાન સાધી રહ્યા છે?
આ અંગે પૂર્ણિમા કહે છે, "રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર જે પૅનલ્ટી લાદવાની વાત કહી છે, તેનો ક્યાંય ઉલ્લેખ નથી. કેટલી પૅનલ્ટી લાગશે, તેના વિશે તેમણે કશું નથી કહ્યું. મને લાગે છે કે વેપાર કરારમાં તેને 'નૅગોશિયેશન ટૂલ' તરીકે ઉપયોગમાં લેવામાં આવશે."
અમેરિકા-પાકિસ્તાન સમજૂતી વિશે ત્યાં શું ચર્ચા થઈ રહી છે?

અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે તેલના ભંડારોને લઈને એક કરાર થયો છે.
બંને દેશો વચ્ચે વેપાર કરારની પણ ચર્ચા થઈ છે. જ્યારે ભારત સાથે હજુ સુધી કોઈ ટ્રેડ ડીલ થઈ નથી અને સંબંધોમાં ઉષ્મા અંગે ઘણી તીખી ટિપ્પણીઓ થઈ રહી છે, ત્યારે પાકિસ્તાનમાં આને કેવી રીતે જોવામાં આવી રહ્યું છે?
આ અંગે બીબીસી ઉર્દૂના સિનિયર ન્યૂઝ ઍડિટર આસિફ ફારૂકી કહે છે કે પાકિસ્તાનમાં આ કરારોનું સ્વાગત થઈ રહ્યું છે.
તેમના મત પ્રમાણે પાકિસ્તાની સરકાર આને દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ કરાર માને છે. સાથે જ આને અમેરિકા અને અન્ય દેશો સાથેના રાજનૈતિક સંબંધોમાં મોટી જીત તરીકે પણ જુએ છે.
અસિફ ફારૂકી કહે છે, "પાકિસ્તાનની અર્થવ્યવસ્થા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખૂબ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ છે. હવે સરકાર દાવો કરી રહી છે કે દેશ હવે ટેકઑફની સ્થિતિમાં છે. આવા સમયે જો પાકિસ્તાની નિકાસને બૂસ્ટ મળે, તો તે અર્થતંત્ર માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.પાકિસ્તાનની નિકાસમાં ટેક્સટાઇલનો મોટો હિસ્સો છે."
"તે ઉપરાંત, તેલના ભંડારોની વાત કરીએ તો છેલ્લાં 20 વર્ષથી પણ વધુ સમયથી પાકિસ્તાની સરકાર પ્રયત્ન કરી રહી છે કે વિવિધ ખાનગી કંપનીઓ અને દેશો આવીને તેલ અને ગૅસના ભંડારો પર કામ કરે, પણ સુરક્ષા અને ટૅક્નૉલૉજી સંબંધિત કારણોસર કંપનીઓ આવી નહોતી."

ઇમેજ સ્રોત, Getty Images
અસિફ ફારૂકી કહે છે, "હવે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ બાબત ખુલ્લેઆમ કહી છે, ત્યારે પાકિસ્તાનને લાગે છે કે જો અમેરિકાની કોઈ મોટી કંપની પોતાની ટૅક્નૉલૉજી સાથે આવે, તો તે તેલ અને ગૅસના ભંડારોને ઍક્સપ્લોર કરવામાં ખૂબ મદદરૂપ થશે."
"આનો અર્થ એ થશે કે છેલ્લાં 20 વર્ષથી પાકિસ્તાનમાં ચાલતું ઊર્જા સંકટ ઉકેલવામાં પણ મદદ મળશે. સરકાર આને મોટી સિદ્ધિ માને છે."
અસિફ ફારૂકી જણાવે છે કે પાકિસ્તાની સરકાર આને પોતાની રાજકીય અને કૂટનૈતિક જીત તરીકે પણ રજૂ કરી રહી છે, કારણ કે ભારત પર વધુ ટેરિફ લાગ્યો છે. ઉપરાંત, ટ્રમ્પે ભારત વિશે જે ભાષા વાપરી છે તેને પણ પાકિસ્તાની સરકાર પોતાની જીત તરીકે માને છે.
તેઓ કહે છે, "પાકિસ્તાનમાં ખુલ્લેઆમ એવું કહેવાય રહ્યું છે કે યુદ્ધ જીત્યા પછી હવે પાકિસ્તાને ભારતને રાજનૈતિક મોરચે પણ હરાવી દીધું છે."
શું પાકિસ્તાન પાસે ઑઇલના ભંડાર છે?

ઇમેજ સ્રોત, Contributor/Getty
અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થયેલા તેલના ભંડારો સંબંધિત કરાર અંગે 'ઇન્ડિપેન્ડન્ટ ઍનર્જી પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ'ના ચૅરમૅન નરેન્દ્ર તનેજાનું માનવું છે કે જ્યાં સુધી આ કરારની તમામ વિગતો સામે ન આવે, ત્યાં સુધી તેને "ડીલ" તરીકે ગણવી યોગ્ય નથી.
નરેન્દ્ર તનેજા કહે છે, "અમેરિકામાં સરકારી તેલ કંપનીઓ હોતી નથી. ત્યાં બધી કંપનીઓ ખાનગી હોય છે, તો કઈ કંપનીએ કરાર કર્યો છે અને ક્યારે કર્યો છે? મારી જાણકારી મુજબ કોઈ કંપનીએ હજુ સુધી કોઈ કરાર કર્યો નથી. અમેરિકી રાષ્ટ્રપતિ કહેશે અને કંપનીઓ પાકિસ્તાન પહોંચી જશે, એવું અમેરિકામાં થતું નથી. આ ખૂબ મોટી કંપનીઓ છે."
"અમેરિકી સરકાર પોતાના ઇરાદા જાહેર કરી શકે છે કે તેઓ પાકિસ્તાન જઈને કામ કરશે, પણ કંપનીઓ ત્યારે જ જશે, જ્યારે તેમને પહેલેથી સુરક્ષા મળે. બીજું એ કે તેલના ભંડાર ક્યાં મળ્યા છે? ટ્રમ્પે કહ્યું છે કે મોટા તેલના ભંડાર છે, તો એ ક્યાં છે અને કેટલા મોટા છે?"
નરેન્દ્ર તનેજા કહે છે કે જ્યાં સુધી આ બધી બાબતો સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી કોઈ પણ કંપની નહીં જાય.
નરેન્દ્ર તનેજા કહે છે, "પાકિસ્તાન થોડા સમયથી કહી રહ્યું છે કે તેના પાસે મોટા ગૅસ અને તેલના ભંડાર છે. આવી વાતો તો ઘણી સરકારો કહે છે. મ્યાનમાર અને બાંગ્લાદેશ પણ ઘણાં વર્ષોથી કહી રહ્યાં છે કે તેમના પાસે મોટા ભંડાર છે."
"આ ભંડાર પણ ત્યારે જ માન્ય ગણાય, જ્યારે આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેને પ્રમાણિત કરે. આ કંપનીઓ વૈજ્ઞાનિક આધાર પર પ્રમાણિત કરે છે અને આખી દુનિયા એ ડેટાને જોઈ શકે છે. હાલમાં એવું કંઈ થયું નથી."
શું રશિયાથી ઑઇલ નહીં ખરીદે ભારત?

ઇમેજ સ્રોત, ALEXANDER ZEMLIANICHENKO/POOL/AFP via Getty
નરેન્દ્ર તનેજા કહે છે, "તેલની કિંમત આખી દુનિયામાં એકસરખી હોય છે, તમે તેલનું ઉત્પાદન કરો કે મોટા વપરાશકર્તા હોવ. વૈશ્વિક સપ્લાય સિસ્ટમમાં દરરોજ રશિયાનો 50 લાખ બેરલ તેલ આવે છે. સપ્લાય સિસ્ટમમાં આવ્યા પછી તેલની કોઈ રાષ્ટ્રીયતા રહેતી નથી."
"ટ્રમ્પ આ 50 લાખ બેરલ તેલને ટાર્ગેટ કરી રહ્યા છે અને કહે છે કે ભારત પણ તેને ન ખરીદે, ચીન પણ ન ખરીદે. જોકે, નેટોનો સભ્ય તુર્કી પણ તેને ખરીદે છે અને યુરોપિયન યુનિયનના ઘણા દેશો પણ રશિયા પાસેથી તેલ ખરીદે છે."
"માની લો કે ભારત, ચીન અથવા કોઈ અન્ય દેશ તેલ ન ખરીદે તો 50 લાખ બેરલ તેલ વૈશ્વિક સપ્લાય સિસ્ટમમાંથી ગાયબ થઈ જશે. તેનું પરિણામ એ થશે કે તેલની કિંમતો તરત જ ઊંચી થઈ જશે."
નરેન્દ્ર તનેજા જણાવે છે કે તેલની કિંમતોનો અસર આખી દુનિયાની અર્થવ્યવસ્થાઓ પર પડશે.
નરેન્દ્ર તનેજા કહે છે, "દુનિયાનો સૌથી મોટો તેલનો વપરાશકર્તા અમેરિકા છે. આવી સ્થિતિમાં તેલની કિંમતો વધશે. અમેરિકાની અર્થવ્યવસ્થાને નુકસાન થશે. ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન થશે. હકીકતમાં, આખી વૈશ્વિક અર્થવ્યવસ્થાને નુકસાન થશે."
નરેન્દ્ર તનેજા કહે છે કે અગાઉ ભારત રશિયા પાસેથી માત્ર બે ટકા તેલ ખરીદતું હતું. આજકાલ રશિયા પાસેથી વધુ તેલ ખરીદે છે, કારણ કે રશિયા સારું એવું ડિસ્કાઉન્ટ આપે છે.
તેઓ કહે છે કે જો અમેરિકા, જે દુનિયાનો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. જો તે ભારતને એવું ડિસ્કાઉન્ટ આપે, તો ભારતની કંપનીઓ ત્યાંથી પણ તેલ ખરીદે.
ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો પર ટ્રમ્પની અસર

ઇમેજ સ્રોત, Getty Images
વડાપ્રધાન મોદીની રાજનૈતિક કૂટનીતિ ઘણીવાર તેમના વ્યક્તિગત વ્યક્તિત્વ સાથે જોડાયેલી ગણાય છે. હવે ભારત-અમેરિકા સંબંધોમાં વિશ્લેષકો "તીખાશ"ની વાત કરી રહ્યા છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો સંસ્થાગત કૂટનીતિ હોત, તો સ્થિતિ અલગ હોત. આંતરરાષ્ટ્રીય સ્તરે આને કેવી રીતે જોવામાં આવે છે?
આ અંગે યુ.કે.સ્થિત પત્રકાર ઝુબેર અહમદ કહે છે કે ભારત અને અમેરિકા વચ્ચે સંસ્થાગત સ્તરે સંબંધો ઊંડા છે. નેતાઓ આ સંબંધોને પોતાનાં હિત માટે ઉપયોગમાં લે છે.
તેઓ કહે છે, "જ્યારે ટ્રમ્પનો પહેલો કાર્યકાળ હતો, ત્યારે 'હાઉડી મોદી' જેવા કાર્યક્રમો થયા. ચૂંટણી સમયે તેનો ઉપયોગ મોદીએ અને ટ્રમ્પે બંનેએ કર્યો."
ઝુબેર અહમદ કહે છે કે મીડિયા એક ભૂલ કરે છે - તે બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચેના ઊંડા સંબંધોને આધારે બંને દેશોના સંબંધોનો અંદાજ લગાવવા માંડે છે.
ઝુબેર અહમદ કહે છે, "બાઇડનના કાર્યકાળ દરમિયાન મોદીને વધુ લાભ મળ્યો હતો. 2023માં બાઇડને મોદીને સ્ટેટ વિઝિટ આપી હતી, જે અગાઉ ટ્રમ્પે પણ નહોતી આપી. એ સમયે બંને (મોદી-ટ્રમ્પ) વચ્ચે ઊંડા સંબંધ જણાવાય રહ્યા હતા. મોદી માટે રેડ કાર્પેટ બિછાવનાર બાઇડન હતા, ટ્રમ્પ નહીં. હવે, ટ્રમ્પ ફરીથી સત્તા પર આવ્યા છે, એટલે તેમને મોદીની જરૂર નથી."
ઝુબેર અહમદ જણાવે છે કે અમેરિકનો એવું માનતા હોય છે કે "તમે અમને લાભ આપો, ત્યારે જ અમે તમને લાભ આપી શકીએ."
તેઓ કહે છે, "ટ્રમ્પે કેટલાક દેશો સાથે કરાર કર્યા છે, જેમાં સૌથી પહેલાં એ શરત રાખી છે કે તેઓ અમેરિકામાં રોકાણ કરશે. ટ્રમ્પને ભારત પાસેથી કંઈ મળતું નથી. વ્યક્તિગત સ્તરે જોવામાં આવે, તો ટ્રમ્પ બંને દેશોના સંબંધોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે."
ઝુબેર અહમદ કહે છે, "એવું બની શકે છે કે થોડા મહિનાઓ માટે ભારતને મુશ્કેલી આવે. ટ્રમ્પનાં હજુ ત્રણ ઉપરાંત વર્ષ બાકી છે. મને લાગે છે કે હાલમાં પીએમ મોદી વિચારતા હશે કે આ સમયને કેવી રીતે પસાર કરવો. આ માટે ધીરજ રાખવી પડશે. ઘણા લોકો માને છે કે આ તીખાશનો સમય પસાર થયા પછી બંને દેશો વચ્ચેના સંબંધો ફરી સામાન્ય અને ઊંડા થઈ જશે."
ભારત પાસે કયા વિકલ્પો?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ઘણા નેતાઓ કહી રહ્યા છે કે આ સમગ્ર પ્રકરણમાં ભારતે કડક વલણ અપાવું જોઈએ. તો શું કૂટનીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વેપારિક સંબંધોમાં ભારત ખરેખર પુશબૅક કરી શકે છે?
આ અંગે પ્રોફેસર શોન રેનું માનવું છે કે હાલમાં ભારતે કોઈ પુશબૅક કરવું ન જોઈએ.
તેઓ કહે છે, "અમેરિકા ઇચ્છે છે કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્ર ખોલે. ભારતે યુકે સાથે પણ કરાર કર્યો છે, તેમાં પણ આ ક્ષેત્રો ખોલ્યાં નથી. ભારત અમેરિકા તરફ 18% નિકાસ કરે છે, જે ઘણું છે. તો હાલમાં આપણે 'વેઇટ ઍન્ડ વૉચ'ની સ્થિતિમાં રહેવું જોઈએ."
પ્રોફેસર શોન રે કહે છે કે પહેલાં તો જોઈએ કે કરારમાં કઈ બાબતો પર સહમતિ સધાય છે, પછી આગળનાં પગલાં લેવા જોઈએ.
ભારત-અમેરિકા વેપાર કરાર પર થઈ રહેલા વિલંબ અંગે તેઓ કહે છે કે આવા કરારો અંગે લાંબા સમય સુધી ચર્ચા થતી હોય છે.
પ્રો. શોન રે જણાવે છે, "યુ.કે. સાથે આપણે ત્રણ વર્ષ સુધી વાટાઘાટો કરી, પછી કરાર થયો. ઈયુ સાથે આપણે 10 વર્ષથી વધુ સમયથી વાત કરી રહ્યા છીએ. આ કરારો ખૂબ જ અલગ હોય છે. કેટલીક વસ્તુઓ તમે નિકાસ કરવા ઇચ્છો છો, તો કેટલીક તેઓ. કરાર ન થઈ શકવાનું કારણ એ છે કે બંને પક્ષોની માંગણીઓ પૂરી થઈ શકતી નથી. તેમની પણ કેટલીક ઘરેલું મજબૂરીઓ છે અને આપણી પણ."
છેલ્લાં કેટલાંક વર્ષોથી એવું કહેવાય રહ્યું છે કે ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે. ખાસ કરીને રશિયા અને ચીનના સંદર્ભમાં હાલના ટ્રમ્પ પ્રશાસનને આ ગમતું નથી. તો શું વેપારના બહાને ભારતને નિશાન બનાવવામાં આવી રહ્યું છે?
ઝુબેર અહમદ કહે છે, "જ્યારે બાઇડન સત્તા પર હતા, ત્યારે પણ ભારત પર દબાણ હતું કે તે રશિયાની નિંદા કરે. માત્ર અમેરિકા જ નહીં, પશ્ચિમના બધા દેશો ભારતથી નિરાશ છે કે ભારતે રશિયાની નિંદા નથી કરી, પણ ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા છે. ભારત દ્વારા રશિયા પાસેથી સસ્તા દરે તેલ ખરીદવું પણ તેમને પસંદ નથી પડતું."
ઝુબેર માને છે કે પશ્ચિમ દેશોમાં ભારત પ્રત્યે નારાજગી છે. તેમનું માનવું છે કે જો ભારત રશિયાની નિંદા ન કરે અને યુક્રેનની તરફેણમાં ન હોય, તો તેનો અર્થ એ થાય છે કે ભારત તટસ્થ નથી.
તેઓ કહે છે, "ટ્રમ્પ રશિયા અને પુતિનની પ્રશંસા કરતા હતા. પશ્ચિમ દેશો ચિંતિત હતા કે આ શું થઈ રહ્યું છે? હવે પુતિનથી ટ્રમ્પ નિરાશ થઈ રહ્યા છે, કારણ કે તેઓ જે સીઝફાયર કરાવવા માંગતા હતા તે થયું નથી."
ઝુબેર કહે છે કે ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત પણ પુતિન પર દબાણ કરે.
ઝુબેર અહમદ કહે છે, "જો રશિયા અને યુક્રેન વચ્ચે સીઝફાયર થઈ જાય, તો ટ્રમ્પ ફરીથી પુતિનની પ્રશંસા કરવા લાગશે અને જો ભારત-રશિયા વચ્ચે સારા સંબંધો યથાવત્ રહેશે, તો પણ તેમને કોઈ ફરક નહીં પડે."
"પણ બીજા યુરોપિયન દેશો સ્થિર છે. તેઓ શરૂઆતથી કહી રહ્યા છે કે ભારતનું આ વલણ યોગ્ય નથી."
ઝુબેર અહમદનું આ પણ માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે 'ભારતનું મહત્ત્વ થોડું ઘટ્યું છે.'
તેઓ કહે છે, "ખાસ કરીને છેલ્લાં બે વર્ષમાં એવું લાગતું હતું કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચું ઊઠી રહ્યું છે, તેમાં ભારતનું મહત્ત્વ થોડું ઘટ્યું છે. પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં પણ આ જોવા મળ્યું કે ભારતના પક્ષમાં કોઈ પણ પશ્ચિમ દેશ સીધો આગળ આવ્યો નહીં. આથી ભારતને ચોક્કસથી નિરાશા થઈ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













