ગુજરાતનું હવામાન: ગત વર્ષની સરખામણીએ વરસાદમાં ઘટ, સપ્તાહની શરૂઆતમાં ક્યાં વરસાદ પડશે?

ગુજરાત હવામાન આગાહી, ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી સમાચાર, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર

ગુજરાતમાં ચોમાસાની લગભગ અડધી સિઝન પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યમાં સિઝનનો લગભગ 63 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.

જૂન મહિનામાં તાજેતરનાં વર્ષો દરમિયાનનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે જુલાઈ મહિના દરમિયાન 'પ્રમાણમાં' ઓછો વરસાદ પડ્યો હોવા છતાં સરાસરી જળવાય રહેવા પામી હતી.

જોકે, રવિવારની સ્થિતિ પ્રમાણે, આંકડાકીય દૃષ્ટિએ ગત વર્ષની સરખામણીમાં વરસાદી ઘટ જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ અમુક જિલ્લામાં વરસાદની સ્થિતિ સારી રહેશે.

હવામાન ખાતા દ્વારા આવતા સપ્તાહ માટે કોઈ ચેતવણી કે ઍલર્ટ બહાર પાડવામાં નથી આવ્યું.

સપ્તાહની શરૂઆતમાં 'શ્રીકાર' વર્ષા

ગુજરાત હવામાન આગાહી, ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું બીબીસી સમાચાર, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, imd.gov.in

રવિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર એમ તમામ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

રવિવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લા તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અનેક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં અમુક સ્થળોએ તથા કચ્છમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આ આગાહી સામાન્ય રીતે સવારે સાડા આઠ વાગ્યાથી બીજા દિવસે સવારે સાડા આઠ વાગ્યાની સ્થિતિ મુજબ આપવામાં આવતી હોય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોમવારે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા (હવામાન વિભાગના વર્ગીકરણ પ્રમાણે) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર એમ તમામ જિલ્લામાં ઉપરાંત; શ્રાવણ મહિનાના સોમવારે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ એમ એમ તમામ જિલ્લાનાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.

તો દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપી, નવસારી, વલસાડ એમ તમામ જિલ્લામાં ઘણાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે.

આ સિવાય સોમવારે કેન્દ્ર શાસિત દીવમાં છૂટાછવાયાં સ્થળોએ તથા દાદરા અને નગર હવેલીમાં મોટાભાગનાં સ્થળોએ વરસાદ પડશે. કચ્છ જિલ્લામાં છૂટાછવાયાં સ્થાનોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વર્ગીકરણ પ્રમાણે, 24 કલાકના ગાળામાં 2.5 મીમીથી લઈને 15.5 મીમી વરસાદને હળવો વરસાદ માનવામાં આવે છે. આવી જ રીતે 24 કલાકમાં 15.6 મીમીથી લઈને 64.4 મીમી વરસાદને મધ્યમ વરસાદ માનવામાં આવે છે.

મંગળવારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ; ઉપરાંત કેન્દ્રશાસિત દીવમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવી જ પરિસ્થિતિ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં રહેશે.

તો કેન્દ્ર શાસિત દમણ અને દાદરા નગર હવેલીના મોટાભાગનાં સ્થાનોએ તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

ગત વર્ષની સરખામણીએ વરસાદમાં ઘટ

વીડિયો કૅપ્શન, Gujarat Rain : ગુજરાતમાં આખુ અઠવાડિયું કેવો વરસાદ પડશે?

સત્તાવાર રીતે પહેલી જૂનથી ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ માનવામાં આવે છે તથ એ મુજબ જ ડેટા એકઠો કરવામાં આવે છે. જે મુજબ ત્રીજી ઑગસ્ટ સુધીની સ્થિતિ ઉપર નજર કરીએ તો ગત વર્ષની સરખામણીએ અત્યારસુધીમાં 4.5 ટકા જેટલી ઘટ સૂચવે છે.

ગત વર્ષે અત્યારસુધીમાં ગુજરાતમાં સરેરાશ 585.83 મીમી વરસાદ પડ્યો હતો, જે કુલ જરૂરિયાતના 66.35 % જેટલો હતો. ચાલુ વર્ષે હજુ સુધી 558.76 મીમી વરસાદ પડ્યો છે, જે 63.36 ટકા જેટલો છે.

ગુજરાત સરકારના ડેટા મુજબ, તા. બીજી ઑગસ્ટની સ્થિતિ મુજબ, સૌરાષ્ટ્રમાં સિઝનનો 55 ટકા જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાયના તમામ વિસ્તારોમાં કચ્છ (64.16), ઉત્તર ગુજરાત (65.47), પૂર્વ-મધ્ય ગુજરાતમાં (64.87), દક્ષિણ ગુજરાતમાં (67.11) સિઝનનો વરસાદ પડ્યો છે.

જોકે, ચોમાસાનો એક સારો સ્પેલ આ ઘટને સરળતાથી ભરી શકે છે એવું જાણકારોનું માનવું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન