કિમ જોંગ ઉને કેમ કર્યું યુક્રેન પર રશિયાના આક્રમણનું સમર્થન?

વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉન વાતચીત બાદ હાથ મિલાવતા નજરે પડે છે.

ઇમેજ સ્રોત, POOL

ઇમેજ કૅપ્શન, વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉન વાતચીત બાદ હાથ મિલાવતા નજરે પડે છે
    • લેેખક, મૂન જૂન-આહ
    • પદ, બીબીસી દક્ષિણ કોરિયા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બુધવારે ઉત્તર કોરિયા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્વાગત સમારોહ બાદ રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે વાતચીત થઈ હતી.

રાષ્ટ્રપતિ પુતિન નવ કલાક માટે કોરિયાની ધરતી પર હતા જ્યાં તેમણે વ્યસ્ત ઍજન્ડાને પૂર્ણ કર્યો હતો. પુતિને પોતાના સમકક્ષ કિમ જોંગ ઉન સાથે બેઠકો કરી હતી.

રશિયાની સમાચાર સંસ્થાને ટાંકીને રૉયટર્સએ પોતાના રિપોર્ટમાં લખ્યું કે બંને નેતાઓ વચ્ચે વાતચીતનો દોર બે કલાક સુધી ચાલ્યો હતો.

કિમ જોંગ ઉને યુક્રેન પર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાનું સમર્થન કર્યું છે.

રશિયાની એજન્સી ઇન્ટરફૅક્સના એક રિપોર્ટ પ્રમાણે કિમ જોંગ ઉને કહ્યું કે, ઉત્તર કોરિયાનો હેતુ રશિયા સાથે પોતાના રાજદ્વારી સહયોગને વધુ મજબૂત કરવાનો છે.

પુતિને બંને દેશો વચ્ચેની દશકો જૂની મિત્રતાનો પણ ઉલ્લેખ કર્યો. આશરે 24 વર્ષ પછી રશિયાના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયા પહોંચ્યા છે. છેલ્લે 2000ની સાલમાં પુતિન ઉત્તર કોરિયાની મુલાકાતે ગયા હતા.

રશિયાની મીડિયા એજન્સી આરઆઈએના રિપોર્ટ પ્રમાણે બંને નેતાઓએ વ્યાપક રાજદ્વારી ભાગીદારી સમજૂતી પર પણ હસ્તાક્ષર કર્યા છે.

પુતિનના સલાહકાર યૂરી ઉશાકોવએ મંગળવારે આ વિશે રશિયન મીડિયા સાથે વાત કરી હતી. જો કે આ સમજૂતિમાં શું-શું સામેલ છે કે વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

પુતિન અને કિમ જોંગ ઉન: ત્રણ કારણો જે રશિયા અને ઉત્તર કોરિયાની મૈત્રી માટે મહત્ત્વપૂર્ણ છે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

ઇમેજ સ્રોત, SERGEI KARPUKHIN/POOL/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પુતિને છેલ્લે વર્ષ 2000માં ઉત્તર કોરિયાની યાત્રા કરી હતી, ત્યારે કિમના પિતા કિમ જોંગ-ઇલ સત્તામાં હતા.

કિમ જોંગ ઉન અને પુતિનની છેલ્લી મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં થઈ હતી. આ મુલાકાત દરમિયાન જ કિમ જોંગ ઉને પુતિનને ઉત્તર કોરિયાની મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું.

ગયા વર્ષે થયેલી બેઠકમાં બંને દેશો વચ્ચે સંબંધનો પાયો નખાયો હતો. નિષ્ણાતો માને છે કે વર્તમાન બેઠક દર્શાવે છે કે બંને દેશો વચ્ચે સંબંધ ઘણા આગળ વધી ચૂક્યા છે.

આ વખતે બંને નેતાઓ વચ્ચેની મુલાકાતના કેન્દ્રમાં સૈન્ય સહયોગ છે. આ ઉપરાંત અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ, ખેતી, પર્યટન જેવાં ક્ષેત્રોમાં પણ બંને દેશો વચ્ચે નવી તકો શોધવા માટે પણ આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે.

દક્ષિણ કોરિયા અને અમેરિકાએ ઉત્તર કોરિયા પર યુક્રેન યુદ્ધમાં રશિયાને હથિયાર સપ્લાઈ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે ઉત્તર કોરિયા અનાજ અને સૈન્ય મદદની બદલે રશિયાને હથિયાર મોકલી રહ્યું છે.

બંને દેશો હથિયારોના આદાન-પ્રદાનને લઈને થયેલા કરારોને નકારે છે. જોકે, બંને દેશોએ ગયા વર્ષે સૈન્ય સંબંધોને મજબૂત કરવાનો વાયદો કર્યો હતો.

રશિયાના યુક્રેન પર હુમલાને કારણે પશ્ચિમના દેશો સાથે પુતિનના સંબંધો અત્યંત ખરાબ છે અને તેઓ બીજા સહયોગીઓની શોધમાં છે.

પુતિન ઉત્તર કોરિયા પછી રશિયાના જૂના સહયોગી વિયેતનામનો પ્રવાસ કરશે. બંને દેશો ત્યાં વેપારને લગતા વિષયો પર ચર્ચા કરવાના છે.

આ સંદર્ભે આ ત્રણ કારણો રશિયા અને ઉત્તર કોરિયાના સંબંધો માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.

બીબીસી ગુજરાતી

સૈન્ય સહયોગ

પુતિન અને કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પુતિન અને કિમ જોંગ-ઉન

રશિયાના યુક્રેન પર હુમલાનાં લગભગ અઢી વર્ષ પછી ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે પરસ્પર નિર્ભરતા વધી રહી છે. કારણ કે બંને દેશોને એકબીજાની જરૂર છે.

નામ સુંગ-વૂક કોરિયા યૂનિવર્સિટીમાં યુનિફિકેશન અને ડિપ્લોમસી વિભાગમાં પ્રોફેસર છે. તેઓ કહે છે કે આ સમયે બંને નેતાઓ વચ્ચેની મુલાકાતનો ઍજન્ડા એ હતો કે ઉત્તર કોરિયામાં બનેલાં કેટલાં હથિયારો રશિયાને આપવામાં આવશે.

કેટલાક નિષ્ણાતો માને છે કે આ મુલાકાત માત્ર ઉત્તર કોરિયા દ્વારા મોકલવામાં આવતાં હથિયારો સુધી સિમિત નહોતી અને ટૂંકાગાળાની સમજૂતીઓથી આગળ વધી છે. બંને દેશો હથિયારો વિકસાવવા માટે એક સંયુક્ત પ્રોગ્રામ થકી સૈન્ય સહયોગને એક સ્તર ઉપર લઈ જાય તેવી સંભાવનાઓ છે.

અટકળો એવી પણ છે કે રશિયાને હથિયારોની સપ્લાઇના બદલે ઉત્તર કોરિયાએ અનાજ અને ઇંધણ ઉપરાંત અનેક વસ્તુઓની માંગણી કરી છે.

પ્રોફેસર નામ સુંગ-વૂકે કહ્યું, “ઉત્તર કોરિયા ગયા મે મહિનામાં એક સૈન્ય ઉપગ્રહ લૉન્ચ કરવામાં અસફળ રહ્યું હતું. ઉત્તર કોરિયા ઍરોસ્પેસ ટૅકનૉલૉજી વિકસાવવા માટે આ બેઠકમાં રશિયાની મદદ માંગી શકે છે.”

કારણ કે ઉપગ્રહોના સફળ પ્રક્ષેપણ માટે ઉત્તર કોરિયાને રશિયાની મદદની જરૂર છે.

આ ઉપરાંત ઉત્તર કોરિયા ઉપગ્રહો અને પરમાણુ સબમરીનોનું રિઝૉલ્યૂશન વધારવા માટે રશિયા પાસેથી ઔદ્યોગિક અને તકનીકી મદદ માગી શકે છે.

પ્રોફેસર નામ સુંગ-વૂકે કહ્યું કે પરમાણુ હથિયારોને લગતા મુદ્દા વિશે સત્તાવાર કોઈ ચર્ચા થાય તે વાત અશક્ય છે.

રાષ્ટ્રપતિ પુતિન વર્તમાનમાં યુક્રેનમાં પશ્ચિમી હથિયારોની એન્ટ્રી અને તેને કારણે રશિયા પર હુમલાની આશંકા બાબતે અત્યંત સંવેદનશીલ છે. તેમણે પરમાણુ હથિયારના ઉપયોગની શક્યતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જોકે, રશિયા જો ઉત્તર કોરિયા સાથે પરમાણુ હથિયારોને લગતી કોઈ પણ સમજૂતી કરે તો અમેરિકા અને ચીન જેવા દેશોનો વિરોધ જોવા મળી શકે છે. બંને નેતાઓ આ મુલાકાતમાં પરમાણુ હથિયાર વિશે થયેલી કોઈ પણ વાતચીત વિશે જાહેરમાં ખુલાસો નહીં કરે.

આર્થિક સહયોગ

રશિયાના મોસ્કોસ્થિત આવેલું ઉત્તર કોરિયાનું રેસ્ટ્રોરન્ટ કોરિયો

ઇમેજ સ્રોત, Getty Images

રશિયા અને ઉત્તર કોરિયા બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વિશે પણ ચર્ચા કરશે.

કાંગ ડોંગ-વાન ડોંગ-એ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ અને ડિપ્લોમસીના પ્રોફેસર છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયાને રશિયા પાસેથી જે વસ્તુની સૌથી વધારે જરૂરત છે તે એ છે ઉત્તર કોરિયાના શ્રમિકો રશિયા જઈને વિદેશી મુદ્રાની કમાણી કરે.

આનો અર્થ છે કે ઉત્તર કોરિયા વધારે શ્રમિકોને રશિયા મોકલે તેવી સંભાવનાઓ વધારે છે.

યુદ્ધને કારણે રશિયાને ઇમારતોના પુન:નિર્માણ માટે પણ શ્રમિકોની જરૂર છે. યુક્રેનમાં યુદ્ધને કારણે થયેલા નુકસાનમાંથી અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે પુન:નિર્માણ માટે મોટી સંખ્યામાં શ્રમિકોની જરૂર છે.

સંયુક્ત રાષ્ટ્રના સિક્યૉરિટી કાઉન્સિલે ઉત્તર કોરિયા પર મુકેલા પ્રતિબંધો પ્રમાણે, ઉત્તર કોરિયાના શ્રમિકોને વિદેશમાં કામ કરવાની પરવાનગી નથી અને ઉત્તર કોરિયાના જે શ્રમિકો વિદેશમાં કામ કરી રહ્યા હતા તેમને પણ 22મી ડિસેમ્બર, 2019 પહેલાં પરત મોકલવામાં આવ્યા હતા.

રશિયા સંયુક્ત રાષ્ટ્રના સિક્ટોરિટી કાઉન્સિલમાં એક સ્થાયી સભ્ય છે. આ કારણે જો રશિયા સત્તાવાર રીતે ઉત્તર કોરિયાના શ્રમિકોને રશિયામાં કામ આપશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે હંગામો થશે.

બંને દેશો એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરશે કે આંતરરાષ્ટ્રીય વિરોધ અને રાજદ્વારી દબાણ છતાં પણ આર્થિક સહયોગને કેવી રીતે આગળ વધારવામાં આવે.

સાંસ્કૃતીક આદાન-પ્રદાન

વોસ્તોક ઇન્ટ્રુ દ્રારા યોજાયેલા પ્રથમ સમૂહ પ્રવાસમાં 98 લોકોએ ઉત્તર કોરિયાનો પ્રવાસ કર્યો હતો

ઇમેજ સ્રોત, Vostok Intru

ઇમેજ કૅપ્શન, વોસ્તોક ઇન્ટ્રુ દ્રારા યોજાયેલા પ્રથમ પ્રવાસમાં 98 લોકોએ ઉત્તર કોરિયાનો પ્રવાસ કર્યો હતો

રશિયાએ ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર કોરિયાની સામૂહિક યાત્રાઓ ફરીથી શરૂ કરી હતી જે કૉવિડને કારણે બંધ કરવામાં આવી હતી.

આ મહિનાની શરૂઆતમાં જ રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે પેસેન્જર ટ્રેન સર્વિસ પણ ચાર વર્ષમાં પહેલી વખત શરૂ કરવામાં આવી હતી.

રશિયાના પ્રિમોસ્કી ક્રાઈ વિસ્તારની સરકારે આપેલી માહિતી પ્રમાણે, રશિયાના 400થી વધારે પ્રવાસીઓએ આ વર્ષે ફેબ્રુઆરી અને મે વચ્ચે ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી.

રશિયાની ટ્રાવેલ એજન્સી વોસ્તોક ઇન્ટ્રુ પોતાની વૅબસાઇટ પર ઉત્તર કોરિયા માટે 750 ડૉલરમાં પાંચ દિવસ અને ચાર રાતની ટૂરનું પૅકેજ વેચે છે.

ઉત્તર કોરિયાની સામૂહિક પ્રવાસની પણ ઑફર કરી શકાય છે, જે સપ્ટેમ્બર સુધી બુક કરી શકાય છે.

કિમ ડોંગ-યુપ યુનિવર્સિટીમાં ઉત્તર કોરિયા અભ્યાસ વિભાગના પ્રોફેસર છે. તેમણે ઉત્તર કોરિયાના ર્યટનમાં હાલમાં થયેલી વૃદ્ધિ વિશે કહ્યું, “કારણ કે પ્રવાસીઓ માત્ર એક વિદેશી મુદ્રા મેળવવાનું સાધન નથી. બંને દેશો વચ્ચે સંબંધ સુધારવા માટે પ્રવાસીઓ એક મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.”

તેમણે ઉમેર્યું કે રશિયાના લોકો દ્વારા ઉત્તર કોરિયાનો પ્રવાસ બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને આગળ વધારવામાં ઘણી મદદ કરશે.

એક વિશ્લેષણ પ્રમાણે જેમ-જેમ બંને દેશના લોકો વચ્ચે મુલાકાતો વધે છે તેમ-તેમ બંને દેશોની એકબીજા પર નિર્ભરતા મજબૂત બને છે, જેને કારણે સૈન્ય તણાવ ઓછો થાય છે.

પ્રોફેસર કિમે જણાવ્યું કે વિદેશી પ્રવાસીઓના ઉત્તર કોરિયાના પ્રવાસ થકી દેશની છબિમાં પણ સુધારો થઈ શકે છે.

આ કારણે ઉત્તર કોરિયાના ટૂરિઝમને આર્થિક ફાયદાથી પણ વધારે સામાજિક અને સાંસ્કૃતીક આદાન-પ્રદાન અને આંતરરાષ્ટ્રીય છબિ સુધારવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

જોકે, હાલમાં જ ઉત્તર કોરિયાના સમૂહ પ્રવાસો રદ થવાના મામલાઓ સામે આવ્યા છે.

એક ટ્રાવેલ એજન્સીએ જાહેરાત કરી હતી કે ઉત્તર કોરિયાનો ચાર દિવસીય સમૂહ પ્રવાસ આવેદકોની અછતને કારણે રદ કરવામાં આવ્યો હતો.

ઉત્તર કોરિયામાં પ્રવાસીઓ માટે મૂળભૂત માળખાની અછત અને વિદેશી લોકોની છૂટથી અવરજવર પર પ્રતિબંધ છે. આ કારણે પર્યટન ઉદ્યોગનો ઉત્તર કોરિયામાં વિસ્તાર કરવો મુશ્કેલ છે.

પ્રોફેસર કાંગ ડોંગ-વાને જણાવ્યું કે ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે આ શિખર સંમેલનમાં પર્યટન સહયોગ પર ચર્ચા કરવાનો મોકો મળશે.

24 વર્ષ પછી ઉત્તર કોરિયાનો પ્રવાસ

ઓગસ્ટ 2002માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ઉત્તર કોરિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ કિમ જોંગ-ઇલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓગસ્ટ 2002માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ઉત્તર કોરિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ કિમ જોંગ-ઇલ

રાષ્ટ્રપતિ પુતિને 19 જૂલાઈ 2000નાં રોજ પહેલી વખત પ્યોંગયાંગનો પ્રવાસ કર્યો હતો અને તત્કાલીન રાષ્ટ્રપતિ કિમ જોંગ-ઇલની મુલાકાત લીધી હતી.

કૉલ્ડવૉરના અંત પછી રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે આ પ્રથમ શિખર સંમેલન હતું.

તે સમયે રશિયા આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ફરીથી બેઠું થવાનું સપનું જોઈ રહ્યું હતું. બીજી તરફ ઉત્તર કોરિયા “હાર્ડ માર્ચ”ના સમયને ખતમ કરીને બહારની દુનિયા સાથે સંપર્ક વધારવાની કોશિશ કરી રહ્યું હતું.

બંને નેતાઓએ તે સમયે ઉત્તર કોરિયા અને રશિયા દ્વારા કરવામાં આવેલી સંયુક્ત ધોષણાને અપનાવી હતી. આ ધોષણામાં બંને દેશો વચ્ચે ઉત્તર કોરિયાના મિસાઇલને લગતા મુદ્દાઓ ઉપરાંત કેટલાક મુદ્દાઓ વિશે સહયોગ માટે સમજૂતી થઈ હતી.

ખાસ કરીને સૈન્ય સહયોગના મામલે બંને દેશોએ સમજૂતી કરી હતી કે આક્રમણની સ્થિતિમાં બંને દેશો એકબીજાનો તરત જ સંપર્ક કરશે.

આ વાતને ધ્યાનમાં રાખીએ તો રશિયા અને ઉત્તર કોરિયાના સંબંધો મજબૂત થયા છે અને અટકળો છે કે વર્તમાન મુલાકાત દરમિયાન આ સમજૂતીને વધારે મજબૂત થઈ છે.

પ્રોફેસર નામ સુંગ-વૂકે સમજાવ્યું, “પુતિને જ્યારે છેલ્લી વખતે ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી ત્યારે ઉત્તર કોરિયાની સૈન્ય કાર્યવાહી મર્યાદિત હતી. જોકે, યુક્રેન યુદ્ધને એક મોકાના સ્વરૂપે જોતા ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચે સૈન્ય સંબંધો મજબૂત બન્યાં છે. આ શિખર સંમેલન થકી બંને દેશો વચ્ચે ભૂતકાળની સરખામણીએ વધારે નજીક આવશે.”

તેમણે કહ્યું, “એવું લાગી રહ્યું છે કે વાત લગભગ ગઠબંધનના સ્તરે પહોંચી જશે.”

તેમણે ઉમેર્યું કે સૌથી મોટું અંતર એ છે કે ઉત્તર કોરિયા પાસે પહેલાં પરમાણુ હથિયાર ન હતા, જે આજે હોવાનું માનવામાં આવે છે.

“આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક રાજનીતિમાં ફેરફારો થઈ રહ્યા છે અને અમેરિકા કેન્દ્રિત યુનિપૉલાર સિસ્ટમ નબળી પડી રહી છે. આ સમયે રશિયા અને ઉત્તર કોરિયા પોતાનાં રાષ્ટ્રીય હિતો માટે એકબીજા સાથે ભાગીદારીના નવા રસ્તાઓ શોધી રહ્યા છે.”

નામ સુંગ-વૂકે ઉમેર્યું કે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સંબંધો અત્યંત ખરાબ છે તેવા સમયમાં ઉત્તર કોરિયા કોઈ નવી ડિપ્લોમેટિક કૂટનીતિ તૈયાર કરે તેવી શક્યતા છે.