કિમ જોંગ-ઉન : ડોનાલ્ડ ટ્રમ્પને 'વ્યાકુળ અમેરિકન વૃદ્ધ' કહેનાર ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતાની કહાણી

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, Reuters

ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન અંગે અનેક અટકળો ફેલાઈ રહી છે.

કિમ જોંગ-ઉને ઉત્તર કોરિયાની સર્વોચ્ચ નેતાગીરી સંભાળી ત્યારે તેઓ બહુ ઓછો રાજકીય અથવા લશ્કરી અનુભવ ધરાવતા હતા.

ઉત્તર કોરિયાના "પ્રિય નેતા" કિમ જોંગ-ઇલનું ડિસેમ્બર, 2011માં અવસાન થયું એ પહેલાં જ કિમ જોંગ-ઉનને તેમના અનુગામી તરીકે તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

પિતા કિંગ જોંગ-ઇલના અવસાન પછી તરત જ યુવા કિમ જોંગ-ઉનને તેમના "મહાન વારસદાર" તરીકે વધાવવામાં આવ્યા હતા.

કિમ જોંગ-ઇલના અવસાનના એક જ પખવાડિયામાં કિમ જોંગ-ઉનને પક્ષના, દેશના અને સૈન્યના વડા જાહેર કરવામાં આવ્યા હતા.

એ પછી કિમ જોંગ-ઉને, અમેરિકા સાથેની ઐતિહાસિક મંત્રણા તથા દક્ષિણ કોરિયા સાથેના સંબંધ સુધારવાના પગલાં લેવાની સાથે ઉત્તર કોરિયાના શસ્ત્ર કાર્યક્રમને આગળ વધારવામાં પ્રતિબદ્ધતા દાખવી છે અને અણુશસ્ત્રો તથા મિસાઇલ પરીક્ષણના આદેશ આપતા રહ્યા છે.

શક્તિશાળી કાકા અને સાવકા ભાઈની હત્યાના આરોપમાંથી મુક્તિ મેળવીને તેમણે ખુદની નિર્દય નેતા તરીકેની છબી બનાવી છે. સાવકા ભાઈની હત્યાનો આદેશ તેમણે જ આપ્યો હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે.

'મોર્નિંગ સ્ટાર કિંગ'

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, કિમ જોંગ ઉન

કિમ જોંગ-ઇલ અને તેમનાં ત્રીજાં પત્ની કો યોંગ-હુઈના સૌથી નાના પુત્ર કિમ જોંગ-ઉનનો જન્મ 1983 કે 1984માં થયો હતો.

શરૂઆતમાં તેમને તેમના પિતાના વારસદાર તરીકે જોવામાં આવતા ન હતા. વિશ્લેષકો કિમ જોંગ-ઉનના સાવકા ભાઈ કિમ જોંગ-નામ અને સગા મોટાભાઈ કિમ જોંગ-ચોલને કિમ જોંગ-ઇલના વારસદાર માનતા હતા.

અલબત, કિમ જોંગ-નામને મે-2001માં જાપાનમાં નિષ્કાષિત કરવામાં આવ્યા અને વચલા ભાઈ કિમ જોંગ-ચોલના કથિત "ડરપોકપણા"ને કારણે કિમ જોંગ-ઉન માટે સત્તા સંભાળવાની શક્યતા બળવતર બની હતી.

તેમને સંખ્યાબંધ હાઈ-પ્રોફાઈલ પદવી આપવામાં આવી એ પછી વિશ્લેષકો તેમને ભાવિ નેતા માનવા લાગ્યા હતા.

પોતાના ભાઈઓની માફક સ્વિડનમાં ભણેલા કિમ જોંગ-ઉને પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ પોતાના પર પડવા દીધો ન હતો. તેઓ સ્કૂલમાં ન હોય ત્યારે ઘરે પાછા ફરતા અને ઉત્તર કોરિયાના રાજદૂત સાથે બહાર ભોજન કરવા જતા.

જુલાઈ-2017માં બેલેસ્ટિક મિસાઇલના લોન્ચિંગ બાદ મીડિયાએ કિમ જોંગ-ઉનને ખુશખુશાલ મૂડમાં દેખાડ્યા હતા.

ઇમેજ સ્રોત, KCNA

ઇમેજ કૅપ્શન, જુલાઈ-2017માં બેલેસ્ટિક મિસાઇલના લોન્ચિંગ બાદ મીડિયાએ કિમ જોંગ-ઉનને ખુશખુશાલ મૂડમાં દેખાડ્યા હતા.

પ્યોંગયાંગ પાછા ફર્યા પછી તેમણે કિમ ઇલ-સુંગ મિલિટરી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

કિમ જોંગ-ઉનના મમ્મી કો યોંગ-હુઇને તેમના પિતા કિમ જોંગ-ઇલના પ્રિય પત્ની હોવાનું માનવામાં આવે છે અને કિમ જોંગ-ઉનને કો યોંગ-હુઈ બહુ પ્રેમ કરતાં હતાં અને તેમને "મોર્નિંગ સ્ટાર કિંગ" કહેતાં હતાં.

ઓગસ્ટ-2010માં કિમ જોંગ-ઇલે ચીનની મુલાકાત લીધી ત્યારે એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે એ મુલાકાતમાં કિમ જોંગ-ઉન પણ તેમના પિતાની સાથે હતા.

એ સમય સુધીમાં કિમ જોંગ-ઉન તેમના પિતાના વારસદાર ગણાવા લાગ્યા હતા અને કિમ જોંગ-ઇલનું અવસાન થયું કે તરત જ એ વાત સાબિત થઈ હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સૈન્ય સર્વોચ્ચ

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, KCNA

ઉત્તર કોરિયાએ તેના સ્થાપક કિમ ઇલ-સુંગની 100મી જયંતીની ઊજવણી 15, એપ્રિલ 2012ના રોજ કરી ત્યારે કિમ જોંગ-ઉને તેમનું સૌપ્રથમ જાહેર ભાષણ આપ્યું હતું.

એ ભાષણમાં તેમણે "સૈન્ય સર્વોચ્ચ"ની નીતિને વખાણી હતી અને પોતાના દેશને કોઈ ડરાવી શકે એવા સમયનો "હંમેશ માટે" અંત આવી ગયો હોવાનું જણાવ્યું હતું.

તેમની નેતાગીરી હેઠળ ઉત્તર કોરિયાનો અણુ તથા મિસાઇલ કાર્યક્રમ સતત ચાલતો રહ્યો હતો અને તેમાં દેશે ઝડપી હરણફાળ ભરી હતી. વધુ ચાર અણુ પરીક્ષણો સાથે દેશે તેમના કાર્યકાળમાં કુલ છ પરીક્ષણો કર્યાં હતાં.

લાંબી રેન્જના મિસાઇલમાં લોડ કરી શકાય તેવા હાઈડ્રોજન બૉમ્બના લઘુ સ્વરૂપનું સફળ પરીક્ષણ કર્યું હોવાનો દાવો પ્યોંગયાંગ કરે છે, પણ તેનો કાર્યક્રમ કેટલો આગળ વધ્યો છે એ બાબતે નિષ્ણાતોમાં ભિન્નમત પ્રવર્તે છે.

ફેક્ટરીનું ઇન્સ્પેક્શન કરતા કિમ જોંગ-ઉનના ફોટોગ્રાફ્સ સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થતા રહે છે

ઉત્તર કોરિયાના મિસાઇલનો વ્યાપ પણ વધ્યો હોય તેવું લાગે છે. ઉત્તર કોરિયાએ 2017માં સંખ્યાબંધ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું અને દાવો કર્યો હતો કે તેણે છેક અમેરિકા સુધી પહોંચી શકે તેવા આંતરખંડિય બૅલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.

આ દાવાને પગલે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેના ઉત્તર કોરિયાના સબંધમાં તંગદિલી વધી હતી અને સંયુક્ત રાષ્ટ્રસંઘે તેના પરનાં નિયંત્રણો આકરાં બનાવ્યાં હતાં.

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન વચ્ચેના ઉગ્ર વાકયુદ્ધને પગલે બન્ને દેશો વચ્ચેની દુશ્મનાવટ પણ ઉગ્ર બની હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતાને "આપઘાત કરવા નીકળેલા રૉકેટ મેન" કહ્યા હતા, જ્યારે કિમ જોંગ-ઉને અમેરિકાના નેતાને "વ્યાકુળ અમેરિકન વૃદ્ધ" કહ્યા હતા.

કિમ જોંગ-ઉને તેમના નવા વર્ષના રાષ્ટ્રીય સંબોધનમાં દક્ષિણ કોરિયાને સંબંધ સુધારવાનું નોતરું આપતાં કહ્યું હતું કે તેઓ મંત્રણા માટે તૈયાર છે અને દક્ષિણ કોરિયામાં ફેબ્રુઆરી, 2018માં યોજાનારી વિન્ટર ઑલિમ્પિક્સ માટે પોતાના દેશની ટીમ મોકલી શકે છે.

એ પછી રાજદ્વારી ગતિવિધિએ વેગ પકડ્યો હતો અને બન્ને કોરિયાની ટીમોએ એક ધ્વજ હેઠળ ઑલિમ્પિક્સના ઉદઘાટન સમારંભમાં સાથે કૂચ કરી હતી.

બન્ને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકો પણ યોજાઈ હતી.

કિમ જોંગ-ઉને ઉત્તર કોરિયાના નેતા બન્યા પછી સૌપ્રથમવાર વિદેશ પ્રવાસ કર્યો હતો અને ઉત્તર કોરિયાના મુખ્ય સાથી તથા વ્યાપારી ભાગીદાર ચીનની મુલાકાતે ટ્રેનમાં ગયા હતા.

કિમ જોંગ-ઉને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધ સુધારવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી અને એપ્રિલ-2018માં સિંગાપુરમાં બન્ને નેતાઓ વચ્ચે ઐતિહાસિક વ્યક્તિગત મંત્રણા યોજાઈ હતી. એ મંત્રણાનો મુદ્દો ઉત્તર કોરિયાના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો હતો.

દુશ્મનો અને દોસ્તોઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, દુશ્મનો અને દોસ્તોઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન

કિમ જોંગ-ઉનેએ વખતે કહ્યું હતું કે તેમણે તમામ મિસાઇલ પરીક્ષણ મોકુફ રાખ્યાં છે અને અણુ પરીક્ષણ સ્થળે તાળું મારી દીધું છે, કારણ કે તેમના દેશે "અણુશસ્ત્રો બનાવવાની ક્ષમતા" હાંસલ કરી લીધી છે.

એ મોકુફીને આંતરરાષ્ટ્રીય સ્તરે આવકારવામાં આવી હતી, પણ નિરીક્ષકોએ જણાવ્યું હતું કે પોતાની પાસેના શસ્ત્રોના નાશનું વચન પ્યોંગયાંગે આપ્યું નથી અને અણુ કાર્યક્રમને થંભાવવાનું વચન તેમણે અગાઉ પણ પાળ્યું ન હતું.

એ પછીના વર્ષે કિમ જોંગ-ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પની, ઉત્તર તથા દક્ષિણ કોરિયાને અલગ કરતા ડિમિલિટરાઈઝ્ડ ઝોનમાં યોજાયેલી પ્રતિકાત્મક બેઠકમાં દક્ષિણ કોરિયાના નેતા મૂન જાઈ-ઈન પણ જોડાયા હતા.

અલબત, એ પછીના સમયમાં અમેરિકા તથા ઉત્તર કોરિયા વચ્ચેનો સંબંધ ફરી બગડ્યો હતો અને પ્યોંગયાંગ તેનો અણુ કાર્યક્રમ સંપૂર્ણપણે પડતો ન મૂકે ત્યાં સુધી પ્રતિબંધો ઉઠાવવાનો અમેરિકાએ ઇન્કાર કર્યો પછી મંત્રણા સ્થગિત થઈ ગઇ હતી.

એ પછી જાન્યુઆરી-2020માં કિમ જોંગ-ઉને કહ્યું હતું કે, અમેરિકા સાથેની મંત્રણા વખતે અણુશસ્ત્રો તથા લાંબા અંતરની મિસાઇલનું જે પરીક્ષણ મોકુફ રાખવામાં આવ્યું હતું તે ફરીથી ચાલુ કરવામાં આવશે. "વિશ્વ નવા વ્યૂહાત્મક શસ્ત્રનું સાક્ષી બનશે," એવી ધમકી પણ તેમણે આપી હતી.

કિમ પરિવાર

કિમ જોંગ-ઉન અને રિ સોલ-જુને ત્રણ સંતાનો હોવાનું માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, કિમ જોંગ-ઉન અને રિ સોલ-જુને ત્રણ સંતાનો હોવાનું માનવામાં આવે છે

કિમ જોંગ-ઉન તેમના દેશના સંરક્ષણ પ્રધાનોને વારંવાર બદલતા રહ્યા છે. 2011થી અત્યાર સુધીમાં તેમણે છ સંરક્ષણ પ્રધાનો બદલ્યા છે. તેમના આ નિર્ણયને કેટલાક વિશ્લેષકો સશસ્ત્ર દળોની વફાદારીમાંના તેમના અવિશ્વાસનો સંકેત ગણે છે.

કિમ જોંગ-ઉને તેમના કાકા ચેંગ સોંગ-થેકની હત્યાનો આદેશ ડિસેમ્બર-2013માં આપ્યો ત્યારે ઉત્તર કોરિયાના સત્તાધીશ પરિવારમાંની સત્તાની સંભવિત સાઠમારીનો સૌથી મોટો સંકેત મળ્યો હતો.

સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ચાંગ સોંગ-થેક દેશમાં બળવો કરાવવાની યોજના ઘડી રહ્યા હતા.

કિમ જોંગ-ઉનનાં બહેન કિમ યો-જોંગ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, કિમ જોંગ-ઉનનાં બહેન કિમ યો-જોંગ

કુઆલાલમ્પુર ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ફેબ્રુઆરી-2017માં કિમ જોંગ-ઉનના સાવકા ભાઈ કિમ જોંગ-નામની હત્યા કરવામાં આવી હતી.

તેનો આદેશ પણ કિમ જોંગ-ઉને આપ્યો હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે.

કિમ જોંગ-ઉનની સાથે એક અજાણી મહિલા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપતી હોવાનું ટેલિવિઝન ફૂટેજ બહાર આવ્યું ન હતું ત્યાં સુધી તેમની અંગત જિંદગી વિશે દુનિયા બહુ ઓછું જાણતી હતી.

કિમ જોંગ-ઉને "કોમરેડ રિ સોલ-જુ" સાથે લગ્ન કર્યાં હોવાની જાહેરાત સરકારી મીડિયાએ જુલાઈ-2012માં કરી હતી.

રિ સોલ-જુ ખાસ જાણીતાં નથી, પણ તેમના સ્ટાઈલિશ વર્તનને લીધે કેટલાક વિશ્લેષકો એવું માની રહ્યા છે કે રિ સોલ-જુ ઉચ્ચ વર્ગના પરિવારનું ફરજંદ હોવાં જોઈએ.

કેટલાક અહેવાલ અનુસાર, રિ સોલ-જુ ગાયિકા છે અને એક કાર્યક્રમ દરમિયાન કિમ જોંગ-ઉન તેમનાં પ્રત્યે આકર્ષાયા હતા.

દક્ષિણ કોરિયાના ગુપ્તચર વિભાગની માહિતી મુજબ, કિમ જોંગ-ઉન તથા રિ સોલ-જુને ત્રણ સંતાનો છે.

કિમ જોંગ-ઉનનાં બહેન કિમ યો-જોંગ વર્કર્સ પાર્ટી ઓફ કોરિયામાં વરિષ્ઠ હોદ્દો ધરાવે છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો