પર્સનલ લોન લેવાય કે નહીં, ઈએમઆઈ ભરવાનું ચૂકી જાવ તો કેવાં પરિણામ આવે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

એક જમાનામાં લોન લેવી એ બહુ મુશ્કેલ કામ હતું અને ઘણું બધું પેપરવર્ક કરવું પડતું હતું. પરંતુ હવે ઇન્સ્ટન્ટ લોનનો જમાનો છે અને ઘણી બૅન્કો કે નૉન-બૅન્કિંગ નાણાકીય સંસ્થાઓ (એનબીએફસી) માત્ર પાંચ મિનિટમાં પર્સનલ લોન પ્રોસેસ કરી દેવાનો દાવો કરે છે. તેમાં ડિજિટલ વેરિફિકેશન થાય છે અને ડૉક્યુમેન્ટ આપવાની જરૂર રહેતી નથી.

જોકે, આ પર્સનલ લોનનો વ્યાજનો દર હોમ લોનની તુલનામાં ઘણો ઊંચો હોય છે. આજે હોમ લોન લગભગ 7.50 ટકાથી 8.50 ટકા સુધીના વ્યાજદરે મળી જાય છે, જ્યારે પર્સનલ લોનનો વ્યાજદર 11 ટકાથી લઈને 30 ટકા સુધી પણ હોઈ શકે છે.

પર્સનલ લોન જેવી અનસિક્યૉર્ડ લોન ન ભરી શકવાના કારણે એનપીએ (નૉન પરફૉર્મિંગ ઍસેટ) વધવાની ચિંતા પેદા થયા પછી રિઝર્વ બૅન્કે તેના નિયમો થોડા કડક બનાવ્યા છે અને પર્સનલ લોનનો ગ્રોથ રેટ ઘટ્યો છે.

તેના કારણે સવાલ થાય છે કે પર્સનલ લોન લેવી જોઈએ કે નહીં, પર્સનલ લોનમાં કેવા જોખમો રહેલા છે અને દેવાની જાળમાં ફસાઈ ન જવાય તે માટે શું કરવું.

પર્સનલ લોન ખરેખર લેવી જોઈએ?

બીબીસીએ આ વિશે નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાત કરીને પર્સનલ લોન લેવાના ફાયદા-ગેરફાયદા અને પર્સનલ લોનના ઈએમઆઈ ચૂકી જવાનાં પરિણામો વિશે વાત કરી હતી.

અમદાવાદસ્થિત ફાઇનાન્સિયલ ઍડવાઇઝર મિથુન જાથલે બીબીસીને કહ્યું કે, "મારું માનવું છે કે સૌથી પહેલાં તો પર્સનલ લોન લેવી જ ન જોઈએ. કારણ કે પર્સનલ લોન એ સૌથી જોખમી અનસિક્યૉર્ડ લોન હોય છે. પર્સનલ લોનના બદલે બીજા વિકલ્પોનો પહેલાં વિચાર કરવો જોઈએ અને પર્સનલ લોન છેલ્લો વિકલ્પ હોવો જોઈએ."

તેઓ કહે છે કે, "તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો વીમા પૉલિસી, મ્યુચ્યુઅલ ફંડ, શૅર, પ્રૉપર્ટી, કે સોના સામે લોન મળી શકે છે. આ પાંચ વિકલ્પોનો સૌથી પહેલાં વિચાર કરો કારણ કે કોઈ ચીજને તમે ગીરવે મૂકીને લોન લેશો તો વ્યાજ પ્રમાણમાં ઓછું લાગશે."

"આ ઉપરાંત હવે કાર સામે પણ લોન મળે છે. આ બધી લોનમાં તમે કંઈક વસ્તુ ગીરવે મૂકો છો. જ્યારે પર્સનલ લોન જોખમી હોવાથી બૅન્કો બહુ ઊંચું વ્યાજ વસૂલે છે."

બીજી તરફ જયપુરસ્થિત સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર વિનોદ ફોગલા કહે છે કે, "આમ તો પર્સનલ લોન પોતાની રીતે ખરાબ નથી, પણ લોન લેવામાં સમજદારી ન દાખવો તો દેવાની જાળમાં ફસાઈ શકો છો.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે "ક્રેડિટ કાર્ડથી લોન લેવી એ સૌથી છેલ્લો વિકલ્પ છે અને પર્સનલ લોન એ બીજા નંબરનો ખરાબ ઑપ્શન છે."

વિનોદ ફોગલાએ જણાવ્યું કે, "મ્યુચ્યુઅલ ફંડ સામે લોન લઈ શકાય જેથી તેમાં કૅપિટલ ગેઇન પેદા ન થાય. મોર્ગેજ સામે લોન લેશો તો વ્યાજદર નીચો રહેશે. પર્સનલ લોનમાં 11થી 12 ટકાથી લઈને 24 ટકા સુધી પહોંચી જાય છે અને તેનો આધાર સિબિલ સ્કોર પર હોય છે. સિબિલ સ્કોર જેમ નીચો તેમ વ્યાજનો દર વધુ રહે છે."

પર્સનલ લોન લેવી જ પડે તો કેટલી લેવી?

કેટલીક વખત વ્યક્તિને રૂપિયાની એવી જરૂર પડે કે તેની પાસે પર્સનલ લોન લેવા સિવાય વિકલ્પ રહેતો નથી. આવી સ્થિતિમાં શું કરવું?

સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર વિનોદ ફોગલાએ જણાવ્યું કે, "તમારે પર્સનલ લોન લેવી જ પડે તો તેનો ઈએમઆઈ (માસિક હપતો) તમારા પગારના 30 કે 40 ટકાથી વધુ હોવો ન જોઈએ."

તેઓ કહે છે, "પહેલેથી ચાલતી લોન ચૂકવવા માટે ક્યારેય નવી લોન લેવી ન જોઈએ. તેના બદલે સોનું હોય તો તેને ગીરવે મૂકીને ગોલ્ડ લોન લો કારણ કે તેમાં તમારા પર સતત ગોલ્ડ છોડાવવાનું દબાણ રહેશે. હા, અન્ય કોઈ પણ વિકલ્પ ન હોય ત્યારે લોકો પર્સનલ લોન લેતા હોય છે જેમ કે લગ્ન, મેડિકલ ઇમરજન્સી, ટ્રાવેલ અથવા ઍજ્યુકેશનના ખર્ચ માટે લોન લેવાતી હોય છે.

વિનોદ ફોગલા કહે છે કે "પર્સનલ લોન લેવાના બદલે સૌથી પહેલાં ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરો. શક્ય હોય તો ત્રણથી છ મહિના ચાલે એટલી રકમનું ઇમરજન્સી ફંડ રાખવું જોઈએ."

પર્સનલ લોનનો ઈએમઆઈ ચૂકી જાવ તો શું થાય?

પર્સનલ લોનમાં વ્યાજના દર ઊંચા હોવાથી કેટલીક વખત લોકો ઈએમઆઈ ચૂકી જાય તેવું બની શકે. પરંતુ તેના ઘણા આકરા પરિણામ આવી શકે છે.

મિથુન જાથલ કહે છે કે, "પર્સનલ લોનનો ઈએમઆઈ ન ભરી શકો તો સિબિલ સ્કોર બગડે છે, સાથે સાથે ઊંચા વ્યાજ સાથે રકમ ચૂકવવી પડે છે અને તેના પર આકરી પેનલ્ટી પણ લાગે છે."

તેમના કહેવા પ્રમાણે, "આરબીઆઈ વ્યાજના દર વધારે ત્યારે ઘણી માઈક્રોફાઇનાન્સ સંસ્થાઓની એનપીએ વધે છે. તે દર્શાવે છે કે ઊંચા વ્યાજે લોન લેનારાઓ હપતા ભરી શકતા નથી. આવી લોન પર 12થી 18 ટકા વ્યાજ ચઢતું જાય છે."

તેઓ કહે છે કે, "આ ઉપરાંત તમે પર્સનલ લોન લીધી હોય તો તે સાબિત કરે છે કે તમારી પાસે કંઈ નથી તેથી તમે આ લોન લીધી છે. તમારા સિબિલ સ્કોરને આ બાબત નુકસાન પહોંચાડે છે."

પર્સનલ લોનનો ઈએમઆઈ ચૂકી જશો તો લેટ પેમેન્ટ ફી અને પેનલ્ટી રૂપે વ્યાજ ચૂકવવાની તૈયારી પણ રાખવી પડે. સામાન્ય રીતે તે ડિફૉલ્ટ થયેલા ઈએમઆઈના ત્રણ ટકા સુધી હોય છે.

આ ઉપરાંત એક વખત પેમેન્ટમાં ડિફૉલ્ટ થવાથી તમારા સિબિલ સ્કોરમાં સીધો 50થી 100 પૉઇન્ટનો ઘટાડો થઈ શકે છે.

તમે ઈએમઆઈ ચૂકવવામાં 30 દિવસ કે તેનાથી વધારે મોડું કરો તો વધુ નુકસાન થાય છે. આ બધાં કારણોથી ભવિષ્યમાં તમને લોન મેળવવામાં મુશ્કેલી પડશે.

બજાજ ફિનસર્વ મુજબ એક વખત સિબિલને ફટકો પડે તો પછી તેને સુધારવામાં ત્રણ વર્ષ લાગી શકે છે.

ઈએમઆઈ ભરવામાં 90 દિવસથી ઓછો વિલંબ થાય તો તેની કામચલાઉ અસર પડે પરંતુ 90 દિવસથી વધુ ડિફૉલ્ટ હોય તો તેની લાંબા ગાળાની અસર પડે છે.

સારો સિબિલ સ્કોર અથવા ક્રેડિટ સ્કોર કેટલો જરૂરી?

આજે કોઈ પણ નાણાકીય સંસ્થા પાસેથી લોન લેતી વખતે તમારો સિબિલ સ્કોર અથવા ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે. તમે ક્યારેય લોન લીધી ન હોય તો ક્રેડિટ રેકૉર્ડ બનતો નથી જેથી કેટલીક વખત નાની લોન લઈને તેને ચૂકવવા અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવે છે.

સામાન્ય રીતે 800થી 900 સુધીનો સિબિલ સ્કોર બહુ ઉત્તમ ગણવામાં આવે છે અને નીચા દરે કોઈ પણ લોન મળવાની શક્યતા રહે છે.

750થી ઉપરનો સિબિલ સ્કોર હોય તો સ્પર્ધાત્મક દરે લોન મળી શકે છે, 658થી 750 સુધીનો સિબિલ સ્કોર નબળો ગણાય છે. તેમાં લોન મળવાની શક્યતા તો રહે છે, પણ વ્યાજનો દર ઊંચો રહે છે. જ્યારે 685થી નીચો સિબિલ સ્કોર હોય તો લોન રિજેક્ટ થવાની શક્યતા વધુ હોય છે અને મંજૂર થાય તો પણ વ્યાજનો દર બહુ ઊંચો રહે છે.

વિનોદ ફોગલા કહે છે કે, "તમારી ચાર-પાંચ લોન ચાલુ હોય તો સૌથી પહેલાં સૌથી નાની લોન ચૂકવી દો જેથી તમારો સિબિલ સ્કોર સુધરે."

"આ ઉપરાંત ઘણાં 20 વર્ષની હોમ લોનને ત્રણથી ચાર વર્ષમાં પૂરી કરી નાખતા હોય છે. તેનાથી પણ સિબિલ સ્કોરને અસર થાય છે કારણ કે બૅન્કને લાગશે કે તમે રેગ્યુલર કૅશ ફ્લો *અંગે નિશ્ચિત નથી તેથી ઉતાવળમાં લોન ચૂકવો છો."

બૅન્કો શા માટે પર્સનલ લોન માટે દબાણ કરે છે?

ઘણી બૅન્કો પ્રિએપ્રૂવ્ડ પર્સનલ લોનને સતત પુશ કરતી હોય છે. આના વિશે ફાઇનાન્શિયલ ઍનાલિસ્ટ મિથુન જાથલ કહે છે કે, "ભારતમાં યુવાનોમાં બચતનો દર નીચો છે. ખાસ કરીને યુવા પેઢીના લોકો મોંઘા મોબાઇલ, બાઇક, વેકેશન વગેરે માટે ક્રેડિટ કાર્ડની લોન કે પર્સનલ લોન લેતા હોય છે. આ બધા ખર્ચ તેઓ ઈએમઆઈથી ચૂકવે છે."

તેમના કહેવા પ્રમાણે કાર લોન પણ લેવી ન જોઈએ કારણ કે તે ડેપ્રિશિયેટિંગ ઍસેટ છે. માત્ર હોમ લોન લેવાય કારણ કે તેનાથી એક ઍસેટ બને છે.

તેઓ કહે છે કે, "ભારતમાં કેટલીક કંપનીઓ હવે વીકલી સૅલેરી કરે છે જેના કારણે ખર્ચને ઉત્તેજન મળે છે અને ક્રેડિટ કાર્ડનો વપરાશ વધે છે. આ ટ્રેન્ડ પર નજર રાખીને બૅન્કો ઇન્સ્ટન્ટ પર્સનલ લોનના મૅસેજ મોકલીને લોકોને લલચાવવા પ્રયાસ કરે છે. ઊંચા વ્યાજદર ચૂકવી શકે તેવા ગ્રાહકોથી બૅન્કોને ફાયદો થાય છે."

(અહીં નાણાકીય નિષ્ણાતોએ રજૂ કરેલા મત તેમનો અંગત અભિપ્રાય છે, બીબીસી કોઈ ભલામણ કરતું નથી. રોકાણકારોએ પોતાના નાણાકીય સલાહકારની સલાહ લઈને જ નિર્ણય લેવો જોઈએ.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન