ક્રિકેટના આયોજકો પૈસા ચૂકવ્યા વિના ટુર્નામેન્ટ મૂકીને ભાગ્યા, ખેલાડીઓ હોટલમાં ફસાયા, આવું કેમ થયું?

ઇમેજ સ્રોત, Muheeb Malik
- લેેખક, આકીબ જાવેદ
- પદ, બીબીસી ન્યૂઝ
કાશ્મીરમાં યોજાયલી એક ખાનગી ક્રિકેટ ટુર્નામેન્ટ વિવાદમાં સપડાઈ છે. આરોપ છે કે આ ટુર્નામેન્ટના આયોજકો અધવચ્ચે જ નાસી છૂટ્યા અને તેમણે ખેલાડીઓના પૈસા અને હોટલનાં બિલની પણ ચુકવણી નહોતી કરી.
પંજાબ યૂથ ઍસોસિયેશન દ્વારા ઇન્ડિય હેવન પ્રીમિયર લીગ (આઇએચપીએલ)નું આયોજન કરાયું હતું.
ટુર્નામેન્ટની શરૂઆતમાં તો બધું સારું જ રહ્યું. શરૂઆતની મૅચોમાં તો સ્થાનિક ખેલાડીઓને ક્રિસ ગેલ અને ડેવન સ્મિથ જેવા ધુરંધરો સાથે વાતચીત કરવાની તક પણ મળી.
પરંતુ થોડી મૅચો રમાયા બાદ સિરીઝ રદ કરી દેવાઈ. એવું કહેવાઈ રહ્યું છે કે હોટલમાલિકો અને ખેલાડીઓએ પોતાના પૈસા મેળવવા માટે ઝઝૂમવું પડ્યું.
આ સિરીઝના આયોજકો 1 નવેમ્બરે જ કાશ્મીર છોડી ચાલ્યા ગયા હોવાનો આરોપ છે. ત્યાં સુધી, માત્ર 12 મૅચો જ રમાઈ હતી. આ સિરીઝ 25 ઑક્ટોબરથી 8 નવેમ્બર સુધી ચાલવાની હતી, જે બાદમાં રદ કરી દેવાઈ.
આયોજકોએ આવું કેમ કર્યું એનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ શરૂઆતની મૅચોમાં અપેક્ષા મુજબની સંખ્યામાં દર્શકો આવ્યા નહીં. 25-30 હજાર જેટલા પ્રશંસકો આવવાની આશા હકીકતમાં ન પરિણમી. આઇએચપીએલના ચૅરમૅન આશુ થાનીએ આ અંગે પોતાનો પક્ષ મૂકવાની બીબીસીની વિનંતીનો જવાબ ન આપ્યો.
પોલીસે આ મામલામાં છેતરપિંડીની ફરિયાદ કરીને તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે.
ખેલાડીઓમાં ગુસ્સો અને હતાશા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથે વાત કરનાર સ્થાનિક ખેલાડીઓએ જણાવ્યું કે ક્રિસ ગેલ જે મૅચમાં રમ્યા, એ જોવા માટે પણ માત્ર 400-500 લોકો આવ્યા. તેમણે એવું પણ કહ્યું કે આ ટુર્નામેન્ટના આયોજકોએ ટિકિટના દર ત્રીજા ભાગના કરી નાખ્યા છતાં દર્શકો જોવા માટે આવ્યા નહોતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિરીઝ રદ કરી દેવાતાં સ્થાનિક ખેલાડીઓમાં ગુસ્સો અને નિરાશા છે.
પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પરવેઝ રસૂલે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે આના કારણે કાશ્મીર ખીણમાંથી ઊભરી રહેલા ક્રિકેટરોના ઉત્સાહને અસર થઈ છે. તેમણે ખરાબ મૅનેજમેન્ટ પર સ્થિતિ માટેનું આળ નાખ્યું અને કહ્યું કે તેમને પણ તેમની મૅચ ફી નથી મળી.
બીબીસી સાથે વાત કરતાં સ્થાનિક ફાસ્ટ બૉલર આબિદ નબીએ કહ્યું, "આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો સાથે એક જ ડ્રેસિંગ રૂમ શૅર કરી અને અનુભવ પ્રાપ્ત કરવા માટેની આ સ્થાનિક ક્રિકેટરો માટે સારી તક બની શકી હોત, પરંતુ વ્યવસ્થા સારી નહોતી. હવે ખેલાડીઓ મુશ્કેલી સ્થિતિમાં છે."
જમ્મુ કાશ્મીર અને લદાખથી આઠ ટીમો આ ટુર્નામેન્ટમાં રમી રહી હતી. આયોજકોએ સિરીઝનાં બૅનર અને પોસ્ટર પણ લગાવ્યાં હતાં.
આયોજકો અડધી રાત્રે ભાગતા નજરે ચડ્યા
કોઈ પણ પ્રકારની મૉનિટરિંગ વગર આવું મોટું કેવી રીતે કરાયું એ બાબત અંગે ગંભીર પ્રશ્નો ઊઠી રહ્યા છે.
શ્રીનગરમાં રેડીસ કલેક્શન હોટલના કર્મચારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે હોટલના સીસીટીવી ફૂટેજમાં આયોજકો અડધી રાત્રે ભાગતા નજરે પડે છે, જે જોઈને બધા આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
તેમણે આરોપ કર્યો કે હોટલનાં લેણાંની ચુકવણી પણ અડધી જ કરાઈ છે, તેમણે આઇએચપીએલનો સંપર્ક કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો, પરંતુ અસફળ રહ્યા હતા.
ઘણા ખેલાડીઓ હોટલમાં લગભગ ત્રણ કલાક સુધી ફસાઈ ગયા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇંગ્લૅન્ડનાં રેફરી મેલિસા જુનિફરે કહ્યું કે આયોજકો નાસી છૂટ્યા એ બાદ ઘણા ખેલાડીઓ હોટલમાં લગભગ ત્રણ કલાક સુધી ફસાઈ ગયા હતા.
સ્થાનિક અધિકારીઓએ બીબીસીને કહ્યું કે બ્રિટિશ દૂતાવાસના અધિકારીઓના હસ્તક્ષેપ બાદ જ ખેલાડીઓને ત્યાંથી જવા દેવાયા. જોકે, હોટલના સત્તાધીશો આ વાતનો ઇનકાર કરે છે.
જુનિફરે કહ્યું કે, "અમે હોટલ મૅનેજમૅન્ટને ખેલાડીઓને તેમના પરિવારો પાસે જવા દેવા માટે સમજાવ્યા."
તેમણે એવો પણ આરોપ કર્યો કે લગભગ 40 સ્થાનિક અને વિદેશી ખેલાડીઓને તેમની 50 લાખ રૂ. જેટલી ફી નથી મળી.
બીજી બાજુ, કાશ્મીર વહીવટી તંત્રે આ પ્રકારની કોઈ પણ લીગ ચલાવાયાની વાતનો ઇનકાર કર્યો હતો.
જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક કમિશનર અંજુલ ગર્ગે બીબીસીને જણાવ્યું કે વહીવટી તંત્રની ભૂમિકા ઇવેન્ટ અને સ્થળની પરવાનગી આપવા સુધીની જ હતી.
તેમણે કહ્યું, "અમે આ મામલાની તપાસ બિલકુલ કરીશું. અમે આવી કોઈ ઘટના ફરી ન બને એ પણ સુનિશ્ચિત કરીશું."
જોકે, આ ઘટનાએ સ્થાનિક ક્રિકેટ પ્રશંસકોની આશા પર પાણી ફેરવી દીધું છે.
ઉત્તર કાશ્મીરના એક સ્થાનિકે કહ્યું, "તમારે ક્રિસ ગેલ જેવા સ્ટાર્સને આમંત્રિત કરીને છુપાવું નહોતું જોઈતું." તેમણે ઉમેર્યું કે આ ઘટનાએ ખેલાડીઓ, પ્રશંસકો અને સ્થાનિકોનો વિશ્વાસ તોડ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












