You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેમમાં કેદ અલીગઢના બાદલ બાબુ પાકિસ્તાનની જેલમાં કઈ રીતે પહોંચ્યા?
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શરૂ થયેલી કથિત દોસ્તી ઉત્તર પ્રદેશનાં અલીગઢ જિલ્લાના રહેવાસી બાદલ બાબુને પાકિસ્તાનનાં શહેર મંડી બહાઉદ્દીનનાં એક જેલમાં પહોંચાડી દેશે એવું તેમણે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય.
ઘરવાળાને 'કપડાં સિવવાનું કામ છે' એવું કહીને પોતાના ગામ નગલા ખિટકારીથી નીકળીને બાદલ પહોંચી ગયા પાકિસ્તાન. તેઓ ક્યારે અને કયા રસ્તે પાકિસ્તાનના આ શહેરમાં પહોંચ્યા અને આવું કઈ રીતે બન્યું તેના વિશે કોઈને કંઈ ખબર નથી, કારણ કે બાદલ જ્યાં પહોંચ્યા છે તે વિસ્તારની સરહદ પણ ભારત સાથે જોડાયેલી નથી.
પહેલી નવેમ્બરે દિવાળીના તહેવારો દરમિયાન માતા-પિતાને પાકિસ્તાનના નંબર પરથી ફોન આવ્યો હતો અને બાદલે પોતાના વિશે જાણકારી આપી હતી.
વીસ વર્ષના બાદલ બાબુ એટલી ઝડપથી ભારતથી પાકિસ્તાન જવા માટે રવાના થયા કે તેમણે તેમની સાથે કોઈ ઓળખપત્ર પણ નહોતું રાખ્યું. તેમનાં માતા આ દસ્તાવેજો સ્થાનિક મીડિયાને બતાવી ભારત સરકાર પાસે બાદલની વતનવાપસીની અપીલ કરી રહ્યાં છે.
બાદલે પોતાની માતાને હિંમત અપાવવા પાકિસ્તાનના નંબરથી ફોન કરીને તેમને સાંત્વના આપી હતી કે તેઓ હકીકતમાં દુબઈ પહોંચી ગયા છે. પરંતુ બાદલ હવે પાકિસ્તાન પોલીસની હિરાસતમાં છે.
તેમના ઉપર મંડી બહાઉદ્દીનની પોલીસે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપૉર્ટ) પણ દાખલ કરી છે.
એફઆઈઆર મુજબ, પોલીસને એક બાતમીદાર પાસેથી માહિતી મળી કે એક ભારતીય નાગરિક મોંગ વિસ્તારમા રંગવાલી ફૅક્ટરીની પાસે ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો છે.
એફઆઈઆર મુજબ, પોલીસ જ્યારે ત્યાં પહોંચી અને એ યુવાન જોડે વાત કરી, ત્યારે તેમને ખબર પડી કે યુવક (બાદલ) પાસે પાકિસ્તાનમાં રહેવા માટેની પરવાનગી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘરપકડ બાદ આરોપીએ પોતાની ઓળખ ભારતના અલીગઢ જિલ્લાના નગલા ખિટકારીના રહીશ બાદલ તરીકે આપી હતી.
સદર મંડી બહાઉદ્દીનનાં એસએચઓ અંજુમ શહઝાદે બીબીસીનાં શહઝાદ મલિકને ફોન બાદલની ધરપકડ વિશે જણાવ્યું. જ્યારે દિલ્હી બીબીસી સંવાદદાતા શકીલ અખ્તરે સ્થાનિક પત્રકારની મદદથી બાદલના પરિવારજનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો.
'બાદલે પ્રભાવશાળી વ્યક્તિને ઘરે ઉતારો કર્યો હતો'
એસએચઓ (સ્ટેશન હાઉસ ઑફિસર, પોલીસ ઇન્સ્પેક્ટરના સમકક્ષ) અંજુમ શહઝાદે બીબીસીને જણાવ્યું કે બાદલની સ્થાનિક યુવતી સાથે ફેસબુકનાં માધ્યમથી દોસ્તી થઈ હતી એટલે તેને મળવા પાકિસ્તાન પહોંચ્યો હતો.
એસએચઓના કહેવા પ્રમાણે, એ છોકરી એક ધાર્મિક કુટુંબ સાથે સબંધ ધરાવતી હતી. બાદલ એ છોકરી સાથેની દોસ્તીનાં કારણે મંડી બહાઉદ્દીન પહોંચી ગયો.
એસએચઓ અંજુમ શહઝાદે જણાવ્યું કે, એ આ વિસ્તારમાં અજાણ્યો હોવાથી લોકોએ પોલીસને જાણ કરી કે આ માણસ છેલ્લા ઘણા સમયથી અહીં રહે છે, પરંતુ અમે તેને નથી જાણતા.
તેમણે જણાવ્યું કે બાદલ આ વિસ્તારની એક પ્રભાવશાળી વ્યક્તિનાં ઘરે ઉતર્યો હતો.
પોલીસને હજુ સુધી એ બાબતની જાણ નથી થઈ કે બાદલ અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો, કેમ કે મંડી બહાઉદ્દીન સરહદી શહેર નથી, પરંતુ પંજાબ પ્રાંતની વચ્ચે છે.
બાદલ બાબુને અદાલતની સામે રજૂ કર્યા બાદ તેને 14 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા. જ્યાં તેની પૂછપરછ ચાલી રહી છે.
પરંતુ પોલીસ અનુસાર જે યુવતીને કારણે બાદલ પાકિસ્તાન આવ્યો હતો તે પરિવારને આ પુછપરછમાં સામેલ કરવામાં નથી આવ્યો.
'મમ્મી, હું દુબઈ પહોંચી ગયો છું'
બાદલના પિતા કૃપાલસિંહે સ્થાનિક પત્રકાર અજયકુમારને જણાવ્યું, "અમારો દીકરો તો અહીંથી દિલ્હી કામ કરવા ગયો હતો. એ કપડાં સિવવાનું કામ કરતો હતો."
"દિવાળીનાં પંદરેક દિવસ અગાઉ તે કોઈ બીજી જગ્યાએ ચાલ્યો ગયો. અમને ખબર નહતી કે તે કોની સાથે ગયો. તેનો ફોન આવ્યો ત્યારે તેણે 'પપ્પા, હું પહોંચી ગયો છું. મારી ચિંતા ના કરશો. હું ફોન નહીં કરી શકું, પરંતુ એક વાર મમ્મી સાથે મારી વાત કરાવી દેજો.' એમ જણાવ્યું હતું."
તેઓ જણાવે છે કે બાદલે કહ્યું કે, મારી પાસે ફોન નથી. હું હવે ફોન નહીં કરી શકું. અત્યારે હું મારા દોસ્તના ફોનથી વાત કરી રહ્યો છું.
તેમણે જણાવ્યું કે, બાદલ સાથે તેમની 29થી 30 ઑક્ટોબર દરમિયાન વાત થઈ હતી. ત્યારબાદ તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહતો.
સ્થાનિય પત્રકાર અજય કુમારને વૉટ્સઍપ કૉલની જાણકારી આપવામાં આવી ત્યારે એ ફોન પાકિસ્તાનના એક મોબાઇલ નંબરનો હતો એ જોઈ શકાતું હતું.
બાદલનાં માતાએ સ્થાનિય પત્રકાર અજય કુમાર સાથે વાતચીત કરતા કહ્યું કે, છેલ્લે દીવાળીના દિવસે એમની વાત થઈ હતી.
આ વર્ષે દિવાળી 1 નવેમ્બરે ઉજવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે વીડીયો પર વાત થઈ ત્યારે બાદલે કહ્યું કે, 'મમ્મી, હું દુબઈ પહોંચી ગયો છું.'
તેમણે કહ્યું કે બાદલનાં ઓળખપત્રો અહીં ઘરે જ છે. જેને એ દિલ્હી કામ પર જતા સમયે સાથે નહતો લઈ ગયો.
ભારત પાકિસ્તાનના લોકોની પ્રેમકથાઓ
ભારત અને પાકિસ્તાનની સરકારોની એકબીજા સાથે બને કે ના બને, પરંતુ બંને દેશોમાં રહેનારાની વચ્ચેની પ્રેમકથાઓ છાશવારે બહાર આવે છે.
આ સોશિયલ મીડિયા દ્વારા થયેલા પ્રેમની પહેલી દાસ્તાન નથી.
આની પહેલાં પણ ઘણી એવી ઘટનાઓ થઈ ચૂકી છે જેમાં ભારત-પાકિસ્તાનનાં છોકરા-છોકરીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર દોસ્તી થઈ અને પછી તેઓ એકબીજાને મળવા માટે ગેરકાયદેસર રીતે સરહદ ઓળંગી ગયાં હોય.
ભારતીય પોલીસે 2023માં 27 વર્ષનાં પાકિસ્તાની મહિલાની દિલ્હી નજીકનાં વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેઓ એક ભારતીય નાગરિક સાથે ગેરકાયદેસર રીતે અહીં રહેતાં હતાં.
એ મહિલાએ પોલીસને પૂછતાછ દરમિયાન કહ્યું હતું કે 2019ના કોરોના લૉકડાઉન દરમિયાન પબજી રમતાં તેમની સચિન સાથે ઓળખાણ થઈ હતી.
પછી વૉટ્સઍપ પર વાતોનો ક્રમ શરૂ થયો અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયાં. મહિલાનાં જણાવ્યા અનુસાર તે પોતાના પ્રેમને પામવા નેપાળના રસ્તે ભારત પહોંચ્યાં હતાં.
આ રીતે 2020માં હૈદરાબાદ (પાકિસ્તાન)ની ઇકરા જીવાની અને ઉત્તર પ્રદેશનાં મુલાયમ સિંહ યાદવ ઑનલાઇન લુડો રમતાં રમતાં એકબીજાને દિલ દઈ બેઠાં હતાં.
પછી સરહદ પારનાં સબંધો નિભાવવામાં મુશ્કેલીઓ વધવા માંડી. ઘરવાળાની તરફથી ઇકરા પર લગ્ન માટે દબાણ વધતું ગયું. આ જ કારણે મુલાયમનાં કહેવાથી ઇકરા પાકિસ્તાનથી દુબઈનાં રસ્તે નેપાળ પહોંચ્યાં.
પોલીસનું માનવું છે કે આ બંનેએ ત્યાં જ મંદિરમાં લગ્ન કર્યાં અને 2022માં નેપાળનાં રસ્તે પટના થઈને તેઓ બેંગલુરુ પહોંચ્યાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન