ગુજરાત : પહેલી જ વખત ધારાસભ્ય બનીને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સામેલ થયેલા 12 ચહેરા કોણ છે, ભાજપની ગણતરી શું છે?

- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં લગભગ ત્રણ દાયકાથી સત્તા પર રહેલા ભાજપે દિવાળી અગાઉ મંત્રીમંડળમાં મોટા ફેરફાર કર્યા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં હવે 12 સભ્યો એવા છે જેઓ પહેલી જ વખત ધારાસભ્ય બન્યા હતા અને હવે મંત્રીમંડળમાં પણ સ્થાન મેળવ્યું છે.
આવા ધારાસભ્યોમાં સામેલ છે રીવાબા જાડેજા (જામનગર ઉત્તર), ડૉ. પ્રદ્યુમન વાજા (કોડીનાર), કૌશિક વેકરિયા (અમરેલી), સ્વરૂપજી ઠાકોર (વાવ), દર્શના વાઘેલા (અસારવા), રમણ સોલંકી (બોરસદ), કમલેશ પટેલ (પેટલાદ), સંજયસિંહ મહીડા (મહુધા), ડૉ. જયરામ ગામિત (નિઝર), પ્રવીણ માળી (ડીસા), ત્રિકમ છાંગા (અંજાર) અને પીસી બરંડા (ભિલોડા).
બીબીસી ગુજરાતીએ અહીં તેમની પ્રોફાઇલનો અભ્યાસ કર્યો છે તથા ધારાસભ્ય તરીકે ઓછો અનુભવ હોવા છતાં તેમને પહેલી જ ટર્મમાં કેમ મંત્રી બનાવી દેવામાં આવ્યા હશે તેના વિશે રાજકીય નિષ્ણાતો વિશે વાત કરી છે.
નવા ચહેરાઓની પ્રોફાઇલ શું કહે છે?

ઇમેજ સ્રોત, @Rivaba4BJP/X
રીવાબા જાડેજા
ફેબ્રુઆરી 2016માં રીવાબા જાડેજાની સગાઈ ભારતના ઑલરાઉન્ડર ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે થઈ, ત્યારે તેઓ ચર્ચામાં આવ્યાં હતાં. તેમણે 2011માં આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી ઍન્ડ સાયન્સમાંથી મિકેનિકલ ઇજનેરીનો અભ્યાસ કર્યો છે. 2015માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીઈનો અભ્યાસ કર્યો હતો. રવીન્દ્ર જાડેજા અને રીવાબાને એક દીકરી છે. ત્રીજી માર્ચ, 2019ના રોજ રીવાબા જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન વિધિવત્ રીતે ભાજપમાં જોડાઈ ગયાં.
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જામનગર (ઉત્તર) સીટ પરથી રીવાબાનો 50,000 કરતાં વધુ મતથી વિજય થયો હતો.
કૌશિક વેકરીયા
કૌશિક વેકરીયા અમરેલીમાંથી કૉંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી સામે ચૂંટણી લડ્યા હતા. કૌશિક કાંતિભાઈ વેકરીયાનો જન્મ 1986ના રોજ અમરેલી જિલ્લાના દેવરાજિયા ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે 89,034 મતો મેળવ્યા હતા અને તેમના પ્રતિસ્પર્ધી સામે 46,657 મતોની સરસાઈથી વિજય થયો. હાલમાં તેઓ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઊર્જા, પેટ્રોલિયમ અને કાયદા વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્વરૂપજી ઠાકોર
સ્વરૂપજી ઠાકોરે નવેમ્બર 2024માં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બેઠક કૉંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોર સાંસદ બન્યાં તે પહેલાંની તેમની વિધાનસભાની બેઠક હતી. આ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરે કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હરાવીને વાવ બેઠક પર ભાજપને વિજય અપાવ્યો અને કૉંગ્રેસના એક દાયકા જૂના ગઢમાં ભાજપને જીત અપાવી હતી. આ જીત બાદ, તેમને ઑક્ટોબર 2025માં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રાલયનો કાર્યભાર આપવામાં આવ્યો હતો.
ડૉ. પ્રદ્યુમન વાજા
ડૉ. પ્રદ્યુમન વાજાની શૈક્ષણિક લાયકાતમાં MBBS, MD તેમજ LLB અને LLMનો સમાવેશ થાય છે. તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોડીનાર બેઠક પરથી 77,794 મતો મેળવીને વિજય મેળવીને પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા અને તાજેતરમાં તેઓને મંત્રીમંડળમાં કૅબિનેટ મંત્રી તરીકે સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ શિક્ષણ વિભાગ જવાબદારી સોંપવામાં આવી છે.
દર્શના વાઘેલા
દર્શનાબહેન વાઘેલાએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની અસારવા (SC અનામત) બેઠક પરથી કુલ 80155 મત મેળવ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ કૉંગ્રેસના વિપુલ પરમારને 25,982 મત મળ્યા હતા. તાજેતરમાં થયેલા મંત્રીમંડળના ફેરફાર પછી તેમની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મંત્રી તરીકે નિમણૂક થઈ હતી.
રમણ સોલંકી
રમણભાઈ સોલંકીનો 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, રમણભાઈ સોલંકીને બોરસદ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના તેમના નજીકના પ્રતિસ્પર્ધી અને બે વખતના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારને 11,165 મતોના માર્જિનથી હરાવ્યા હતા, અને હાલમાં તેઓએ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી તરીકે પણ શપથ લીધા છે.

ઇમેજ સ્રોત, @sanghaviharsh
કમલેશ પટેલ
કમલેશ પટેલ આણંદ જિલ્લાની પેટલાદ બેઠકના પ્રથમવાર ધારાસભ્ય હતા, જ્યાં તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશ પરમાર સામે 89,166 મતો મેળવીને જીત હાંસલ કરી હતી. વ્યવસાયે શિક્ષક એવા હાલમાં, મંત્રીમંડળના વિસ્તરણ બાદ, તેઓ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસીંગ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
સંજયસિંહ મહીડા
સંજયસિંહ મહીડા ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમારને કુલ 91,900 મતથી હરાવ્યા હતા. વ્યવસાયે વેપાર સાથે સંકળાયેલા અને ક્ષત્રિય સમાજમાંથી આવતા સંજયસિંહ મહીડાને ઑક્ટોબર 2025માં ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિમાયા છે.
ડૉ. જયરામ ગામિત
ડૉ. જયરામભાઈ ગામિત દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાની નિઝર વિધાનસભા બેઠક પરથી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુનીલ ગામિત સામે 23,160 મતોની સરસાઈથી જીત મેળવીને કુલ 97,461 મત પ્રાપ્ત કર્યા હતા. મંત્રીમંડળના વિસ્તરણમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો હોદ્દો મળ્યો છે, અને તેઓ હાલમાં રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિત અન્ય મહત્વના વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે.
પ્રવીણ માળી
બનાસકાંઠાના ડીસા વિધાનસભા બેઠક પરથી 2022માં 46,000થી વધુ મતોની જંગી સરસાઈથી પ્રથમવાર ચૂંટાયા હતા. ધારાસભ્ય તરીકેની તેમની આ પ્રથમ ટર્મ છે. તાજેતરમાં ઑક્ટોબર 2025માં, પ્રવીણ માળીને ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન મળ્યું છે અને તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, અને પરિવહન (ટ્રાન્સપોર્ટ) જેવા મહત્ત્વના વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે.
ત્રિકમ છાંગા
ત્રિકમ બીજલ છાંગા કચ્છ જિલ્લાની અંજાર વિધાનસભા બેઠક પરથી 2022માં પ્રથમવાર ચૂંટાયા હતા, જ્યાં તેમણે 99,076 મત મેળવીને કોંગ્રેસના ઉમેદવાર રમેશ ડાંગરને હરાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એડ. (B.Ed.) ની ડિગ્રી મેળવી છે. રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતા, તાજેતરમાં ઑક્ટોબર 2025માં થયેલા ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણમાં તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો હોદ્દો મળ્યો છે, અને તેમને ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
પી.સી. બરંડા
પી. સી. બરંડાએ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર ભિલોડા બેઠક પરથી 90,000 મતો મેળવીને જીત હાંસલ કરી હતી. તેઓ હાલમાં આદિજાતિ વિકાસ અને અન્ન, નાગરિક પુરવઠા મંત્રી તરીકે પસંદગી પામ્યા છે.
જૂના અને અનુભવી નેતાઓને સાઇડલાઇન કરાયા?

ઇમેજ સ્રોત, @airnews_abad/X
મંત્રીમંડળના ફેરફાર પછી એવા સૂર ઊઠ્યા છે કે પાર્ટીના કેટલાક અનુભવી અને જૂના નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે.
ઘણા નિષ્ણાતો માને છે કે છેલ્લા કેટલાક સમયથી પાર્ટીની આ રણનીતિ રહી છે. આ ઉપરાંત આ અગાઉના કેટલાક મંત્રીઓ પર ગંભીર ભ્રષ્ટાચારના આરોપો હતા, તેથી નવા ચહેરા લવાયા હોઈ શકે છે.
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "જે મંત્રીઓને પડતા મુકાયા તેમના કેટલાક પ્રત્યે લોકોમાં નારાજગી હતી. અને તેમણે સાઇડલાઇન કરવામાં આવ્યા તે દર્શાવે છે કે તેઓ મંત્રી તરીકેના કાર્ય કરવામાં નિષ્ફળ ગયા છે. તેમનામાંથી કેટલાક સામે એક અથવા વધારે ભ્રષ્ટાચારના આરોપો હતા તેનાથી ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠા ખરડાતી હતી તે સુધારવા માટે મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સામેલ કરાયા છે."
બીજી તરફ વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા જણાવે છે કે અગાઉ પણ ગુજરાત સરકારમાં મંત્રીમંડળમાંથી અનુભવી નેતાઓને પડતાં મૂકવામાં આવ્યા હતા.
જોકે વિપક્ષનો આરોપ છે કે કેટલાક મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હોવાને કારણે તેમને હટાવવા પડ્યા છે.
જ્યારે ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જણાવે છે કે, "આ અગાઉ રહેલા મંત્રીઓના પુત્રોએ મનરેગાના પૈસામાં ભ્રષ્ટાચાર કર્યો છે. નકલી કચેરીઓ થકી ભારતીય જનતા પાર્ટી એ કૌભાંડો કર્યા છે. અને તેમના માણસોને રાજકીય આશ્રય પણ આપ્યો હતો."
"આ બધી બાબતોમાં સરકાર ભીંસમાં હતી તેથી મંત્રીમંડળ બદલાયું પણ તે પછી પણ મુખ્ય મંત્રી યથાવત્ રહ્યા છે. આમ માત્ર ચહેરા બદલી દેવાથી ગુજરાતની જનતાને કોઈ લાભ થવાનો નથી કે મંત્રીમંડળ બદલવાથી ખેડૂતોને ટેકાના ભાવ મળવાના નથી."
મનીષ દોશીનો દાવો છે કે કૉંગ્રેસ પાર્ટીએ વારંવાર અવાજ ઉઠાવ્યા બાદ બચુ ખાબડ જેવા મંત્રીને હઠાવવા પડ્યા છે.
તેઓ જણાવે છે કે, "સરકારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર બાબતે અમારી વારંવાર રજૂઆત બાદ તેમણે ભીખુ સિંહ અને બચુ ખાબડને અત્યારે હટાવવા પડ્યા છે."
'ભાજપની સ્ટ્રૅટેજી યુવાઓને લીડરશિપ આપવાની'

ઇમેજ સ્રોત, @Bhupendrapbjp/X
ગુજરાતમાં ભાજપે કેટલાક અનુભવી નેતાઓને મંત્રીમંડળમાંથી પડતા મૂક્યા તે કઈ દિશામાં ઇશારો કરે છે?
વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે કે, "યુવા લીડરશિપ તૈયાર કરવી એ ભાજપની સ્ટ્રૅટેજી રહી છે. ગ્રામ પંચાયતથી લઈને કૉર્પોરેશન સુધી 60 વર્ષથી ઉપરના કોઈ વ્યક્તિને ટિકિટ ન આપવી. આ નિર્ણયથી મહાનગરપાલિકામાં વર્ષો સુધી જે લોકો કૉર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા હતા તેમના માટે દરવાજા બંધ થઈ ગયા."
બીજી તરફ કૌશિક મહેતા જણાવે છે કે, "અનુભવી નેતાઓને પડતાં મૂકવાની ઘટના આ અગાઉ થયેલા મંત્રીમંડળના ફેરફારમાં પણ જોવા મળી હતી. તેમાં પણ ત્રણ કે ચાર ચહેરાઓને બાદ કરતા મોટા ભાગે નવા લોકોને સ્થાન મળ્યું હતું. તેમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તત્કાલીન ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ નવા ચહેરા હતા. તેથી આ છેલ્લા કેટલાક સમયથી ચાલતી આવતી ભાજપની રણનીતિ છે."
કૉંગ્રેસના મનીષ દોશી આ વાત સાથે સહમત નથી. તેઓ કહે છે કે, "સરકાર રાઘવજીભાઈને મંત્રી તરીકે રિપીટ ન કરવાનું કારણ તેમની નાદુરસ્ત તબિયત જણાવે છે, ત્યારે પરસોત્તમ સોલંકીને યથાવત્ રાખે છે."

જ્યારે ભાજપનો દાવો છે કે પાર્ટીમાં આવાં પરિવર્તન સામાન્ય છે.
અગાઉ પણ સમયાંતરે આવા રિશફલ કરવામાં આવ્યા છે.
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસીને જણાવ્યું કે, "અટલ બિહારી વાજપાઈથી લાલ કૃષ્ણ અડવાણી અને પછી નરેન્દ્ર મોદી આવ્યા તે દર્શાવે છે કે પાર્ટીમાં પરિવર્તન થતાં રહ્યાં છે. અન્ય રાજ્યોમાં પણ પાંચ વર્ષમાં બેથી ત્રણ વખત મંત્રીમંડળ બદલાતાં હોય છે. પણ ગુજરાત સરકાર પાંચ વર્ષમાં ફક્ત એક જ વાર મંત્રીમંડળમાં ફેરફાર કરે છે. કારણ કે, તેનાથી નવા ધારાસભ્યોને સ્થાન મળે અને તેમના લોકોને પ્રતિનિધિત્વ મળતું રહે છે."
મંત્રીઓની પસંદગીમાં કેવી વ્યૂહરચના રહી

ઇમેજ સ્રોત, @ikaushikvekaria/X
આ વખતે એવાં કેટલાંક નામો હતાં જેમની ચર્ચા તો થતી હતી, પણ આખરે મંત્રીમંડળમાં સ્થાન અપાયું નથી.
સૌરાષ્ટ્રના પાટીદાર નેતા જયેશ રાદડિયા તેનું ઉદાહરણ છે.
અમરેલીમાંથી ધારાસભ્ય કૌશિક વેકરીયાની પસંદગી થઈ છે જ્યારે જામનગરમાંથી રીવાબા જાડેજાની પસંદગી કરવામાં આવી છે. કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોરના પ્રભાવવાળી વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરની પસંદગી થઈ છે તે પાર્ટીની કોઈ ચોક્કસ રણનીતિ છે? તે બાબતે વિશ્લેષકો જણાવે છે કે તેનાં કારણો જુદાં જુદાં હોય શકે છે.
જગદીશ આચાર્ય કહે છે કે, "કૌશિક વેકરીયાની પસંદગી જયેશ રાદડિયાને સાઇડલાઇન કરવા અને રીવાબા જાડેજાની પસંદગી પૂનમ માડમને સાઇડલાઇન કરવા માટે થઈ હોય તેવું માનવું થોડું અતિશયોક્તિ છે."
બીજી તરફ કૌશિક મહેતા કહે છે કે, "કૌશિક વેકરીયા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યા હતા. તેથી તેમની પસંદગી આશ્ચર્યજનક છે."
રીવાબાની મંત્રી તરીકે પસંદગી વિશે જગદીશ આચાર્ય કહે છે કે, "પૂનમબહેન સાંસદ છે, તેમનું કદ રીવાબા કરતાં મોટું છે. તેમનો પરિવાર પણ રાજકારણમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવે છે તેથી રીવાબાને આગળ કરી પૂનમબહેનનું પત્તું કાપી શકાય તે કહેવું અઘરું છે, ત્યારે જયેશ રાદડિયાના અને કૌશિક વેકરીયા પણ હરીફાઈમાં ન હતા કારણ કે, કૌશિક વેકરીયાનું કાર્યક્ષેત્ર મહદ અંશે અમરેલી જિલ્લો છે. તેથી કૌશિક વેકરીયા અમરેલીના જૂના નેતાઓની નેતાગીરી માટે જોખમ હોય શકે, પણ તેઓ જયેશ રાદડિયા માટે તેટલું જોખમ નથી."
રીવાબા જાડેજા અને પૂનમ માડમ વચ્ચેના સંબંધો વિશે જણાવતા ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે દાવો કરે છે કે, "તેમની વચ્ચે કોઈ આંતરિક લડાઈ કે મતભેદ નથી."
તેઓ કહે છે, "બનાસકાંઠામાં ગેનીબહેનને લાગતું હતું કે મારી વાવની સીટ કોઈ લઈ ન શકે એ સીટ પરથી સ્વરૂપજી એ જીત હાંસલ કરી છે. તે ઉપરાંત તેમની પસંદગી દરેક વિસ્તાર અને ક્ષેત્રને પ્રાધાન્યતા આપવામાં આવે તે કારણે આ નિર્ણય લેવાયો છે."
સ્વરૂપજી ઠાકોર બાબતે જગદીશ આચાર્ય જણાવે છે કે, "ગેનીબહેન તેમના વિસ્તારમાં ભાજપ માટે પડકારરૂપ નેતા તો છે જ, ત્યારે તેમની સામે કોઈ ચહેરો ભાજપને મૂકવો જરૂરી હતો. તેથી સ્વરૂપજીની પસંદગી કરાઈ છે."
નવા ચહેરાઓની શું સરકારની છબી સુધરશે?

ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપ સત્તા પર છે ત્યારે સત્તાવિરોધી વાતાવરણ એટલે કે ઍન્ટી-ઇન્કમ્બન્સી ફૅક્ટરને નિયંત્રણમાં રાખવા માટે આવી કવાયત જરૂરી છે, એવી એક દલીલ કરવામાં આવે છે.
આ વખતના મંત્રીમંડળના વિસ્તરણમાં નવા ચહેરા સામેલ કરવાથી સરકારની છબી સુધરશે કે નહીં, તેના વિશે જગદીશ આચાર્ય જણાવે છે કે, "નવા ચહેરા પાસે પાર્ટીને એ જ અપેક્ષા રાખીને પસંદ કર્યા જણાય છે કે જૂના લોકોની ભૂલો સામે જે લોકોનો રોષ હતો તે આ નવા લોકો ઠંડો કરે અને લોકોમાં સરકારની છબી સુધારે. આ ફેરફાર ભારતીય જનતા પાર્ટી એ માત્ર પોતાને ફાયદો કરાવવા માટે જ કર્યા છે."

ઇમેજ સ્રોત, @Bhupendrapbjp
જ્યારે કૌશિક મહેતાનું માનવું છે કે, "નવા લોકોના કામ પર આધાર રાખશે કેમકે જૂના અનુભવ સારા રહ્યા નથી. બે ત્રણ ચહેરા સારા છે પણ તે ચહેરાઓ કેટલી નિષ્ઠાથી કરે છે તે પર બધું નિર્ભર છે. તે સિવાય કાંતિ અમૃતિયા કે કૌશિક વેકરીયા પાસે અપેક્ષા ન રાખી શકાય."
કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી કહે છે કે, "માત્ર મંત્રીમંડળ બદલવાથી સુરત તક્ષશિલા કાંડથી લઈને હરણી બોટકાંડના પીડિતોને કે મોરબી બ્રિજકાંડના પીડિતોને ન્યાય મળવાનો નથી આ પ્રશ્નો યથાવત્ છે."
ભાજપમાં વરિષ્ઠ નેતાઓનો અસંતોષ
ભાજપના અસંતુષ્ટ નેતાઓને લઈને મનીષ દોશીએ કહ્યું કે, "ગુજરાતની કોઈ પણ વ્યક્તિને કૉંગ્રેસની વિચારધારા સાથે કામ કરવા માટે દરવાજા ખુલ્લા છે પણ ભારતીય જનતા પાર્ટી "માલ ખતમ મોહબ્બત ખતમ" ની નીતિમાં માને છે. તેઓ તેમના લોકોનો પેપર નૅપકિનની જેમ ઉપયોગ કરે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ "નીતિન પટેલ, લાલ કૃષ્ણ અડવાણી" છે. તેઓ તેમના જૂના જોગીઓને માર્ગદર્શન મંડળમાં ધકેલી દે છે અને સિનિયર સાથીઓ સાથે અપમાનજનક વર્તન કરે છે. જે મંત્રીઓને પડતા મૂક્યા છે, તે પ્રત્યે અમારી સહાનુભૂતિ છે તે સાથે ભ્રષ્ટાચાર કરેલા મંત્રીઓને લઈને મુખ્ય મંત્રીએ જવાબદારી લેવી જોઈતી હતી પણ તે ના થયું. તેના કારણે 2027માં કૉંગ્રેસ પર લોકોનો વિશ્વાસ મતમાં ફેરવાશે."
યજ્ઞેશ દવે કહે છે કે, "ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જૂના કે નવા નેતા જેવી વાત હોતી નથી, ભાજપના જૂના નેતાઓમાં લાલકૃષ્ણ અડવાણી, નીતિન પટેલ હોય કે સૌરભ પટેલ હોય કોઇને હાલ પાર્ટીથી અસંતોષ નથી."
કૌશિક મહેતા જણાવે છે કે, "ભાજપમાં તેવું બનવું મુશ્કેલ છે કેમ કે, ભાજપ નીતિન પટેલ અને વિજય રૂપાણીને જો કાઢી મૂકતા હોય તો આ બધા મંત્રીઓ તેમના કરતાં જુનિયર ગણાય તેથી તેવું પાર્ટીને ભવિષ્યમાં આ જોખમ નથી લાગતું. આ ભાજપની સ્ટ્રેટેજી છે કે, ટૂંક સમય બાદ મંત્રીમંડળમાં ફેર બદલી કરવી અને નવા લોકોને સ્થાન આપવું તેથી જૂના લોકોનો જમાવડો ન થાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












