You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં કેર વર્તાવનારો કોરોનાનો નવો વાઇરસ ભારત માટે કેટલો જોખમી?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
- ઓમિક્રૉનના સબવૅરિયન્ટ XBB.1.5એ વિશ્વમાં ચિંતા ફેલાવી છે
- અમેરિકામાં હાલ જે કેસો આવી રહ્યા છે તેમાં મહત્તમ કેસો ઓમિક્રૉનના સબવૅરિયન્ટ XBB.1.5ના છે
- ગુજરાતમાં પણ આ સબવૅરિયન્ટના ત્રણ કેસો નોંધાયા હતા
- આ સબવૅરિયન્ટ કેવી રીતે પેદા થયો, ક્યાં વધારે ફેલાયો અને તે ભારત માટે કેટલો જોખમી છે તે વિશે અમે મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો સાથે વાત કરી
ઓમિક્રૉનના સબવૅરિયન્ટ XBB.1.5એ વિશ્વમાં ચિંતા ફેલાવી છે. અમેરિકામાં હાલ જે કેસો આવી રહ્યા છે તેમાં મહત્તમ કેસો ઓમિક્રૉનના સબવૅરિયન્ટ XBB.1.5ના છે.
ગુજરાતમાં પણ આ સબવૅરિયન્ટના ત્રણ કેસો નોંધાયા હતા.
ત્યારે આ સબવૅરિયન્ટ કેવી રીતે પેદા થયો, ક્યાં વધારે ફેલાયો અને તે ભારત માટે કેટલો જોખમી છે તે વિશે અમે મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો સાથે વાત કરી.
તજજ્ઞો માને છે કે આ સબવૅરિયન્ટ જેમણે કોવિડની રસી મુકાવી છે અને જેઓ પહેલાં પણ સંક્રમિત થઈ ચૂક્યા છે તેમને પણ ફરી સંક્રમિત કરી શકે છે.
અમેરિકાની પબ્લિક હૅલ્થ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન એટલે કે સીડીસીના ડેટા પ્રમાણે હાલ જે અમેરિકામાં રોજ કેસો નોંધાઈ રહ્યા છે તે પૈકી 40.5 ટકા કેસો ઓમિક્રૉનના સબવૅરિયન્ટ XBB.1.5ના છે.
3 જાન્યુઆરીએ અમેરિકામાં 76,128 કેસો નોંધાયા અને 315 લોકોનાં મોત થયાં હતાં.
સીડીસીના જણાવ્યા અનુસાર, “XBB.1.5 અન્ય વૅરિયન્ટ કરતાં વધુ સંક્રમિત છે અને ઝડપથી ફેલાય છે, જોકે તેને કારણે કોઈ ગંભીર ખતરો પેદા થાય છે કે નહીં તેનો અભ્યાસ ચાલુ છે.”
જોકે અમેરિકાના ડેટા બતાવે છે કે હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સબવૅરિયન્ટ XBB.1.5 શું છે?
WHO પ્રમાણે XBB* સબવૅરિયન્ટ એ BA.2.10.1 અને BA.2.75 સબવૅરિયન્ટના ઉપવંશનો પુન:સંયોજક છે.
3થી 9 ઑક્ટોબર દરમિયાન વિશ્વમાં ફેલાયેલા કોવિડ સંક્રમણમાં તેની 1.3 ટકા હાજરી હતી અને તે 35 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.
જાણકારો કહે છે કે સબવૅરિયન્ટ XBB.1.5 એ વૅરિયન્ટ ઓમિક્રૉનના સબવૅરિયન્ટ XBB*માંથી જ ઉદ્ભવ્યો છે અને તે XBB*નું અપગ્રેડેડ વર્ઝન છે.
તે દર્દીને પહેલાં સંક્રમણ થઈ ચૂક્યું હોય કે પછી તેને રસીના બંને ડોઝ લઈ લીધા હોય તેમને પણ સંક્રમિત કરી શકે છે.
XBB.1.5માં એવી ક્ષમતા છે કે તે માનવશરીરનાં ફેફસાંમાં રહેલા ACE-2 રિસેપ્ટર સાથે જલદી ચોંટી જાય છે. અને તેનામાં તેના પૂર્વ સબવૅરિયન્ટ કરતાં વધુ પ્રમાણમાં સંક્રમણ કરવાની ક્ષમતા છે.
તેનામાં બહુ જ જૂજ જોવા મળતું મ્યૂટેશન F486P જોવા મળ્યું છે.
તે તેના રિસેપ્ટર RBD એટલે કે રિસેપ્ટર બાઇન્ડિંગ ડોમેઇનમાં હોય છે. જોકે તે કેટલો જોખમી અને ખતરનાક છે તેના પર અભ્યાસ ચાલી રહ્યો છે.
ભારતમાં જીનોમિક સર્વેલન્સ ડૅટા પ્રમાણે XBB* સબવૅરિયન્ટનું પ્રમાણ 20 ટકા જોવા મળ્યું છે. ભારતમાં હજુ BA.2.75 સબવૅરિયન્ટનું પ્રમાણ વધારે છે.
અમદાવાદના જાણીતા પલ્મોનોલૉજિસ્ટ ડૉ. અમરીશ પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે અમરિકામાં અત્યારે ઠંડી છે અને તહેવારો ગયા એટલે કેસોમાં ઉછાળો આવ્યો છે.
ગુજરાતમાં પણ જોવા મળ્યો સબવૅરિયન્ટ XBB.1.5
ગુજરાતમાં પણ સબવૅરિયન્ટ XBB.1.5ના ત્રણ કેસ નોંધાયા છે. ત્રણેય દર્દીઓ ઑસ્ટ્રેલિયા અને ચીનથી આવ્યા હતા.
ગુજરાતમાં પણ આ સબવૅરિયન્ટ દેખાતા ગુજરાતમાં આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું ઍરપૉર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને તકેદારી રાખવામાં આવી રહી છે.
ગુજરાતના આરોગ્ય વિભાગનાં એડિશનલ ડિરેક્ટર ડૉ. નીલમ પટેલે કબૂલ્યું કે ગુજરાતમાં ગત મહિનામાં કેસો નોંધાયા હતા. પણ તેમણે કોઈ ચિંતા કે જોખમ વિશે કહેવાનું ટાળ્યું.
ડૉ. નીલમ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ત્રણ કેસો નોંધાયા હતા અને ત્રણેય દર્દીઓને હોમઆઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. તમામ હવે સાજા થઈ ગયા છે. જેમને આ સબવૅરિયન્ટનો ચેપ લાગ્યો હતો તેમના ઘરે રહેતા તેમના પરિવારજનોને પણ સંક્રમણ થયું નથી. તેઓ જેમના સંપર્કમાં આવ્યા હતા તેમના પણ ટેસ્ટિંગ થયા છે પણ સંક્રમણનાં કોઈ ચિહ્નો દેખાયાં નથી.”
અમદાવાદના જાણીતા પલ્મોનોલૉજિસ્ટ ડૉ. અમરીશ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે ડેલ્ટા વેવમાં જેટલી મોર્ટિલિટી હતી તેટલી હવે કદાચ નહીં જોવા મળે પરંતુ આ સબવૅરિયન્ટની અસર કેટલી છે તે માટે બે-ત્રણ સપ્તાહ રાહ જોવી પડશે.
ડૉ. અમરીશ પટેલ કહે છે કે, “બહારના દેશમાંથી લોકો આવશે, તહેવારોની સિઝન આવશે એટલે લોકો એકબીજાના વધુ સંપર્કમાં આવશે તેથી સંક્રમણ વધવાની સંભાવના પૂરેપૂરી છે.”
XBB.1.5 કેટલો જોખમી
ભલે આંતરાષ્ટ્રીય તજજ્ઞો આ સબવૅરિયન્ટ વધુ ચેપી હોવાની વાત કહેતા હોય પરંતુ ભારતના મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો કહે છે કે ચિંતાનું મોટું કારણ નથી.
તેમના મત પ્રમાણે જો કદાચ ચોથી લહેર ભારતમાં આવે તો પણ તે બીજી લહેર જેટલી ભયંકર નહીં જ હોય.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ પબ્લિક હૅલ્થ એટલે કે આઈઆઈપીએચજીના પ્રોફેસર ડૉ. અનીસસિંહા કહે છે કે XBB.1.5 સબવૅરિયન્ટનો ચેપ ફેલાય તો પણ તે જોખમી નહીં હોય, કારણ કે ભારતમાં મહત્તમ રસીકરણ થઈ ગયું છે અને મોટા ભાગના લોકોને ઍક્ટિવ કે પેસિવ સંક્રમણ થઈ ચૂક્યું છે.
ડૉ. સિંહા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “કદાચ સંક્રમણ વધે તો પણ ભારતમાં લોકોમાં જે ઇમ્યુનિટી વિકસી છે તે તેમને સુરક્ષા તો પૂરી પાડશે. એટલે ચેપ લાગે તો પણ હૉસ્પિટલમાં દાખલ થવાનો કે પછી મૃત્યુનું જોખમ ઘણું ઓછું છે.”
જોકે ડૉ. સિંહા લોકોને ચેતવે છે કે ભલે જોખમ ઓછું થયું હોય પણ કોરોના ગયો નથી.
ડૉ. અમરીશ પટેલ પ્રિકૉશન ડોઝની વાત કરતા કહે છે કે જેણે પ્રિકૉશન ડોઝ લીધો છે તેમને જોખમ ઓછું છે.
ડૉ. અમરીશ પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, “ બીજો ડોઝ જેણે લીધો છે તેને પણ ઘણો સમય થઈ ગયો હોય તો સંક્રમણનું જોખમ વધે છે. પ્રિકૉશન ડોઝ સંક્રમણથી તો નહીં બચાવી શકે, પણ સંક્રમણની તીવ્રતા અને કઠોરતાથી બચી શકાય.”
તેઓ વધુમાં ઉમેરે છે કે ખાસ કરીને જેમને સંક્રમણથી વધુ જોખમ છે તેવા વર્ગના લોકોએ જો ન લીધો હોય તો પ્રિકૉશન ડોઝ લઈ લેવો જોઈએ.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર સબવૅરિયન્ટ XBB.1.5ના કુલ પાંચ દર્દી નોંધાયા છે. ત્રણ ગુજરાતમાં છે અને એક-એક કેસ કર્ણાટક અને રાજસ્થાનમાં નોંધાયા છે.
આ જ સબવૅરિયન્ટ અમેરિકામાં હાલ વધેલા સંક્રમણ માટે જવાબદાર છે.
જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ઍક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2570 થઈ છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ મોત નથી થયું.
ગુજરાતમાં 3 જાન્યુઆરીએ નોંધાયેલા કેસોની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 8 કેસો નોંધાયા હતા.
સાજા થવાનો દર 99.13 ટકા છે. અને હાલ કુલ 39 ઍક્ટિવ કેસો છે. એક પણ દર્દી વૅન્ટિલેટર પર નથી.
શું છે XBB.1.5નાં લક્ષણો
જાણકારો કહે છે કે જે કોરોના વાઇરસનાં લક્ષણો છે તે જ આ સબવૅરિયન્ટનાં લક્ષણો છે.
લક્ષણોમાં બદલાવ નથી, ખાલી વાઇરસનું સ્વરૂપ બદલાયું છે અને આ સ્વરૂપ બદલાતું જ રહેશે, કારણ કે મ્યૂટેટ થતા રહેવું એ વાઇરસનું લક્ષણ છે અને ખાસિયત પણ.
ડૉ. અમરીશ પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે કે હાલ દર્દીઓમાં ખાંસીનું પ્રમાણ વધુ જોવા મળે છે અને થાક પણ લાગે છે.
પટેલ કહે છે કે, “પહેલાં જે કોરોનાના દર્દીઓ આવતા તેના કરતાં હાલના દર્દીઓમાં ખાંસી વધુ લાંબી ચાલે છે. અને કફનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. બાકી આ સબવૅરિયન્ટથી થયેલા સંક્રમણનાં લક્ષણો કોવિડ-19નાં મુખ્ય લક્ષણો જેવાં જ છે.”
કોવિડનાં મુખ્ય લક્ષણો છે- તાવ, શરદી, નાક વહેવું, ગળામાં ખરાશ, માથું દુખવું, કફ, શ્વાસ લેવામાં તકલીફ, શરીરનો દુખાવો, ગંધ અને સ્વાદ જતા રહેવાં, કેટલાક કેસમાં ઝાડા થઈ જવા અને ઊલટી થવી વગેરે.
કોવિડ પ્રોટોકોલ
કોવિડ પ્રોટોકૉલ પ્રમાણે આટલું કરવું:
- માસ્ક પહેરવું
- હાથ સતત ધોતા રહેવું
- સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો
- સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું
- ખોરાક ગરમ કરીને ખાવો
- ઘર કે ઑફિસનાં બારી-બારણાં હવાઉજાસ માટે ખુલ્લાં રાખવાં
- ભીડમાં જવાનું ટાળવું
- જેમને જોખમ છે તેમણે બિનજરૂરી કામ માટે બહાર નીકળવાનું ટાળવું
- લક્ષણો દેખાય કે તરત ડૉક્ટરનો સંપર્ક સાધવો
- જો ન લીધો હોય તો કોરોના રસીનો ત્રીજો એટલે કે પ્રિકૉશન ડૉઝ લઈ લેવો
- પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને પોષ્ટિક આહાર ખાવો
XBB.1.5થી બચવાના ઉપાય
આમ તો કોવિડ-19ના સંક્રમણથી બચવાના ઉપાયો છે તે જ XBB.1.5 માટેના ઉપાયો છે.
ડૉ અમરીશ પટેલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે કોઈ પણ વ્યક્તિને કફ-ખાંસી-તાવ જેવાં લક્ષણો હોય તેમણે પહેલાં પરિવારજનોથી દૂર થઈને પોતે જાતે હોમઆઇસોલેશનમાં જતા રહેવું જોઈએ અને તરત જ ડૉક્ટરની સવાલ લેવી જોઈએ.”
ડૉ અમરીશ પટેલ આ ઉપરાંત કોવિડ પ્રોટોકૉલ પાળવા પર ભાર મૂકે છે.