નિજ્જર હત્યા મામલે પુરાવા ન આપ્યા હોવાના ભારતના દાવાને કૅનેડાએ ખારિજ કર્યો, ટ્રુડોએ હવે કરી નવી વાત

ઇમેજ સ્રોત, REUTERS/MIKE SEGAR
ભારત અને કૅનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી ટકરાવ વચ્ચે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે તેમણે ભારત સાથે પહેલા જ માહિતી શૅર કરી દીધી હતી.
આ ત્રીજી વખત ટ્રુડોએ જાહેરમાં આ મુદ્દે વાત કરી છે. જોકે ભારતનો દાવો છે કે કૅનેડાએ તેમના આરોપોના સમર્થનમાં હજુ સુધી કોઈ પુરાવા રજૂ નથી કર્યાં.
ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધે ભારત પર આરોપ લગાવ્યા બાદ શુક્રવારે કૅનેડાની રાજધાની ઑટાવામાં થયેલા એક સંવાદદાતા સંમેલનમાં ટ્રુડોએ કહ્યું કે તેમણે ઘણા સપ્તાહ પહેલાં ભારતને આ વિશે જાણકારી આપી હતી.
તેમણે કહ્યું, “ભારત વિશે હું કહી શકું છું કે સોમવારે મેં જે કહ્યું હતું એની સાથે જોડાયેલા વિશ્વસનીય કારણો કૅનેડાએ ભારત સાથે ઘણા અઠવાડિયાં પહેલાં શૅર કર્યાં હતાં.”
તેમણે એમ પણ કહ્યું કે આ મામલાની તપાસમાં તેઓ ભારતનો સહયોગ ઇચ્છે છે. તેમણે કહ્યું, “અમે ભારત સાથે સકારાત્મક રીતે કામ કરવા માગીએ છીએ અને આશા છે કે આ ગંભીર મુદ્દા સુધી પહોંચવા માટે તે અમને સહયોગ આપશે.”

ટ્રુડોએ પહેલા શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, ANI
ગત સપ્તાહે સોમવારે જસ્ટિન ટ્રુડોએ કૅનેડાની સંસદમાં કહ્યું હતું કે આ વર્ષે જૂનમાં કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં કૅનેડાના નાગરિક હરદીપ સિંહ નિજ્જરની જે હત્યા થઈ હતી, તેની પાછળ ભારતીય એજન્ટોની ભૂમિકા હોઈ શકે છે.
તેમણે કહ્યું હતું, “કૅનેડાની એજન્સીઓએ ચકાસણી કરીને માલૂમ કર્યું છે કે કૅનેડાની જમીન પર કૅનેડાના નાગરિકની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. અમારી ભૂમિ પર થયેલી હત્યા પાછળ વિદેશી સરકારનું હોવું અસ્વીકાર્ય છે અને આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે.”
આ નિવેદન પછી કૅનેડાએ ભારતના વરિષ્ઠ રાજદ્વારીને દેશનિકાલ કરી દીધા હતા. જવાબરૂપે ભારતે પણ કૅનેડાના વરિષ્ઠ રાજદ્વારી અધિકારીને પાંચ દિવસમાં જ ભારત છોડી દેવાનો આદેશ આપ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ કૅનેડામાં ભારતીય દૂતાવાસે વિઝા સેવાઓ પર રોક લગાવી દીધી અને એમાં એવું કહ્યું કે, “ઑપરેશનલ કારણોસર હાલ આ સેવાઓ સ્થગિત કરવામાં આવી રહી છે.”
જોકે, એ વાત હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શકી કે બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના કારણે જ વિઝા સર્વિસ અટકાવવામાં આવી છે.

અત્યાર સુધી ભારતનો પક્ષ શું રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મુદ્દે ભારત અત્યાર સુધી એ કહેતું આવ્યું છે કે સરકારે કૅનેડા સાથે આ સંબંધ મામલે પુરાવા માંગ્યા છે. પરંતુ હજુ સુધી તેમની સાથે કોઈ માહિતી શૅર નથી કરવામાં આવી.
ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે “નિજ્જરની હત્યા સંબંધિત કોઈ પણ જાણકારી કૅનેડા તરફથી શૅર કરવામાં નથી આવી.”
ગુરુવારે થયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે જો કૅનેડા આ આરોપોના પક્ષમાં પુરાવા રજૂ કરશે તો ભારત તેની પર કાર્યવાહી કરવા માટે તૈયાર છે.
તેમણે કહ્યું, “કોઈ પણ ખાસ જાણકારી કૅનેડા દ્વારા શૅર કરવામાં નથી આવી. ન આરોપ પહેલાં કે ન આરોપો પછી. અમે કોઈ પણ ખાસ જાણકારી પર ધ્યાન આપવા માગીશું પરંતુ હજુ સુધી અમને કોઈ ખાસ સૂચના પ્રાપ્ત નથી થઈ. અમારી પાસે કેટલાક લોકોએ કૅનેડાની ધરતી પર અપરાધ કરવાની ઘટનાના પુરાવા છે, અમે એ જાણકારી પણ તેમની સાથે શૅર કરી પરંતુ હજુ સુધી કાર્યવાહી નથી થઈ.”
તેમણે ભારતમાં વૉન્ટેડ લોકોને કૅનેડામાં શરણ આપવાના સવાલમાં કહ્યું, “તેમને કૅનેડામાં સુરક્ષિત આશ્રય પૂરો પાડવામાં આવી રહ્યો છે, અમે ઇચ્છીએ છીએ કે કૅનેડાની સરકાર આવું ન કરે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે જેના પર આતંકવાદના આરોપો છે અથવા તેમને ભારતને સોંપી દે. અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં 20-25થી વધુ લોકોના પ્રત્યાર્પણ અથવા કાર્યવાહી માટે કૅનેડા સરકારને આગ્રહ કર્યો છે. પરંતુ કોઈ પણ પ્રકારની કોઈ મદદ નથી મળી.”

ટ્રુડો આ પહેલાં શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલા ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની બેઠકમાં હાજરી આપવા માટે ટ્રુડો ન્યૂયોર્ક પહોંચ્યા હતા.
ત્યાં સંવાદદાતાઓ સાથે વાત કરતા તેમણે બીજી વખત નિજ્જરની હત્યાના સંબંધમાં ભારત પર આરોપ લગાવ્યા, જોકે એ સમયે તેમણે પોતાના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા હોવાની વાત નહોતી કીધી.
તેમણે કહ્યું, “મેં સોમવારે કહ્યું હતું કે આ વાતનાં વિશ્વસનીય કારણો છે કે કૅનેડાની ભૂમિ પર એક નાગરિકની હત્યા પાછળ ભારત સરકારના એજન્ટ સામેલ હોઈ શકે છે. કાયદામાં માનનારા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરનારા દેશ માટે આ મૂળભૂત અને ઘણો ગંભીર મામલો છે.”
“અમારા ત્યાં સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા અને મજબૂત પ્રક્રિયા છે. હું ભારત સરકારને વિનંતી કરીશ કે તેઓ સત્ય સુધી પહોંચવાની કોશિશમાં અમને સાથ આપે.”
આ દરમિયાન ટ્રુડોએ કહ્યું કે સોમવારે સંસદમાં ભારત સરકાર પર આરોપ લગાવવાનો નિર્ણય તેમના માટે સરળ નહોતું.
તેમણે કહ્યું, “હું તમને આશ્વસ્ત કરી શકું છું કે સોમવારે સવારે હાઉસ ઑફ કૉમન્સમાં આ આરોપો લગાવવાનો નિર્ણય સરળ નહોતો. આ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવેલો નિર્ણય હતો. હું ફરી વાર એ જ વાત કહેવા માગુ છું કે જે મેં સોમવારે કહ્યું હતું કે વિશ્વસનીય પુરાવા છે જેને ગંભીરતાથી લેવા જોઈએ.”

આ વિવાદમાં અમેરિકાએ શું કીધું?

ઇમેજ સ્રોત, JUSTINTRUDEAU
ભારત અને કૅનેડા વચ્ચે આ તણાવમાં મોટો વળાંક અમેરિકાના વલણના લીધે આવ્યો કેમકે તે કૅનેડાનો પાડોશી દેશ છે અને ગાઢ મિત્ર પણ છે. પણ ભારત સાથે પણ તેના સંબંધો મજબૂત રહ્યા છે.
સોમવારે જ્યારે જસ્ટિન ટ્રુડોએ એ આરોપો લગાવ્યા હતા ત્યાર બાદ અમેરિકાએ આ વિશે તીવ્ર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ કહ્યું હતું કે મામલાના ઊંડાણમાં જઈ દોષિતોને સજા આપવામાં આવે.
જ્યાર બાદ શુક્રવારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને સંવાદદાતા સંમેલનમાં એક સવાલનો જવાબ આપતા કહ્યું, “પહેલાં તો કૅનેડાના વડા પ્રધાને જે આરોપો લગાવ્યા છે તેને અમેરિકા ગંભીરતાથી લે છે. અમે આ મામલે કૅનેડા સાથે સતત સંપર્કમાં છીએ.”
“એ જરૂરી છે કે કૅનેડા આ મામલે ગંભીરતાથી તપાસ કરે અને ભારત તેમાં સહયોગ કરે. જવાબદારી નક્કી કરવામાં આવે. અમે પણ આ વિશે ભારત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.”
અમે સરહદ પારની કથિત દમનની કોઈ પણ ઘટના વિશે ખૂબ જ સતર્ક છીએ અને અમેરિકા આને ઘણી ગંભીરતાથી લે છે અને આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા માટે એ જરૂરી છે કે કોઈ પણ દેશ જે આ રીતે આવા કામમાં સામેલ થવાનું વિચારે છે, તો એ આવું ન કરે. આ કંઈક એવું છે કે જેના પર અમે વ્યાપક રીતે ધ્યાન આપી રહ્યા છીએ.”
આ પહેલા ગત ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને વ્હાઇટ હાઉસમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે અમેરિકા કૅનેડા અને ભારત સાથે સંપર્કમાં છે તથા અમેરિકા, ભારતને કોઈ ‘ખાસ છૂટ’ નહીં આપશે.
તેમણે કહ્યું હતું કે અમેરિકા આ મામલે બંને દેશો સાથે સંપર્કમાં છે.
તેમણે કહ્યું હતું, “આ એક એવી બાબત છે, જેને અમે ગંભીરતાથી લઈએ છીએ. આ એક એવો મામલો છે જેના પર અમે કામ કરવાનું ચાલુ રાખીશું અને કોઈ પણ દેશની પરવા કર્યા વગર અમે આવું કરીશું. આ પ્રકારના કામ માટે તમને કોઈ ખાસ છૂટ નથી મળતી. દેશની પરવા કર્યાં વગર અમે ઊભા રહીશું અને પોતાના મૂળભૂત સિદ્ધાંતોની રક્ષા કરીશું. અમે કૅનેડા જેવા સહયોગીઓ સાથે પણ નિકટથી કામ કરીશું કેમ કે આ મામલે તપાસ અને રાજકીય પ્રક્રિયાને કૅનેડા આગળ વધારી રહ્યું છે.”

શું છે મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર એજન્સી રૉયટર્સે ગુરુવારે સૂત્રોના હવાલેથી છપાયેલા સીબીએસ ન્યૂઝના એક રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે કૅનેડા સરકારે શીખ અલગાવવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં જાણકારી ભેગી કરી છે.
આ રિપોર્ટ અનુસાર સરકારે આ સંબંધમાં ગુપ્ત જાણકારી પણ ભેગી કરી છે, તેમાં કૅનેડામાં હાજર ભારતીય અધિકારીઓનો સંદેશાવ્યવહાર સામેલ છે, સાથે જ કેટલીક જાણકારી ફાઇવ આયઝમાં સામેલ એક સહયોગી પાસેથી મળી છે.
ફાઇવ આયઝ અમેરિકા, બ્રિટન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે બનેલું એક ગઠબંધન છે જેના હેઠળ ગુપ્ત જાણકારી શૅર કરવામાં આવે છે.
ટ્રુડોએ અત્યાર સુધી સ્પષ્ટ નથી કર્યું કે કૅનેડાની ખુફિયા એજન્સીએ આ હત્યા સાથે સંબંધિત જાણકારી ભેગી કરી છે. પરંતુ રૉયટર્સ અનુસાર કૅનેડાની સરકારે અત્યાર સુધી સીબીસી ન્યૂઝમાં પ્રકાશિત અહેવાલને રદિયો નથી આપ્યો કે ન તેની પુષ્ટિ કરી છે.














