લૅપટૉપ આયાત પર પ્રતિબંધનો નિર્ણય મોકૂફ, 'રિલાયન્સને લાભ'ની ચર્ચા કેમ?

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત સરકારે લૅપટૉપ, પર્સનલ કમ્પ્યુટર અને ટેબલૅટની આયાતને પ્રતિબંધિત કરતા નિર્ણયના અમલ પર હાલ રોક લગાવી દીધી છે.

ગુરુવારે એક નોટિફિકેશન જાહેર કરીને આ આઇટમોની આયાત તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરી દેવાઈ હતી.

નવા નોટિફિકેશનમાં આ આઇટમોની આયાતના લાઇસન્સ માટે 31 ઑક્ટોબર 2023 સુધીનો સમય અપાયો છે. વિદેશવેપાર મહાનિદેશાલયે કહ્યું છે કે આદેશ 1 નવેમ્બર 2023થી લાગુ થશે.

લૅપટૉપ, પર્સનલ કમ્પ્યુટર અને ટેબલૅટ સહિત સાત આઇટમોની આયાત અચાનક પ્રતિબંધિત કરાતાં ઉદ્યોગજગતમાં આકરી પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

આઇટી હાર્ડવેર સાથે જોડાયેલ તમામ પક્ષકારોનું કહેવું છે સરકારે અચાનક નોટિફિકેશન જાહેર કરી દીધું જ્યારે દિવાળી દરમિયાન આ આઇટમોની ભારે માગ જોવા મળે છે. આવી સ્થિતિમાં કંપનીઓના બિઝનેસ પર ભારે નકારાત્મક અસર પડશે.

મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન ફૉર ઇન્ફૉર્મેશન ટેકનૉલૉજીએ વિદેશવેપાર મહાનિદેશાલયને ઇમેઇલ મારફતે લાઇસન્સિંગ માટે વધુ સમય આપવાની માગ કરી હતી.

સરકારના નોટિફિકેશનથી ગભરાઈ જઈને ઘણા ઑરિજિનલ ઇક્વિપમૅન્ટ મૅન્યુફૅક્ટરર્સ જેમ કે, એપલ, સેમસંગ અને એચપીએ તાત્કાલિક અસરથી લૅપટૉપ અને ટેબલૅટની આયાત પર રોક લગાવી દીધી હતી.

ઇન્ડસ્ટ્રીનાં સૂત્રો પ્રમાણે કદાચ ચારેકોર આ નિર્ણયની ટીકાને કારણે સરકારે હાલ આ આદેશનો અમલ રોકી દીધો છે.

વિદેશવેપાર મહાનિદેશલયના પ્રથમ નોટિફિકેશનમાં શું કહેવાયું હતું?

વિદેશવેપાર મહાનિદેશાલયે ગુરુવારે એક નોટિફિકેશન જાહેર કરીને આ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. તેમાં કહેવાયું હતું કે કંપનીઓએ હવે આના માટે લાઇસન્સની જરૂરિયાત હશે.

આ નિર્ણયનો અમલ હાલ ભલે મોકૂફ રખાયો હોય, પરંતુ આનાથી ઍપલ, ડેલ, લીનોવો, હેવલેટ પેકર્ડ અને સેમસંગ જેવી કંપનીઓના કારોબાર પર ભારે અસર પડી શકે છે.

હવે તેમણે લોકલ મૅન્યુફૅક્ચરિંગ પર ભાર મૂકવો પડશે જેથી ભારતમાં તેઓ પોતાની પ્રોડક્ટોની માગ બરોબર જથ્થો જાળવી રાખી શકે.

સરકારના આ પગલાથી ઘરેલુ બજારમાં આ આઇટમોની કીમતમાં વધારો થાય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

દેશમાં પાછલાં ત્રણ વર્ષો દરમિયાન (ખાસ કરીને કોવિડ મહામારી વખતે) લૅપટૉપ, પર્સનલ કમ્પ્યુટર અને ટેબલૅટ જેવી આઇટમોની માગમાં ઘણો વધારો થયો છે.

વિદેશવેપાર મહાનિદેશાલય તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશનમાં આ આઇટમોની આયાત પર પ્રતિબંધ લાદવાના નિર્ણય માટે કોઈ કારણ નહોતું અપાયું.

પરતું કહેવાઈ રહ્યું છે કે સરકાર હાલ સુરક્ષાનાં કારણોનો હવાલો આપીને આ આઇટમોની આયાત રોકવા માગે છે.

લૅપટૉપ, પર્સનલ કમ્પ્યુટર અને ટેબલૅટ જે સાત આઇટમોની આયાત પ્રતિબંધિત કરાઈ છે, તેમાંથી 58 ટકા પ્રોડક્ટ ચીનથી આવે છે.

નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતમાં આ પ્રોડક્ટની આયાતનું મૂલ્ય 8.8 અબજ ડૉલર હતું. આમાંથી એકલા ચીનની ભાગીદારી 5.1 અબજ ડૉલરની હતી.

ચીનનો ખતરો કેટલો મોટો?

મીડિયાના અહેવાલો અનુસાર સરકારનાં આંતરિક સૂત્રોએ આ આઇટમોની આયાત પર પ્રતિબંધો માટે સુરક્ષા કારણોનો હવાલો દીધો છે, કારણ કે મોટા ભાગની વસ્તુઓ ચીનથી આયાત કરાઈ રહી હતી.

પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારે માત્ર સુરક્ષાનાં કારણસર આ આઇટમોની આયાત પર પ્રતિબંધ નથી લાદ્યો.

ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગને પ્રોત્સાહિત કરનારા મુખ્ય સંગઠન વીએલએસઆઈના અધ્યક્ષ સત્યા ગુપ્તાએ બીબીસીને કહ્યું, “સુરક્ષાનો મામલો ચર્ચાનો વિષય છે. તેથી સરકારે પોતાના નોટિફિકેશનમાં આનો ઉલ્લેખ નથી કર્યો. ચીનની પ્રોડક્ટ સુરક્ષિત નથી એ વાત પુરવાર કરવાનું કામ અત્યંત અઘરું છે.”

તેમણે કહ્યું, “લૅપટૉપ, ટેબલૅટ કે પર્સનલ કમ્પ્યુટરની સુરક્ષાનું પાસું પ્રોસેસર સાથે જોડાયેલું હોય છે. આ તમામ આઇટમોમાં સૌથી વધુ ઇન્ટેલ, એએમડી અને માઇક્રોટેકના પ્રોસેસર લાગેલા હોય છે. આ ચાઇનીઝ પ્રોસેસર નથી.”

“જોકે, ચાઇનીઝ પ્રોસેસ યુનિસર્ફવાળાં લૅપટૉપ બનવાનું શરૂ થઈ ગયાં છે. પરંતુ હજુ એ શરૂઆતના તબક્કામાં છે. તેથી એવું ખોટું છે કે સરકારે ચીનના ખતરાને જોતાં પર્સનલ કમ્પ્યુટર અને ટેબલૅટની આયાત પર પ્રતિબંધ લાદ્યો છે.”

સરકારનો હેતુ શો છે?

મોદી સરકાર ભારતને ઇલેક્ટ્રોનિક્સ મૅન્યુફૅક્ચરિંગનું મોટું હબ બનાવવા માગે છે. પોતાના આ હેતુને હાંસલ કરવા માટે તેણે હાર્ડવેર માટે પીએલઆઇ (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) સ્કીમ લાગુ કરી છે.

સરકાર ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ઘરેલુ મૅન્યુફૅક્ચરિંગને પ્રોત્સાહિત કરીને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરવા માગે છે તેથી પીએલઆઇ સ્કીમ પર આટલો ભાર મુકાઈ રહ્યો છે.

ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ અને ફૂડ પ્રોસેસિંગ સહિત દસથી વધુ સૅક્ટરો માટે પીએલઆઇ સ્કીમ ચલાવાઈ રહી છે.

દેશમાં પેટ્રોલ અને ગોલ્ડ બાદ સૌથી વધુ આયાત ઇલેક્ટ્રોનિક્સની થાય છે. ફેબ્રુઆરી 2021થી એપ્રિલ 2022 દરમિયાન દેશના 550 અબજ ડૉલરના આયાત બિલમાં એકલી ઇલેક્ટ્રોનિક આઇટમોની ભાગીદારી 62.7 અબજ ડૉલર હતી.

તેથી ભારતને ઇલેક્ટ્રોનિક મૅન્યુફૅક્ચરિંગ હબ બનાવવાનો હેતુ બહુમૂલ્ય વિદેશ મુદ્રા બચાવવાનો પણ છે.

વર્ષ 2020માં શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત વિદેશી અને ઘરેલુ કંપનીઓને દેશમાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવા, તેનું વિસ્તરણ કરવા અને તૈયાર માલના વેચાણ પર ઇન્સેન્ટિવ અપાય છે.

પીએલઆઇની સ્કીમ અંતર્ગત માત્ર આઇટી હાર્ડવેર સૅક્ટર માટે જ 17 હજાર કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ નિર્ધારિત કરાઈ ચૂક્યું છે.

સરકારને આશા છે કે આનો લાભ ઉઠાવવા ઍપલ, ડેલ, એચપી અને સેમસંગ જેવી કંપનીઓ ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ કરશે.

આ ગ્રાહકોને નવા નિયમમાં છૂટ

જો તમે વિદેશમાંથી લૅપટૉપ, પર્સનલ કમ્પ્યુટર, અલ્ટ્રા સ્મૉલ ફૉર્મ ફૅક્ટર કમ્પ્યુટરની ખરીદી કરો છો તો આ પ્રતિબંધ તમારા પર લાગુ નહીં થાય.

ઇ-કૉમર્સ પૉર્ટલથી ખરીદાયેલ કે પોસ્ટ કે કુરિયર વડે કમ્પ્યુટર મગાવવા પર પણ આ પ્રતિબંધ લાગુ નહીં થાય. જોકે તેના પર ડ્યૂટી લાગુ થશે.

જો લૅપટૉપ, ટેબલૅટ, અલ્ટ્રા સ્મૉલ ફૉર્મ ફૅક્ટર કમ્પ્યુટર અને સર્વર કૅપિટલ ગુડ્સના ભાગો આયાત કરાય તો એના પર પણ આ પ્રતિબંધ લાગુ નહીં પડે.

પીસી, લૅપટૉપ કંપનીઓ પર કેટલી અસર?

પર્સનલ કમ્પ્યુટર વેચનારી કંપનીઓનું કહેવું છે કે સરકારના આ પગલાથી હાલ આ આઇટમોની આયાત રોકાઈ જશે. હકીકત એ છે કે હાલમાં દેશમાં વેચાતાં લગભગ 90 ટકા કમ્પ્યુટર (ડેસ્કટૉપ, લૅપટૉપ અને ટેબલૅટ) આયતી હોય છે.

આનાથી માર્કેટમાં આ આઇટમોની ભારે અછત સર્જાઈ શકે છે. જેના કારણે તેની કીમતોમાં પણ ભારે વધારો થઈ શકે છે.

સરકારે વર્ષ 2020માં ટેલિવિઝન સેટની ઘરેલુ મૅન્યુફૅક્ચરિંગને પ્રોત્સાહિત કરવા માટે પણ કંઈક આવું જ પગલું લેવાયું હતું. એ સમયે સરકારે ટેલિવિઝન સેટની આયાત પર રોક લાદી દીધી હતી.

આનાથી ટીએસએલ, વીયુ સિવાય સેમસંગ, એલજી, શ્યાઓમી જેવી કંપનીઓનાં ટેલિવિઝન પર ભારે અસર પડી હતી. અહીં નોંધનીય છે કે સેમસંગ, એલજી જેવી કંપનીઓ તો ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ કરે પણ છે.

સરકારના આ પગલાથી ટીવી આયાતની સાત-આઠ હજાર કરોડની બજાર પ્રભાવિત થઈ હતી. પરંતુ ભારતમાં કુલ ટીવી વેચાણના જથ્થાનો આ એક ખૂબ નાનો ભાગ હતો.

પરંતુ પર્સનલ કમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધનો મામલો બિલકુલ અલગ છે. આ પગલાની મોટી અસર થશે, કારણ કે દેશમાં મોટાં ભાગનાં પર્સનલ કમ્પ્યુટર બહારથી મગાવાય છે.

પર્સનલ કમ્પ્યુટર કંપનીઓએ જણાવ્યું છે કે આ નિર્ણય લાગુ કરતા પહેલાં ત્રણ માસનો ગ્રેસ પિરિયડ આપવો જોઈતો હતો જેથી ગ્રાહકોને કીમતોમાં અચાનક વધારાથી સર્જાતી મુશ્કેલીથી બચાવી શકાય.

રિલાયન્સ જિયોબુકની લૉન્ચિંગ અને આયાત પર પ્રતિબંધનું કનેક્શન

આ અઠવાડિયે મુકેશ અંબાણીની કંપની જિયો માત્ર 16,499 રૂપિયામાં રિલાયન્સ જિયોબુક માર્કેટમાં લાવી છે. આ પ્રોડક્ટ ટેબલૅટ અને લૅપટૉપનું એક મિશ્રિત વર્ઝન છે.

આને બજારનું સૌથી ‘સસ્તું લેપટૉપ’ ગણાવાઈ રહ્યું છે. આ અગાઉ એચપી અને અન્ય કંપનીઓના ક્રોમબુક 20 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યાં હતાં.

સોશિયલ મીડિયા પર જિયોબુકની લૉન્ચિંગ અને સરકારના નવા નિયમોની ટાઇમિંગ પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે.

લોકોનું કહેવું છે કે રિલાયન્સને લાભ કરાવવા માટે સરકારે આ પગલું ઉઠાવ્યું છે. પરંતુ વિશેષજ્ઞોએ આ આરોપોને ફગાવ્યા છે.

સત્યા ગુપ્તા જણાવે છે કે, “રિલાયન્સનું જિયોબુક માર્કેટમાં રહેલી બીજી પ્રોડક્ટોને ટક્કર ન આપી શકે. એ લૅપટૉપ નહીં પરંતુ એક હાઈ-ઍન્ડ ટેબલૅટ છે. રિલાયન્સની પ્રોડક્ટ હજુ આરંભિક તબક્કામાં છે. આ પ્રતિબંધના કારણે રિલાયન્સની પ્રોડક્ટ બજારમાં છવાઈ જશે એ વાતની આશંકા હાલ તો દૂર-દૂર સુધી નથી જોવા મળી રહી.”

નવી નીતિથી કંપનીઓને શો લાભ?

વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારની આ નીતિથી વિદેશી અને ઘરેલુ કંપનીઓ બંનેને લાભ થશે. લૅપટૉપ, ટેબલૅટ બનાવવા માટે ઍસેમ્બ્લિંગ લાઇન લગાવવી કે યુનિટ શરૂ કરવું એ સરળ કામ છે.

ઘણી કંપનીઓની ઍસેમ્બ્લિંગ લાઇન ચાલી રહી છે. સરકારનો હેતુ છે કે વિદેશી કંપનીઓ ત્યાં પોતાનું યુનિટ સ્થાપિત કરે અને પીએલઆઇ સ્કીમનો લાભ લે.

સત્યા ગુપ્તા કહે છે કે, “સરકાર નવી પીએલઆઇ સ્કીમ અંતર્ગત 17 હજાર કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ આપી રહી છે. આ અંતર્ગત ચારથી છ ટકાનું ઇન્સેન્ટિવ મળી રહ્યું છે જે ખૂબ વધારે છે.”

“લૅપટૉપ, ટેબલૅટ કે એ પ્રકારની બીજી પેદાશો પર બે-ત્રણ ટકાનું માર્જિન પણ સારું મનાય છે. આવી સ્થિતિમાં છ ટકાનું માર્જિન કંપનીઓ માટે ઘણા ફાયદાનો સોદો છે.”

સત્યા ગુપ્તાનું કહેવું છે કે, “વીવીડીએન, ઑપ્ટિમસ જેવી ઘણી નાની કંપનીઓ લૅપટૉપ, ટેબલૅટ જેવી આઇટમો બનાવી રહી છે. સરકારની આ નીતિથી આ કંપનીઓને પ્રોત્સાહન મળશે. નાની-નાની કંપનીઓની ઇકૉ-સિસ્ટમથી ભારતમાં આઇટી હાર્ડવેરની મોટી કંપનીઓ ઊભી થઈ શકશે.”

આનાથી ભારતને મૅન્યુફૅક્ચરિંગને પ્રોત્સાહન મળશે અને ત્યાંની નાની અને મધ્યમ કદની કંપનીઓ પણ પ્રોડક્ટ ડિઝાઇન, ડેવલપ અને મૅન્યુફૅક્ચરિંગનું કામ કરી શકશે.

સરકાર ઇચ્છે છે કે કંપનીઓ ભારતમાં પ્રોડક્ટ મૅન્યુફૅક્ચરિંગ, ડિઝાઇન અને ડેવલપ કરે. ભલે એ વિદેશી હોય કે ભારતીય.