બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 'મોકા' વાવાઝોડું ગુજરાતમાં કેવી વિપરીત અસર કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડીમાં આ વર્ષનું સૌપ્રથમ વાવાઝોડું બુધવારના રોજ સક્રિય થયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ મોકા નામનું આ વાવાઝોડું ભીષણ ચક્રવાત બને તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.
આ સાથે જ હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ વાવાઝોડું કઈ તરફ આગળ વધશે અને ક્યાં ટકરાશે તે નક્કી થઈ ગયું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે, ક્યારે વરસાદ તો ક્યારે ગરમી. આ વખતે ઉનાળામાં ગત વર્ષ જેવી ગરમી પણ નોંધાઈ નથી.
બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાની ગુજરાત પર કોઈ સીધી નહીં પરંતુ વિપરીત અસર થવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે, ક્યારે વરસાદ તો ક્યારે ગરમી. આ વખતે ઉનાળામાં ગત વર્ષ જેવી ગરમી પણ નોંધાઈ નથી. પરંતુ મે મહિનાના હવે સ્થિતિ બદલાશે અને તેમાં વાવાઝોડાની વિપરીત અસર સામેલ થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે, બંગાળની ખાડી પર બનેલી સિસ્ટમ એક ખૂબ ગંભીર તોફાનમાં બદલાઈ શકે છે અને તેમાં હવાની ગતિ 150 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.
બંગાળની ખાડીમાં સોમવારના રોજ લૉ-પ્રેશર એરિયા બની ગયો હતો અને જે બાદ આ સિસ્ટમ સતત મજબૂત બની રહી છે. હવે બુધવારના રોજ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે.
12 તારીખના રોજ આ મોકા નામનું આ વાવાઝોડું વધારે ખતરનાક બને તેવી શક્યતા છે. આ વાવાઝોડું બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકિનારાની વચ્ચે ટકરાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોમાસા પહેલાં સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ભારતના દરિયામાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં આવેલાં વાવાઝોડાંએ વિનાશ વેર્યાના અનેક દાખલા પણ છે.

ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર થશે?
ગુજરાત અરબી સમુદ્રના કિનારે આવેલું છે અને આ વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાવાનું છે. આથી ગુજરાત પર તેની કોઈ સીધી અસર થવાની નથી.
બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાં ગુજરાત પર આવતાં નથી. અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાં ગુજરાત તરફ આવે છે અને તેની સીધી અસર થાય છે.
આ વાવાઝોડાને કારણે ગુજરાતને કોઈ અસર નહીં થાય, તેના કારણે રાજ્યમાં વરસાદ થવાની પણ શક્યતા નથી.
રાજ્ય પર તેની વિપરિત અસર થવાની શક્યતા છે, વાવાઝોડાને કારણે અરબી સમુદ્રના પવનો પણ બંગાળની ખાડી તરફ જશે અને તેના કારણે ભેજ પણ તે તરફ કેન્દ્રીત થશે. જેથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતા છે.
હાલમાં જ ગુજરાતમાં થઈ રહેલો કમોસમી વરસાદ પણ હવે બંધ થઈ જશે અને રાજ્યમાં હવે ઉનાળાની શરૂઆત થશે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં હવે આવનારા દિવસોમાં તાપમાન વધશે અને મોટા ભાગના વિસ્તારો આકરી ગરમીનો અનુભવ કરશે.
વાવાઝોડાને કારણે જે વિસ્તારોને અસર થવાની સંભવાના છે તેમાં પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.
'મોકા' વાવાઝોડું કઈ તરફ જશે?
બંગાળની ખાડીમાં સર્જાનારું આ વાવાઝોડું સૌપ્રથમ સીધું આગળ વધશે. જે બાદ 12 મેના રોજ તે દરિયામાં વળાંક લઈને બાંગ્લાદેશ તથા મ્યાનમાર તરફ આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે જે નક્શો બહાર પાડ્યો છે તે પ્રમાણે હાલની સ્થિતિને જોતાં આ વાવાઝોડું દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તર મ્યાનમારના દરિયાકિનારા વચ્ચે ટકરાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
જેથી તે ભારતના ભૂભાગોને સીધી અસર કરે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
હાલની સ્થિતિને જોતાં તેને સીધી અસરની શક્યતા નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. એટલે મોટાભાગે એવી સ્પષ્ટતા છે કે મ્યાનમાર અને બાંગ્લાદેશ પર તેનો સૌથી વધારે ખતરો છે.
જોકે, ઉનાળામાં સર્જાતાં વાવાઝોડાનો માર્ગ પહેલાંથી નક્કી કરવો ખૂબ મુશ્કેલ હોય છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે વાવાઝોડું સર્જાયા બાદ તેનો માર્ગ ફરી બદલાયો હોય.

મોકા વાવાઝોડું ભીષણ ચક્રવાત બનશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બંગાળની ખાડીમાં સૌથી પહેલાં સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું તે બાદ લૉ-પ્રેશર એરિયા અને હવે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. 10 મેના રોજ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે.
જે બાદ પણ તે સતત મજબૂત બનતું જશે અને એવી શક્યતા છે કે 11 મેના રોજ તે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થઈ જશે એટલે કે વાવાઝોડું મજબૂત બનશે.
12 મેના રોજ આ વાવાઝોડું દરિયામાં જે તરફ જઈ રહ્યું છે ત્યાંથી વળાંક લેશે અને તે વધારે મજબૂત બનીને ભીષણ ચક્રવાતમાં પરિવર્તિત થઈ જશે.
ભારતના હવામાન વિભાગે જારી કરેલી માહિતી પ્રમાણે જ્યારે દરિયામાં બનેલી સિસ્ટમમાં પવનની ગતિ 62થી 87 કિલોમિટર પ્રતિકલાક થાય ત્યારે તે વાવાઝોડું બન્યું ગણાય.
તીવ્ર ચક્રવાત એટલે કે વાવાઝોડું થોડું વધારે મજબૂત થયેલું ત્યારે ગણાય જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 88થી 117 કિલોમિટર સુધી પહોંચી જાય.
મોકા વાવાઝોડાની આગાહી પ્રમાણે તે અતિ તીવ્ર કેટેગરીમાં પ્રવેશે તેવી શક્યતા દેખાઈ રહી છે. એટલે કે તેની તીવ્રતા ખૂબ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તે અતિ તીવ્ર વાવાઝોડું બનશે. 13 મેની આસપાસ આ વાવાઝોડું વધારે ખતરનાક બને તેવી શક્યતા છે.
અતિ તીવ્ર વાવાઝોડું એટલે કે પવનની ગતિ પ્રતિકલાકના 118થી 165 કિલોમિટરની વચ્ચે હોય. જો આટલી જ ગતિથી વાવાઝોડું જમીન પર પહોંચે તો તે વધારે નુકસાન કરતું હોય છે.
















