WPL 2023 :ક્રિકેટમાં પહેલી બેવડી સદી સચીન તેંડુલકરે નહીં પણ આ મહિલા ક્રિકેટરે ફટકારી હતી

ઇમેજ સ્રોત, Getty Images
આજથી ભારતમાં મહિલાઓ માટેની પ્રથમ ટી-20 ટુર્નામેન્ટ 'વિમેન્સ પ્રીમિયર લીગ' શરૂ થઈ રહી છે.
4 માર્ચથી 26 માર્ચ સુધી મુંબઈમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં મુંબઈ, ગુજરાત, દિલ્હી, લખનઉ અને બૅંગ્લોરની ટીમનો સમાવેશ થાય છે.
આ ટુર્નામેન્ટની પ્રથમ મૅચ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે યોજાશે.
ભારતમાં પુરુષ ક્રિકેટ તો પહેલેથી ઘણું લોકપ્રિય છે અને પુરુષો માટેની ટી-20 ટુર્નામેન્ટ 'ઇન્ડિયન પ્રીમિયર લીગ' વર્ષોથી ક્રિકેટપ્રેમીઓને રોમાંચિત કરી રહી છે.
ત્યારે તાજેતરમાં યોજાયેલા મહિલા ટી-20 વર્લ્ડકપ બાદ 'વિમૅન્સ પ્રીમિયર લીગ' પણ ક્રિકેટરસિકો માટે રસપ્રદ બનીને રહેશે.
જ્યારે પણ ક્રિકેટમાં રૅકર્ડ્ઝ અને સિદ્ધિઓની વાત કરવામાં આવે તો હંમેશાં પુરુષ ક્રિકેટરોનાં નામ આવતાં હોય છે.
આજે આપણે એવા રૅકર્ડ્ઝ અને સિદ્ધિઓ વિશે વાત કરીશું જે પુરુષો કરતાં પહેલાં મહિલાઓ ક્રિકેટરોએ બનાવ્યા હોય.

પુરુષો પહેલાં યોજાયો હતો મહિલા ક્રિકેટ વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images
પુરુષો માટેનો પ્રથમ વર્લ્ડકપ 1975માં ઇંગ્લૅન્ડમાં યોજાયો હતો. તેમાં 60-60 ઓવરની મૅચો રમાતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, વર્લ્ડકપની બાબતમાં પુરુષો મહિલાઓ કરતાં બે વર્ષ પાછળ છે. સૌપ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન 1973માં કરવામાં આવ્યું હતું. તેમાં ઇંગ્લૅન્ડનો વિજય થયો હતો.
આઈસીસીની વેબસાઇટ અનુસાર, સૌપ્રથમ મહિલા વર્લ્ડકપમાં સાત ટીમોએ ભાગ લીધો હતો. તેમાં ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, જમૈકા, ત્રિનિદાદ-ટૉબેગો, ઇન્ટરનેશનલ ઇલેવન અને યંગ ઇંગ્લૅન્ડની ટીમ હતી.
રાઉન્ડ રૉબિન પદ્ધતિ વડે રમાયેલા વર્લ્ડકપમાં આંકડાના આધારે વિજેતા ટીમની જાહેરાત કરવામાં આવતી હતી. તેમાં સૌથી વધુ મૅચ જીતીને ઇંગ્લૅન્ડે વર્લ્ડકપ જીત્યો હતો.
સૌપ્રથમ વર્લ્ડકપમાં ભારતીય ટીમ ન હતી. ભારતીય મહિલા ટીમ પ્રથમ વર્લ્ડકપ 1978માં રમી હતી.

એક જ ટેસ્ટમેચમાં 10 વિકેટ અને સદી

ઇમેજ સ્રોત, australian cricket society
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પુરુષ ક્રિકેટની વાત કરીએ તો એક મૅચમાં 10 વિકેટ ઝડપી હોય અને સદી પણ ફટકારી હોય એવા માત્ર ચાર ખેલાડીઓ છે. જેમાં ઇયાન બૉથમ અને ઇમરાન ખાનનો સમાવેશ થાય છે. પણ પુરુષ ક્રિકેટમાં કોઈએ આ સિદ્ધિ હાંસલ કરી હોય તેના પહેલાં એક મહિલા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યાં હતાં.
તે હતા, ઑસ્ટ્રેલિયન ખેલાડી બૅટ્ટી વિલ્સન. તેમણે 1958માં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં 10થી વધુ વિકેટ ઝડપીને સદી પણ ફટકારી હતી.
બૅટ્ટીને મહિલા ક્રિકેટનાં મહાનતમ ખેલાડીઓ પૈકીનાં એક માનવામાં આવે છે. તેમની સરખામણી ડૉન બ્રેડમૅન સાથે કરવામાં આવે છે.
ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, બીજા વિશ્વયુદ્ધના કારણે બૅટ્ટીએ ઑસ્ટ્રેલિયા તરફથી રમવા માટે ઘણી રાહ જોવી પડી હતી. તેમણે 26 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બૉર્ડની વેબસાઇટ અનુસાર, બૅટ્ટી વિલ્સનની પસંદગી ઑસ્ટ્રેલિયન ટીમની 1948ની ન્યૂઝીલૅન્ડ ટૂર માટે કરવામાં આવી હતી. એ ટૂર પર જતાં પહેલાં તેમણે સગાઈ કરી હતી. જોકે, ટૂર માટે તેમણે લગ્ન મોકૂફ રાખ્યાં હતાં.
1948-49માં ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયા આવી ત્યારે બૅટ્ટીનાં લગ્ન થવાનાં હતાં. તેમની સમક્ષ ક્રિકેટ અને લગ્નમાંથી એકની પસંદ કરવાનું આવ્યું અને તેમણે ક્રિકેટની પસંદગી કરી. જેના કારણે તેઓ પોતાના ફિયાન્સેથી અલગ થઈ ગયાં.

પ્રથમ બેવડી સદી ફટકારવામાં પણ મહિલાઓ અવ્વલ

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ ક્રિકેટપ્રેમીને પૂછશો કે ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી કોણે ફટકારી તો મોટા ભાગના લોકો સચીન તેંડુલકરનું નામ આપશે અને આ જવાબ મહદંશે સાચો પણ છે. સચીને 2010માં દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી.
પુરુષ ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારનારા ક્રિકેટર સચીન તેંડુલકર છે પણ તેમનાથી 13 વર્ષ પહેલાં એક મહિલા ક્રિકેટરે વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી.
એ મહિલા હતાં બૅલિન્ડા ક્લાર્ક.
બૅલિન્ડાને ઑસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટરો પૈકીના એક ગણવામાં આવે છે. તેમણે ડૅન્માર્ક સામે 1997માં રમાયેલી મૅચમાં 155 બૉલમાં 229 રન ફટકાર્યા હતા.
બૅલિન્ડા ક્લાર્ક ઉત્તમ કૅપ્ટન તરીકે પણ જાણીતાં છે. તેમના નેતૃત્વ હેઠળ ઑસ્ટ્રેલિયા 1997 અને 2005માં વર્લ્ડકપ જીત્યું હતું. 2001માં બૅલિન્ડાના નેતૃત્વ હેઠળ જ ઑસ્ટ્રેલિયા વર્લ્ડકપની ફાઇનલ સુધી પહોંચ્યું હતું.

સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો રૅકર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
થોડા સમય પહેલાં જ શુભમન ગીલે ન્યૂઝીલૅન્ડ સામે બેવડી સદી ફટકારી હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 23 વર્ષ અને 132 દિવસ હતી. આ સાથે જ તેઓ બેવડી સદી ફટકારનારા સૌથી નાની વયના પુરુષ ક્રિકેટર બન્યા હતા.
જોકે, ન્યૂઝીલૅન્ડનાં ઑલરાઉન્ડર ઍમેલિયા કૅરે જ્યારે 2018માં અણનમ 232 રન ફટકાર્યા ત્યારે તેમની ઉંમર શુભમન ગીલ કરતાં ઘણી ઓછી હતી.
તે સમયે તેમની ઉંમર 17 વર્ષ અને 243 દિવસ હતી.
તે દિવસે તેમણે અન્ય એક રૅકર્ડ પણ બનાવ્યો હતો. તેમણે વનડેમાં કોઈ પણ ખેલાડી દ્વારા સૌથી વધુ રન બનાવવાનો બૅલિન્ડા ક્લાર્કનો 21 વર્ષ જૂનો રૅકોર્ડ (229 રન) તોડ્યો હતો.














