You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશ્મિકા મંદાનાના વાઇરલ ‘ડીપફેક’ વીડિયોનું સત્ય શું છે? આ ટેકનિક શું છે?
અભિનેત્રી રશ્મિકા મંદાના ચર્ચામાં છે અને એ સાથે જ ડીપફેક ટેકનિકને લઇને એક નવી ચર્ચા શરૂ થઈ રહી છે.
‘પુષ્પા’ જેવી ફિલ્મોથી અલગ ઓળખ બનાવનાર રશ્મિકા મંદાનાની ચર્ચા હાલમાં એક વાયરલ વીડિયોને લઇને થઈ રહી છે.
આ વીડિયોમાં દેખાતી મહિલાને ડીપફેક વીડિયો દ્વારા રશ્મિકા મંદાના તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રશ્મિકાએ આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ શોધવાની અપીલ કરી છે જેથી કરીને બીજા કોઈને તેની જેમ પીડાવું ન પડે.
રશ્મિકાએ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "ઈમાનદારીથી કહું તો આ આપણા સૌ માટે ખૂબ ડરાવનારી વસ્તુ છે."
તેમણે આગળ લખ્યું કે આજે જે રીતે ટેકનૉલૉજીનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેનાથી માત્ર મને જ નહીં પરંતુ અન્ય ઘણા લોકોને મોટું નુકસાન થઈ શકે છે.
રશ્મિકાએ લખ્યું, "આજે એક મહિલા અને એક અભિનેત્રી હોવાના કારણે હું મારા પરિવાર, મિત્રો અને શુભેચ્છકોની આભારી છું જેઓ મારા સપોર્ટ સિસ્ટમ છે.પરંતુ જો હું શાળા કે કૉલેજમાં હોત અને ત્યારે મારી સાથે આવું કંઈક બન્યું હોત, તો હું ખરેખર કલ્પના કરી શકતી નથી કે મેં તેનો સામનો કેવી રીતે કર્યો હોત."
ડીપફેકની ઓળખ કઈ રીતે થઈ? અમિતાભ બચ્ચને શું કહ્યું?
અભિનેતા અમિતાભ બચ્ચને આ વીડિયોને લઈને કહ્યું છે કે આ મામલામાં કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે ભ્રામક કે ખોટી માહિતી તેમના પ્લૅટફૉર્મ્સ પર શેયર ન થાય.
આ વાયરલ વીડિયો ડીપ ફેક છે તેવી માહિતી એક ફૅક્ટ ચેકરે આપી છે.
ફૅક્ટ ચેકિંગ વેબસાઇટ ઑલ્ટ ન્યૂઝ સાથે સંકળાયેલા અભિષેકે ટ્વિટર પર કહ્યું: "આ વીડિયો ડીપ ફેક ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે અને વીડિયોમાં દેખાતી મહિલા રશ્મિકા મંદાના નથી."
ડીપફેક શું છે?
ડીપફેક એક એવી ટેકનિક છે જે વીડિયો, તસવીરો અને ઑડિયોની હેરફેર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે.
આ ટેકનૉલૉજીની મદદથી અન્ય વ્યક્તિના ફોટો કે વીડિયો પર કોઈ બીજી વ્યક્તિના ચહેરાને સુપરઇમ્પોઝ કરીને બદલી શકાય છે.
સરળ ભાષામાં કહીએ તો, આ ટેકનિકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નકલી વીડિયો બનાવી શકાય છે જે વાસ્તવિક લાગે છે પરંતુ હકીકતમાં તે વીડિયો નકલી છે. આ કારણોસર તેને ડીપફેક નામ આપવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, આ શબ્દનો ઉપયોગ 2017 માં શરૂ થયો હતો જ્યારે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ રેડિટના એક વપરાશકર્તાએ પૉર્ન વીડિયોમાં ચહેરા બદલવા માટે આ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. બાદમાં રેડિટે 'ડીપફેક પૉર્ન' પર પ્રતિબંધ મૂક્યો હતો.
કઈ રીતે કામ કરે છે આ ટેકનિક?
ડીપફેક અતિશય જટિલ ટેકનિક છે. તેના માટે મશીન લર્નિંગ એટલે કે કમ્પ્યૂટરમાં સક્ષમતા હોવી જોઇએ.
ડીપફેક કન્ટેન્ટ બે અલ્ગોરિધમનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરે છે- એ છે ડિકોડર અને ઍનકોડર.
તે ફેક ડિજિટલ કન્ટેન્ટ બનાવે છે અને ડીકોડરને એ તપાસ કરવાનું કહે છે કે કન્ટેન્ટ અસલી છે કે નકલી.
દરેક વખતે ડીકોડર કન્ટેન્ટને અસલી કે નકલીના રૂપમાં ઓળખી બતાવે છે પછી તે એ માહિતી ઍનકોડરને મોકલી આપે છે જેથી તે પછીના ડીપફેકમાં સુધારો કરી શકાય.
બંને પ્રક્રિયાઓ સાથે મળીને જનરેટિવ ઍડવર્સેરિયલ નેટવર્ક બનાવે છે જેને જીએનએન કહેવાય છે.
ક્યાં થાય છે ડીપફેકનો ઉપયોગ?
રિપોર્ટો અનુસાર આ ટેકનિકનો ઉપયોગ અશ્લીલ કન્ટેન્ટ બનાવવાથી શરૂ થયો.
પૉર્નોગ્રાફીમાં આ ટેકનિકનો ખૂબ ઉપયોગ થાય છે. અભિનેતાઓ અને અભિનેત્રીઓના ચહેરા બદલીને પૉર્ન સાઇટ પર અશ્લીલ સામગ્રી મૂકવામાં આવે છે.
ડીપટ્રેસના રિપોર્ટ અનુસાર, 2019માં ઓનલાઈન મળી આવેલા 96 ટકા ડીપફેક વીડિયોમાં પૉર્નોગ્રાફિક સામગ્રી છે.
આ સિવાય આ ટૅક્નોલૉજીનો ઉપયોગ મનોરંજન માટે પણ થાય છે. આ ડીપફેક વીડિયોનો હેતુ દર્શકોને એવી ચીજો પર વિશ્વાસ અપાવવાનો છે જે હકીકતમાં ક્યારેય બની નથી.
વિવિધ ફિલ્મોના દ્રશ્યોના ડીપફેક વીડિયો ઘણી યુટ્યુબ ચેનલો પર પોસ્ટ કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, ફિલ્મ 'ધ શાઈનિંગ'ના પ્રખ્યાત દ્રશ્યનો ડીપફેક વીડિયો Ctrl Shift face નામની યુટ્યૂબ ચૅનલ પર ઉપલબ્ધ છે.
છેલ્લા કેટલાક સમયથી આ ટેકનૉલૉજીનો ઉપયોગ વીતી ગયેલી વાતોને ફરીથી સજીવન કરવા માટે પણ થાય છે. જેમ કે ડીપફેક વડે મૃતક સંબંધીઓની તસવીરોમાં ચહેરાઓને એનિમેટ કરવામાં આવે છે.
આ સુવિધાનો ઉપયોગ કરીને લોકોએ તેમના પૂર્વજો અને ઐતિહાસિક વ્યક્તિઓને પણ જીવંત કર્યા હતા.
ડીપફેકનો ઉપયોગ હવે રાજકારણમાં પણ થઈ રહ્યો છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો ડીપફેક ટેકનૉલૉજી દ્વારા એકબીજાની ટીકા કરે છે. યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન પણ ઘણા ડીપફેક વીડિયો સામે આવ્યા છે.
કઈ રીતે કરવી ડીપફેક કન્ટેન્ટની ઓળખ?
ડીપફેક કન્ટેન્ટની ઓળખ કરવા માટે કેટલી ચીજો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
સૌથી પહેલા ફેસ પોઝિશન તપાસવી જોઇએ. મોટેભાગે ડીપફેક ટેકનિક ચહેરા અને આંખોની પોઝિશનમાં ભૂલ કરી બેસે છે. આંખોના પટપટાવને પણ તે એટલી ચોક્કસતાથી દર્શાવી શકતી નથી.
જો તમને એવું લાગે કે આંખ અને નાક થોડા ખસી જાય છે અને વીડિયોમાં ઘણા સમયથી વ્યક્તિએ આંખ પટપટાવી નથી તો સમજી જાઓ કે વીડિયો ડીપફેક છે.
ડીપફેક કન્ટેન્ટમાં કલરિંગને જોઈને પણ એ ખ્યાલ આવે છે કે વીડિયો સાથે છેડછાડ થઈ છે કે નહીં.