કરોળિયા હોય તો શું ડાયાબિટીસ કે કૅન્સર હોઈ શકે? ચામડી પર થતાં કરોળિયા શું છે?
- લેેખક, કલ્પના શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
'કરોળિયા' ચામડી પર થતો એવો રોગ છે, જેને લોકો બહુ સહજતાથી લેતા હોય છે. પણ તે ડાયાબિટીસ કે કૅન્સર જેવી ગંભીર બીમારીને કારણે નબળી થતી રોગપ્રતિકારક શક્તિને કારણે પણ થતો હોય છે.
કરોળિયા એક જાતનું ફંગલ ઇન્ફૅક્શન છે. શરીરમાં રહેલી ફૂગ નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે ચામડીની સપાટી પર દેખાવા લાગે છે. તેમાં ચામડી પર સફેદ, કાળાં અને ચામડી જેવાં જ રંગના અલગઅલગ પ્રકારનાં ચાઠાં પડતાં હોય છે. જે સામાન્ય રીતે થોડાં ઉપસેલાં પણ હોઈ શકે છે. તબીબી ભાષામાં તેને ટિનિયા વર્સિકલર કહે છે.
નાનાં બાળકોની ચામડી પર તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ કરોળિયા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. પણ આપણા વડીલો પેટમાં રહેલા કૃમિના કારણે કરોળિયા થતાં હોવાનું કહેતા હોય છે. એટલે થોડા દિવસ ગળ્યું ખાવાપીવાનું બંધ અને કડવાં ઓસડિયાં પણ આપતાં.
ચામડીના નિષ્ણાત તબીબ ડૉ. મુકેશ રૂપારેલિયાના કહે છે, " જો કરોળિયા લાંબા સમયથી હોય અને વધારે પ્રમાણમાં હોય ત્યારે ડાયાબિટીસ, કૅન્સર કે અત્યંત નબળી રોગપ્રતિકારક શક્તિ વિશે માહિતી મેળવવા સંબંધિત પરીક્ષણો કરાવ્યાં પછી ઈલાજ શરૂ કરવામાં આવે છે."
કયા સમયમાં વધારે પ્રમાણમાં થાય છે કરોળિયા?
સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં એટલે કે ચોમાસામાં અને ગરમ વાતાવરણમાં એટલે કે ઉનાળામાં કરોળિયા થવાની સંભાવના વધારે રહેલી છે.
જે લોકો આ સમયે ત્વચાની સારસંભાળ ના રાખતા હોય તેમને કરોળિયા થવાનું જોખમ રહેલું છે. સ્પૉર્ટ્સ ઍક્ટિવિટી કરતાં લોકોને પણ કરોળિયા થવાનું જોખમ વધારે રહેલું છે.
ત્વચા પર કરોળિયાની સમસ્યા કેટલો સમય રહે છે?
એક વાર કરોળિયા થાય પછી તે ચારથી છ અઠવાડિયાં સુધી રહી શકે છે, પણ જો આ સમય દરમિયાન પણ ત્વચાની હાઇજીનનું ધ્યાન ન રાખવામાં આવે તો આ ફંગસ ઇન્ફેક્શન બેથી ત્રણ મહિના કે છ મહિના સુધી પણ રહી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
કરોળિયાનો ઇલાજ શું છે?
ચામડીના નિષ્ણાત ડૉ. મુકેશ રૂપારેલિયા જણાવે છે કે કરોળિયાની સમસ્યા થયા પછી તાત્કાલિક ત્વચા નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. સાથે જ કરોળિયાની સમસ્યામાં કિટોકોનાઝોલવાળું અથવા ઍન્ટી-ફંગલ શૅમ્પૂનો ઉપયોગ વાળ ધોવા માટે કરવો અને ન્હાવા માટે પણ કિટોકોનાઝોલવાળો કે ઍન્ટી-ફંગલ સાબુનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. જોકે બજારમાં મળતા અનેકવિધ પ્રોડક્ટમાંથી કોઈ એકની અંદાજે પસંદગી કરવા કરતાં શ્રેષ્ઠ વિકલ્પ છે કે તબીબે લખી આપેલી દવાઓ, સાબુ અને શૅમ્પૂનો ઉપયોગ કરવો.
કરોળિયા થયા હોય ત્યારે શું કરવું?
કરોળિયા થયા હોય ત્યારે તબીબો એવાં કપડાં પહેરવાની સલાહ આપે છે જે પરસેવો શોષી લેતા હોય એટલે કે સુતરાઉ કપડાં પહેરવાં અને સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળવું.
વધારે પરસેવો થાય ત્યારે સાબુથી સ્નાન કરી લેવું. જેથી ત્વચાની સ્વચ્છતા જળવાઈ રહે અને કરોળિયા થવાનું જોખમ ટળે.
ત્વચાની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી તો છે જ પણ જો ત્વચા કોરી એટલે કે ડ્રાય હોય અને કરોળિયા પણ હોય તો તબીબની સલાહ અવશ્ય લેવી.
મોટા ભાગે કરોળિયા છાતી, મોં અને પીઠ પર થતાં હોવાથી સ્નાન કરતી વખત શરીરના આ ભાગની સ્વચ્છતા વિશે ખાસ કાળજી રાખવી.
તબીબોની એ પણ સલાહ છે કે કરોળિયા થયા હોય ત્યારે ઘરગથ્થુ ઇલાજમાં સ્વચ્છતા જાળવવા સિવાયના અન્ય કોઈ ઉપાય તબીબની સલાહ વિના ન કરો.















