You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
42 કલાક સુધી લિફ્ટમાં એકલી ફસાઈ રહેલી વ્યક્તિએ શું કર્યું?
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
વિચારો કે જો તમે 42 કલાક માટે લિફ્ટમાં ફસાઈ જાવ તો? આ ગાળા દરમિયાન તમે શું કરો?
કેરળની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના (સીપીઆઈ) ઉલ્લૂર એકમ માટેના પ્રભારી રવિન્દ્રન નાયર શનિવાર બપોરથી સોમવાર સવાર સુધી લિફ્ટમાં ફસાઈ રહ્યા હતા.
બહાર નીકળ્યા બાદ રવિન્દ્રને પોતાની આપવીતી બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીએ આના વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. વાંચો તેમની આપવીતી :
ચાર મહિના પહેલાં બાથરૂમમાં પડી જવાને કારણે મને કમરમાં તકલીફ થઈ ગઈ હતી, એ પછી મારી રોજિંદી દિનચર્યા એક જેવી થઈ હતી.
હું તથા મારાં પત્ની શ્રીલેખાની તિરૂવનંતપુરમ્ મેડિકલ કૉલેજ હૉસ્પિટલના બીજા માળે ઑર્થોપેડિક્સ સ્પેશિયલિસ્ટને દેખાડવાં જતાં.
ગત શનિવારે અમે સમયસર ત્યાં પહોંચી ગયાં હતાં, કારણ કે 10 વાગ્યે મારાં પત્નીએ ઑફિસે જવું હતું. હું મારી પીઠનો એક્સરે કરાવવા માટે ગયો હતો, કારણ કે ગયા અઠવાડિયે કોલ્લમ જવાને કારણે ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો.
ઍક્સરે પછી ડૉક્ટરે મને બ્લડ ટેસ્ટ રિપૉર્ટ દેખાડવા માટે કહ્યું અને મારાં પત્નીને ધ્યાને આવ્યું કે એ તો ઘરે જ રહી ગયો છે. હું ઘરે ગયો અને રિપૉર્ટ લઈ આવ્યો.
12 વાગી ગયા હતા તથા એક વાગ્યે મારે કામે પહોંચવાનું હતું. મારાં પત્ની હૉસ્પિટલનાં કર્મચારી હોવાથી મેં સ્ટાફ માટેની લિફ્ટ લઈ લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'લાગ્યું કે નહીં બચું'
હું 12 વાગ્યા અને પાંચ મિનિટ આસપાસ 11 નંબરની લિફ્ટમાં પ્રવેશ્યો, ત્યારે ત્યાં કોઈ પરિચાલક ન હતો. અંદર બધું જ સામાન્ય હતું. મેં બીજા માળે જવા માટે લિફ્ટનું બટન દબાવ્યું, પરંતુ એ પછી કશું સામાન્ય ન રહ્યું.
બીજા માળ નજીક પહોંચ્યા બાદ ધબબ દઈને લિફ્ટ નીચે આવી ગઈ અને બે ફ્લૉર વચ્ચે અટવાઈ ગઈ. લિફ્ટમાં ઇમર્જન્સી નંબર લખાયેલો હતો, મેં તેને ફોન જોડ્યો.
ઍલાર્મ વાગી રહ્યો હતો, પરંતુ કોઈ સળવળાટ નહોતો થઈ રહ્યો. મને મદદ કરી શકે એ માટે મેં મારાં પત્ની તથા અન્ય લોકોને કૉલ કર્યા, પરંતુ લિફ્ટમાં નૅટવર્કની સમસ્યા થઈ રહી હતી.
એ પછી મને ગભરાટ થયો અને અવાજ થાય તે માટે મેં લિફ્ટને જોર-જોરથી ઠોકી. એવામાં અંધારામાં મારો ફોન પડી ગયો અને તે બંધ પડી ગયો.
ત્યાં બિલકુલ અંધારું હતું અને દિવસ છે કે રાત તેની પણ ખબર નહોતી પડતી. મેં બૂમો પાડીને દરવાજાને ખોલવા માટે પ્રયાસ કરતો રહ્યો. લિફ્ટમાં કેટલાક કાણાં હતાં, જેમાંથી હું શ્વાસ લઈ શકતો હતો. એ પછી મેં લિફ્ટમાં જ આંટાફેરા કરવાનું શરૂ કરી દીધું.
કોઈ સાંભળી લે અને મને મદદ કરે એવી આશાએ હું વારંવાર ઍલાર્મ વગાડી રહ્યો હતો.
થાકીને, કંટાળીને....
મને લાગ્યું કે હું બચી નહીં શકું. મને મારાં પત્ની અને બાળકોની ચિંતા થઈ રહી હતી. મને મારાં મૃત માતા-પિતા તથા પૂર્વજોના વિચાર આવ્યા.
થોડીવાર પછી ફરી એક વખત મેં માનસિક સંતુલન સાધ્યું તથા અન્ય વાતો ઉપર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેથી કરીને બહાર નીકળી શકું.
મારા ખિસ્સામાં બ્લડ-પ્રૅશરની એક-બે ગોળીઓ હતી, પરંતુ પાણી ન હોવાને કારણે તે લઈ શકું તેમ ન હતો. સૂકા મોઢાના કારણે એમ જ તેને ગળી શકાય તેમ ન હતી.
રવિન્દ્રનને લાગતું હતું કે લિફ્ટ બંધ પડી ગઈ છે એટલે કોઈ ને કોઈ તેને રિપૅર કરવા માટે આવશે. આમ થયું ત્યાર સુધીમાં 42 કલાકનો સમય પસાર થઈ ગયો હતો. સોમવારે સવારે છ વાગ્યા આસપાસ લિફ્ટ ઑપરેટરે દરવાજો ખોલીને રવિન્દ્રનને કૂદી જવા માટે કહ્યું ત્યાર સુધીમાં રવિન્દ્રન ખૂબ જ થાકી ગયા હતા અને લંબાવી દીધું હતું.
પરિવારે લખાવી ફરિયાદ
રવિન્દ્રનનાં પત્ની શ્રીલેખાએ બીબીસીને જણાવ્યું, "મારાં મોબાઇલ ઉપર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામે છેડે રવિન્દ્રન હતા. તેમણે મને જણાવ્યું કે તેઓ લિફ્ટમાં ફસાઈ ગયા હતા અને હું ત્યાં પહોંચીને તેમને ઘેર લઈ જઉં."
જોકે, એ પહેલાં શ્રીલેખા તથા તેમના બે દીકરા રવિન્દ્રનના ગુમ થવા વિશે રિપૉર્ટ લખાવી દીધો હતો. રવિવાર સવારથી રવિન્દ્રનનો મોબાઇલ નૅટવર્ક કવરૅજક્ષેત્રની બહાર થઈ ગયો હોવાથી પરિવાર તેમના વિશે ચિંતિત હતો.
રવિન્દ્રનના દીકરા હરિશંકરના કહેવા પ્રમાણે, "ઘણી વખત મારા પિતા હૉસ્પિટલેથી સીધા જ કામે જતા રહેતા એટલે અમે રવિવાર સવાર સુધી રાહ જોઈ. તેમનો ફોન તૂટી ગયો હતો, એટલે પોલીસ તેમના જીપીએસનું લૉકેશન શોધી શકતી ન હતી."
એ સમયે રવિન્દ્રનની માનસિક સ્થિતિ વિશે શ્રીલેખા કહે છે, "આમ તો તેઓ શાંત સ્વભાવના છે, પરંતુ ક્યારેક-ક્યારેક આ ઘટનાક્રમ વિશે વાત કરતી વેળાએ તેઓ ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે. એમનું કહેવું છે કે તેમના સ્થાને જો કોઈ હાર્ટ પૅશન્ટ સાથે આવું થયું હોત તો? કોઈ ગર્ભવતી સ્ત્રી હોત તો?"
'કડક કાર્યવાહી થશે'
મંગળવારે કેરળનાં આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા રવિન્દ્રન સાથે મુલાકાત કરી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.
આરોગ્યમંત્રીના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદનમાં આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ જણાવવામાં આવ્યું છે.
શ્રીલેખાનું કહેવું છે કે હૉસ્પિટલના અધિકારીઓની સાથે આરોગ્યમંત્રીએ પણ આ ઘટના માટે "તેમની માફી માગી" છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ત્રણ ટૅક્નિશિયનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
લિફ્ટ સંબંધે નિયમ
દરેક રાજ્યમાં એક લિફ્ટ નિરીક્ષક હોય છે, જે મુખ્ય વીજ નિરીક્ષકને અધીન રહીને કામ કરે છે. કેરળ લિફ્ટ અને ઍસ્કેલૅટર અધિનિયમ,2013 મુજબ આ નિરીક્ષક જ લાઇસન્સિંગ અધિકારી છે.
નિરીક્ષકે કોઈપણ ઇમારતમાં લિફ્ટ કે ઍસ્કેલેટર લાગે તે પછી તેનું યોગ્ય નિરીક્ષણ કરીને લાઇસન્સ આપવાનું હોય છે. આ સિવાય લિફ્ટ કે ઍસ્કેલેટર બેસાડવાનું કે તેના રિપૅરિંગનું કામ, ટેક્નિકલ નિષ્ણાતોએ જ કરવાનું હોય છે.
આ લાઇસન્સ દરવર્ષે રિન્યૂ કરાવવાનું હોય છે અને તે પછી નવેસરથી લાઇસન્સ ઇશ્યુ થાય છે. આ નિયમની જોગવાઈઓનો ભંગ કરનારને રૂ. એક હજારનો દંડ થઈ શકે છે.
નામ ન છાપવાની શરતે ઉચ્ચપદે નિવૃત્ત થયેલા પોલીસ અધિકારીએ બીબીસી હિંદી સાથે વાત કરતા કહ્યું, "કર્ણાટકમાં પણ કેરળ જેવા જ કાયદા છે, પરંતુ સંબંધિત કચેરીમાં ખૂબ જ ઓછી સંખ્યામાં કર્મચારીઓ છે. જેમના માટે દરેક સ્થળે જઈને જાતનિરીક્ષણ કરવું શક્ય નથી."
તેઓ ઉમેરે છે, "તાજેતરમાં હું ચાર માળની ઇમારતના ત્રીજા ફ્લોર ઉપર રહેતી વ્યક્તિને મળવા ગયો હતો. અચાનક જ બીજા અને ત્રીજા માળની વચ્ચે લિફ્ટ બંધ પડી ગઈ. આ સાંકળી લિફ્ટમાં બે મહિલાઓ હતી, જેમાંથી એક તરત જ ફસડાઈ પડી તથા બીજીને ઊલટી થવા લાગી. બંનેને ભારે આઘાત લાગ્યો હતો."
અધિકારીએ જે વાત કહી, તે ઉદાહરણમાત્ર છે, જેના આધારે તમે રવિન્દ્રન નાયર ઉપર શું વીત્યું હશે, તેની કલ્પના કરી શકો છો.