ગુજરાતમાં કમોસમી વરસાદ લાવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે? એ કેવી રીતે બને છે?

વરસાદ

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી જાણે શનિવારે સાચી પડી અને રાજ્યમાં ઘણા જિલ્લામાં ‘મુસીબતનું માવઠું’ જોવા મળ્યું.

નોંધનીય છે કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી હોવાની ફરિયાદ ઊઠી છે.

ગત ગુરુવારે ભારત પર એક નવી સિસ્ટમ આવવાની શરૂઆત થઈ હતી અને આ સિસ્ટમ મજબૂત હોવાને કારણે ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજયોમાં તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. જેના કારણે કેટલાંક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.

હવામાન વિભાગે જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવશે. આ કારણે ઘણા વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતાઓ છે.

આ આહેવાલમાં આપણે જાણીશું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે? એ કેવી રીતે બને છે અને તેને લીધે હવામાન પર કેવી અસર થાય છે?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

ઇમેજ સ્રોત, Getty Images

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનું ઉષ્ણકટિબંધીય વંટોળ છે, જે ભૂમધ્ય સમુદ્રમાં સર્જાય છે. આ પ્રકારના ઉષ્કટિબંધીય વંટોળ વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળામાં પણ ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે છે.

મોટા ભાગના વંટોળ વાતાવરણના નીચલા સ્તરમાં ભેજનું વહન કરે છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા ઉષ્ણકટિબંધીય વંટોળ વાતાવરણના ઊપલા સ્તરમાં ભેજનું વહન કરે છે.

ભારતના કિસ્સામાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના પહાડોનો સામનો કરે છે, ત્યારે ઊપલા સ્તરમાં રહેલા ભેજને કારણે વરસાદ પડે છે. આ કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જો વધારે મજબૂત હોય તો તેની અસર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વર્તાય છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કઈ રીતે બને છે અને ગુજરાત કઈ રીતે પહોંચે છે?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ મૂળ રૂપે ભૂમધ્ય સમૂદ્રમાં એક ચક્રવાત તરીકે બને છે.

યુક્રેન અને તેની આસપાસના વિસ્તારોના વાતાવરણમાં ઉચ્ચ દબાણ ધરાવતા વિસ્તારો છે. આ વિસ્તારમાં રહેલો ગરમ પવન સાથે ધ્રુવીય વિસ્તારોથી આવતો ઠંડો પવન મળીને ભેજનું નિર્માણ કરે છે.

ઠંડી હવાનું ગરમ હવા પર આ પ્રકારનું દબાણ વાતાવરણના ઉપરના સ્તરમાં સાયક્લોજેનેસિસ માટે અનૂકુળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આ કારણે સમુદ્રમાં પૂર્વ તરફ આગળ વધતું ડિપ્રેશન સર્જાય છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ બને છે.

આ ડિપ્રેશન ધીમે-ધીમે ઈરાનથી મધ્યપૂર્વ તરફ આગળ વધે છે અને અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન થઈને ભારતીય ઉપખંડમાં પ્રવેશ કરે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ક્યાં કેવી અસર થાય છે?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ, રાત્રી દરમિયાન વધારે તાપમાન અને કમોસમી વરસાદ જોવા મળે છે.

જોકે, ભારતીય ઉપખંડના નીચાણવાળા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં બરફવર્ષા માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ સિસ્ટમને કારણે થતા વરસાદની શિયાળામાં લેવાતા રવી પાક પર ભારે અસર પડે છે. આ સિસ્ટમને કારણે ક્યારેક થતા ભારે કમોસમી વરસાદને કારણે પૂર, ભૂસ્ખલન અને ખેડૂતના પાકોને પણ નુકસાન થઈ શકે છે.

ઉત્તર ભારતના મેદાની વિસ્તારમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શીતલહેર અને ધુમ્મસની પરિસ્થિતિ સર્જાય છે. આ હવામાન પરિસ્થિતિઓ જ્યાં સુધી બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દ્વારા ખલેલ ન પહોંચે ત્યાં સુધી સ્થિર રહે છે.

જોકે, ચોમાસા પહેલાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધે છે ત્યારે આ વિસ્તારોમાં ચોમાસાનું આગમન થોડું જલદી થાય છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી કેવી રીતે પહોંચે છે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ભૂમધ્ય સાગરમાં સર્જાતી આ સિસ્ટમ ભારતના પશ્ચિમ અને ઉત્તરના વિસ્તારોને સૌથી પહેલાં અસર કરે છે એટલે કે ભૂમધ્ય સાગર પરથી તે પૂર્વ તરફ આગળ વધીને ભારત સુધી પહોંચે છે.

પશ્ચિમી વિક્ષોભ વિષુવવૃત્તીય પશ્ચિમ જેટ સ્ટ્રીમથી પ્રભાવિત થાય છે અને વધારે ઊંચાઈવાળી જેટ સ્ટ્રીમની સાથે તે પૂર્વ તરફ એટલે કે ભારત તરફ આગળ વધે છે.

ભૂમધ્ય સાગરમાં સિસ્ટમ સર્જાયા બાદ તે તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન પરથી પસાર થઈને ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારો સુધી પહોંચે છે.

સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ અને શિયાળાની શરૂઆતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતને અસર કરવાનું શરૂ કરે છે. આખી સિઝનમાં તેની સંખ્યા અને તીવ્રતાને ઘણાં પરિબળો અસર કરે છે.

ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતના કયા વિસ્તારો પર આવશે તે જેટ સ્ટ્રીમના સ્થાન પર આધારિત છે, કારણ કે જેટ સ્ટ્રીમ સાથે આ લો-પ્રેશર એરિયા આગળ વધે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને ક્યારે અસર કરે છે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધારે અસર જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં થાય છે, ઉપરાંત પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા પર તેની અસર જોવા મળે છે.

આ સિવાય ક્યારેક આ સિસ્ટમની અસર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર પણ જોવા મળે છે અને તેના કારણે ઘણી વખત કમોસમી વરસાદ પણ પડે છે.

જ્યારે આ સિસ્ટમ વધારે મજબૂત હોય અને તેની અસર નીચે રાજસ્થાન કે તેની પાસેના પાકિસ્તાનના વિસ્તાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન બને ત્યારે તે ગુજરાતને અસર કરે છે.

સાદી રીતે સમજીએ તો આ સિસ્ટમ મજબૂત હોય અને તેમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો ભળે ત્યારે તેના કારણે ગુજરાતમાં વરસાદ થાય છે.

આ ઉપરાંત જેટ સ્ટ્રીમ ઉપરના વાતાવરણમાં કયા સ્થળે છે તેના પર પણ એ આધાર રાખે છે કે કયા વિસ્તારોને તે અસર કરશે.

ગુજરાતમાં સામાન્ય રીતે શિયાળામાં પડતો વરસાદ કમોસમી વરસાદ ગણાય છે, કારણ કે શિયાળુ પાકને તે મોટા ભાગે નુકસાન કરતો હોય છે.

જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત અને ભારતમાં આવતી શિયાળાની ઋતુ માટે ખૂબ જરૂરી છે. આ સિસ્ટમને કારણે ઉત્તર ભારતમાં બરફવર્ષા થાય છે, વરસાદ પડે છે અને તેના કારણે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો ગુજરાત, મહારાષ્ટ્ર સુધી તથા અન્ય વિસ્તારો સુધી ઠંડી લઈને આવે છે.