બળાત્કાર પછી મદદ માટે લોહીમાં લથપથ કપડાંમાં ભટકતી રહી સગીરા, શું છે ઉજ્જૈનનો આ સમગ્ર મામલો?

    • લેેખક, શુરૈહ નિયાઝી
    • પદ, બીબીસી હિન્દી માટે

મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં 25 સપ્ટેમ્બરે એક સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો.

સોમવારે સાંજે મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બડનગર રોડ પર દાંડી આશ્રમ પાસે સગીરા ઘાયલ મળી આવી હતી. તેના કપડાં લોહીથી લથપથ હતાં.

આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, "આ બાળકી અધૂરા ફાટેલાં કપડાંમાં લગભગ અઢી કલાક સુધી સાંવરખેડી સિંહસ્થ બાયપાસની કૉલોનીઓમાં ભટકતી રહી પરંતુ તેને સ્થાનિક લોકો તરફથી કોઈ મદદ મળી ન હતી. પોલીસે તમામ સંબંધિત સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે."

ઉજ્જૈનમાં સગીરા પર બળાત્કારના કેસમાં પોલીસે ગુરુવારે ચાર લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી.

ઘટનાના બીજા જ દિવસે રિક્ષાચાલકની અટકાયત કરવામાં આવી હતી. હવે પોલીસ આ કેસમાં કુલ પાંચ લોકોની પૂછપરછ કરી રહી છે. ગુરુવારે એક આરોપી ઈજાગ્રસ્ત થયો હતો. આરોપી રિક્ષાચાલક છે. ઘટનાસ્થળ બતાવવા માટે પોલીસ આરોપીઓને લઈને તે વિસ્તારમાં પહોંચી હતી. ત્યારબાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને તે દીવાલ સાથે અથડાયો હતો. પોલીસ આરોપીને જિલ્લા હૉસ્પિટલમાં લઈ ગઈ છે.

સીસીટીવી ફૂટેજમાં શું છે?

આ ફૂટેજમાં આ સગીરા ત્રણ રિક્ષા ડ્રાઇવર અને બે લોકો સાથે વાત કરતી જોવા મળી હતી. પોલીસ આ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ સગીરા સતના જિલ્લાની રહેવાસી છે. પોલીસે અગાઉ સગીરાની ઉંમર 12 વર્ષ જણાવી હતી પરંતુ એફઆઈઆરની નકલમાં તેની ઉંમર 15 વર્ષ નોંધવામાં આવી છે.

ઉજ્જૈનના એસપી સચીન શર્માએ જણાવ્યું હતું કે, "આ બાળકી સતના જિલ્લાના એક ગામની રહેવાસી છે. તે 24 સપ્ટેમ્બરે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેના અપહરણનો રિપોર્ટ પણ સતનાના એક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે."

"બાળકીનાં માતાએ તેને બાળપણમાં જ છોડી દીધી હતી અને પિતા અડધા પાગલ અવસ્થામાં છે. છોકરી તેના દાદા અને મોટાભાઈ સાથે ગામમાં રહે છે અને તે નજીકની શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે."

"તેના ગુમ થવા પર તેના દાદાએ કેસ દાખલ કર્યો હતો. 24 સપ્ટેમ્બરના રોજ આઈપીસીની કલમ 363 હેઠળ આ કેસ નોંધાયો હતો."

એસપી સચીન શર્માએ જણાવ્યું કે, "જ્યારે સગીરા બડનગર રોડ પર દાંડી આશ્રમની બહાર મળી ત્યારે આશ્રમના આચાર્ય રાહુલ શર્માએ પોલીસને જાણ કરી અને બાળકીને હૉસ્પિટલ મોકલી."

"પ્રાથમિક સારવાર બાદ બાળકીને ઈન્દોરની જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં તેનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. હવે સગીરાની પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે."

પોલીસે એ પણ જણાવ્યું કે સતનાથી પોલીસની એક ટીમ પણ ઈન્દોર જવા રવાના થઈ ગઈ છે. જોકે પોલીસ હજુ એ કહી શકવાની સ્થિતિમાં નથી કે યુવતી ઉજ્જૈન કેવી રીતે પહોંચી.

એ દરમિયાન સતનાના એડિશનલ પોલીસ ડાયરેક્ટર શિવેશસિંહ બઘેલના જણાવ્યા અનુસાર ઉજ્જૈનમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરા માનસિક વિકલાંગ છે. તે ગામમાં તેના દાદા અને ભાઈ સાથે રહે છે.

બઘેલે પત્રકારોને જણાવ્યું હતું કે તે શાળાએ જવા નીકળી હતી અને જ્યારે તે સાંજ સુધી ઘરે ન આવી ત્યારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ જ્યારે તે મળી ન હતી ત્યારે બીજા દિવસે રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. તેને શોધવામાં આવી રહી હતી અને તમામ પોલીસ સ્ટેશનોને માહિતી મોકલવામાં આવી હતી. પછી જ્યારે ઉજ્જૈનનો મામલો સામે આવ્યો ત્યારે તેનો વીડિયો તેના દાદાને બતાવવામાં અને તેમણે તેને ઓળખી લીધી.

આ ઘટનાએ માત્ર ઉજ્જૈન જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પ્રદેશ અને દેશને ચોંકાવી દીધા છે. સગીરા મદદ શોધતી રહી પણ મહાકાલની આ નગરીમાં કોઈ આગળ ન આવ્યું.

એ વ્યક્તિ જેણે પોલીસને સૂચના આપી

રાહુલ શર્મા એ વ્યક્તિ છે જેમણે પોલીસને આ છોકરી વિશે સૌથી પહેલા જાણ કરી હતી.

રાહુલ શર્માએ જણાવ્યું કે પોલીસ માહિતી આપ્યાની 20 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

તેમણે કહ્યું કે, "મને અફસોસ છે કે ઉજ્જૈન જેવા શહેરમાં છોકરીને મદદ ન મળી. લોકોએ મદદ કરવા આગળ આવવું જોઈતું હતું."

રાહુલે જણાવ્યું કે એ સમયે યુવતી ઊભી રહી શકતી ન હતી અને તે જે ભાષા બોલી રહી હતી તે સમજી શકાય તેમ ન હતું.

તેમણે કહ્યું કે તે સમયે છોકરીની સ્થિતિ સારી ન હતી અને મારી પ્રથમ પ્રાથમિકતા તેની સારવાર કરાવવાની હતી.

સ્થાનિક રહેવાસી અને પત્રકાર જય કૌશલે કહ્યું કે આ ઘટના ખરેખર હૃદયદ્રાવક છે.

યુવતીને મદદ ન મળી તે વિશે તેઓ કહે છે કે, "લોકોમાં અવિશ્વાસની લાગણી જન્મી છે."

તેમણે કહ્યું, "લોકો મદદ માટે આગળ નથી આવી રહ્યા કારણ કે કદાચ તેમને એવું લાગે છે કે તેઓ જાણતા નથી અને આ માટે તેમને જવાબદાર ન ગણવા જોઇએ. લોકોને લાગે છે કે પોલીસ તેમને આ મામલામાં સંડોવી શકે છે."

જોકે, તેમનું કહેવું છે કે, "જ્યારથી મહાકાલ લોક બનાવવામાં આવ્યો છે ત્યારથી અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને આ ઘટના દર્શાવે છે કે આપણે કેટલા અસુરક્ષિત છીએ."

ઉજ્જૈનના અમિતાભ તિવારી કહે છે, "છોકરી સાથે જે થયું અને તે પછી લોકોએ તેની મદદ ન કરી તે મને પણ આશ્ચર્યચકિત કરે છે. આ શહેરમાં આવું ન થવું જોઈએ. ભગવાન મહાકાલ સમગ્ર વિશ્વમાં લોકોના દુઃખ દૂર કરવા માટે જાણીતા છે. તો પછી આવું કઈ રીતે થઈ શકે? આપણે આ બાબતમાં ઘણા અસંવેદનશીલ છીએ."

વિપક્ષે પણ સરકારને સવાલ કર્યા

વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે આ મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

મધ્ય પ્રદેશ સરકાર વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે, "રાજ્ય સરકાર દીકરીઓની સુરક્ષા કરવામાં અસમર્થ છે. મધ્ય પ્રદેશમાં મહિલાઓ અને યુવતીઓ પર બળાત્કારના સૌથી વધુ કેસ છે."

પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથે પણ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, "આ ઘટના પ્રશાસન અને સમાજ માટે કલંકરૂપ છે. હું મુખ્ય મંત્રી પાસેથી જાણવા માગુ છું કે શું તમે માત્ર ચૂંટણી લડતા જ રહેશો અને ખોટી જાહેરાતો કરતા રહેશો?"

ભાજપના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને કહ્યું છે કે આ ઘટનામાં એક સગીરા લોહીથી લથપથ થઈને રસ્તા પર ભટકતી રહી. તેમણે કહ્યું કે આ ઘટના આપણા સમાજ પર એક ડાઘ સમાન છે.

બીજી તરફ રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ ભોપાલમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે અને તપાસના આધારે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.