ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે સિરીઝની મૅચ ટાઈ પડી

ભારત અને શ્રીલંકા, ક્રિકેટ મૅચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપ વિજય બાદ પોતાના પ્રથમ પ્રવાસે શ્રીલંકા પહોંચી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વન-ડે શ્રેણીની પ્રથમ મૅચ ટાઈ પડી છે.

લૉ-સ્કોરિંગ મૅચમાં ભારતને જીતવા માટે શ્રીલંકાએ નિર્ધારિત 50 ઓવરોમાં 231 રનનો પડકાર આપ્યો હતો.

પરંતુ ભારતીય ટીમ પણ 230 રનમાં ઑલઆઉટ થઈ જતાં મૅચ ટાઈ પડી હતી.

વન-ડે શ્રેણી પહેલાં રમાયેલી ટી-20 શ્રેણીમાં ભારતે શ્રીલંકાને 3-0થી હરાવી દીધું હતું.

દુનિથ વેલ્લાલગેની અડધી સદી

ભારત અને શ્રીલંકા, ક્રિકેટ મૅચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં શ્રીલંકાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.

શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી અને અવિષ્કા ફર્નાન્ડોને માત્ર એક રનના વ્યક્તિગત સ્કોરે સિરાજ પેવેલિયન ભેગા કરી દીધા હતા.

ત્યાર બાદ ઓપનર પાથુમ નિસ્સાન્કા સિવાય શ્રીલંકાનો કોઈ પણ બૅટ્સમૅન લાંબું ટકી શક્યો ન હતો. એક તબક્કે શ્રીલંકાનો સ્કોર ચાર વિકેટે 91 રન હતો.

પાથુમ નિસ્સાન્કા પણ 56 બૉલમાં 75 રન બનાવીને આઉટ થયા હતા.

પરંતુ યુવા ખેલાડી દુનિથ વેલ્લાલગેએ 65 બૉલમાં 67 રન બનાવીને શ્રીલંકાનો સ્કોર સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યો હતો. તેમણે સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

અંતે શ્રીલંકાએ નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટે 230 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

ભારતના લગભગ તમામ બૉલરો વિકેટ મેળવવામાં સફળ રહ્યા હતા. અર્શદીપસિંહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ, સિરાજ, દુબે, કુલદીપ યાદવ અને સુંદરે એક-એક વિકેટ ઝડપી હતી.

ભારતનું બેટિંગમાં નબળું પ્રદર્શન

ભારત અને શ્રીલંકા, ક્રિકેટ મૅચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રોહિત શર્માએ 230 રનનો પીછો કરતાં ભારતને ઝંઝાવાતી શરૂઆત અપાવી હતી. પરંતુ શુભમન ગિલના આઉટ થયા બાદ ભારતની વિકેટો ઝડપથી પડવા લાગી હતી.

શુભમન ગિલ 15 રન બનાવીને અને ત્યાર બાદ વિરાટ કોહલી 24 રને આઉટ થઈ ગયા હતા.

એક પછી એક ભારતની વિકેટો સમયાંતરે પડતી રહી હતી. વૉશિંગ્ટન સુંદરે પાંચ રન બનાવીને તથા શ્રેયસ ઐય્યર 23 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

કૅપ્ટન રોહિત શર્માએ 47 બૉલમાં 56 રન બનાવ્યા હતા.

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

એક તબક્કે પાંચ વિકેટે 132 રનનો સ્કોર ધરાવતી ભારતીય ટીમને અક્ષર પટેલ અને કેએલ રાહુલની જોડીએ ટેકો આપ્યો હતો.

રાહુલે 31 રન તથા અક્ષર પટેલે 33 રન બનાવ્યા હતા. પરંતુ તેઓ પણ અંતે આઉટ થઈ જતાં ભારત મુશ્કેલીમાં મુકાયું હતું.

એક તબક્કે ભારતને જીત માટે 22 બૉલમાં 20 જ રન કરવાના હતા, પરંતુ તેની આઠ વિકેટો પડી ગઈ હતી.

પરંતુ ઑલરાઉન્ડર શિવમ દુબેએ એક છેડો જાળવી રાખ્યો હતો.

શિવમ દુબેએ બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને ભારતની ટીમને આશા અપાવી હતી.

તેમણે 23 બૉલમાં 25 રન ફટકાર્યા હતા. જોકે, ભારતને જીત માટે માત્ર એક રન બાકી હતો ત્યારે તેઓ પણ આઉટ થઈ ગયા હતા.

ત્યાર બાદ ભારતને જીત માટે માત્ર એક રન કરવાનો હતો પરંતુ મૅચ અર્શદીપસિંહ આઉટ થઈ જતાં મૅચ ટાઈ પડી હતી.

વન-ડે મૅચમાં ટાઈ થતાં સુપર ઓવર રમાડવામાં નથી આવતી, જેના કારણે મૅચનું પરિણામ ટાઈ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પહેલાં ટી-20 શ્રેણીમાં મૅચ ટાઈ થતાં સુપર ઓવર રમાડવામાં આવી હતી.

હવે પછીની બીજી વન-ડે મૅચ ચોથી ઑગસ્ટે આ જ સ્ટેડિયમમાં રમાશે.