અંશુમાન ગાયકવાડ: વેસ્ટ ઇન્ડીઝના ખતરનાક બૉલરો સામે ટક્કર ઝીલનાર ખેલાડીની કહાણી

અંશુમાન ગાયકવાડ, વડોદરા, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કીર્તિ આઝાદ અને અંશુમાન ગાયકવાડ
    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી માટે

સુનીલ ગાવસ્કરને મહાન ક્રિકેટર ગણવામાં આવે છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે તેઓ વેસ્ટ ઇન્ડીઝના ઝડપી બૉલરો સામે નીડરતાથી રમતા હતા અને આ જ કારણ માપદંડ હોય તો અંશુમાન ગાયકવાડ પણ એટલા જ સન્માનને હકદાર હતા.

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને બરોડાના એક સમયના આધારસ્તંભ બૅટ્સમૅન અંશુમાન ગાયકવાડે છેલ્લા પાંચ દાયકા કરતાં વધારે સમયથી ભારતીય ક્રિકેટની અલગઅલગ ભૂમિકા નિભાવી હતી.

અંશુમાન ગાયકવાડ એટલે ઓપનિંગમાં એક દીવાલ સમાન બૅટ્સમૅન કહેવાય. પછી તેઓ બરોડા માટે રમતા હોય, વેસ્ટ ઝોન માટે કે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે રમતા હોય પણ તેમને આઉટ કરવા કરતાં કદાચ હરીફ બૉલર સુનીલ ગાવસ્કરની વિકેટ ખેરવવાનું વધારે પસંદ કરતા હશે.

અંશુભાઈ (તેમના નજીકના વર્તુળમાં આ નામથી વધુ ઓળખાતા હતા) છેલ્લા કેટલાક સમયથી કૅન્સરની બીમારીથી પીડિત હતા. આ જીવલેણ બીમારીને કારણે તેઓ જાહેરમાં પણ ખાસ દેખા દેતા ન હતા.

એક સમયે વેસ્ટ ઇન્ડીઝના ખૂંખાર બૉલરોને પરેશાન કરનારા અને તેમની સામે જરાય ડર્યા વિના નીડરતાથી સામનો કરનારા અંશુમાન ગાયકવાડ જીવનના 73મા વર્ષે કૅન્સર સામે લડતા રહ્યા.

એક મહિના પહેલાં સુધી તેઓ લંડનની કિંગ્સ હૉસ્પિટલમાં કૅન્સર સામે ઝૂઝતા રહ્યા અને આખરે એ જંગ હારી ગયા.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

ભારતીય ટીમના કોચ અને પસંદગીકાર

અંશુમાન ગાયકવાડ, વડોદરા, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

થોડા સમય અગાઉ એવા સમાચાર આવ્યા કે અંશુમાન ગાયકવાડને કૅન્સરની ગંભીર બીમારી છે અને તેમને ઉચ્ચ કક્ષાની સારવારની જરૂર છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ તેમને એક કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી દીધી હતી.

ઉપરાંત ભારતના મહાન ઑલરાઉન્ડર અને એક સમયના અંશુમાન ગાયકવાડના સાથી એવા કપિલદેવે પણ એક વીડિયો સંદેશમાં ગાયકવાડના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અંશુમાન ગાયકવાડની ખાસિયત એ હતી કે તેઓ ભારતીય ટીમને કપરા સમયમાં બચાવી લેવા માટે જાણીતા હતા. તેઓ લાંબી ઇનિંગ્સ રમીને ભારતના પરાજયને પાછળ ધકેલવા માટે વિખ્યાત હતા.

ક્રિકેટર તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ બે અલગઅલગ કાર્યકાળ માટે ભારતીય ટીમના કોચ રહી ચૂક્યા હતા. 1999માં ઇંગ્લૅન્ડમાં યોજાયેલા વનડે વર્લ્ડકપમાં તેઓ જ ભારતીય ટીમના કોચ હતા. અગાઉ 1999ના ફેબ્રુઆરીમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમી અને ત્યાર બાદ એશિયન ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં રમી ત્યારે પણ અંશુમાન ગાયકવાડ જ ટીમના કોચ હતા.

દિલ્હીના ફિરોઝશાહ કોટલા ખાતે અનિલ કુંબલેએ પાકિસ્તાની ટીમની તમામ દસેય વિકેટ ખેરવી ત્યારે ટીમના કોચ ગાયકવાડ જ હતા, એટલું જ નહીં પરંતુ આવી સિદ્ધિને કારણે તેઓ કુંબલેને વધાવવા માટે મેદાન પર દોડી જનાર પ્રથમ હતા.

આ અગાઉ તેઓ ભારતીય ટીમના નૅશનલ પસંદગીકાર પણ રહી ચૂક્યા હતા. અંશુમાન ગાયકવાડે કોચિંગ તરીકેની કારકિર્દી અપનાવી ત્યાર બાદ બરોડા અને ગુજરાતની રણજી ટીમના પણ તેઓ કોચ હતા.

ગુજરાતના ક્રિકેટમાં છેલ્લા બે દાયકાથી જે પરિવર્તન આવ્યું છે તેમાં ગાયકવાડનું કોચિંગ અને ટીમના તેમણે લાવેલી શિસ્ત પણ એટલી જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભારતીય ટીમના સંકટમોચક

અંશુમાન ગાયકવાડ, વડોદરા, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અંશુમાન ગાયકવાડ (ફાઇલ ફોટો)

અંશુમાન ગાયકવાડ 1970 અને 1980ના દાયકાની ભારતીય ક્રિકેટ ટીમના સંકટમોચક હતા. પરંતુ જીવનનાં 73 વર્ષ પૂરાં કરે તે પહેલાં તો તેઓ આ જીવલેણ બીમારી સામે પોતાની જાત માટે સંકટમોચક બની શક્યા નહીં.

ખાસ કરીને વેસ્ટ ઇન્ડીઝના ખૂંખાર ઝડપી બૉલરનો સામનો કરવાનો આવતો ત્યારે પીચ પર ટકી રહેવા માટે ગાયકવાડ જેવા બૅટ્સમૅનની જરૂર પડતી હતી.

એ વખતે સુનીલ ગાવસ્કરની સાથે સામે છેડે એવા બૅટ્સમૅનની જરૂર હતી જે વિકેટ બચાવી શકે, જેને કારણે ગાવસ્કર પર દબાણ ઓછું રહે અને તેઓ ટીમને જરૂરી સ્કોર ખડકવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે.

ગાવસ્કરની સમગ્ર કારકિર્દી દરમિયાન આ જવાબદારી બે બૅટ્સમૅને બખૂબી નિભાવી હતી જેમાંના એક ચેતન ચૌહાણ અને બીજા અંશુમન ગાયકવાડ.

એ પણ હકીકત છે કે હરીફ ટીમના બૉલરનું નિશાન સ્વાભાવિકપણે સુનીલ ગાવસ્કર હોય અને આ સંજોગોમાં સામે છેડે રમતા બૅટ્સમૅનને થોડી હળવાશ મળતી હશે પરંતુ અત્યંત ખૂંખાર આક્રમણ સામે આવી હળવાશ એકાદ ઓવર પૂરતી જ રહેતી હતી.

ગાયકવાડની ખાસિયત એ રહી કે તેમને મોટા ભાગે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ માટે પસંદ કરવામાં આવતા હતા જ્યાં બૉલ બેટ કે તેની આસપાસ આવવાને બદલે મોટા ભાગે શરીર પર જ આવતો હતો.

ગાયકવાડની ટેસ્ટ કારકિર્દી પર નજર કરીશું તો ખ્યાલ આવશે કે તેમણે રમેલી 40 ટેસ્ટમાંથી 22 ટેસ્ટ તો કેરેબિયન્સ સામે હતી. તેમાં તેમની કારકિર્દીના 1985 પૈકીના 1032 રન અને એક સદી વેસ્ટ ઇન્ડીઝ સામે નોંધાયેલી છે.

1974-75માં ક્લાઇવ લૉઇડની ટીમ સામે બેંગલોરમાં ટેસ્ટ રમીને ગાયકવાડે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યાર બાદ 1984-85મા તેમની કારકિર્દીના અંત સુધીમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ સિરીઝ રમ્યું હતું અને એ તમામમાં ઓપનર તરીકે સુનીલ ગાવસ્કરની સાથે ગાયકવાડે જ ભારતીય ઇનિંગ્સનો પ્રારંભ કર્યો હતો. તેમાં એકાદ બે મૅચ અપવાદ હશે પરંતુ આ વાસ્તવિકતા છે.

આમ ગાયકવાડે તેમની કારકિર્દીના મોટા ભાગના સમયે માઇકલ હોલ્ડિંગ, એન્ડી રૉબર્ટ્સ, માલ્કમ માર્શલ કે જોએલ ગાર્નર ઉપરાંત મહાન સ્પિનર લાન્સ ગિબ્સની બૉલિંગનો સામનો કર્યો છે એ વાત તેમના 40 ટેસ્ટના 1985 રન પર નજર કરતી વખતે યાદ રાખવી જોઈએ.

મુંબઈમાં જન્મ, ગુજરાત કર્મભૂમિ

અંશુમાન ગાયકવાડ, વડોદરા, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કપિલ દેવ અને શાંતા રંગાસ્વામી સાથે અંશુમાન ગાયકવાડ

1952ની 23મી સપ્ટેમ્બરે ગાયકવાડનો જન્મ મુંબઈમાં થયો, પરંતુ તેમનો ઉછેર મૂળ વતન વડોદરામાં જ થયો. ક્રિકેટ તો રગેરગમાં હતું, કેમ કે પિતા દત્તાજી ગાયકવાડ ભારત માટે ટેસ્ટ રમી ચૂક્યા હતા, તો મામા ઘોરપડે તેમના જમાનાના ઉમદા ક્રિકેટર હતા જેમણે વડોદરામાં ક્રિકેટના ઘડતરમાં ઘણો ફાળો આપેલો હતો.

આ ઉપરાંત બરોડાના મહારાજા ગાયકવાડના પરિવાર સાથે સંકળાયેલા અંશુમાન ગાયકવાડે 18 વર્ષની વયથી તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાનું શરૂ કરી દીધું હતું.

માત્ર ગાયકવાડ જ નહીં પરંતુ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક બૅટ્સમૅનમાં મૅચ બચાવવાની કાબેલિયત જોઈને નવાઈ લાગે પરંતુ તે સમય જ એવો હતો. આ ત્રણેય ટીમને દર વર્ષે રણજી ટ્રૉફીમાં ચાર મૅચ રમવા મળે તેમાંથી બે મૅચ મુંબઈ અને મહારાષ્ટ્ર જેવી મજબૂત ટીમ સામે હોય.

આ સંજોગોમાં તેમના ભાગે દર વખતે મૅચ બચાવવાની જ જવાબદારી આવતી હતી. તેથી જ મુકુન્દ પરમાર, બિમલ જાડેજા કે સિતાંશુ કોટક જેવા ટેકનિકલી પરફેક્ટ બૅટસમૅન જોવા મળ્યા છે જેમને રન કરવા કરતાં વિકેટ બચાવવા માટે વધારે મથામણ કરવી પડતી હતી. આ હરોળમાં મોખરાનું નામ એટલે અંશુમાન ગાયકવાડ.

વડોદરાના આ બૅટસમૅને આ પરંપરા આગળ વધારીને ટેસ્ટ ટીમમાં પણ આવી જ જવાબદારી અદા કરી હતી. આવી જ એક યાદગાર મૅચ એટલે પાકિસ્તાન સામેની 1983-84ની સિરીઝની જલંધર ખાતેની ટેસ્ટ.

કપિલદેવે મૅચના પહેલા જ બૉલે મોહસીન ખાનને આઉટ કરીને ટીમને સફળતા તો અપાવી તેમ છતાં પાકિસ્તાને ગોકળગાયની ગતિથી રમીને બીજા દિવસે સાંજ સુધીમાં 337 રનનો સ્કોર રજૂ કરી દીધો અને એ જ દિવસે ગાવસ્કર તથા મોહિન્દર અમરનાથની પ્રાઇસ વિકેટ પણ ખેરવી દીધી.

પાકિસ્તાનના આક્રમણ સામે વિકેટ પર ટકી રહેવું મુશ્કેલ હતું ત્યારે ગાયકવાડે 11 કલાકની મૅરેથૉન ઇનિંગ્સ રમી અને કારકિર્દીની પ્રથમ બેવડી સદી પણ ફટકારી.

આજના જમાનામાં કોઈ બૅટ્સમૅન 11 કલાક સુધી ટકી રહે તે વિચારવું પણ શક્ય નથી ત્યારે એ મૅચ બાદ ગાયકવાડની આ માટે પ્રશંસા થઈ હતી.