ગુજરાતમાં ભારત-પાકિસ્તાન સરહદ કેટલી લાંબી છે, તેનું રક્ષણ કઈ રીતે થાય છે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાન તથા પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરમાં ભારતે 'ઑપરેશન સિંદૂર' હાથ ધર્યું એ પછી બંને દેશોની લાઇન ઑફ કંટ્રૉલ તથા આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર તણાવ પ્રવર્તે છે.

જે જમ્મુ-કાશ્મીર પૂરતો મર્યાદિત ન રહેતાં પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સરહદો પર પણ જોવા મળ્યો હતો.

ગુજરાતની ઉત્તરે આવેલું પાકિસ્તાન જમીન, જળ અને હવાઈ સીમાથી રાજ્ય સાથે જોડાયેલું છે. છેલ્લા કેટલાક દિવસથી ઉત્તરમાં બારામુલાથી લઈને કચ્છમાં લાખી નાળા સુધી ડ્રોન જોવાં મળ્યાં છે.

ભારતીય સુરક્ષાબળોનું કહેવું છે કે પાકિસ્તાન આ ડ્રોન મોકલી રહ્યું છે, જેથી સરહદી વિસ્તારોમાં અજંપાભરી શાંતિ પ્રવર્તે છે.

જો બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે અને હવાઈહુમલા થાય, તો તે વખતે નાગરિકો અને સ્થાનિક પ્રશાસને કેવી રીતે પ્રતિક્રિયા આપવી તેની મૉક ડ્રિલ્સ યોજાઈ છે. તેમાં ઈજાગ્રસ્ત લોકોની સારવાર અને બ્લૅકઆઉટ જેવી કવાયતોને આવરી લેવામાં આવી હતી.

ગુજરાત સરહદે રક્ષા કેવી રીતે થાય છે?

ભારત પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, અને બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એમ સાત દેશો સાથે જમીન પરની સરહદ ધરાવે છે. સરહદોની લંબાઈમાં ભારત-બાંગ્લાદેશ સરહદ 4096 કિલોમીટર લાંબી છે તથા એ પછીના ક્રમે ભારત-ચીન સરહદ છે, જે 3488 કિલોમીટર લાંબી છે.

ભારત અને પાકિસ્તાનની સરહદ 3323 કિલોમીટર લાંબી છે અને તે રીતે ત્રીજી સૌથી લાંબી છે. આ 3323 કિલોમીટર લાંબી સરહદમાંથી 508 કિલોમીટર ગુજરાત સાથે જોડાયેલી છે.

ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષણ કરવાની જવાબદારી ભારતીય સેના ઉપરાંત બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની (બી.એસ.એફ.) છે.

સરહદ સુરક્ષાબળનું ગુજરાત ફ્રન્ટિયર ગુજરાત ઉપરાંત રાજસ્થાનને અડકતી પાકિસ્તાન સાથેની કેટલીક સરહદની સુરક્ષાની જવાબદારી સાંભળે છે.

ગુજરાત ફ્રન્ટિયર કુલ 826 કિલોમીટર લાંબી સરહદનું રક્ષણ કરે છે. તેમાં કચ્છમાં સરક્રીક અને હરામીનાળાના કાદવવાળા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

મુશ્કેલ અને વૈવિધ્ય સભર ભૌગોલિક વિસ્તારોમાં પથરાયેલી ગુજરાતની સીમાની રક્ષા માટે બી.એસ.એફ. પરંપરાગત અને લશ્કરનાં વાહનો ઉપરાંત નૌકાઓ, ઑલ ટેરેઈન વિહિકલ પ્રકારના સ્કૂટર અને ઊંટોનો પણ ઉપયોગ કરે છે.

લાંબો દરિયાકિનારો

આ ઉપરાંત, ગુજરાતનો 2340 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે અને કચ્છ કિનારે અરબ સાગરમાં સરહદ બાબતે ભારત અને પાકિસ્તાનને વિવાદ છે.

કચ્છના અખાતને કારણે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનનાથ જેવા ગુજરાતના પશ્ચિમ કાંઠાના જિલ્લાઓ પાકિસ્તાન સરહદથી દૂર છે. પરંતુ, 1971ના યુદ્ધમાં ગુજરાતની મુખ્ય ભૂમિ પર (હાલના) ગીર-સોનનાથ જિલ્લાના ઉના નજીક આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ટાપુથી ચાળીસ નોટિકલ માઇલ દૂર ભારતીય નૌકાદળનું 'આઈએનએસ ખુકરી' નામનું જહાજ પાકિસ્તાને છોડેલા ટૉર્પિડોનો મારો થતા ડૂબી ગયું હતું.

ભારતીય સેના અને બી.એસ.એફ. ઉપરાંત સરહદની રક્ષા કરવા માટે ભારતીય વાયુદળ અને ભારતીય નૌકાદળના કાફલા પણ ગુજરાતમાં કાયમ હાજર રહે છે.

ગુજરાત સરહદ પર ભુજ, નલિયા અને જામનગર ખાતે ભારતીય વાયુસેનાનાં ઍરબેઝ આવેલાં છે. આ ઉપરાંત ઇન્ડિયન કૉસ્ટગાર્ડ એટલે કે ભારતીય તટરક્ષક દળના પણ કેટલાંક સ્ટેશન આવેલાં છે.

સ્થાનિક પોલીસની કોઈ ભૂમિકા હોય છે?

ગુજરાતમાં 1971ના યુદ્ધ પછી સરહદની સુરક્ષાને વધારે મજબૂત બનાવવા ગુજરાત સરકારના ગૃહ વિભાગના નેજા હેઠળ કાર્યરત હોમગાર્ડઝ એટલે કે ગૃહરક્ષક દળમાં બૉર્ડર વિન્ગ એટલે કે સરહદી પાંખની રચના કરવામાં આવી હતી.

હોમગાર્ડઝની બૉર્ડર વિંગની બે બટાલિયાનો સરહદીય વિસ્તારોમાં કાર્યરત રહે છે. તેની એક બટાલિયનનું હૅડક્વાર્ટર બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર છે અને બીજીનું હૅડક્વાર્ટર કચ્છના ભુજ ખાતે આવેલું છે.

ગુજરાતના ગૃહરક્ષક દળની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી વિગતો પ્રમાણે :

"સને 1971 ના હિન્દુસ્તાન-પાકિસ્તાન યુદ્ધ પછી જમીનની સરહદોને વધુ સુદૃઢ કરવાની જણાતાં સરકારશ્રી તરફથી સરહદીપાંખ હોમગાર્ડઝની રચના કરવામાં આવી છે. સરહદી વિસ્તારમાં બૉર્ડરવિંગ હોમગાર્ડઝની બે બટાલિયનો અનુક્રમે બટાલિયન નં. 01 પાલનપુર (બનાસકાંઠા) તેમજ બટાલિયન નં. 02 ભુજ (કચ્છ) ખાતે સને 1980-'81થી કાર્યરત છે. બન્ને બટાલિયનનાં સભ્યો આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવી છે."

ગુજરાતના એક સેવાનિવૃત્ત પોલીસ અધિકારીએ જણાવ્યું, "હોમગાર્ડઝ સરહદોની રક્ષામાં ઑક્સિલરી (સંલગ્ન) સેવાઓ પૂરી પાડે છે જેમાં મટિરિયલનાં વહન જેવાં કાર્યોનો પણ સમાવેશ થાય છે."

તે ઉપરાંત ગુજરાત પોલીસમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને આવરી લેતી બૉર્ડર રેન્જ છે અને તેના વડા ઇન્સ્પેક્ટર જનરલ રેન્કના પોલીસ અધિકારી હોય છે.

ભુજ ખાતે જેનું હૅડક્વાર્ટર છે, તેવી બૉર્ડર રેન્જમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા આપી ચૂકેલા એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું, "આ રેન્જની પોલીસ મિલિટરી, બીએસએફ. અને કેન્દ્ર સરકારની અન્ય અજેન્સીઓ સાથે તાલમેલ મેળવી કામગીરી કરે છે. જોકે, સામાન્ય સંજોગોમાં બૉર્ડર રૅન્જ પોલીસની સરહદોની રક્ષામાં કોઈ ભૂમિકા હોતી નથી."

ગુજરાતમાં કેટલી લાંબી સરહદ છે?

ગુજરાત રાજ્ય ભારતના વાયવ્ય ભાગમાં પાકિસ્તાનની સરહદ અને રાજસ્થાનને અડીને આવેલું છે. ભારત-પાકિસ્તાનની સરહદનો પાંચસો આઠ કિલોમીટર લાંબો પટ્ટો ગુજરાત સાથે જોડાયેલો છે અને તે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાઓને સ્પર્શે છે.

સરહદની શરૂઆત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માવસરી ગામેથી થાય છે. માવસરી ગામ એક રીતે ત્રિભેટે આવેલું છે. તે ગામની ઉત્તરે રાજસ્થાન રાજ્ય છે અને પશ્ચિમમાં કચ્છના મોટા રણના ઉત્તર ભાગની પેલે પાર પાકિસ્તાન આવેલું છે.

માવસરીથી પંદરેક કિલોમીટર સુધી રણ ફેલાયેલું છે અને તે રણના પશ્ચિમ છેવાડેથી પાકિસ્તાની પ્રદેશની શરૂઆત થાય છે.

માવસરીથી દક્ષિણે રણની કાંધીએ કુંડલિયા અને રાધાનેસડા ગામો આવેલાં છે. વધુ દક્ષિણે ચોથાર નેસડા, રાચ્છેના, લોદ્રાણી, આસરાવાસ, ચતરપુરા, પાટણ, રડોસણ અને સૂઈગામ આવેલાં છે. સૂઈગામથી વાયા જલોયા ગામ થઈને રણમાં આવેલાં નડાબેટ ખાતે જઈ શકાય છે.

સુઈગામથી દક્ષિણે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની હદ ચાલુ થઈ જાય છે જેમાં રણના કાંઠે મધપુરા, બોરુડા, ઝાઝમ, વરણોસરી, વૌવા વગેરે ગામો આવેલ છે.

વૌવાથી પશ્ચિમ તરફ રણનો કેટલોક ભાગ પસાર કરતા કચ્છ જિલ્લાના પૂર્વ ભાગના રાપર તાલુકાના મોવાણા, ધબડા અને લોદ્રાણી ગામ આવે છે. વધુ થોડો રણવિસ્તાર ઓળંગતા પશ્ચિમે ખડીર બેટ આવે છે, જેના પૂર્વ કિનારે અમરાપર ગામ આવેલું છે અને પશ્ચિમ કિનારે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ધરાવતું ધોળાવીરા ગામ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન