You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરદાર@150 : વલ્લભભાઈને તબક્કાવાર 'સરદાર'પદે પહોંચાડનારા સત્યાગ્રહો
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
'લોખંડી પુરુષ', 'ભારતના બિસ્માર્ક', 'ભારતની એકતાના શિલ્પી', 'વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જેમનું બન્યું છે તે નેતા'—આવી અનેક પ્રચલિત ઓળખો સરદાર વલ્લભભાઈ પટેલનો સાચો પરિચય મેળવવા માટે સાવ અપૂરતી ગણાય.
તેમના જીવનનાં મહત્ત્વનાં પાસાંનો અંતરંગ અને આધારભૂત પરિચય આપવાના આશયથી, સરદારના જન્મના 150મા વર્ષના આરંભથી અંત સુધી આ શ્રેણી અંતર્ગત દર મહિને એક લેખ પ્રગટ થશે.
ઇંગ્લૅન્ડથી બેરિસ્ટર થઈને આવેલા અને ધૂમ કમાણી કરતા બેરિસ્ટર વલ્લભભાઈ પટેલને કૉંગ્રેસ, ગાંધીજી કે રાજકીય લડતમાં કશો રસ ન હતો. તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ દેશસેવા કરે ને વલ્લભભાઈ કમાય—એવી બંને વચ્ચેની સમજ હતી. છતાં ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીની શાંત મક્કમતાથી તે પ્રભાવિત થયા. બીજા નેતાઓ તેમને શબ્દાળુ લાગતા હતા, ગાંધીજી કર્મવીર લાગ્યા.
ગાંધીજી ઉપરાંત વલ્લભભાઈ પણ 'ગુજરાત સભા'માં સભ્ય હતા. ત્યારે કૉંગ્રેસના પ્રાંતવાર સંગઠન બન્યાં ન હતાં અને ગુજરાતની રાજકીય ગતિવિધિ 'ગુજરાત સભા' થકી ચાલતી હતી. વલ્લભભાઈના જીવનમાં સત્યાગ્રહનો પહેલો પ્રસંગ પણ એ સંસ્થા નિમિત્તે ઊભો થયો.
ખેડા સત્યાગ્રહઃ પહેલો પાઠ
ખેડા જિલ્લામાં 1917ના ચોમાસામાં અતિવૃષ્ટિ થવાથી પાકનું ભારે નુકસાન થયું હતું, પણ સરકાર મહેસૂલ વસૂલવા મક્કમ હતી. અમદાવાદમાં 'ગુજરાત સભા'ની મીટિંગમાં ચર્ચા અને ગાંધીજીના આગ્રહથી સર્વસંમતિ થયા પછી જ, તેમણે ખેડામાં સત્યાગ્રહની લડત ઉપાડવાનું નક્કી કર્યું. ત્યારે ગાંધીજીને બધું કામ છોડીને તેમની પાસે આવે અને રહે એવો એક માણસ જોઈતો હતો.
સામાન્ય રીતે અક્કડપણા માટે જાણીતા વલ્લભભાઈ ત્યાં સુધીમાં ગાંધીજીથી પ્રભાવિત થઈ ચૂક્યા હતા. એટલે, તે ગાંધીજીના સહાયક તરીકે ખેડા જવા તૈયાર થયા.
સાથીદારો સાથે અમદાવાદથી ટ્રેનમાં નડિયાદ પહોંચ્યા પછી, ગાંધીજીએ બધાને ટુકડીઓમાં વહેંચીને જુદાં જુદાં ગામમાં તપાસ માટે મોકલી આપ્યા. ત્યારે વલ્લભભાઈને થયું કે ગાડામાં બેસીને ગામેગામ ફરવામાં બેરિસ્ટરી પોશાક નહીં ચાલે. એટલે તેમના પોશાકમાં પહેલું પરિવર્તન આવ્યું: તેમણે કોટ-પાટલૂન-ટાઇ છોડીને ધોતી, ઊનનો કાળો કોટ અને બેંગ્લોરી ટોપી ધારણ કર્યાં. ખાદી સુધી પહોંચવાની હવે થોડીક જ વાર હતી.
અત્યાર લગી લોકોને ગરજાઉ અસીલ તરીકે મળવા ટેવાયેલા વલ્લભભાઈને પહેલી વાર ગાંધીજીની સોબતમાં લોકસેવક થવાની તાલીમ મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાડમારી વેઠીને લોકોને સમજાવવાના, તેમને લડત માટે અને લડત માંડ્યા પછીની સંભવિત ખુવારી માટે તૈયાર કરવાના. બધી વખતે એકસરખો આવકાર કે સહકાર ન પણ મળે. છતાં, નક્કી થયા પ્રમાણે વલ્લભભાઈ ગાંધીજી સાથે નડિયાદના હિંદુ અનાથાશ્રમમાં થાણું નાખીને રહ્યા અને આસપાસનાં ગામોમાં ફરી વળ્યા.
તેમના માટે આ પહેલો અનુભવ હતો. એટલે ગાંધીજીની જાહેર સભાઓમાં તે મંચ પર હોય, પણ મોટે ભાગે ચૂપ જ રહે. ગાંધીજી ન હોય ત્યારે વલ્લભભાઈ તેમની જોશભરી વાણીથી જાહેર સભાઓ ગજવે.
આ લડતમાં છેવટે સમાધાન થયું અને સોએ સો ટકા અપેક્ષિત પરિણામ ન મળ્યું. છતાં, તેની સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે ગાંધીજીએ વલ્લભભાઈના સાથની અને તેમની નેતાગીરીની જાહેરમાં કદર કરી. સામે પક્ષે વલ્લભભાઈએ ગાંધીજીને પ્રત્યક્ષ કામ કરતા જોયા અને તે સંપૂર્ણપણે ગાંધીજીને સમર્પિત બન્યા. આમ, 1918ના આ સત્યાગ્રહથી દેશને ગાંધીજી-વલ્લભભાઈની જોડી મળી, જેણે પછીના ત્રણ દાયકા સુધી દેશના જાહેર જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો.
નાગપુર અને બોરસદના સત્યાગ્રહો : ગાંધીજીની ગેરહાજરીમાં સફળતા
જાહેર જીવનમાં અને ગાંધીજીની સાથે જોડાયાનાં પાંચેક વર્ષ સુધી વલ્લભભાઈનું નામ અને તેમનું કામ મુખ્યત્વે મુંબઈ પ્રાંતમાં જાણીતાં રહ્યાં, પણ 1923ના નાગપુર ઝંડા સત્યાગ્રહે તેમને ગુજરાત બહારનાં વર્તુળોમાં વ્યાપક ઓળખ અપાવી. તે સમયે ગાંધીજી રાજદ્રોહના ગુના હેઠળ જેલમાં હતા.
નાગપુરમાં ઘર્ષણની શરૂઆત જાહેર સ્થળો પર અને ખાસ કરીને નાગપુરની સિવિલ લાઇન્સમાં રાષ્ટ્રીય (કૉંગ્રેસનો) ધ્વજ નહીં ફરકાવવાના સરકારી આદેશથી થઈ હતી. તેની સામે જમનાલાલ બજાજની આગેવાની હેઠળ સત્યાગ્રહ શરૂ થયો. વલ્લભભાઈ ગુજરાતમાં રહીને સંસાધનો અને સ્વયંસેવકોની મદદ પૂરી પાડતા હતા. પરંતુ બજાજ સહિત ઘણાની ધરપકડ અને અત્યાચારો થતાં કૉંગ્રેસની વર્કિંગ કમિટીએ વલ્લભભાઈને સત્યાગ્રહની આગેવાની લેવાનું કહ્યું.
સરકાર અહિંસક લડતને બળપ્રયોગથી કચડી નાખવા કૃતનિશ્ચયી હતી. એટલે સેંકડો સ્વયંસેવકોને જેલમાં પૂરવામાં આવ્યા. નાગપુર જેલની હાલત સાવ ખસ્તા હતી. કેદીઓની અગવડનો પાર નહીં. છતાં, વલ્લભભાઈની આગેવાની હેઠળ સત્યાગ્રહ ચાલુ રહ્યો. બીજી તરફ, વલ્લભભાઈના મોટા ભાઈ અને ધારાસભાના સભ્ય વિઠ્ઠલભાઈ સરકારમાં રહીને દબાણ આણવા પ્રયત્નશીલ હતા. બંનેના સહિયારા પ્રયાસથી અંતે સત્યાગ્રહીઓની જીત થઈ. ખેડા સત્યાગ્રહમાં જુદા પ્રકારનું સરકારી દમન હતું, જ્યારે નાગપુરમાં વલ્લભભાઈના સેંકડો સાથીઓ-સ્વયંસેવકોને જેલવાસ વેઠવાનો આવ્યો. છતાં, એક કુશળ સેનાપતિની જેમ તેમણે સમધારણતા ખોઈ નહીં અને સ્વમાન તજીને સમાધાન કરવાનો રસ્તો લીધો નહીં.
એ જ વર્ષના અંતમાં બોરસદનો સત્યાગ્રહ આવી પડ્યો. બોરસદ તો પટેલ બંધુઓનું ગામ. બંને ભાઈઓ બેરિસ્ટર બનતાં પહેલાં બોરસદ કોર્ટમાં પ્રેક્ટિસ કરી ચૂક્યા હતા. ત્યાં બહારવટિયાઓનો બહુ ત્રાસ હતો.
વાત એવી પણ હતી કે પોલીસની જ તેમની સાથે સાઠગાંઠ છે. છતાં, સરકારે ત્યાં વધારાની પોલીસ મૂકીને, તેના ખર્ચ પેટે તાલુકાના 16 વર્ષથી મોટા તમામ લોકો પર હૈડિયાવેરો લાદ્યો. વલ્લભભાઈ સુધી વાત પહોંચતાં તેમણે ગાંધીપરંપરા મુજબ પહેલાં બે સાથીદારો—મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજને મોકલીને તપાસ કરાવી, પછી તેમની ઊલટતપાસ લઈને વિગતોની ખરાઈ કરી. વેરો અન્યાયી હોવાની ખાતરી થતાં, તેમણે કૉંગ્રેસની પ્રાંતિક સમિતિના નેજા હેઠળ સત્યાગ્રહ આરંભ્યો.
વલ્લભભાઈએ લોકોને વેરો ન ભરવા અને તે બદલ જે કંઈ કાર્યવાહી થાય તેને અહિંસક રીતે વેઠી લેવા તૈયાર કર્યા. સરકારે નાની રકમનો વેરો બળજબરીથી વસૂલ કરવા ઘર, જમીન, ઢોર વગેરે જપ્ત કરવાનું આરંભ્યું, પણ વલ્લભભાઈની સરદારી હેઠળના આ સત્યાગ્રહમાં લોકો ઝૂક્યા નહીં. તેમણે લોકોને સમજાવ્યું હતું કે આ લડત રૂપિયાપેસાની નથી, સ્વમાનની છે.
ત્રણ અઠવાડિયાંમાં સરકારને પણ સમજાઈ ગયું કે તે જોરજુલમીથી વેરો ઉઘરાવી તો લેશે, પણ લોકોનો મિજાજ તેને ભારે પડી જશે. એટલે વેરો નાબૂદ કરવામાં આવ્યો. આ એકદમ ગાંધીજીની પદ્ધતિનો છતાં ગાંધીજી સિવાયનો સત્યાગ્રહ હતો. વલ્લભભાઈ ખેડા સત્યાગ્રહ પછીનાં થોડાં વર્ષમાં જ એવું માનતા હતા કે ગાંધીજીએ આપણને જે આપવાનું હતું તે આપી દીધું છે અને તેને અમલમાં મૂકવાની જવાબદારી આપણી છે.
બારડોલીઃ સ્થાનિક સત્યાગ્રહ, રાષ્ટ્રીય મહત્તા
ખેડા અને બોરસદની જેમ બારડોલીમાં પણ લડતનો દેખીતો મુખ્ય મુદ્દો અન્યાયી વેરાનો હતો. સરકારે જમીન મહેસૂલમાં 22 ટકાનો આકરો વધારો કર્યો હતો. હંમેશની જેમ આખા મુદ્દાનો અભ્યાસ કર્યા પછી સત્યાગ્રહની લડતનું વાજબીપણું નક્કી થયું. ત્યારે લડતની આગેવાની લીધી વલ્લભભાઈ પટેલે.
તે વખતે ગાંધીજી જેલની બહાર જ હતા, પણ તેમણે વલ્લભભાઈને લડત માટે મોકલ્યા અને કહી રાખ્યું કે મારી હાજરી તમારા ખિસ્સામાં સમજજો.
ગુજરાતમાં થયેલા તમામ સત્યાગ્રહોના ઇતિહાસમાં બારડોલી તાલુકાનો સત્યાગ્રહ ઘણી રીતે નમૂનેદાર હતો. ગાંધીજી દક્ષિણ આફ્રિકા હતા ત્યારથી તેમને આ વિસ્તારના કેટલાક પરિચયો હતા અને તેમને લાગતું હતું કે તેમને લડત માટે તૈયાર કરવાનું કામ કઠણ છે. છતાં, વલ્લભભાઈએ ખરા અર્થમાં ગાંધીચીંધ્યા માર્ગે સુકાન સંભાળ્યું અને આખો સત્યાગ્રહ લડતના જુસ્સા ને લોકોની અહિંસક શક્તિ ઉપરાંત વલ્લભભાઈની પ્રખર આયોજનશક્તિનું પણ પ્રતીક બની રહ્યો.
તેમણે ઠેકઠેકાણે છાવણીઓ ઊભી કરી અને તેના 'થાણેદાર' તરીકે તેમને ગુજરાતના કસાયેલા અગ્રણીઓ મળ્યા. તેમાં ડૉ. સુમંત મહેતા જેવા સ્વતંત્રમિજાજ-ગાંધીજીની પણ શેહમાં નહીં આવનાર વ્યક્તિત્વથી માંડીને અબ્બાસ તૈયબજી જેવા વયોવૃદ્ધ ભૂતપૂર્વ ન્યાયાધીશ પણ સામેલ હતા. વલ્લભભાઈની આગેવાની હેઠળ તેમણે હોંશે હોંશે કામ કર્યું.
આ સત્યાગ્રહની લડત બોરસદની જેમ બે-ત્રણ અઠવાડિયાંમાં પૂરી થાય એવી ન હતી. વલ્લભભાઈએ પણ તેના આયોજનમાં કશી કસર ન રાખી. મીઠુબહેન પીટીટ, શારદાબહેન (સુમંત) મહેતા, ભક્તિબા (દરબાર ગોપાળદાસ) જેવી બહેનો પણ સામેલ થઈ. સ્વામી આનંદ સરદારના મદદનીશ બન્યા. સત્યાગ્રહની પત્રિકા ગુજરાતીમાં જુગતરામ દવે તૈયાર કરતા હતા અને અંગ્રેજીમાં (મહાદેવભાઈના અવસાન પછી ગાંધીના સચિવ બનેલા) પ્યારેલાલ નાયર. નોંધપાત્ર બાબત એ હતી કે ગાંધીજી સમગ્ર સત્યાગ્રહનું દૂરથી નિરીક્ષણ કરતા હતા. વલ્લભભાઈની ધરપકડ થાય તો તેમણે આગેવાની લેવાની હતી, પરંતુ સરકારે એવું પગલું ન ભર્યું. આ લડત ચલાવવા માટે ફાળો ઉઘરાવવામાં આવ્યો. તેની રકમ અને આપનારનાં નામની યાદી ગાંધીજીના તંત્રીપદે ચાલતા 'નવજીવન' સાપ્તાહિકમાં પ્રગટ થતી હતી.
બારડોલી સત્યાગ્રહે સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું. મુનશી પ્રેમચંદ જેવાએ તેમના સામયિક 'હંસ'માં વીરભૂમિ બારડોલીની લડતનું વર્ણન કર્યું. વલ્લભભાઈના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ ત્યારે કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષ હતા. તેમણે તેમના પગારમાંથી દર મહિને રૂ. એક હજાર લડત ચાલે ત્યાં સુધી આપવાની જાહેરાત કરી. ખેડા અને બોરસદ કરતાં પણ વધારે પ્રમાણમાં, બારડોલી તાલુકાના લોકોએ સરકારનું દમન વેઠવું પડ્યું. જમીનો, ઢોરઢાંખર જપ્ત થયાં. સરકારે પઠાણ સેવકો રોકીને હિંદુ-મુસલમાન તત્ત્વ ભેળવવાનો પ્રયાસ પણ કરી જોયો, જેને વલ્લભભાઈએ સાવચેતીથી નિષ્ફળ બનાવ્યો.
છ મહિના પછી સરકારે મહેસૂલ વધારાનો મોટો હિસ્સો પાછો ખેંચતાં લડત પૂરી થઈ. આ લડતે વલ્લભભાઈને 'સરદાર'નું બિરુદ અપાવ્યું.
બે વર્ષ પછી થયેલા નમક સત્યાગ્રહના થોડા દિવસ પહેલાં જ સરકારે સરદારની ધરપકડ કરી લેતાં, એ સત્યાગ્રહમાં ભાગ લેવાનો મોકો તેમને ન મળ્યો. ત્યાર પછી એવા કોઈ સત્યાગ્રહના પ્રસંગો આવ્યા નહીં. હા, બીજા વિશ્વયુદ્ધ વખતે ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની જાહેરાત કરી ત્યારે વિનોબાથી શરૂઆત થયા પછી વલ્લભભાઈનો નંબર પણ આવ્યો હતો અને તે જેલમાં ગયા હતા.
આઝાદી પછી સત્યાગ્રહી વલ્લભભાઈ ભુલાઈ ગયા અને તેમની દેશી રાજ્યોનાં વિલીનીકરણની તેમની મહત્ત્વની છતાં મર્યાદિત ઓળખ જ યાદ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન