રાહુલ દ્રવિડ રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળશે - ન્યૂઝ અપડેટ

રાહુલ દ્રવિડ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ બનશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ દ્રવિડ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ બનશે

રાહુલ દ્રવિડ આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ બનશે.

રાહુલ દ્રવિડ રાજસ્થાન રૉયલ્સની નવી રણનીતિ બનાવવા માટે રાજસ્થાન રૉયલ્સના ડાયરેક્ટર કુમાર સંગકારા સાથે મળીને કામ કરશે. દ્રવિડ 2011થી 2015 દરમિયાન રાજસ્થાન રૉયલ્સ સાથે પાંચ સિઝન કામ કરી ચૂક્યાં છે.

રાજસ્થાન રૉયલ્સે તેમની નવી ઇનિંગની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “ભારતને વર્લ્ડ કપ જીતાડનાર લેજેન્ડરી કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન રૉયલ્સમાં જોરદાર વાપસી માટે તૈયાર છે.”

ટીમે પોસ્ટમાં લખ્યું, “ક્રિકેટ આઇકોન રૉયલ્સ સ્પોર્ટ્સ ગ્રુપના સીઈઓ જૅક લશ મૅકરમથી પાસેથી પોતાની પિંક જર્સી લેતા જોવા મળ્યાં. માનવામાં આવે છે કે બેગલુરૂમાં ડીલ સાઇન થઈ તે સમયે રાજસ્થાન રૉયલ્સની આખી વહીવટી ટીમ પણ હાજર હતી.”

દ્રવિડે રાજસ્થાન રૉયલ્સમાં પોતાની નવી ઇનિંગની જાહેરાત કરતા કહ્યું, “મારૂ માનવું છે કે આ એક નવો પડકાર લેવા માટે એકદમ યોગ્ય સમય છે અને રૉયલ્સ નવા પડકાર માટે એક યોગ્ય ટીમ છે.”

પેરિસ પૅરાલિમ્પિક : પ્રવીણ કુમારે હાઈ જંપ ટી 64 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો
પ્રવીણે 2.08 મીટરની છલાંગ લગાવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રવીણે 2.08 મીટરની છલાંગ લગાવી હતી

પેરિસ પૅરાલિમ્પિકમાં પ્રવીણ કુમારે પુરૂષોની હાઈ જંપ ટી 64 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. પૅરાલિમ્પિકમાં આ ભારતનો છઠ્ઠો ગોલ્ડ મેડલ છે. પ્રવીણે 2.08 મીટરની છલાંગ લગાવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને તેમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વડા પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું, “પ્રવીણ કુમારને પુરૂષોની હાઈ જમ્પ ટી 64 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન. તેમની પ્રતિબદ્ધતા અને સાહસ પર દેશને ગર્વ છે.”

પ્રવીણ કુમારના મેડલની સાથે જ પેરિસ પૅરાલિમ્પિકમાં ભારતના કુલ મેડલની સંખ્યા 26 થઈ ગઈ છે, જેમાં છ ગોલ્ડ, નવ સિલ્વર અને 11 બ્રૉન્ઝ મેડલ સામેલ છે.

કૉંગ્રેસમાં સામેલ થયાં પછી વીનેશ ફોગાટે કહ્યું 'મારી બહેનો સાથે ઊભી રહીશ'

બંને કુશ્તીબાજોએ કૉંગ્રેસમાં સામેલ થતાં પહેલા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મુલાકાત કરી હતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બંને કુસ્તીબાજો કૉંગ્રેસમાં સામેલ થતાં પહેલાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યાં હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પહેલવાન વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે કૉંગ્રેસમાં જોડાઈ ગયાં છે.

બંને કુસ્તીબાજો દિલ્હીમાં કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયાં. પાર્ટીમાં જોડાયા બાદ વીનેશે કહ્યું કે આ મારા માટે ગૌરવની પળ છે. તેમણે કહ્યું કે તેઓ ખેલાડીઓનો સાથ આપશે અને તેમનો અવાજ ઉઠાવવામાં પાછળ હટશે નહીં.

વીનેશ ફોગાટે કહ્યું, "જેવી રીતે રમતમાં હાર ન માની તેવી રીતે નવા પ્લૅટફૉર્મ પણ પર દિલથી કામ કરીશું. આ પ્લૅટફૉર્મ થકી લોકોનું જે પણ સારું કરી શકીએ. હું મારી બહેનો સાથે ઊભી રહીશ."

કૉંગ્રેસમાં સામેલ થવાની પ્રેસવાર્તા દરમિયાન કૉંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું કે રેલવેમાંથી રાજીનામું આપ્યા પછી ભારતીય રેલવેએ વીનેશ ફોગાટને વ્હૉટ્સએપ થકી કારણ બતવો નોટિસ આપી હતી.

બંને કુસ્તીબાજોએ કૉંગ્રેસમાં સામેલ થતાં પહેલાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મુલાકાત લીધી હતી અને પછી કૉંગ્રેસ મુખ્યાલય પહોંચ્યાં.

કૉંગ્રેસ અધ્યક્ષ બંને સાથેની એક તસવીર શૅર કરીને સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું, "ચક દે ઇન્ડિયા! ચક દે હરિયાણા! વિશ્વમાં ભારતનું નામ રોશન કરનારાં આપણા પ્રતિભાશાળી ચૅમ્પિયન વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સાથે 10 રાજાજી માર્ગ પર મુલાકાત. અમને તમારા બંને પર ગર્વ છે."

છેલ્લા કેટલાક દિવસોથી વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કૉંગ્રેસમાં સામેલ થશે તેવી અટકળો લાગી રહી હતી ત્યારે બૃજભૂષણ શરણનું એક નિવેદન સોશિયલ મીડિયા પર શૅર થઈ રહ્યું છે.

વીડિયોમાં બૃજભૂષણ શરણસિંહ કહેતા સંભળાય છે, "અમે કહ્યું હતું કે કૉંગ્રેસ અને દીપેન્દ્ર હુડ્ડાનું આ ષડયંત્ર છે."

‘કેન્યાની શાળામાં આગ લાગવાને કારણે 17 વિદ્યાર્થીનાં મૃત્યુ’
કેન્યા, આગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FB

મધ્ય કેન્યામાં આવેલી એક શાળામાં ગઈ કાલે મોડી રાત્રે આગ લાગવાને કારણે કમસે કમ 17 વિદ્યાર્થીનાં મૃત્યુ થઈ ગયાં છે.

હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે હજુ ડઝન કરતાં પણ વધુ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હિલસાઇડ ઍન્દારાશા પ્રાઇમરી સ્કૂલમાં લાગેલી આગ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.

પોલીસે કહ્યું છે કે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ એક પ્રાઇવેટ બૉર્ડિંગ સ્કૂલ છે જ્યાં 6થી 14 વર્ષનાં બાળકો રહે છે.

સમાચાર એજન્સી એએફપી અનુસાર, અહીં લગભગ 800 બાળકો ભણે છે.

રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ આ ઘટનાને ‘ભયાનક’ અને ‘વિનાશકારી’ ગણાવીને તપાસના આદેશ આપ્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આ આગ માટે જવાબદાર વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.

પેરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, અત્યાર સુધીના સૌથી વધુ મેડલ મેળવ્યા

પેરિસ પેરાલિમ્પિક, સ્પોર્ટ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કપિલ પરમાર (જમણે)

પેરિસ પૅરાલિમ્પિક ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 25 મેડલ મેળવીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ, નવ સિલ્વર અને 11 બ્રૉન્ઝ જીત્યા છે અને તે મેડલ ટેબલમાં સોળમા ક્રમે છે.

ગઈ કાલે કપિલ પરમારે જુડોની 60 કિલોગ્રામ વજનવર્ગની સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતને 25મો મેડલ અપાવ્યો હતો.

એ પહેલાં હરવિંદરસિંહે તીરંદાજીમાં રિકર્વ ઓપન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો.

ઍથ્લેટિક્સમાં ક્લબ થ્રોની ઇવેન્ટમાં ધરમવીરે ગોલ્ડ તથા પરનવ સૂરમાએ સિલ્વર મેડલ જીતીને ભારતને બે મેડલ અપાવ્યા હતા.

આજે દીપેશકુમાર ભાલાફેંકની ફાઇનલ રમશે. એ સિવાય પેરા કેનોઇંગ અને પેરા ઍથ્લેટિક્સની અન્ય સ્પર્ધાઓમાં પણ ભારતના ખેલાડીઓ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં રમશે.

જમ્મુ-કાશ્મીર: રાહુલ ગાંધીએ કરી ચૂંટણીપ્રચારની શરૂઆત, કાશ્મીરી પંડિતો વિશે શું બોલ્યા?

જમ્મુ-કાશ્મીર, ચૂંટણી, રાહુલ ગાંધી ,કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અનંતનાગમાં એક સભામાં રાહુલ ગાંધી અને ફારુખ અબ્દુલ્લા

કૉંગ્રેસના ચૂંટણીપ્રચારની શરૂઆત કરતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્ય બનાવવાનું વચન આપ્યું છે.

તેમણે બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લા સાથે બે જાહેર સભાઓને સંબોધી હતી.

પોતાના ભાષણમાં તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલને રાજા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમના થકી ભાજપ અને આરએસએસ એ મીડિયા, નોકરશાહી અને અન્ય સંસ્થાઓ પર કબજો કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, “ભાજપે કાશ્મીરી પંડિતોનો માત્ર ઉપયોગ કર્યો છે. હું તેમની સાથે છું. જ્યારે અમારી સરકાર આવશે ત્યારે તમને પણ અમે સાથે રાખીને ચાલીશું. અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ. આપણો સંબંધ લોહીનો છે, માત્ર રાજકીય સંબંધ નથી.”

“રાજીવ ગાંધી હોય, ઇન્દિરા ગાંધી હોય કે પછી જવાહરલાલ નેહરુ- આપણો સંબંધ ખૂબ જૂનો છે. મારા દરવાજા તમારા માટે હંમેશાં ખુલ્લા છે. હું તમારા મુદ્દાઓને અને દર્દને સંસદમાં ઉઠાવવા માગું છું.”

આ વખતે નૅશનલ કૉન્ફરન્સ, કૉંગ્રેસ, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી અને પેન્થર્સ પાર્ટીનું ગઠબંધન જમ્મુ-કાશ્મીરમાં સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે.

નૅશનલ કૉન્ફરન્સ 51 બેઠકો પર ચૂંટણી લડી રહી છે જ્યારે કૉંગ્રેસ 32 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પાંચ બેઠકો પર બંને પક્ષો વચ્ચે ‘ફ્રેન્ડલી ફાઈટ’ થવાની છે. બેઠકોની વહેંચણી હેઠળ માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી માટે કાશ્મીરમાં એક સીટ અને પેન્થર પાર્ટી માટે જમ્મુમાં એક સીટ છોડવામાં આવી છે.

વર્ષ 2014માં થયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર 12 બેઠકો જ મળી હતી.

ફ્રાન્સ: દક્ષિણપંથી નેતા મિશેલ બાર્નિયે બન્યા નવા વડા પ્રધાન

ફ્રાન્સ, દક્ષિણપંથ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મિશેલ બાર્નિયે

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ દેશના વડા પ્રધાન તરીકે મિશેલ બાર્નિયેનું નામ જાહેર કર્યું છે. 73 વર્ષીય બાર્નિયે એ યુરોપિયન યુનિયનના મુખ્ય બ્રૅક્ઝિટ વાટાઘાટ કરનારા લોકોમાંથી એક હતા.

2016 અને 2019ની વચ્ચે બાર્નિયેએ બ્રિટન સાથે બ્રૅક્ઝિટ અંગે વાટાઘાટનું નેતૃત્વ કર્યું હતું.

બાર્નિયે જમણેરી રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેમની લાંબી રાજકીય કારકિર્દી રહી છે. તેઓ ફ્રાન્સ અને યુરોપિયન યુનિયન બંનેમાં ઘણા વરિષ્ઠ હોદ્દા પર રહ્યા છે.

બાર્નિયેએ હવે એવી સરકાર બનાવવી પડશે જે નૅશનલ એસેમ્બલીમાં ટકી શકે. હકીકતમાં ફ્રાન્સમાં ત્રણ મોટાં રાજકીય જૂથોનું વર્ચસ્વ છે પરંતુ કોઈ પણ જૂથને બહુમતી નથી.

ફ્રાન્સમાં બે મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં કોઈ પણ જૂથ એકલે હાથે બહુમતી હાંસલ કરી શક્યું ન હતું.

અહીં ડાબેરી જૂથ ન્યૂ પૉપ્યુલર ફ્રન્ટે સૌથી વધુ બેઠકો જીતી હતી. ત્યારપછી એન્સેમ્બલ ગઠબંધન અને દક્ષિણપંથી જૂથ નૅશનલ રેલીને બેઠકો મળી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.