ઈરાનથી પરત ફરેલા વિદ્યાર્થીઓએ કહી આપવીતી, 'મારા રૂમ ઉપરથી મિસાઇલ નીકળી અને પછી…'

ઈરાન, હુમૈરા સાદિક, લવીવ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઈરાનથી પરત ફરેલી હુમૈરા સાદિક અને લવીવ

"મેં ત્યાં ઘણું બધું જોયું, મિસાઇલના હુમલાઓ જોયા. રાત્રે ભીષણ અવાજો સાંભળ્યા. હું ભારત પહોંચીને ખુશ છું. જ્યારે પરિસ્થિતિ થાળે પડશે ત્યારે અમે ફરીથી ઈરાન જઈશું."

યાસિર ગફ્ફાર ઈરાનમાં ભણવા માટે ગયા હતા અને ઇઝરાયલ અને ઈરાનના સંઘર્ષની વચ્ચે ફસાઈ ગયા હતા. હવે ભારત પરત ફર્યા બાદ તેઓએ રાહતના શ્વાસ લીધા છે.

યાસીર તે 110 ભારતીય વિદ્યાર્થીઓ પૈકીના એક છે જેઓ ગુરુવારે ઈરાનથી દિલ્હી પહોંચ્યા હતા.

વિદેશ મંત્રાલય મુજબ, ઇઝરાયલ અને ઈરાનના વચ્ચે વધી રહેલા સંઘર્ષના કારણે ભારતે 'ઑપરેશન સિંધુ'ની શરૂઆત કરી છે.

આ ઑપરેશનનો ઉદ્દેશ્ય ઈરાનથી ભારતીયોને પરત લાવવાનો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 18 જૂને જણાવ્યું હતું કે 17 જૂને ઈરાનના ઉત્તરના ભાગમાંથી 110 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે.

મિસાઇલ રૂમની ઉપરથી ફેંકાઈ, બારીઓ ધ્રુજવા લાગી

તેહરાનમાં શાહરાન ડિપો પર 15 જૂનના ઇઝરાયલે કરેલા હુમલા બાદ લાગેલી આગ નિહાળતા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેહરાનમાં શાહરાન ડિપો પર 15 જૂનના ઇઝરાયલે કરેલા હુમલા બાદ લાગેલી આગ નિહાળતા લોકો

મરિયમ રોઝ પણ તે 110 વિદ્યાર્થીઓ પૈકીનાં એક છે જેમને ભારત સરકારે સુરક્ષિત રીતે ઈરાનથી રરૅસ્ક્યૂ કર્યાં છે.

ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ વિશે જણાવતાં મરિયમ સમાચાર એજન્સી એએનઆઈને જણાવે છે કે "ઉર્મિયામાં અમને ડૉરમેટ્રી સામેથી મિસાઇલો નીકળતી જોવા મળતી હતી. એક ઘટના મને સારી રીતે યાદ છે. રાત્રે ત્રણ વાગ્યે અમારી ડૉરમેટ્રી પરથી એક મિસાઇલ નીકળી હતી, ત્યારે મારા રૂમની બધી બારીઓ ખખડવા લાગી હતી."

આ વિદ્યાર્થિનીને પહેલાં ઉર્મિયાથી સડક માર્ગે આર્મેનિયા લઈ જવાયાં હતાં. ત્યાર બાદ તેઓ આર્મેનિયાથી ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી ઍરપૉર્ટ પર પહોંચાડવામાં આવ્યાં.

દિલ્હી રહેવાસી અમાન નઝર થોડાં વર્ષો પહેલાં ઈરાન ભણવા માટે ગયા હતા. તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પાછું પરત ફરવું પડશે.

મીડિયામાં વાત કરતાં અમાન જણાવે છે કે, "હું ખૂબ ખુશ છું, મારા ઘરના લોકોને નજર સમક્ષ જોવાની ખુશી હું શબ્દો દ્વારા વ્યક્ત નથી કરી શકતો. મારા પિતા મારી રાહ જોઈ રહ્યા છે. ત્યાં(ઈરાનમાં) પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે."

હુમૈરા સાદિકને સલામત રીતે ઘરે પહોંચવાની ખુશી તો છે, પરંતુ ભણવાનું અધવચ્ચે છૂટવાનું દુ:ખ પણ છે.

હુમૈરા સાદિક કહે છે કે, "માતા-પિતાને મળવાની ખુશી તો છે પણ અભ્યાસ અધવચ્ચે છૂટવાનું દુ:ખ પણ છે. કોર્સનું ચોથું વર્ષ હતું. ભણવાનું પૂરું કરીને જ પરત ફરવાની આશા હતી પરંતુ અચાનક પાછું ફરવું પડ્યું. જે માહોલ ત્યાં જોયો છે, તે મુજબ ક્યારે લાગ્યું નહીં કે ઘરે પરત ફરી શકાશે."

વિદ્યાર્થીઓનાં માતા-પિતાઓએ શું કહ્યું?

તેહરાન, ઇઝરાયલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, DIMA VAZINOVICH/Middle East Images/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, તેહરાન પર ઇઝરાયલના મિસાઇલ હુમલા સતત શરૂ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હૈદર અલી અને તેમનાં પત્ની આર્શી હૈદર અલી તેમના દીકરા માઝ હૈદરના આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. 21 વર્ષના માઝ હૈદર ઈરાનની ઉર્મિયા યુનિવર્સિટીમાં એમબીબીએસના પહેલા વર્ષના વિદ્યાર્થી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં હૈદર અલીએ કહ્યું કે "જ્યારે માઝ જોડે વાત થઈ રહી હતી તો તે કહી રહ્યો હતો કે ઈરાનનો માહોલ સારો નથી તેને ભારત પાછું આવવું હતું. માઝ પોતાની રીતે કોઈ પ્રયત્નો કરે તે પહેલાં ભારત સરકારે તેને ત્યાંથી કાઢી લીધો અને તે પોતાના દેશ પાછો આવી રહ્યો છે, આ ખૂબ ખુશીની વાત છે."

હૈદર અને આર્શી ઉપરાંત પણ ઘણાં પરિજનો છે જેઓ સંઘર્ષ શરૂ થયાના તરત જ પોતાનાં સંતાનોના ભારત આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રહેનારા ડૉ. પરવેઝ આલમ છેલ્લા કેટલાક કલાકોથી નવી દિલ્હી ઍરપૉર્ટના ગેટ નંબર 4 ઉપર ઊભા છે, તેમના મોટા દીકરા સમીર આલમ ઈરાનથી સુરક્ષિત પરત આવી રહ્યા છે.

ડૉ.પરવેઝ આલમે જણાવ્યું કે, "મારો દીકરો 2 વર્ષ પહેલાં એમબીબીએસ કરવા ઈરાનના ઉર્મિયા ગયો હતો. ત્યાં તે ઉર્મિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. જ્યારથી પરિસ્થિતિ ખરાબ થઈ છે, ત્યારથી ઘરના લોકો ચિંતામાં હતા. અમે આપણી સરકારના આભારી છીએ."

'ઑપરેશન સિંધુ' શું છે?

ઇરાન, દિલ્હી, વિદ્યાર્થીઓ, વિદેશ રાજ્યમંત્રી, કીર્તિવર્ધનસિંહ

ઇમેજ સ્રોત, @MEAIndia

ઇમેજ કૅપ્શન, ઈરાનથી દિલ્હી પહોંચેલા વિદ્યાર્થીઓ સાથે વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ

ભારત સરકારના વિદેશ મંત્રાલય મુજબ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં લેતાં ભારત સરકાર છેલ્લા કેટલાય દિવસોથી ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે એક પછી એક પગલાં લઈ રહી છે.

પહેલા તબક્કામાં ભારતીય દૂતાવાસે 17 જૂન, 2025 માં ઈરાનના ઉત્તર ભાગથી 110 ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા છે.

આ વિદ્યાર્થીઓને સડક માર્ગે આર્મેનિયા ખસેડાયા, જ્યાં ભારતીય દૂતાવાસની દેખરેખમાં તેઓ ત્યાંની રાજધાની યેરેવાન પહોંચ્યા.

તારીખ 18 જૂન, 2025 બપોરે લગભગ ત્રણ કલાકે યેરેવાનથી એક વિશેષ ઉડાન ભરીને આ વિદ્યાર્થીઓ ભારત રવાના થયા હતા અને 19 જૂન, 2025માં તેઓ નવી દિલ્હી પહોંચ્યા હતા. આ ઑપરેશન સિંધુના શરૂઆતના તબક્કાનો એક ભાગ છે.

શરૂઆતના સમયમાં ઉર્મિયા અને તેની આસપાસના વિસ્તારોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ભારત લાવામાં આવ્યા છે.

ઇઝરાયલે થોડાક સમય પૂર્વે જ ઈરાનનાં તેહરાન અને ઇસ્ફહાન શહેરો પર હુમલાઓ વધાર્યા હતા અને આ બંને શહેરોનો સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં સમાવેશ થાય છે.

ભારતના વિદ્યાર્થીઓ આ બધાં જ શહેરોમાં ફસાયેલા છે અને પાછા ફરેલા વિદ્યાર્થીઓને પણ આશા છે કે તેમને(જેઓ ફસાયેલા છે) પણ સુરક્ષિત રીતે બહાર કાઢી દેવાશે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન