દિલકુશા હવેલી : અવધના નવાબની એ કોઠી જેમાં હવે હિંદુ દેવી-દેવતાની મૂર્તિ રખાશે

ઇમેજ સ્રોત, WELLCOME IMAGES
- લેેખક, અર્શદ અફઝલ ખાન
- પદ, બીબીસી હિન્દી માટે
ફૈઝાબાદ (હવે અયોધ્યા)ની એક ઐતિહાસિક ઇમારત 'દિલકુશા કોઠી' આજકાલ સમાચારમાં છે.
આ કોઠી અવધના ત્રીજા નવાબ શુજા-ઉદ-દૌલા દ્વારા 1752ની આસપાસ બનાવાઈ હતી.
ઉત્તર પ્રદેશ સરકાર હવે તેના સ્થાને 'સાકેત સદન' બનાવી રહી છે. તેનું 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
ઉત્તર પ્રદેશ સરકારે દિલકુશાને હિન્દુ યાત્રાળુઓ માટે મ્યુઝિયમમાં બદલવાનો નિર્ણય લીધો છે. અહીં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ હશે.
ઇતિહાસમાં ઘણી દુર્ઘટનાઓની સાક્ષી બનનારી દિલકુશા કોઠી હવે તેનું નામ ગુમાવી શકે છે.
સાકેત સદન ટૂંક સમયમાં આગવા ઇતિહાસ માટે તૈયાર થશે. તેને ઇતિહાસનો હિસ્સો પણ મળશે, પરંતુ તે પહેલાં આપણે દિલકુશાને 'દિલકુશા' બનાવનાર ઇતિહાસ વિશે વાત કરીએ. દિલકુશાની દીવાલો અવધમાં નવાબી શાસનના ઇતિહાસની સાક્ષી રહી છે.
ફૈઝાબાદ અને નવાબોનો સંબંધ

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA
એ સમયે દિલ્હી પર મુઘલ બાદશાહોનું શાસન હતું. મુઘલ શાસકો વિવિધ રજવાડાંની જવાબદારી રાજ્યપાલોને સોંપતા હતા.
આ રાજ્યપાલો રજવાડાંને લગતા નિર્ણયો લેતા હતા. આ ક્રમમાં વર્ષ 1722માં અવધ રજવાડાનું શાસન સઆદત ખાનને સોંપવામાં આવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ સુબેદારને નવાબ કહેવા અંગે ચર્ચા મતમતાંતર રહ્યા છે.
ઇતિહાસકાર ડૉ. પીસી સરકાર કહે છે કે ઘણી જગ્યાએ નવાબોને સુબેદાર કહેવામાં આવ્યા છે, પરંતુ તેમનું સ્થાન નવાબ વઝીરનું હતું, જે વડા પ્રધાનની સમકક્ષ હોદ્દો હતો.
જોકે, સઆદત ખાન અવધના નવાબ વઝીર બન્યા, તેમણે અહીં થોડો સમય વિતાવ્યો.
ઇતિહાસકાર રોશન તાકીએ બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે, "અવધના પહેલા નવાબ વઝીરને દિલ્હી દરબાર તરફથી સઆદત ખાન બુરહાન-ઉલ-મુલ્કનું બિરુદ મળ્યું હતું."
તેમણે કહ્યું, "તેમનું સાચું નામ મીર મોહમ્મદ અમીન હતું. તેઓ 1722થી 1739 સુધી નવાબ વઝીર હતા, પરંતુ તેમણે અહીં વધુ સમય વિતાવ્યો નહીં."
આ પાછળનું કારણ શું હતું? તાકી સમજાવે છે, "તે યુદ્ધોનો યુગ હતો. સઆદત ખાન એક ફાઇટર હતા. તેઓ મોટા ભાગે યુદ્ધના મેદાનમાં રહેતા હતા."
"તેમણે અહીં ઘાઘરાના કિનારે એક માટીનું ઘર બનાવ્યું, ફક્ત નામ ખાતર, જેને લોકો બંગલો કહેવા લાગ્યા. આ રીતે, તે 'કચ્ચા બંગ્લા' તરીકે પ્રખ્યાત થયું. આ વિસ્તાર પાછળથી સમય જતાં વિકસ્યો અને ફૈઝાબાદ બન્યો."
પહેલા નવાબ વઝીરનું 1739માં અવસાન થયું હતું.
અવધના બીજા નવાબ સફદરજંગ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1739માં સઆદત ખાનના મૃત્યુ પછી તેમના જમાઈ (જે તેમના ભત્રીજા પણ હતા) બીજા નવાબ વઝીર બન્યા. તેમનું નામ સફદરજંગ હતું.
તેમનું સાચું નામ મિર્ઝા મોહમ્મદ મુકીમ હતું. દિલ્હી દરબાર તરફથી તેમને સફદરજંગ નામ આપવામાં આવ્યું હતું.
સફદરજંગે અવધમાં ખૂબ ઓછો સમય વિતાવ્યો, કારણ કે તેમની પાસે બીજી ઘણી જવાબદારી હતી.
ઇતિહાસકાર પીસી સરકાર સમજાવે છે, "મોહમ્મદ મુકીમ મોટા ભાગનો સમય બહાર રહેતા હતા, પરંતુ તેમ છતાં તેમણે ફૈઝાબાદમાં ઘણી ઇમારતોનો પાયો નાખ્યો હતો. એમ કહી શકાય કે આધુનિક ફૈઝાબાદનો પાયો તેમના સમયમાં નંખાયો હતો."
શુઝા-ઉદ-દૌલાનો પરિવાર દિલકુશાના પહેલા માળે રહેતો હતો.
1752માં અવધના બીજા નવાબ સફદરજંગનું અવસાન થયું. તેમના પછી તેમના પુત્ર શુઝા-ઉદ-દૌલા અવધના ત્રીજા નવાબ વઝીર બન્યા.
અગાઉના બે નવાબોથી વિપરીત, શુઝા-ઉદ્દ-દૌલાએ ફૈઝાબાદમાં ઘણો સમય વિતાવ્યો. તેમના શાસનકાળ દરમિયાન જ 'કચ્ચા બંગલા'માં વધુ બાંધકામ થયું અને તે દિલકુશા બંગલો બન્યો.
પીસી સરકાર કહે છે, ''શુઝા-ઉદ-દૌલાના દરબારમાં ફ્રેન્ચ સલાહકારો હતા. તેમાંથી એક કર્નલ એન્ટોન પુલિયર હતા."
તેઓ કહે છે, "તેમણે જ શુજા-ઉદ્દ-દૌલાને ઘણી ઇમારતો અંગે સલાહ આપી હતી. દિલકુશા કોઠી પણ તેમની સલાહથી જ શણગારવામાં આવી હતી."
શુજા-ઉદ્દ-દૌલા અને તેમનો પરિવાર

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA
"ફોર્ગોટન હેરિટેજ ઑફ અવધ"ના સંશોધક રઘુવંશ મણિ કહે છે કે આ બે માળની ઇમારતના દરેક માળે લગભગ 10 રૂમ હતા.
તેમણે વિવિધ સંદર્ભોને ટાંકીને દાવો કર્યો હતો કે નવાબ શુજા-ઉદ્દ-દૌલા અને તેમનો પરિવાર હવેલીના પહેલા માળે રહેતા હતા, જ્યારે તેમનો દરબાર નીચેના માળે હતો, જ્યાંથી તેઓ રાજ્ય સંબંધિત નિર્ણયો લેતા હતા.
રઘુવંશ મણિના મતે, "શુજા-ઉદ-દૌલાના સૈનિકો પણ દિલકુશાના પરિસરમાં રહેતા હતા. હવેલીની આસપાસ સેંકડો બૅરેક બનાવાયા હતા, જેમાં સૈનિકો રહેતા હતા.''
''એ જ સમયે હવેલીના બાહ્ય વિસ્તારને વહીવટી કાર્યમાં રોકાયેલા કર્મચારીઓને રહેવા માટે રહેણાક વિસ્તારમાં વિકસાવાયો હતો. ત્યાં ટંકશાળ, દિલ્હી ગેટ, રકાબગંજ, હંસુ કટરા જેવાં સ્થળો બનાવાયાં હતાં."
શુજા-ઉદ-દૌલાએ ફૈઝાબાદનો વિકાસ કર્યો

ઇમેજ સ્રોત, ARSHAD AFZAL KHAN
રોશન તાકી જણાવે છે કે ફૈઝાબાદમાં મોટાં ભાગનાં વિકાસકાર્યો શુજા-ઉદ-દૌલાના સમયગાળા દરમિયાન થયાં હતાં.
મોટા બગીચા, મહેલો અને ઐતિહાસિક સ્થળો, જે હવે લુપ્ત થઈ ગયાં છે, તે બધાં તેમના સમયમાં બનાવાયાં હતાં. તેમણે તેને વેપારનું કેન્દ્ર બનાવ્યું.
તેઓ કહે છે કે તે સમયે ફૈઝાબાદ સૌથી સુંદર શહેર માનવામાં આવતું હતું. દિલ્હીના વઝીર, તેમના પ્રતિનિધિઓ અને બહારથી આવતા પ્રવાસીઓ પણ ફૈઝાબાદની સુંદરતાથી પ્રભાવિત થયા હતા.
તેમની અને તેમનાં બેગમોની કબર પણ ટિપોલિયા ગેટ પર છે, જેમાં ત્રણ દરવાજા છે. આ પહેલા ફૈઝાબાદમાં પ્રવેશવાનો દરવાજો હતો. તે પણ તેમણે જ નિર્માણ કરાવ્યો હતો.
રોશન તાકી સમજાવે છે, "ફૈઝાબાદ નામ શુજા-ઉદ-દૌલાના સમયમાં પડ્યું. એક અંગ્રેજ રહેવાસીએ કહ્યું કે આ એક એવી જગ્યા છે જ્યાંથી દરેકને ફૈઝ (ફૈઝનો અર્થ લાભ) મળી રહ્યો છે.''
''આ રીતે આ જગ્યાનું નામ ફૈઝથી બદલાઈને ફૈઝાબાદ થઈ ગયું. એક એવી જગ્યા જ્યાં દરેકને આરામ અને લાભ મળી રહ્યો હતો, ઇચ્છાઓ પૂર્ણ થઈ રહી હતી."
શુજા-ઉદ્દ-દૌલા એ નવાબ હતા જેમણે ફૈઝાબાદને સંપૂર્ણપણે રાજધાનીમાં પરિવર્તિત કર્યું હતું. તેમણે સઆદત અલી દ્વારા બંધાયેલા 'કચ્ચા બંગ્લા'નું નવીનીકરણ કર્યું અને તેની જગ્યાએ દિલકુશા મહેલ બનાવ્યો.
જ્યારે દિલકુશા કોઠી અફીણનું ગોદામ બની ગઈ
એક સમય એવો આવ્યો જ્યારે દિલકુશાને 'અફીણ કોઠી'નું બિરુદ આપવામાં આવ્યું. પીસી સરકાર કહે છે કે અંગ્રેજો સાથેના યુદ્ધ પછી દિલકુશા પર અંગ્રેજોએ કબજો કર્યો હતો.
1870ની આસપાસ અંગ્રેજોએ આ હવેલીને અફીણના ગોડાઉનમાં બદલી હતી. ત્યાં અફીણ અધિકારીઓ તહેનાત હતા. ત્યારથી તે 'અફીણ કોઠી' કહેવાઈ.
પીસી સરકાર સમજાવે છે, "આઝાદી પછી ભારત સરકારના સેન્ટ્રલ બ્યૂરો ઑફ નાર્કોટિક્સે દિલકુશા કોઠીને પોતાના તાબામાં લીધી. અફીણની દાણચોરી રોકવા માટે તેના પરિસરમાં એક સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસ ખોલવામાં આવી."

ઇમેજ સ્રોત, ARSHAD AFZAL KHAN
અયોધ્યાની સાકેત ડિગ્રી કૉલેજમાં સાહિત્યના પ્રોફેસર અનિલસિંહ કહે છે કે નાર્કોટિક્સ વિભાગે લગભગ 17 વર્ષ પહેલાં આ ઑફિસ બંધ કરી દીધી હતી. તે પછી પણ 'દિલકુશા' નાર્કોટિક્સ વિભાગ પાસે જ રહી.
કાળજીના અભાવે, દિલકુશાની હાલત કથળી ગઈ. બાલ્કની સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલો પણ જર્જરિત થઈ ગઈ હતી અને ગમે ત્યારે તૂટી પડે એમ હતી.
ફૈઝાબાદનું ગૌરવ ગણાતી હવેલીની આ સ્થિતિ કેવી રીતે થઈ ગઈ?
આ પ્રશ્નના જવાબમાં રોશન તાકી કહે છે કે દિલકુશા કોઠી એકમાત્ર આવી ઇમારત નથી. બીજી ઘણી ઇમારતો છે જે જાળવણીના અભાવે ધીમે ધીમે ખંડેર બની ગઈ.
"ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)નાં સ્મારકોની યાદીમાં ફૈઝાબાદમાં 57 સ્થળો છે. તેમાં બગીચા, કિલ્લા, કબરો જેવાં સ્થળોનો સમાવેશ થાય છે, પરંતુ તેમાંથી ફક્ત થોડાં જ સ્થળોને સાચવવામાં આવ્યાં છે."
રોશન તાકી કહે છે, "અમારા તરફથી ઘણા પ્રયત્નો પછી તેને જિલ્લા લાઇબ્રેરી બનાવવામાં આવી જેથી ઇમારત જીવંત રહે અને લોકો અહીં આવતા રહે. મને ખબર નથી કે છેલ્લાં બે વર્ષમાં શું થયું છે."
1857માં તેની ભૂમિકા
ઇતિહાસકાર રોશન તાકીના મતે, "1857માં ભારતના પ્રથમ સ્વતંત્રતા યુદ્ધમાં દિલકુશા કોઠીએ પણ ભૂમિકા ભજવી હતી. આ કોઠીએ યુદ્ધ દરમિયાન સ્વતંત્રતા સેનાનીઓને છુપાવા માટેની જગ્યા પૂરી પાડી હતી."
તેઓ કહે છે, "સ્વતંત્રતા પછી પણ, દિલકુશા ખૂબ જ સારી સ્થિતિમાં હતી. આ ઇમારતમાં ભારતીય ઇતિહાસના ઘણા ભાગો સમાયેલા હતા."
દિલકુશા કોઠીથી સાકેત સદન સુધીની યાત્રા

ઇમેજ સ્રોત, ARSHAD AFZAL KHAN
હવે ઉત્તર પ્રદેશ સરકાર અહીં સાકેત સદન બનાવી રહી છે. સાકેત એ અયોધ્યાનું જૂનું નામ છે, જેનો અર્થ સ્વર્ગ થાય છે.
આ ઉપરાંત, બૌદ્ધ સાહિત્યમાં પણ અયોધ્યાને ઘણું મહત્ત્વ મળ્યું છે. જૂના બૌદ્ધ સાહિત્યમાં અયોધ્યાને સાકેત કહેવામાં આવ્યું છે.
એએસઆઈના પ્રથમ ડાયરેક્ટર જનરલ, બ્રિટિશ પુરાતત્ત્વવિદ્ એલેક્ઝાન્ડર કનિંગહામે પણ અયોધ્યામાં ત્રણ બૌદ્ધ સ્થળો - મણિ પર્વત, કુબેર પર્વત અને સુગ્રીવ પર્વત તરીકે ઓળખ્યા હતા.
પ્રાદેશિક પ્રવાસન અધિકારી આરપી યાદવે જણાવ્યું હતું કે, "સાકેત સદન પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 17 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ 6 જૂન, 2023ના રોજ શરૂ થયો હતો. તેનું 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે."
આ પ્રોજેક્ટની જવાબદારી ઉત્તર પ્રદેશ પ્રોજેક્ટ કૉર્પોરેશન લિમિટેડને આપવામાં આવી છે.
જ્યારે પ્રોજેક્ટ મૅનેજર વિનય જૈનને પૂછવામાં આવ્યું કે શું સાકેત સદન નવાબ સમયગાળા દરમિયાન અવધના વારસાનો ઉલ્લેખ કરશે કે પછી દિલકુશા બનાવનાર શુજા-ઉદ-દૌલાનો?
આના પર તેમણે કહ્યું, "ના, સાકેત સદનમાં અવધ કે શુજા-ઉદ-દૌલા સાથે સંબંધિત કોઈ વાત કે પ્રતીકનો ઉલ્લેખ નહીં હોય."
વિનય જૈન કહે છે, "સાકેત સદન બનાવવાનો હેતુ સંપૂર્ણપણે અલગ છે. તેને વિવિધ હિન્દુ તીર્થસ્થળોના મ્યુઝિયમ તરીકે વિકસાવાઈ રહ્યું છે, જ્યાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












