ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025 : વિરાટ કોહલીની ઇનિંગને હાર્દિક પંડ્યાએ ત્રણ સિક્સરથી કેવી રીતે જીતમાં ફેરવી?

ચૅમ્પિયન્સ ટ્રૉફીની પહેલી સેમિફાઇનલ મૅચ દુબઈ ખાતે રમાઈ હતી, જેમાં ભારતનો ચાર વિકેટે વિજય થયો છે અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને 49 ઓવર અને ત્રણ બૉલમાં 264 રન કર્યા હતા અને જીત માટે 265 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેને ટીમ ઇન્ડિયાએ છ વિકેટ ગુમાવીને 48.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

ઑસ્ટ્રેલિયા તરફથી કૅપ્ટન સ્મિથ (73) અને કૅરીએ (61) રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ ઉપરાંત ચક્રવર્તી અને જાડેજાએ બે-બે વિકેટો લીધી હતી.

ભારત તરફથી વિરાટ કોહલીએ (84), કે.એલ. રાહુલે (અણનમ 42) અને શ્રેયસ અય્યરે (45) રનનો નોંધપાત્ર ફાળો આપ્યો હતો.

બુધવારે પાકિસ્તાનના લાહોરસ્થિત ગદ્દાફી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મૅચ રમાશે. આ મૅચમાં જે ટીમ વિજેતા બનશે તે રવિવારે ટ્રૉફી માટે ભારત સામે ટકરાશે.

જીતના હીરો રહ્યા વિરાટ કોહલી

ઑસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટને પાર કરવા માટે ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત અસરકારક નહોતી રહી અને 43 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

આઇસીસી ચૅમ્પિયનન્સ ટ્રૉફી દરમિયાન શાનદાર ફૉર્મમાં રહેલા વિરાટ કોહલીએ ફરી વાર સાબિત કર્યું કે તેઓ વનડેમાં 'ચેઝ માસ્ટર' છે.

વિરાટે શ્રેયસ અય્યર સાથે ત્રીજી વિકેટમાં 91 રનની ભાગીદારી કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી આપી હતી.

આ દરમિયાન વિરાટ કોહલીએ 74મી અર્ધ સદી પણ પૂરી કરી હતી.

કૅપ્ટન રોહિત શર્મા 29 બૉલમાં 28 રન બનાવીને કૉનલીના બૉલ પર આઉટ થયા હતા. પાંચમા નંબરે બેટિંગ કરવા ઊતરેલા અક્ષર પટેલે 30 બૉલમાં 27 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ 24 બૉલમાં 28 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

હાર્દિક પંડ્યાએ ત્રણ સિક્સર ફટકારીને જીતના અંતર ઓછું કરી નાખ્યું હતું.

રવીન્દ્ર જાડેજાએ એક બૉલમાં બે રન બનાવ્યા હતા અને અણનમ રહ્યા હતા. કે.એલ. રાહુલે 34 બૉલમાં અણનમ 42 રન ફટકાર્યા હતા.

ઑસ્ટ્રેલિયા તરફથી કોઈ પણ બૉલર ભારતીય બૅટ્સમૅનોને નાથવામાં નિષ્ફળ રહ્યો હતો. નાથન અને ઝામ્પાએ બે-બે વિકેટો ખેરવી હતી, જ્યારે બૅન અને કૂપર કૉનોલીને એક-એક સફળતા મળી હતી.

ટ્રેવિસ હેડનો સુંદર કૅચ પકડનાર શુભમન ગિલને ચેતવણી

વર્ષ 2023માં અમદાવાદ ખાતેની વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં જ્વલંત બેટિંગ કરનારા ટ્રેવિસ હેડ પર બધાની નજર હતી. હેડ શરૂઆતમાં થોડું ખચકાટ સાથે રમતા હોય, એમ લાગ્યું હતું. એ પછી તેઓ ખુલ્લીને બેટિંગ કરવા લાગ્યા હતા. તેમણે કેટલાક સુંદર ચોગ્ગા-છગ્ગા પણ ફટકાર્યા હતા.

હેડના ફૉર્મને જોતા ભારતીય કૅમ્પમાં થોડો ગભરાટ જોવા મળ્યો હતો. રોહિત શર્માની બધી વ્યૂહરચના નિષ્ફળ જણાઈ રહી હતી. એવામાં વરુણ શર્માએ હેડને કનડી મૂક્યા.

વરુણના બૉલ પર હેડ ભારતીય ફિલ્ડર શુભમન ગિલને કૅચ આપી બેઠા. શુભમને દોડતા સુંદર કૅચ લીધો.

આને કારણે ભારતીય ટીમ અને સ્ટેડિયમમાં હાજર રહેલી ભારતીય પ્રશંસકોમાં હરખની હેલી ફરી વળી હતી.

માથું નમાવીને ટ્રેવિસ હેડ પેવોલિયન ભણી ગયા. તેમણે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 33 બૉલરમાં 39 રન બનાવ્યા.

હેડના આઉટ થયાના થોડા સમય પછી શુભમન ગિલ અને અમ્પાયર રિચર્ડ ઇલિંગ્વિથ વાતચીત કરતા જણાયા હતા.

કૉમેન્ટેટર્સને લાગ્યું કે એ કૅચ અંગે અમ્પાયર અને ભારતીય ખેલાડી વચ્ચે વાતચીત થઈ રહી છે.

શુભમન ગિલે દોડતા-દોડતા સુંદર કૅચ લીધો, પરંતુ તરત જ તેને હવામાં ઉછાળી દીધો હતો અને ઉજવણી કરવા લાગ્યા હતા.

ક્રિકેટના નિયમો મુજબ, કોઈ પણ ક્રિકેટર કૅચ લે, ત્યારે તેણે બૉલ ઉપર પૂર્ણપણે નિયંત્રણ મેળવવાનું હોય છે, અન્યથા તેને કૅચ માનવામાં નથી આવતો.

કૉમેન્ટેટર્સને લાગ્યું કે કૅચ પકડતી વખતે સાવધ રહેવા માટે અમ્પાયર દ્વારા શુભમન ગિલને જણાવવામાં આવ્યું હતું.

જોકે, એ સમયે કૉમેન્ટરી કરી રહેલા ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇક અર્થટનને લાગ્યું હતું કે તે સમયે બૉલ શુભમન ગિલના કાબૂમાં જ હતો.

ઑસ્ટ્રેલિયાની ઇનિંગ

આ વખતે ઑસ્ટ્રેલિયાની ટીમને તેના સ્ટાર ખેલાડીઓની હાજરી સાલી હતી, છતાં તેણે 264 રનનો સન્માનજનક સ્કૉર કર્યો હતો.

સ્ટિવ સ્મિથે કપ્તાની ઇનિંગ રમી હતી અને 73 રન બનાવ્યા હતા, જ્યારે ઍલેક્સ કેરીએ 61 રન કર્યા હતા.

ઇનિંગ દરમિયાન ભારતીય સ્પીનર્સ સામે ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન મુક્ત રીતે રમવામાં તકલીફ અનુભવતા જણાયા હતા.

ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં પાંચ વિકેટ લેનારા વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને પણ બે સફળતા મળી હતી. ગુજરાતી બૉલર્સ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલને પણ એક-એક સફળતા મળી હતી.

ત્રણ વિકેટ ખેરવીને મોહમ્મદ શમી ભારત તરફથી સૌથી સફળ બૉલર રહ્યા હતા. શમીએ 10 ઓવરમાં 48 રન આપ્યા હતા.

ભારત અને ઑસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન

ભારતની ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં મેદાન ઉપર ઊતરી અને તેની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કર્યો.

ઑસ્ટ્રેલિયાએ તેની ટીમમાં બે ફેરફાર કર્યા હતા. મૅટ શૉર્ટના સ્થાને કૂપર કૉનોલી તથા સ્પૅન્સર જોન્સનના સ્થાને તન્વી સંઘાને ટીમમાં સ્થાન અપાયું હતું.

ભારત (પ્લેઇંગ ઇલેવન) : રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી

ઑસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન) : કૂપર કોનોલી, ટ્રાવિસ હેડ, સ્ટિવન સ્મિથ (કૅપ્ટન), મારનસ લાબુશેન, જોશ ઇગલિશ (વિકેટકીપર), ઍલેક્સ કેરી, ગ્લેન મૅક્સવેલ, બૅન દ્વારસુઇશ, નાથન ઍલિસ, આદમ ઝાપા, તન્વીર સાંઘા.

ટુર્નામેન્ટમાં ભારત અને ઑસ્ટ્રેલિયા

ન્યૂઝીલૅન્ડની ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. સહ-યજમાન પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

ઑસ્ટ્રેલિયાની ટીમ માત્ર ઇંગ્લૅન્ડ સામેનો મૅચ જ આખો રમી શકી હતી. આ સિવાય ગ્રૂપની અનેક મૅચો પર વરસાદની અસર થઈ હતી. તેના બાકીના બે મૅચ વરસાદને કારણે યોજાઈ શકાયા ન હતા.

દક્ષિણ આફ્રિકાએ બે મૅચ જીતી છે અને ઑસ્ટ્રેલિયા સામેની તેની મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

વર્ષ 2023માં અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં ભારતને હરાવ્યું હતું. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પણ ઑસ્ટ્રેલિયાએ ભારતને પરાજય આપ્યો હતો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.