લામાના અવતાર તરીકે ઉછરેલા યુવાને જ્યારે વિદ્રોહ કરીને નાઇટ ક્લબમાં પાર્ટી કરી શરાબ પીધો

ઓસેલ બાળક હતા ત્યારે લામા ઝોપાએ મને જોયો હતો અને મારા માતા-પિતાને કહ્યું હતું કે તમારું સંતાન લામા યેશે (જેઓ મૃત્યુ પામ્યા હતા)નો અવતાર હોઈ શકે છે

ઇમેજ સ્રોત, Lama Yeshe Wisdom Archive

ઇમેજ કૅપ્શન, ઓસેલ બાળક હતાં ત્યારે લામા ઝોપાએ મને જોયો હતો અને મારાં માતા-પિતાને કહ્યું હતું કે તમારું સંતાન 'લામા યેશે' (જેઓ મૃત્યુ પામ્યાં હતાં)નો અવતાર હોઈ શકે છે
    • લેેખક, બીબીસી આઉટલૂક
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

માત્ર બે વર્ષની વયે દલાઈ લામા દ્વારા માન્યતા આપવામાં આવ્યા પછી ઓસેલ હજારો લોકોની હાજરીમાં યોજાયેલા એક સમારંભમાં સિંહાસન પર બિરાજમાન થયા હતા.

બૌદ્ધ ધર્મમાં જોડાવા માટે ઈબિઝા (ઇબેરિયન દ્વીપકલ્પના પૂર્વ કિનારે ભૂમધ્ય સમુદ્રમાં આવેલો એક સ્પેનિશ ટાપુ) ખાતેનું પોતાનું ઘર છોડી ચૂકેલા બે સ્પેનિશ હિપ્પીઓ ફ્રાન્સિકો હિટા અને મારિયા ટોરેસના પુત્ર ઓસેલનો જન્મ 1985માં થયો હતો.

તેના એક વર્ષ પહેલાં તિબેટમાં બૌદ્ધ સાધુ થુબટેન યેશેનું અવસાન થયું હતું. તેમનું જીવન ઓસેલને સૌથી ગહન રીતે પ્રભાવિત કરવાનું હતું.

લામા યેશે અન્ય સાધુઓ કરતાં અલગ હતા. તેઓ 1970ના દાયકામાં પશ્ચિમમાં બૌદ્ધ ધર્મના પ્રસાર માટે ખ્યાતિ પામ્યા હતા, કારણ કે તેમણે વિશ્વનો પ્રવાસ કરીને આધ્યાત્મિક કેન્દ્રોની સ્થાપના કરી હતી.

તિબેટીયન બૌદ્ધ ધર્મમાં એવું માનવામાં આવે છે કે મહાન ગુરુ પસંદ કરી શકે છે કે તેઓ ક્યાં અને કોના માધ્યમ દ્વારા પુનર્જનમ પ્રાપ્ત કરી શકે છે.

લામા યેશેના મુખ્ય શિષ્ય લામા ઝોપાને અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી. તેઓ માનતા હતા કે તેમના ગુરુ પશ્ચિમની કોઈ વ્યક્તિ તરીકે પુનર્જન્મ લઈને પૃથ્વી પર પાછા ફરવાના છે અને તેમણે પૃથ્વી પરના તેમના પુનર્જન્મ માટે ઓસેલને પસંદ કર્યા હતા.

આ તેમની કથા છે.

લામા યેશે અને તેમના મુખ્ય શિષ્ય લામા ઝોપા 1970ના દાયકામાં ઈબિઝા ગયા હતા.

ત્યાં મારાં માતા-પિતા તેમને મળ્યાં હતાં. તેઓ લામા યેશેથી એટલા પ્રભાવિત થયાં હતાં કે તેમણે સ્પેનને દક્ષિણે જવાનું નક્કી કર્યું હતું અને લા અલ્પુજારાના પર્વતોમાં આવેલા બૌદ્ધ કેન્દ્રમાં અભ્યાસ કર્યો હતો.

તેમણે પરમ પવિત્ર દલાઈ લામાને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું અને તેઓ આવ્યા ત્યારે તેમને બહુ આનંદ થયો હતો, કારણ કે એ સ્થળ તિબેટ જેવું જ લાગતું હતું.

વર્ષો પછી મારો જન્મ થયો હતો

ઓસેલનું તેમના માતા-પિતા સાથે કોઈ ભાવનાત્મક જોડાણ ન હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઓસેલનું તેમનાં માતા-પિતા સાથે કોઈ ભાવનાત્મક જોડાણ ન હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હું બાળક હતો ત્યારે લામા ઝોપાએ મને જોયો હતો અને મારાં માતા-પિતાને કહ્યું હતું કે તમારું સંતાન લામા યેશે (જેઓ મૃત્યુ પામ્યાં હતાં)નો અવતાર હોઈ શકે છે.

તેથી હું 18 મહિનાનો હતો ત્યારે તેઓ મને એક મુખ્ય પરીક્ષણ કરવા ભારત લઈ ગયા હતા.

તેમણે મારી સમક્ષ વિવિધ વસ્તુઓ મૂકી હતી. એ પૈકીની કેટલીક લામા યેશેની હતી. મેં હંમેશા યોગ્ય વસ્તુની પસંદગી કરી હતી.

એ ઉપરાંત હું જેમને ક્યારેય મળ્યો ન હતો એવા લોકોને અને હું જે સ્થળોએ ક્યારેય ગયો ન હતો તેને ઓળખી કાઢ્યા હતા.

મેં ત્રણ વર્ષ સુધી પ્રવાસ કર્યો હતો. લામા યેશેએ વિશ્વભરમાં સ્થાપેલાં તમામ બૌદ્ધ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.

હું છ વર્ષનો હતો ત્યારે મને દક્ષિણ ભારતના કર્ણાટકમાં સેરા જે મઠમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં મારો અભ્યાસ વધુ સઘન અને સત્તાવાર બન્યો હતો.

જોકે, જે લોકો મારી સંભાળ રાખતા હતા, તેઓ સતત બદલાતા હતા. મેં મારાં માતા-પિતાને બહુ ઓછા જોયા હતા. મારું તેમની સાથે ખરેખર કોઈ ભાવનાત્મક જોડાણ નથી. હું મારી જાતને અનાથ માનું છું.

મને લાગતું હતું કે હું ત્યજી દેવાયેલો છું અને હું જેવો છું તેવો સ્વીકાર્ય નથી. સ્વીકાર્ય બનવા માટે મારે કંઈક બીજું બનવું હતું. તે મારા માટે મોટો સંઘર્ષ હતો.

લિંકિન પાર્કની ભૂમિકા

ઓસેલ પાસે લિંકિન પાર્કની, લિમ્પ બિઝકિટની કોમ્પેક્ટ ડિસ્ક હતી અને કોઈ તેમના માટે એસ્ટોપાની કોમ્પેક્ટ ડિસ્ક લાવ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લામાના વેશમાં ઓસેલ

મારા પર બહુ જોરદાર દબાણ હતું. એક બાળક તરીકે મારા માટે તે બહુ મુશ્કેલ હતું.

કેટલીકવાર હું અન્ય બાળકો સાથે રમતો હતો, પરંતુ તે કાયમ અલગ હતું. બાળકોને મને સ્પર્શવાની અથવા મારી સાથે ગાઢ સંપર્કમાં રહેવાની છૂટ ન હતી.

તેઓ મને શક્ય તેટલો અલગ રાખવાનો પ્રયાસ કરતા હતા, કારણ કે તેઓ માનતા હતા કે પુનર્જન્મ પામેલી વ્યક્તિનો લોકો સાથે વધારે પડતો સંપર્ક હોય તો તે પ્રભાવિત થઈ શકે છે.

મારો જે રીતે ઉછેર થયો હતો તેને લીધે મારે જીવનભર બ્રહ્મચારી રહેવું પડ્યું. મારે સાધુ બનવું પડ્યું. મારે સિંહાસન પર બેસવું પડ્યું.

હું સંપૂર્ણપણે એકલો પડી ગયો હતો અને રોજ 40 મિનિટ માટે જે લોકો મને મળવા ઇચ્છતા હોય તેઓ મને મળી શકતા હતા.

આશ્રમની બહારની દુનિયા સાથેનો મારો તે એકમાત્ર સંપર્ક હતો અને એ સમયે લોકો સંગીત જેવી પ્રતિબંધિત વસ્તુઓ લઈને આવતા હતા.

મારી પાસે લિંકિન પાર્કની, લિમ્પ બિઝકિટની કૉમ્પેક્ટ ડિસ્ક હતી અને કોઈ મારા માટે એસ્ટોપાની કૉમ્પેક્ટ ડિસ્ક લાવ્યું હતું.

હું તેને મારા રૂમમાં કે બાથરૂમમાં સાંભળતો હતો અને મારે બધું છૂપાવી રાખવું પડતું હતું, કારણ કે એ તેમને મળી જાય તો તેઓ જપ્ત કરી શકે તેમ હતા.

મેં પહેલીવાર લિંકિન પાર્ક રૉક બૅન્ડ સાંભળ્યું ત્યારે મને લાગ્યું હતું કે “આ સંગીત નથી, માત્ર ઘોંઘાટ છે.”

એ પછી મને સમજાવું શરૂ થયું હતું કે તે ગીતોમાં શું વાત કરવામાં આવી રહી છે. હું સમજવા ઇચ્છતો હતો, ઓળખાવા ઇચ્છતો હતો, પ્રેમ કરવા ઇચ્છતો હતો.

મને લાગ્યું હતું કે તે ગીતોમાં મારી વાત છે અને તે આશ્ચર્યજનક હતું, કારણ કે તે ક્ષણે મારી સાથે એવું જ થઈ રહ્યું હતું.

લોકો હું ખરેખર કોણ છું તે જાણવા ઈચ્છતા ન હતા. મારે મારી ભૂમિકા ભજવવાની હતી અને એ બધા મારાં માતા-પિતા સહિતના મારી આસપાસના બધા જ લોકો હતા.

સ્વતંત્રતાની ઓળખ

દલાઈ લામાએ ઓસેલને લામા યેશેના પુનર્જન્મ તરીકે માન્યતા આપી હતી

ઇમેજ સ્રોત, Lama Yeshe Wisdom Archive

ઇમેજ કૅપ્શન, દલાઈ લામાએ ઓસેલને લામા યેશેના પુનર્જન્મ તરીકે માન્યતા આપી હતી

જેમ જેમ હું મોટો થયો તેમ તેમ મઠમાં વધારે વસ્તુઓ લાવવાનું શરૂ કર્યું હતું. તેથી હું 16 વર્ષનો થયો ત્યાં સુધીમાં મારી પાસે બે કમ્પ્યુટર, એક પંચિંગ બેક તથા એક ગિટાર હતું. તેને લીધે હું બહારની દુનિયાનો હિસ્સો હોવાનો અહેસાસ મને થયો હતો.

મારા નજીકના મિત્રની ઓળખ પણ પુનર્જન્મ પામેલી વ્યક્તિ તરીકેની હતી. તેમની સાથે હું પ્રતિબંધિત વસ્તુઓ શૅર કરતો હતો. અમારી પાસે નૃત્ય શું છે તેનો કોઈ સંદર્ભ ન હતો. તેથી અમે બ્રિટની સ્પીયર્સના કૉન્સર્ટનો એક વીડિયો જોયો ત્યારે અમે ઉન્મત થઈ ગયા હતા.

એ વયે મેં સાધુઓને સમજાવ્યુ હતું કે મારે પશ્ચિમી શિક્ષણ લેવાની જરૂર છે.

મેં તેમને કહ્યુ હતું, “મારો જન્મ પશ્ચિમમાં થયો છે. તેનું કોઈ કારણ હોવું જોઈએ. મને લાગે છે કે તેનું કારણ એ છે કે લામા યેશે પશ્ચિમી લોકો સાથે વધુ ગાઢ રીતે જોડાવા ઇચ્છતા હશે અને તેમનું માનસ તથા જીવનશૈલી સમજવા ઇચ્છતા હશે.”

સામાન્ય બાળકો સાથે ઈબિઝાની હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જવા દેવા માટે મેં તેમની સાથે બે મહિના વાટાઘાટ કરી હતી. તેઓ મને મારા પરિવાર સાથે જવા દેવા સંમત થયા હતા.

જે પ્રથમ વસ્તુ મારા ધ્યાનમાં આવી તે હતી બાળકોમાં પુખ્ત વયના લોકો માટેના આદરનો અભાવ. તિબેટીયન સંસ્કૃતિમાં માતા-પિતા અને શિક્ષકો પવિત્ર ગણાય છે. માતા-પિતા આપણને જીવન આપે છે અને શિક્ષકો ડહાપણ આપે છે.

પહેલા ત્રણ સપ્તાહ તો તેમણે મને દરરોજ સતાવ્યો હતો, પરંતુ હું ખુશ હતો, કારણ કે તેઓ બધા મારા કારણે હસતા હતા.

હું ખરેખર નિર્દોષ હતો. સતામણી શું છે તેની મને ખબર ન હતી.

બે સપ્તાહ પછી તેઓ મને પસંદ કરવા લાગ્યા હતા. તેઓ સમજી ગયા હતા કે હું અભિનય કરતો ન હતો.

સૌથી પહેલાં મેં મોટરસાઇકલ ખોળી કાઢી હતી. હું મુક્તિનો અનુભવ કરતો હતો, ઇચ્છું ત્યાં જઈ શકતો હતો.

મેં પહેલીવાર કોઈ છોકરીને ચુંબન કર્યું ત્યારે સ્વર્ગની અનુભૂતિ થઈ હતી. હું બે સપ્તાહ સુધી હવામાં વિહરતો રહ્યો હતો. હું ખૂબ ખુશ હતો.

સત્યની સમજની ક્ષણ

ઓસેલની યોજના મારા 18મા જન્મદિવસે સ્પેન જવાની પરવાનગી મેળવવાની અને ત્યાં બૌદ્ધ સમુદાયની બહાર એક મુક્ત વ્યક્તિ તરીકે જીવવાની હતી
ઇમેજ કૅપ્શન, ઓસેલની યોજના તેમના 18મા જન્મદિવસે સ્પેન જવાની પરવાનગી મેળવવાની અને ત્યાં બૌદ્ધ સમુદાયની બહાર એક મુક્ત વ્યક્તિ તરીકે જીવવાની હતી

મારા પરિવાર સાથે સમય પસાર કરવાથી મને સમજાયું કે મારા ઉછેરને કારણે હું તદ્દન આત્મપ્રેમી અને સ્વકેન્દ્રી છું.

મારા ભાઈઓ મારી સાથે બહુ જ ખરાબ રીતે વાત કરતા હતા. તેઓ મારી સાથે રમતા ન હતા. તેઓ મારી અવગણના કરતા હતા, પરંતુ એ પછી બધા સાથે ખૂબ જ મજબૂત ભાવનાત્મક સંબંધ બંધાયો હતો. તેની મને ઘણી અસર થઈ હતી.

મને સમજાયું હતું કે મારે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું જોઈએ, મારી જાતને શોધવી જોઈએ, અન્ય લોકો સાથે સંબંધ બાંધવાનું અને અન્ય લોકો મારી સાથે વધુ સારી રીતે સંબંધ કેવી રીતે બનાવી શકે તે શીખવું જોઈએ.

એ જ વખતે મેં નિર્ણય કર્યોઃ “હું કાયમ માટે મઠમાં રહેવાનો નથી. હું 18 વર્ષનો થઈશ પછી મને કોઈ રોકી શકશે નહીં. હું સ્વતંત્ર થઈ જઈશ.”

મારી યોજના મારા 18મા જન્મદિવસે સ્પેન જવાની પરવાનગી મેળવવાની અને ત્યાં બૌદ્ધ સમુદાયની બહાર એક મુક્ત વ્યક્તિ તરીકે જીવવાની હતી.

મેં એવું કર્યું હતું. મારા પર પાછા આવવાનું દબાણ કરતા અનેક પત્રો એક વર્ષ સુધી મળતા રહ્યા હતા. તે મુશ્કેલ હતું, કારણ કે હું ઇચ્છતો હતો કે લોકો ખુશ રહે, પરંતુ મને સમજાયું હતું કે લોકોની ખુશી મારી જવાબદારી નથી.

મારે મારું જીવન જીવવું હતું. તે મારો અધિકાર હતો. તેનો નિર્ણય બીજા કોઈએ કરવાનો ન હતો.

જીવનમાં આમૂલ પરિવર્તન

ઓસેલ હાલમાં પણ બૌદ્ધ સંસ્થાઓ સાથે સંપર્કમાં છે

ઇમેજ સ્રોત, Wikimedia Commons

ઇમેજ કૅપ્શન, ઓસેલ હાલમાં પણ બૌદ્ધ સંસ્થાઓ સાથે સંપર્કમાં છે

મેં મઠ છોડ્યો ત્યારે હું એક અંતિમથી બીજા અંતિમે ગયો હતો.

જે પ્રતિબંધિત હતું તેના પ્રત્યે મને પારાવાર આકર્ષણ હતું. મેં ક્યારેય નગ્ન સ્ત્રીને જોઈ ન હતી.

મારાં માતાએ વિચાર્યું હતું કે મને ન્યુડિસ્ટ બીચ પર લઈ જવાનું રસપ્રદ બની રહેશે. જોકે, તે મારા માટે અત્યંત આઘાતજનક હતું.

તેમણે મને ત્યાં અડધા કલાક સુધી રઝળતો મૂકી દીધો હતો. હું આઘાતમાં હતો. હું નગ્ન થઈ શકતો ન હતો. હું બંધ મનની સંસ્કૃતિનું ફરજંદ હતો. ક્યાં જોવું તેની મને ખબર ન હતી. તેથી હું ભોંય પર જોતો રહ્યો હતો. હું ખૂબ જ પરેશાન હતો.

એ રાતે તેઓ મને ઈબિઝાની એક ક્લબમાં લઈ ગયાં હતાં. તેમણે પ્રવેશ ફી ચૂકવી હતી અને મને અંદર ધકેલી દીધો હતો. અંદર બહુ ધોંધાટ થતો હતો.

હું આશ્ચર્યચકિત હતો કે શું થઈ રહ્યું છે. હું ખસી શકતો ન હતો, કારણ કે તે ખીચોખીચ ભરેલી હતી. 2003ની વાત છે. લોકો અંદર ધૂમ્રપાન કરતા હતા. હું શ્વાસ લઈ શકતો ન હતો.

તેથી મેં વિચાર્યું, “ઠીક છે. હું ગોઠવાઈ જઈશ. થોડો દારૂ પીશ.” મેં દારૂનો એક ઘૂંટ ભર્યો અને લગભગ મરી ગયા જેવો અનુભવ થયો. એ નરક સમાન હતું.

તેથી મેં મારાં માતાને કહ્યું, “મહેરબાની કરીને મને ફરીવાર ન્યૂડ બીચ પર કે નાઇટ ક્લબમાં ક્યારેય લઈ જશો નહીં.”

સમાજનો હિસ્સો બનવા માટે મારે મારી જાતને તાલીમ આપવી પડી હતી. મારું પ્રોગ્રામિંગ બદલવામાં, મારું મન જે રીતે કામ કરે છે તેને બદલવામાં, નમ્ર બનવામાં ઘણો સમય લાગ્યો હતો.

જોકે, એ પછી હું વધારેને વધારે બળવાખોર બન્યો હતો, કારણ કે તે મારા માટે સ્વસ્થતાભર્યું છે એવું મને સમજાયું હતું.

ધીમે ધીમે મેં વધુને વધુ બહાર જવાનું શરૂ કર્યું હતું. ઇલેક્ટ્રોનિક મ્યુઝિક પાર્ટીના આયોજકો સાથે સંકળાવાનું, પછી ઈબિઝામાં પાર્ટીઓ યોજવાનું શરૂ કર્યું હતું અને હું એક ખરાબ છોકરો બની ગયો હતો.

હું ત્યારે પણ બૌદ્ધ સમુદાયના સંપર્કમાં હતો, પરંતુ મેં દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે હું મારો રસ્તો શોધવા માગતો હતો. મારું પોતાનું વ્યક્તિત્વ શોધવું જરૂરી હતું, કારણ કે મારું પોતાનું કોઈ વ્યક્તિત્વ ન હતું. મને ખબર ન હતી કે હું કોણ છું. મારી પોતાની કોઈ ઓળખ ન હતી.

પ્રવાસમાં, લોકોને મળવામાં અને આ બધાં ઉન્મત સાહસો કરવામાં મને લગભગ 15 વર્ષ લાગ્યાં. હું શેરીઓમાં રહેતો હતો. હું જીવનમાં તમામ ક્ષેત્રોના લોકોને મળ્યો હતો.

હું 32 વર્ષની વયે પિતા બન્યો. મારા પુત્રને કંઈક અલગ, કંઈક સારો, સ્વસ્થ સંબંધ આપવો મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું બાળક હતો ત્યારે મારી પાસે એમાંથી કંઈ જ ન હતું.

સદભાગ્યે તે અદભૂત ભાવનાત્મક સ્થિરતા ધરાવતું ખુશખુશાલ બાળક છે.

(આ લેખ બીબીસી વર્લ્ડ સર્વિસના રેડિયો પ્રોગ્રામ આઉટલૂકના એક એપિસોડ પર આધારિત છે)

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.