You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બદલાપુર યૌન શોષણ કેસ: આરોપીના ઍન્કાઉન્ટરની તપાસ સીઆઈડી કરશે, વિપક્ષે ઉઠાવ્યા સવાલો
મહારાષ્ટ્રના મુંબઈ નજીકના બદલાપુરની એક સ્કૂલમાં બાળકીઓના યૌન શોષણ મામલાના આરોપી અક્ષય શિંદેના ઍન્કાઉન્ટરમાં થયેલાં મોતની તપાસ મહારાષ્ટ્ર સરકારે સીઆઈડીને સોંપી છે.
બીબીસીને મળેલી માહિતી પ્રમાણે સીઆઈડી કેસનો ચાર્જ લેવા માટે મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે મુંબઈ નજીકના બદલાપુરની એક સ્કૂલમાં બાળકીઓના યૌન શોષણ કેસના આરોપી અક્ષય શિંદેનું પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયું હોવાની માહિતી પોલીસે આપી હતી.
પોલીસ આરોપી અક્ષય શિંદેને તળોજા જેલમાંથી લઈ જઈ રહી હતી ત્યારે અક્ષયે પોલીસ પાસેથી બંદૂક છીનવીને પોલીસ પર ગોળીબાર કર્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પોલીસે સ્વબચાવમાં કરેલા ગોળીબારમાં અક્ષય શિંદેનું મોત થયું છે.
આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાની માહિતી મુખ્ય મંત્રીએ આપી હતી.
ગોળીબાર પછી અક્ષયને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એ પછી સવારે ન્યાયાધીશની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું. અક્ષય શિંદેના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ જે. જે. હૉસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંજય જાધવે બીબીસીને કહ્યું હતું, “પોલીસ આરોપી અક્ષય શિંદેને તળોજા જેલમાંથી લઈ જઈ રહી હતી ત્યારે ગોળીબારની ઘટના બની હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું.”
થાણે પોલીસે આપેલી માહિતી મુજબ, “બદલાપુર યૌન શોષણ કેસના આરોપી અક્ષય શિંદેએ પોલીસ પાસેથી બંદૂક છીનવી લીધી હતી અને પોલીસના વાહનમાં તેમના પર જ ગોળીબાર કર્યો હતો.”
“પોલીસ દ્વારા કરવામાં આવેલા જવાબી ગોળીબારમાં અક્ષય શિંદેનું મૃત્યુ થયું હતું. તેને સારવાર માટે ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘર્ષણમાં પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હતા,” એમ પોલીસે જણાવ્યું હતું.
થાણે પોલીસે એક નિવેદન બહાર પાડીને આ ઘટનાની માહિતી આપી છે.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, “24 વર્ષના અક્ષય શિંદે પર કેસ નોંધાયા બાદ થાણેથી પોલીસ અધિકારી અને એક ટીમ તળોજા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર વૉરંટ સાથે ગઈ હતી. તળોજા જેલમાંથી સાંજે 5.30 વાગ્યે આરોપીનો કબજો લીધા બાદ તેને થાણે લઈ જવામાં આવતો હતો ત્યારે આશરે છ-સવા છ વાગ્યે પોલીસનું વાહન મુંબ્રા બાયપાસ પર પહોંચ્યું હતું.”
પોલીસના જણાવ્યા મુજબ, “આરોપી અક્ષય શિંદેએ આસિસ્ટંટ પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ મોરેની કમરમાંથી સર્વિસ રિવૉલ્વર ખેંચી કાઢી હતી અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. અક્ષયે પોલીસ પર કુલ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. એ પૈકીનો એક રાઉન્ડ નિલેશ મોરેની ડાબી જાંઘમાં વાગ્યો હતો. પોલીસ ટુકડીમાંના એક અન્ય અધિકારીએ સ્વબચાવમાં આરોપી પર ગોળીબાર કર્યો હતો, જેમાં અક્ષય શિંદેનું મોત થયું હતું. ઘાયલ નિલેશ મોરેની સારવાર થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં ચાલી રહી છે. અક્ષય શિંદેને મૃત જાહેર કરવામાં આવ્યો છે.”
ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું, “અક્ષય શિંદેનાં ભૂતપૂર્વ પત્નીએ જાતીય શોષણની ફરિયાદ કરી હતી. પોલીસ એ મામલાની તપાસ સંબંધે વૉરંટ લઈને તેને લઈ જઈ રહી હતી. તેણે પહેલાં પોલીસની બંદૂક ખૂંચવીને ગોળીબારનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ પર અને હવામાં ગોળીબાર કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. એ પછી અક્ષય શિંદેને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. એ સમયગાળામાં આરોપીનું મૃત્યુ થયું હતું.”
સુષ્મા અંધારેએ કર્યા આ પાંચ સવાલ
સુષ્મા અંધારેએ સવાલો ઉઠાવતા કહ્યું હતું, “બદલાપુર રેપ કેસનો આરોપી અક્ષય શિંદે મહાત્મા નથી. તેને મૃત્યુદંડની સજા જ થવી જોઈએ, પરંતુ તે સજા કરતી વખતે યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન થવું જોઈએ.”
તેમણે ઉમેર્યું હતું, “આ દેશના દુશ્મન કસાબને ફાંસી આપતી વખતે પણ સમગ્ર કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. અક્ષય શિંદેના કેસમાં પણ એ જ પ્રક્રિયાને અનુસરવી જોઈતી હતી. અક્ષય શિંદેનું ઍન્કાઉન્ટર એક રીતે, બદલાપુર પ્રકરણનું સત્ય બહાર આવે તે પહેલાં જ તેને દબાવી દેવાનો પ્રયાસ છે.”
આ ઘટના બાબતે સુષ્મા અંધારેએ પાંચ સવાલ પૂછ્યા છે.
- હૈદરાબાદ રેપ કેસ પછી ચારેય આરોપીઓનું ઍન્કાઉન્ટર થયું હતું. તેમાં સ્વબચાવની જે સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ જ સ્ક્રિપ્ટનો ઉપયોગ આ કેસમાં પણ કરવામાં આવ્યો છે, તે ખૂબ નોંધપાત્ર છે.
- જો અક્ષય શિંદે આટલો હિંસક અને ગુનેગાર પ્રવૃત્તિનો હતો તો તેને લઈ જતી વખતે પોલીસે સુરક્ષાની પૂરતી કાળજી કેમ લીધી ન હતી?
- અક્ષય શિંદેના બન્ને હાથમાં હાથકડી હતી ત્યારે તેણે પોલીસ અધિકારીના કમરપટ્ટામાંથી બંદૂક ખૂંચવીને પોલીસ પર ગોળીબાર કર્યો હોય તે કેમ શક્ય બને?
- અક્ષય શિંદેએ કરેલા ગોળીબારમાં એક ગોળી પોલીસના પગ પર લાગી હતી, પરંતુ પોલીસ કર્મચારીએ યોગ્ય દિશામાં ગોળીબાર કર્યો અને તે ગોળી અક્ષય શિંદેને વાગી અને તેનો જીવ ગયો. આવું કેવી રીતે થયું?
- આ સમગ્ર કેસની તપાસ પ્રણાલી પહેલા દિવસથી જ શંકાસ્પદ હતી. પોલીસ ખુદ શંકાસ્પદ રીતે આગળ વધતી હતી. બદલાપુર કેસ સંબંધી સ્કૂલના સંચાલક આપ્ટે હજુ પણ ફરાર છે. તેમની ધરપકડ શા માટે કરવામાં આવી નથી?
તેમણે ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનું રાજીનામું પણ માગ્યું છે.
સુષ્મા અંધારેએ આગળ કહ્યું હતું, “પોલીસે આ બધા સવાલોના જવાબ આપ્યા નથી. આ કેસમાં ઢીલ દાખવનાર તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. આ કેસમાં તમામ આરોપીઓ અને તપાસ કરનાર પોલીસ અધિકારીઓની પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ જરૂરી છે. દેવેન્દ્રજી, તમે હવે સત્તાનો મોહ છોડીને, કાયદાનું શાસન જાળવવા રાજીનામું આપશો?”
રાજકીય નેતાઓએ શું કહ્યું?
રાષ્ટ્રવાદી પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું, “બદલાપુર કેસમાં બે બાળકીઓને ન્યાય અપાવવા માટે કાયદાના યોગ્ય માળખા મુજબ ફાંસી થવી જોઈતી હતી, પરંતુ આ પ્રકરણના મુખ્ય આરોપીને ટ્રાન્સફર કરવામાં ગૃહ વિભાગે જે શિથિલતા દર્શાવી છે તે શંકાસ્પદ છે. ભવિષ્યમાં આવા નિંદનીય કૃત્યની કલ્પના પણ કોઈ ન કરી શકે એ માટે કાયદાની ધાક બેસાડવામાં શાસન નિર્બળ સાબિત થયું હોય એવું લાગે છે. આ ઘટનાની ઊંડી તપાસથી વાસ્તવિકતા બહાર આવશે તેવી આશા
છે.”
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આ ઘટનાની “જ્યુડિશિયલ” તપાસની માગણી કરી છે.
તેમણે કહ્યું હતું, “અક્ષય શિંદે પરનો ગોળીબાર પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ છે? અક્ષય શિંદેએ ગોળીબાર કેવી રીતે કર્યો? અક્ષયને તાબામાં લેતી વખતે તેને હાથકડી પહેરાવવામાં આવી ન હતી? તેની પાસે બંદૂક ક્યાંથી આવી? પોલીસ આટલી બેદરકાર કેવી રીતે હોઈ શકે?”
તેમણે ઉમેર્યું હતું, “બદલાપુર પ્રકરણમાં સ્કૂલના સંચાલકો ભાજપ સાથે જોડાયેલા હોવાને કારણે સંસ્થા સામે કાર્યવાહી થતી નથી. બીજી તરફ આજે આરોપી અક્ષય શિંદે દ્વારા ખુદ પર ગોળીબાર કરવો તે અત્યંત ચોંકાવનારી અને શંકાસ્પદ બાબત છે.”
તેમણે એમ પણ કહ્યું હતું, “બદલાપુર પ્રકરણમાં પોલીસની ભૂમિકામાં અમને પહેલાથી જ વિશ્વાસ નથી. અમારી માગ છે કે આ ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ.”
શિવસેના(યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું, “બદલાપુરમાં નરાધમે જે અમાનવીય કૃત્ય કર્યું હતું એ બદલ તેને કાયદાના દાયરામાં રહીને ફાંસીની સજા થવી જોઈતી હતી, પરંતુ આજે સાંજે જે ઘટના બની તે શંકાસ્પદ અને બેદરકારીભરી છે. આ ઘટનાનો ઉપયોગ કરીને પોતાની પીઠ થાબડનારા, રાજકીય સ્વાર્થ સાધનારા લોકો હવે આગળ આવશે એવું લાગે છે. આ પ્રકરણનો રાજકીય ઉપયોગ કરીને પોતાની ઇમેજ સ્વચ્છ કરનારા લોકો પણ દેખાશે.”
“એ સ્કૂલના સંચાલક હજુ સુધી કેમ મળ્યા નથી? તેમને બચાવવાના પ્રયાસ કોણ કરી રહ્યું છે? એ ઢાંકપિછોડાને આજની ઘટના સાથે કોઈ સંબંધ છે કે તેમ તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ,” એવું પણ ઠાકરેએ કહ્યું હતું.
બદલાપુરમાં શું થયું હતું?
મુંબઈ નજીકના થાણે જિલ્લાના બદલાપુરની એક સ્કૂલમાં બે બાળકીઓનું યૌન શોષણ થયું હોવાનું 16 ઑગસ્ટ, 2024ના રોજ બહાર આવ્યું હતું.
પીડિતાઓનાં માતા-પિતા 16 ઑગસ્ટે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને ગયાં હતાં, પરંતુ સ્થાનિકોનો આરોપ છે કે માતા-પિતાને પોલીસ સ્ટેશનમાં 12 કલાક બેસાડી રાખવામાં આવ્યાં હતાં. પોલીસ પ્રશાસને આ વિલંબ બદલ ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
પીડિતાઓનાં માતા-પિતાએ બદલાપુર પૂર્વના પોલીસ સ્ટેશનમાં 16 ઑગસ્ટે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે આ ઘટના સંબંધે શાળાના એક સફાઈ કર્મચારીની ધરપકડ કરી હતી.
સફાઈ કર્મચારીએ યૌન શોષણ કર્યું હોવાનો ગુનો પોલીસે નોંધ્યો હતો. બાળકીઓ લઘુશંકા કરવા ગઈ હતી ત્યારે શાળાના એક સફાઈ કર્મચારીએ બન્નેનું યૌન શોષણ કર્યાનો આરોપ પોલીસે મૂક્યો હતો.
આ ઘટના પછી સમગ્ર મહારાષ્ટ્રમાં રોષની લહેર ફેલાઈ હતી. બદલાપુરના હજારો નાગરિકો વિરોધ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. બદલાપુર સ્ટેશને રેલવે ટ્રૅક પર ઉતરીને નાગરિકોએ રેલવે ટ્રૅકને બ્લૉક કરી દીધો હતો.
બીબીસીને મળેલી માહિતી અનુસાર, પીડિતાઓનાં માતા-પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું, “પીડિત બાળકી સાડા ત્રણ વર્ષની છે અને બદલાપુરમાં તેનાં દાદા-દાદીના ઘરે રહે છે. દાદા-દાદીને શંકા જતાં તેમણે બાળકીની માતાને ફોન કરીને તેમની ઑફિસેથી ઘરે બોલાવ્યાં હતાં.”
માતાએ દીકરીને પૂછ્યું ત્યારે દીકરીએ જણાવ્યું હતું કે તેના પ્રાઇવેટ પાર્ટમાં વેદના થાય છે. સ્કૂલમાં “દાદા”ના હુલામણા નામે ઓળખાતો એક ઇસમ કેવું વર્તન કરે છે તેની માહિતી પણ દીકરીએ માતાને આપી હતી.
એક અન્ય છોકરી સાથે પણ આવી ઘટના બની હોવાની માહિતી બાળકીનાં માતા-પિતાને મળી હતી અને તેઓ 16 ઑગસ્ટે પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.
બાળકીનાં માતા-પિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે બાળકીની તબીબી તપાસ કરાવી હતી અને તેમાં તેનું યૌન શોષણ થયું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે તપાસ બાદ આરોપી વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સ ઍક્ટ (પૉસ્કો) અને ભારતીય દંડ સંહિતાની કલમ 65(2), 74, 75 અને 76 હેઠળ કેસ નોંધ્યો હતો.
પોલીસની કાર્યવાહી પછી વાલીઓએ સ્કૂલના સંચાલકો પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. એ પછી સ્કૂલના સંચાલકોએ પ્રિન્સિપાલ, વર્ગશિક્ષિકા અને એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કર્યાં હતાં.
ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વરિષ્ઠ આઈપીએસ અધિકારી આરતી સિંહના અધ્યક્ષપદ હેઠળ એક ખાસ તપાસ ટીમ(સિટ) રચવાનો આદેશ આપ્યો હતો.
તેમજ ફરજમાં બેદરકારી દાખવવા બદલ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે ત્રણમાં બદલાપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર, આસિસ્ટંટ સબ-ઇન્સ્પેક્ટર અને હેડ કૉન્સ્ટેબલનો સમાવેશ થાય છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)