You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા અને ચીન : બંને મહાસત્તાઓમાં કોણ વધુ તાકતવર?
ટેરિફ વધારવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સામે પલટવાર કરતાં ચીને અમેરિકાને સ્પષ્ટ સંભળાવી દીધું છે કે, "તે કોઈ પણ પ્રકારના યુદ્ધ" માટે તૈયાર છે.
ટ્રમ્પે તમામ ચાઇનીઝ વસ્તુઓ પર ટેરિફ વધારી દેતાં વિશ્વનાં મોખરાનાં બે અર્થતંત્રો વચ્ચે ટ્રેડ વૉર ફાટી નીકળવાનું સંકટ તોળાઈ રહ્યું છે.
તે પછી ચીને તરત જ અમેરિકાનાં કૃષિઉત્પાદનો પર દસથી 15 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી હતી.
મંગળવારે ચીનના દૂતાવાસે સોશિયલ મીડીયા પર પોસ્ટ કરી હતી, "ટેરિફ વૉર હોય, ટ્રેડ વૉર હોય કે બીજું કોઈ પણ યુદ્ધ હોય, જો અમેરિકા યુદ્ધ ઇચ્છતું હોય, તો અમે આખર સુધી જંગ લડી લેવા તૈયાર છીએ."
ટ્રમ્પ પ્રમુખ બન્યા, તે પછીનું ચીનનું આ અત્યંત આકરું નિવેદન છે અને તે પણ એવા સમયે આપવામાં આવ્યું છે, જ્યારે ચીનના નેતાઓ નૅશનલ પીપલ્સ કૉંગ્રેસના વાર્ષિક સત્ર માટે બીજિંગ ખાતે એકઠા થયા છે.
અગાઉ પણ ચીન ચેતવણી આપી ચૂક્યું છે
બુધવારે ચીનના વડા પ્રધાન લી કિયાંગે જાહેરાત કરી હતી કે ચીન આ વર્ષે તેના સંરક્ષણખર્ચમાં 7.2 ટકાનો વધારો કરશે.
તેમણે કહ્યું હતું, "સમગ્ર વિશ્વમાં તીવ્ર ગતિથી જે ફેરફારો થઈ રહ્યા છે, તે એક સદીમાં પણ જોવા મળ્યા નહોતા."
જોકે, સંરક્ષણ બજેટમાં થયેલો આ વધારો અપેક્ષા પ્રમાણેનો છે અને ગત વર્ષની જાહેરાત અનુસારનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજિંગમાં નેતાઓ ચીનના નાગરિકોને એવો સંદેશો પાઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ટ્રેડ વૉરના સંકટ છતાં દેશનું અર્થતંત્ર વૃદ્ધિ સાધી શકે તેમ છે.
અમેરિકાના મુકાબલે ચીન એક શાંત તથા સ્થિર દેશ તરીકેની પોતાની છબિ ઉપસાવવાની કોશિશ કરી રહ્યું હોય, એવું જણાઈ રહ્યું છે.
બીબીસી સંવાદદાતા લૌરા બિકર કહે છે કે કૅનેડા તથા મૅક્સિકો જેવા અમેરિકાના પાડોશી દેશો પર ટ્રમ્પના નિર્ણયોની પડનારી અસરોને ચીન તેના હિતમાં વાળવાની અપેક્ષા સેવી શકે છે. પરંતુ તે તેના નિવેદનને એક હદ કરતાં વધુ આગળ નહીં વધારે, કારણ કે એવું કરવાથી તેના સંભિવત નવા વૈશ્વિક ભાગીદારોમાં ડર વ્યાપી શકે છે.
ચીન અગાઉ પણ જણાવી ચૂક્યું છે કે તે યુદ્ધ માટે તૈયાર છે. ગયા વર્ષના ઑક્ટોબર માસમાં પ્રમુખ શી જિનપિંગે તાઇવાન ફરતે લશ્કરી ડ્રિલ દરમિયાન તેમના લશ્કરને યુદ્ધ માટે સજ્જ રહેવાની તાકીદ કરી હતી.
વૉશિંગ્ટનસ્થિત ચાઇનીઝ દૂતાવાસે એક દિવસ પહેલાં વિદેશમંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદનને ટાંક્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ડ્રગ ફેન્ટાનિલની દાણચોરી બદલ અમેરિકા ચીન પર બિનજરૂરી દોષારોપણ કરી રહ્યું છે.
ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, "ફેન્ટાનિલનો મુદ્દો એ ચીનનાં ઉત્પાદનોની આયાત પર અમેરિકન ટેરિફ વધારવા માટેનું એક નબળું બહાનું છે."
નિવેદન આ મુજબનું હતું, "અમે ધાકધમકીથી ડરીશું નહીં. જોહુકમીની અમારા ઉપર કોઈ અસર થતી નથી. ચીન સાથે કામ કરવા માટે દબાણ, જબરદસ્તી કે ધમકીઓ યોગ્ય રસ્તો નથી."
ચીન સામે યુદ્ધ માટે અમેરિકા તૈયારઃ હેગસેટ
ચીનની તીખી પ્રતિક્રિયા પર ટિપ્પણી કરતાં અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેટે કહ્યું હતું, "અમે તૈયાર છીએ. જેઓ શાંતિ ઇચ્છે છે, તેમણે યુદ્ધ માટે પણ તૈયાર રહેવુ જોઈએ. આથી જ અમેરિકા પોતાનું સૈન્ય મજબૂત કરી રહ્યું છે."
આગળ તેઓ જણાવે છે, "આપણે જોખમભર્યા વિશ્વમાં રહીએ છીએ, જ્યાં શક્તિશાળી અને આગળ વધી રહેલા દેશો છે, જેમની વિચારધારા ઘણી ભિન્ન છે. આવા દેશો તેમનો સંરક્ષણ પાછળનો ખર્ચ ઝડપથી વધારી રહ્યા છે, તેમની ટેકનૉલૉજી અપગ્રેડ કરી રહ્યા છે અને તેઓ અમેરિકાનું સ્થાન કબજે કરવા ઇચ્છે છે."
હેગસેટે જણાવ્યું હતું કે, લશ્કરી તાકત જાળવી રાખવી એ તણાવ ટાળવા માટેનો મુખ્ય ઉપાય છે.
તેઓ કહે છે, "જો આપણે ચીન કે બીજા દેશો સાથે યુદ્ધ ટાળવા માગતા હોઈએ, તો આપણે શક્તિશાળી બનવું પડશે. અને પ્રેસિડેન્ટ (ટ્રમ્પ) જાણે છે કે, આમ કરવાથી શાંતિ સ્થપાશે. ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે તેઓ સારા સબંધો ધરાવે છે... અમે ચીન સાથે યુદ્ધ નથી ઇચ્છતા કે યુદ્ધ પણ નથી કરવા માગતા અને પ્રમુખે આ ઐતિહાસિક તકનો તે માટે ઉપયોગ કર્યો."
તેમણે ઉમેર્યું હતું, "સંરક્ષણમંત્રી તરીકે મારે એ સુનિશ્ચિત કરવાનું રહે છે કે અમે સજ્જ છીએ, અમારે સંરક્ષણખર્ચ, ક્ષમતા, શસ્ત્રો અને મિજાજ જાળવી રાખવાની જરૂર છે."
અમેરિકા અને ચીનના સંબંધો
અમેરિકા અને ચીનનો સંબંધ વિશ્વનો સૌથી તંગ સંબંધ રહ્યો છે.
ચીનના વિદેશમંત્રાલયના એક્સ પરના નિવેદનને સોશિયલ મીડિયામાં વ્યાપક સ્તરે શૅર કરવામાં આવ્યું છે. વિદેશનીતિ અને આર્થિક નીતિ, બંને દૃષ્ટિએ બીજિંગ વૉશિંગ્ટન સામેનો સૌથી મોટો ખતરો છે, તેના પુરાવા સ્વરૂપે ટ્રમ્પની કૅબિનેટના ચીનવિરોધી નેતાઓ આ નિવેદનનો ઉપયોગ કરી શકે છે.
ચીનના અધિકારીઓને ટ્રમ્પના શાસનકાળમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો સુધરવાની આશા હતી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તેમના શપથગ્રહણ સમારોહમાં શી જિનપિંગને આમંત્રણ પાઠવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે બંને નેતાઓ વચ્ચે ફોન પર સારી વાતચીત થઈ હોવાનું પણ જણાવ્યું હતું.
આ તરફ શી જિનપિંગ સામે ઘટી રહેલા વપરાશ, પ્રૉપર્ટીના મોરચે કટોકટી તથા સ્થાનિક સ્તરે બેરોજગારી જેવા પડકારો ઊભા છે.
સંરક્ષણ બજેટઃ અમેરિકા વિરુદ્ધ ચીન
ચીનનું સંરક્ષણ બજેટ 245 અબજ ડૉલરનું છે, જે વિશ્વનું બીજું સૌથી વિશાળ સંરક્ષણ બજેટ છે, પરંતુ અમેરિકાના મુકાબલે તેનું બજેટ નાનું છે.
સ્ટોકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર બીજિંગ તેના સૈન્ય પાછળ જીડીપીનો 1.6 ટકા ખર્ચ કરે છે, જે પ્રમાણ અમેરિકા અને રશિયા કરતાં ઘણું જ ઓછું છે.
જોકે, ચીન તેનો સંરક્ષણખર્ચ ઘટાડીને દર્શાવતું હોવાનો વિશ્લેષકોનો મત છે. તેમ છતાં ચીનનું સંરક્ષણ બજેટ અમેરિકાની તુલનામાં ઓછું જ છે.
અમેરિકા દર વર્ષે તેના સંરક્ષણ બજેટ પાછળ 800 અબજ અમેરિકન ડૉલર ખર્ચે છે. બીજા શબ્દોમાં કહીએ તો ચીનનું સંરક્ષણ બજેટ અમેરિકાના સંરક્ષણ બજેટના મુકાબલે એક તૃતિયાંશ જેટલું છે.
અમેરિકાનું સંરક્ષણ બજેટ 886 અબજ ડૉલર છે અને તે તેના જીડીપીના ત્રણ ટકા તેના પર ખર્ચ કરે છે.
જોકે, વિશ્વમાં અમેરિકા પછી લશ્કર પાછળ સૌથી વધુ ખર્ચ કરનારો દેશ ચીન છે.
સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટના જણાવ્યા મુજબ, 2050 સુધીમાં વર્લ્ડક્લાસ મિલિટરી બનવાનું ચીનનું લક્ષ્ય છે.
તાજેતરના સમયમાં ચીને તેના સૈન્યના આધુનિકીકરણ પર વધુ ભાર મૂક્યો છે.
2023માં અમેરિકાએ ચીનના પરમાણુ આધુનિકીકરણ મામલે ચેતવણી પણ ઉચ્ચારી હતી. તે પછી અમેરિકાએ ચીન પાસે 500 કરતાં વધારે પરમાણુ ન્યુક્લિયર વૉરહેડ્ઝ હોવાનો અંદાજ કર્યો હતો, જોમાંથી 350 આઇસીબીએમ છે.
અમેરિકન અહેવાલ પ્રમાણે 2030 સુધીમાં ચીન 1,000 વૉરહેડ્ઝ ધરાવતું હશે. અમેરિકા અને રશિયાના જણાવ્યા મુજબ, તેમની પાસે 5,000 કરતાં વધારે વૉરહેડ્ઝ છે.
ચીનની મિલિટરી રૉકેટ ફોર્સ મામલે પણ વિવાદ પ્રવર્તે છે. આ યુનિટ પરમાણુ શસ્ત્રો સંભાળે છે.
અમેરિકન સૈન્યની તાકત
ગ્લોબલ ફાયર પાવર અનુસાર, 2025ના મિલિટરી સ્ટ્રેન્થ રૅન્કિંગમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે.
અમેરિકા પાસે કુલ 13,043 ઍરક્રાફ્ટ છે, જેમાં 1,790 ફાઇટર જેટ્સ, ઍટેક ટાઇપ 889, ટ્રાન્સ્પૉર્ટ ટાઇપ 918, ટ્રેનર 2,647, ટૅન્કર ફ્લીટ 605 તથા 5,843 હેલિકૉપ્ટર્સ છે.
જ્યારે અમેરિકન નૌસેના 11 ઍરક્રાફ્ટ કેરિયર્સ, નવ હેલિકૉપ્ટર કૅરિયર્સ, 81 ડિસ્ટ્રોયર્સ અને 70 સબમરીનથી સજ્જ છે.
અમેરિકન નૌસેનાની કુલ ક્ષમતા આશરે 41 લાખ ટન છે.
અમેરિકન વાયુ સૈનામાં 7,01,319 ઍર વૉરિયર્સ છે અને લશ્કર આશરે 14 લાખ સૈનિકો ધરાવે છે. યુએસ નેવીની શક્તિ છ લાખ 67 હજાર છે.
ચીનનું સૈન્યબળ
ગ્લોબલ ફાયર પાવર અનુસાર, 2025ના મિલિટરી સ્ટ્રેન્થ રૅન્કિંગમાં ચીન ત્રીજા સ્થાને છે.
પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના લશ્કરમાં 25.45 લાખ સૈનિકો અને નેવીમાં ત્રણ લાખ 80 હજાર નૌસૈનિક છે. જ્યારે વાયુ સેનામાં લગભગ ચાર લાખ વાયુ સૈનિકો છે.
પીએલએ ઍરફોર્સમાં કુલ 3,309 ઍરક્રાફ્ટ છે, જેમાં 1,212 ફાઇટર જેટ્સ, ઍટેક ટાઇપ 371, ટ્રમ્પસ્પૉર્ટ ટાઇપ 289, ટ્રેનર્સ 402, ટૅન્કર ફ્લીટ 10 તથા હેલિકૉપ્ટર્સ 913 છે.
તાજેતરનાં વર્ષોમાં ચીને તેની નૌસેનાને વિસ્તારવા અને તેને આધુનિક સ્વરૂપ આપવા પર ઘણું ધ્યાન આપ્યું છે.
હાલમાં પીએલએ નેવી ત્રણ ઍરક્રાફ્ટ કૅરિયર્સ, ચાર હેલિકૉપ્ટર કેરિયર્સ, 50 ડિસ્ટ્રોયર્સ, 47 ફ્રિગેટ્સ, 72 કોર્વેટ્સ અને 61 સબમરીન ધરાવે છે.
પીએલએ નેવીની કુલ ક્ષમતા 28.6 લાખ ટન છે.