યુરોપિયન દેશોમાં રહેવા-કામ કરવાનો હક આપતું EU બ્લૂ કાર્ડ શું છે?

ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી દર વર્ષે લાખો યુવાનો વિદેશમાં સ્થાયી થવાના, કામ કરવાના કે ભણવાના ઇરાદે પહોંચે છે.

વિદેશના જીવનધોરણ અને ઝાઝી કમાણીના વિચારથી આકર્ષાઈને ઘણા વિદ્યાર્થીઓ, રોજગારવાંછુઓ દર વર્ષે યુકે, યુએસ અને કૅનેડા જેવા દેશોમાં પહોંચે છે. પરંતુ ભારતીયોને આકર્ષતા વિદેશની યાદીમાં આ સિવાય પણ ઘણા દેશો સામેલ છે.

તે પૈકી જ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો પણ છે. યુરોપિયન જીવનશૈલીથી આકર્ષિત થઈને ત્યાં પહોંચનારા ભારતીયોની સંખ્યા પણ નોંધપાત્ર છે.

શિક્ષણ સહિત કૌશલ્ય ધરાવતા કામદારો માટે પણ યુરોપિયન દેશો તકોનો ભંડાર સાબિત થાય છે.

યુરોપમાં જવા માગતા ભારતીયો માટે આમ તો ઘણા રસ્તા ઉપલબ્ધ છે, પરંતુ તેમાં પણ એક ખાસ રસ્તો છે, યુરોપિયન યુનિયન બ્લુ કાર્ડ.

યુરોપિયન યુનિયનમાં 2021ના વર્ષમાં 28,966 લોકોને ઇયુ બ્લૂ કાર્ડ આપવામાં આવ્યાં હતાં જેમાં સૌથી વધુ ભારતમાંથી હતા.

શું છે આ કાર્ડ અને કેવી રીતે એ યુરોપિયન દેશોમાં રહેવા અને કામ કરવાનો અધિકાર અપાવી શકે?

શું છે ઇયુ બ્લુ કાર્ડ?

યુરોપિયન કમિશનના ઇયુ બ્લુ કાર્ડ માટેના આધિકારિક પેજ પર અપાયેલી માહિતી અનુસાર ઇયુ બ્લુ કાર્ડ એ યુરોપિયન યુનિયનની બહારના દેશોમાંથી આવતા કૌશલ્યવાન કામદારોને યુરોપિયન યુનિયનના દેશોમાં કામ કરવાનો અને રહેવાનો હક આપે છે.

યુરોન્યૂઝ ડોટ કૉમ પ્રમાણે ઇયુ બ્લુ કાર્ડ સ્કીમ એ યુરોપિયન કાઉન્સિલ દ્વારા મે 2009માં જાહેર કરાઈ હતી.

ડિસેમ્બર 2011માં ‘માગ આધારિત રહેઠાણ અને વર્ક પરમિટ’ના નામે સિંગલ પરમિટ માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી.

આ સ્કીમનો હેતુ યુરોપિયન યુનિયનમાં કૌશલ્યવાન કામદારોને આકર્ષવાનો છે.

યુરોપિયન કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રમુખ હોઝે મૅનુએલ બારોસોએ જણાવ્યું હતું કે, “યુરોપમાં કામદારોના માઇગ્રેશનથી આપણી હરીફાઈ માટેની ક્ષમતા અને એ કારણે આપણી આર્થિક વૃદ્ધિ શક્ય બને છે.”

“વૃદ્ધ થતી જતી આપણી વસતિના કારણે સર્જાતી સમસ્યાઓના નિવારણમાં પણ તેઓ મદદરૂપ થાય છે.”

બ્લુ કાર્ડનો હેતુ ‘સૌથી વધુ માગમાં રહેલાં કૌશલ્યો’ ધરાવતા અને ‘પૂરતું શિક્ષણ’ મેળવેલા પ્રૉફેશનલોને આકર્ષવા માટેનો છે.

આધિકારિક પેજ પરની માહિતી અનુસાર ઇયુ બ્લુ કાર્ડ અંતર્ગત 25-27 યુરોપિયન દેશોમાં તક મળે છે.

બ્લુ કાર્ડના લાભ

ઇયુની ઇમિગ્રેશન સંબંધી વેબસાઇટ અનુસાર બ્લૂ કાર્ડધારક એકથી ચાર વર્ષ સુધી ઇયુ બ્લૂ કાર્ડ આપનાર દેશમાં રહી શકે છે. બધી શરતો પૂરી થવાની પરિસ્થિતિમાં આ બ્લૂ કાર્ડ રિન્યૂ કરી શકાય છે. યુરોપિયન યુનિયનના જે દેશે ઇયુ કાર્ડ આપ્યું છે, કાર્ડધારક તે દેશમાં એક વખત પ્રવેશ બાદ ફરીથી પ્રવેશ કરી શકે છે અને રહી પણ શકે છે.

બ્લૂ કાર્ડ ધારક યુરોપિયન યુનિયનના અન્ય સભ્ય દેશોમાં પણ જઈ શકે છે અને ત્રણ મહીના સુધી રહી શકે છે.

નિયમો અનુસાર પહેલા બે વર્ષ તો એજ નોકરીમાં રહેવું પડી શકે છે જેના આધાર પર બ્લૂ કાર્ડ મળ્યું છે, જો બ્લૂ કાર્ડ આપનાર દેશના સરકારીતંત્ર તરફથી નોકરી બદલવાની પરવાનગી મળી હોય તો એ અગલ પરિસ્થિતિ છે. જોકે બે વર્ષ પછી નોકરી બદલી શકાય છે.

યુરોન્યૂઝ ડૉટ કૉમના એક અહેવાલ અનુસાર ઇયુ બ્લૂ કાર્ડ ઇયુ સભ્ય દેશમાં રહેવા માટે ઘણા લાભો આપે છે.

ખાસ કરીને બ્લૂ કાર્ડ વતનીઓ માફક વેતનનાં અને કામનાં સમાન ધારાધોરણ તેમજ શેનજેન વિસ્તારમાં હરવાફરવાની સ્વતંત્રતા આપે છે. (જોકે, તેમા રોમાનિયા, બલ્ગેરિયા, સાઇપ્રસ કે ક્રોએશિયા સમાવિષ્ટ નથી.)

આ સિવાય બ્લૂ કાર્ડ ધરાવનારને ઘણા સામાજિક-આર્થિક હકો મળે છે, જેમાં બેરોજગારી અંગેના લાભ વગેરે સામેલ છે. તેમજ બ્લૂ કાર્ડધારક ખૂબ સરળતાથી પોતાના પરિવારજનને પોતાની પાસે બોલાવી શકે છે.

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે બ્લૂ કાર્ડધારકને શિક્ષણ સહિતના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, માનવીય અને આરોગ્યસંબંધિત હકો મળે છે.

ઉપરાંત બ્લૂ કાર્ડ મેળવ્યાના બે-પાંચ વર્ષ બાદ (નિવાસના દેશ પ્રમાણે) કાર્ડધારક કાયમી વસવાટ માટે પણ અરજી કરી શકે છે.

ટૂંકમાં કહીએ તો આ દેશોમાં બ્લૂ કાર્ડધારકને હાઉસિંગ, લોન અને ગ્રાન્ટ સિવાયના તમામ લાભ મળે છે.

લાયકાત

બ્લૂ કાર્ડ માટે અરજી કરવા માટે ઉમેદવાર નીચે પ્રમાણેની શરતો પૂર્ણ કરતા હોવા જોઈએ.

  • તમારી પાસે ‘ઉચ્ચ વ્યવાસિયક લાયકાત’ના પુરાવા તરીકે યુનિવર્સિટી ડિગ્રી અથવા તો ઉચ્ચ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર હોવા જોઈએ
  • ઉમેદવાર પાસે જે-તે ક્ષેત્રનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ. જોકે, દેશ પ્રમાણે અનુભવની આ જરૂરિયાતમાં બદલાવ હોઈ શકે છે
  • ઓછામાં ઓછું એક વર્ષ માટેની ઉચ્ચ લાયકાતવાળી નોકરી માટેની જૉબ ઑફર હોવી જોઈએ
  • જે યુરોપિયન યુનિયનના દેશમાં આપ કામ કરવા માગો છો ત્યાંના ન્યૂનતમ પગારધોરણની જરૂરિયાતો પૂર્ણ થતી હોવી જોઈએ

કયા કયા પુરાવાની જરૂર રહે છે?

  • ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને અનુભવને લગતા પુરાવા હોવા જોઈએ
  • આ સિવાય કામનો અનુભવ વેતન મેળવતા કર્મચારીઓ માટે જ માન્ય ગણાશે, આ ઍન્ટ્રી અંતર્ગત સ્વરોજગાર મેળવતા કે ઉદ્યોગસાહસિકો અરજી ન કરી શકે
  • બે ફોટો
  • યુરોપિયન યુનિયનમાં બૅઝ્ડ નોકરીદાતા સાથેનો કામનો કૉન્ટ્રેક્ટ
  • આરોગ્ય વીમા અંગેના પુરાવા

આ સિવાય પણ અરજી સમયે મગાતા પુરાવા આપવાના રહે છે.

કેવી રીતે અરજી કરી શકાય?

તમે કે તમારા નોકરીદાતા જે-તે દેશમાં લાગતાવળગતા પ્રાધિકરણને ઇયુ બ્લૂ કાર્ડ માટે અરજી કરી શકે છે.

એ દેશના નિયમો પ્રમાણે ફી ભરવાની હોય છે.

બ્લૂ કાર્ડ મેળવવા માટેની અરજી કરવા માટેની ફી લગભગ 12,790 રૂપિયા કે 140 યુરો છે.

અરજી કર્યા બાદ ત્રણ મહિનાની મર્યાદામાં અરજી અંગે અંતિમ નિર્ણય લેવાય છે.