પ્લાસ્ટિક કે કાગળમાંથી બનેલી સ્ટ્રૉનો ઉપયોગ કરો છો તો આ જરૂર વાંચો

ઇમેજ સ્રોત, ANJALI DAS
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ના કરવા બાબતે દુનિયામાં કેટલાંય અભિયાન ચાલે છે.
પ્લાસ્ટિક પર્યાવરણ માટે અભિશાપ સમાન છે, જે આસપાસ જ નહીં દૂરના વિસ્તારો, પર્વતો, નદીઓ, સમુદ્રને ભારે નુકસાન પહોંચાડે છે.
ધ સાયન્સ જર્નલમાં છપાયેલા એક અહેવાલ મુજબ 2040 સુધી આખી દુનિયામાં આશરે 1.3 અરબ ટન પ્લાસ્ટિક જમા થઈ જશે. ફક્ત ભારત જ દર વર્ષે 33 લાખ ટનથી વધારે પ્લાસ્ટિક પેદા કરે છે.
ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઈઆઈએસસી) અને પ્રૅક્ટિસ ગ્લોબલ અલાયન્સના સહયોગથી તૈયાર કરાયેલા એક અહેવાલ અનુસાર ભારત દર વર્ષે 340 કરોડ કિલો પ્લાસ્ટિક કચરો પેદા કરે છે અને તેમાંથી માત્ર 30 ટકાને જ રિસાયકલ કરવામાં આવે છે.
માણસોની પ્લાસ્ટિક પર નિર્ભરતા એટલી હદે વધી ગઈ છે કે ધરતી પર આ ‘સફેદ પ્રદૂષણ’ના ઢગલા થઈ રહ્યા છે.

સિંગલ યૂઝ પ્લાસ્ટિક 300 વર્ષ સુધી પર્યાવરણમાં રહે છે

ઇમેજ સ્રોત, Getty Images
એક અનુમાન મુજબ અમેરિકામાં રોજ એક દિવસમાં 500 મિલિયન પ્લાસ્ટિકની ભૂંગળીનો ઉપયોગ થાય છે.
જોકે આ આંકડાઓ શંકાસ્પદ છે અને વાસ્તવિક આંકડો તેનાથી અડધો હોઈ શકે છે. પણ આ તો બિલકુલ સાચું છે કે વિતેલા બે દાયકાથી ડિસ્પોઝેબલ ડ્રિકિંગ સ્ટ્રૉ એટલે કે પ્રવાહી પીવા માટે એક વાર ઉપયોગમાં લેવાતી સ્ટ્રૉ પર ખર્ચ કરવામાં આવતી રકમમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આમાંથી મોટા ભાગની ભૂંગળીઓ ઉપયોગ પછી કચરામાં ફેંકી દેવાય છે, જે આપણા પર્યાવરણને દૂષિત કરવાનું કામ કરે છે.
સ્ટ્રૉ જેવા સિંગલ યૂઝ પ્લાસ્ટિકની સંખ્યા એટલી વધી ગઈ છે કે લાંબા સમયથી આખી દુનિયામાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક સામે મોટા પાયે ચળવળ ચલાવાઈ રહી છે.
ભારતમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકની વસ્તુઓના વિરોધમાં એક અભિયાન ચાલી રહ્યું છે. ત્યાં દુનિયાભરમાં લાખોની સંખ્યામાં લોકો આવા અભિયાન સાથે જોડાય છે જે પ્લાસ્ટિકના ઉપયોગનો વિરોધ કરે છે અને તેમાંથી એક છે પ્લાસ્ટિક સ્ટ્રૉનો વિરોધ.
પ્લાસ્ટિક સ્ટ્રૉના વિરોધ માટે માઇલો ક્રેસોને પણ કેટલાક અંશે શ્રેય આપી શકાય છે. નવ વર્ષની ઉંમરમાં તેમણે ‘બી સ્ટ્રૉ ફ્રી’ અભિયાનની શરૂઆત કરી જેના કારણે સ્ટારબક્સ અને મૅકડોનાલ્ડ જેવી કંપનીઓએ પ્લાસ્ટિક સ્ટ્રૉનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વિરોધને કારણે આજે પેપર, મૅટલ, કાચ અને છોડ આધારિત સ્ટ્રૉ બજારમાં મોટી માત્રામાં જોવા મળે છે પણ શું તેમાંથી કોઈ એકની પસંદગી કરવી સરળ છે અને શું હકીકતમાં તે પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતી?

શોધ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલમાં જ થયેલા એક સંશોધનમાં પેપર સ્ટ્રૉ સાથે જોડાયેલા અન્ય એક પાસા પર ધ્યાન ખેંચાયું છે.
બેલ્જિયમમાં એન્ટવર્પ યુનિવર્સિટીના શોધકર્તાઓએ કાગળમાંથી બનેલી ભૂંગળીઓ પર સંશોધન કર્યું અને જાણ્યું કે તેમાં પ્લાસ્ટિકની સરખામણીએ વધારે પૉલિફ્લોરો ઍલ્કિલ એટલે કે પીએફએએસ હોય છે.
પીએફએએસ કે પૉલિફ્લોરો ઍલ્કિલ એ પદાર્થ છે જે જલદી તૂટતા નથી અને આપણા પર્યાવરણ, વરસાદનાં પાણી અને માટીમાં લાંબા સમય સુધી રહી શકે છે. આ માટે તેને ફોરએવર કેમિકલ (કાયમી કેમિકલ) પણ કહેવાય છે.
પીએફએએસ દાયકાઓ સુધી પર્યાવરણમાં રહી શકે છે અને તે પાણીને દૂષિત કરવા સાથે માણસો સાથે જોડાયેલી કેટલીયે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ છે.
શોધકર્તાઓનું કહેવું છે કે પેપર અને વાંસના ઉપયોગથી બનેલી ભૂંગળીઓમાં પણ પીએફએએસ સારા પ્રમાણમાં મળ્યું છે. આથી એ જરૂરી નથી કે તે પ્લાસ્ટિકની સરખામણીએ એક સારો વિકલ્પ છે.
તેમનું કહેવું છે કે તેમાં રહેલા ફોરએવર કેમિકલનું વધારે પ્રમાણ માત્ર એ વાત પર ચોક્કસ સવાલ ઊભો કરે છે કે તે કેટલા પર્યાવરણને અનુકૂળ છે.

તો પછી પ્લાસ્ટિક સ્ટ્રૉનો વિરોધ શા માટે?

ઇમેજ સ્રોત, PARMITA SARMA
તો જો પ્લાસ્ટિક સ્ટ્રૉથી પર્યાવરણને ઓછું જોખમ છે તો આખરે દુનિયામાં તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડમાં પ્લાસ્ટિક વેસ્ટ અને બિઝનેસના વાઇસ પ્રેસિડેન્ટ ઇરિન સાઇમન બીબીસી સંવાદદાતા ઍલી હિર્શ્લાગને કહે છે, “આ એટલો પણ સરળ મામલો નથી, કારણ કે તે માત્ર પ્લાસ્ટિક સ્ટ્રૉની વાત નથી. પ્લાસ્ટિક પ્રદૂષણ એક મોટું વૈશ્વિક સંકટ છે અને તેનું નિરાકરણ ત્યારે જ કરી શકાય છે જ્યારે દરેક પોતાની ભૂમિકા નિભાવે.”
અક્ષર ફાઉન્ડેશનના પર્યાવરણવિદ પરમિતા સરમા સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સંમેલનમાં ‘પ્લાસ્ટિક કચરાને કેવી રીતે રિસાઇકલ કરો’ વિષય પર પ્રેઝેન્ટેશન આપી ચૂક્યા છે.
બીબીસી હિન્દીના સહયોગી અંજલિ દાસ સાથે પરમિતા સરમા કહે છે, “પ્લાસ્ટિક તો દરેક રૂપે આપણા માટે હાનિકારક છે પણ તેના કેટલાક ફાયદા પણ છે. અમે અંતરિયાળ વિસ્તારોમાં તેના થકી જ ખાવાનું ખરાબ ના થાય એવી રીતે મોકલી શકીએ છીએ. આનાથી ભોજન ખરાબ થયા વિના ગરીબીમાં રહેતા લોકોને મળી જાય છે.”
જેકે પરમિતા સરમા સાથે એ પણ કહે છે, “આપણે એવા જ પ્લાસ્ટિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ જેને રિસાઇકલ કરી શકાય.”
તેઓ કહે છે, “લોકોને પ્લાસ્ટિકની સમસ્યા ઉકેલવા માટે જવાબદારી પણ લેવી પડશે. આના માટે તેઓ માત્ર અને માત્ર રિસાઇકલ કરાતી હોય તેવી જ પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદે. પ્લાસ્ટિકની સમસ્યાને ઉકેલવા સરકારે લીધેલાં પગલાં સમજો અને લોકોને સમજાવો સાથે તેનું પાલન થવું પણ જોઈએ.”
તેમના અનુસાર “આના માટે શાળા-કૉલેજમાં પ્લાસ્ટિકની સમસ્યા પર વાત થાય અને વિદ્યાર્થીઓને આ બાબતે જાગૃત કરવામાં આવે જેથી તેઓ સમાજના વિવિધ તબક્કામાં આને લઈને સામાન્ય માણસોમાં સમજણ પેદા કરવામાં સહયોગ આપે. જો આપણે રિસાઇકલની જવાબદારી નિશ્ચિત કરીએ છીએ તો પ્લાસ્ટિકની સમસ્યાનું પ્રબંધન કરવામાં સક્ષમ થઈ શકીશું. વિકસિત દેશ પોતાને ત્યાં પ્લાસ્ટિકને રિસાઇકલ કરે છે અને આજે તેઓ તેમાંથી રાજસ્વ પણ કમાય છે.”

પ્લાસ્ટિકનો કચરો કેવી રીતે ઘટાડી શકાય?

ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કો ઑપરેશન ઍન્ડ ડેવલપમૅન્ટે તેના ગ્લોબલ પ્લાસ્ટિક આઉટલૂકમાં અનુમાન લગાવ્યું છે કે વિશ્વભરમાં દર વર્ષે લગભગ 380 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે.
પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો સરળ નથી પણ જો આપણે તેને ગંભીરતાથી લઈએ અને ઓછામાં ઓછા પ્લાસ્ટિકના ઉપયોગનો આગ્રહ રાખીએ તો આપણે આપણા જીવનમાં તેમજ અન્યના જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકીએ છીએ.
આ માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો.
ભારતમાં પેદા થતા પ્લાસ્ટિકના કચરામાંથી 43% સિંગલ-યૂઝ પ્લાસ્ટિક વેસ્ટ છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જુલાઈ 2022થી ભારતમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે.
સ્ટ્રૉ, ગુટખા, શેમ્પૂનાં પાઉચ, વરખ, નાની બૉટલો, પ્લાસ્ટિકના ગ્લાસ અને કટલરી વગેરેની ઘણી નાની વસ્તુઓ સાથે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ છે જેનો પુનઃઉપયોગ થતો નથી અને પ્લાસ્ટિક પ્રદૂષણનાં મુખ્ય કારણોમાંનું એક છે.
જો આપણે આવી વસ્તુઓનો ઉપયોગ ન કરીએ અને તેને બજારમાંથી ન ખરીદીએ તો તેના ફાયદા ચોક્કસ જોવા મળશે. તેથી આપણે આની જવાબદારી લેવી જોઈએ.
ભારત દર વર્ષે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરે છે પરંતુ રિસાયકલ કરેલા પ્લાસ્ટિકના કચરાનો અર્થપૂર્ણ ઉપયોગ કરવામાં તે વિશ્વભરના દેશો કરતાં આગળ છે.
તેની શરૂઆત 2000માં જ થઈ છે જ્યારે ભારતમાં રસ્તો બનાવવાની તકનીકમાં પ્લાસ્ટિક-વાયર એટલે કે પ્લાસ્ટિક અને કોલતારનો ઉપયોગ ઉપયોગ થવા લાગ્યો. દિલ્હીથી મેરઠના રસ્તા પર પ્લાસ્ટિક વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવાં અનેક નાનાં-મોટાં પગલાંથી પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન કરવા અર્થપૂર્ણ પગલાં લઈ શકાય છે.














