You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PM નરેન્દ્ર મોદીને તામિલનાડુમાં રોડ શો કરવાની મંજૂરી કેમ ના મળી?
તામિલનાડુની મદ્રાસ હાઈકોર્ટે કોયમ્બટૂર પોલિસને આદેશ આપ્યો છે કે પોલીસ 18મી માર્ચે શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને પરવાનગી આપે. જોકે, કોર્ટે આ પ્રકારના રોડ શોના આયોજન માટે કેટલીક શરતો પણ રાખી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર ન્યાયાધીશ એન. આનંદ વેંકટેશે આરએસ પુરમ રેન્જના મદદનીશ પોલીસ કમિશનરને ભાજપના રોડ શોને પરવાનગી આપવાનો આદેશ આપ્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 માર્ચે તામિલનાડુનાં કોયમ્બટૂરમાં એક રોડ શો કરવાના છે. આ રોડ શો લગભગ સાડા ત્રણ કિલોમીટરનો છે.
જોકે, તામિલનાડુ પોલીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રોડ શોની પરવાનગી આપી નથી. પોલીસે સુરક્ષાનો હવાલો આપતા રોડ શોની પરવાનગી આપવાની મનાઈ કરી હતી.
ભાજપે આ મામલે હાઈકોર્ટ પહોંચી હતી આખરે તામિલનાડુ હાઈકોર્ટે કેટલીક શરતો સાથે આ રેલીને મંજૂરી આપી છે.
આ નિર્ણયની વિરુદ્ધ કોયમ્બટૂરનાં ભાજપ જિલ્લા અધ્યક્ષ જે રમેશ કુમારે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.
તેમણે અરજીમાં કહ્યું, “પોલીસનો આદેશ ભારતના બંધારણની કલમ 19 હેઠળ આપેલા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હતો. પોલીસે જણાવેલાં કારણો બિલકુલ વાજબી નહોતા. અમે રોડ શો યોજવા માટે લાદવામાં આવેલી કોઈપણ શરતોનું પાલન કરવા તૈયાર હોવા છતાં રાજકીય કારણોસર પોલીસ દ્વારા તેની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે.”
તેમણે અરજીમાં જણાવ્યું કે તેમણે પોલીસ પાસે આ રોડ શોની પરવાનગી માટે 14 માર્ચના રોજ માંગી હતી. આ ચાર કિલોમીટરનો રોડ શો મેટ્ટુપાલયમ રોડથી પસાર થશે.
ભાજપના જિલ્લા અધ્યક્ષે ઉમેર્યું કે આ રોડ શોનો હેતુ કોયમ્બટૂરના લોકોને વડા પ્રધાન દ્વારા શરૂ કરવામા આવેલી કલ્યાણકારી યોજાનાઓ વિશે જાણકારી આપવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદીની દક્ષિણ ભારત યાત્રા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોના પ્રવાસ પર છે. તેઓ 19 માર્ચ સુધી દક્ષિણ ભારતનાં તમામ પાંચ રાજ્યોની મુલાકાત લેશે અને ચૂંટણી સભાઓને સંબોધશે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેલંગણાના નાગરકુર્નોલ અને કર્ણાટકના ગુલબર્ગામાં કૅમ્પેન કરશે.
તેઓ 17 માર્ચે ટીડીપી-ભાજપ અને જન સેનાની સંયુક્ત રેલીને આંધ્ર પ્રદેશમાં સંબોધશે.
સમાચાર એજન્સી પીટીઆઈને ભાજપના નેતાઓએ કહ્યું કે વડા પ્રધાન તેલંગણાના જગતિયાલ અને કર્ણાટકના શિવમોગામાં પણ સભાઓને સંબોધશે.
આ જ દિવસે તેઓ કોયમ્બટુરમાં એક રોડ શો પણ કરવાના છે પરંતુ તેની પરવાનગી તામિલનાડુ પોલીસે સુરક્ષાનો હવાલો આપીને રદ કરી હતી.
આ ઉપરાંત તેમની યાત્રાના અંતિમ દિવસે વડા પ્રધાન તમિલાનાડુના સાલેમમાં એક સભાને સંબોધશે અને કેરળના પલકડ્ડમાં એક રોડ શો કરશે.
લોકસભાની 543 બેઠકોમાંથી આ પાંચ રાજ્યોમાં કુલ 130 બેઠકો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં એકપણ બેઠક જીતી શક્યો નહોતો.
જોકે, ભાજપને કર્ણાટકમાં 28 માંથી 25 બેઠકો પર જીત મળી હતી જ્યારે તેલંગણામાં પાર્ટીએ પહેલી વખત 2019ની ચૂંટણીમા 17માંથી ચાર બેઠકો પર વિજય મેળવ્યો હતો.
કેરળમાં મોદીની રેલી
શુક્રવારનાં રોજ કેરળમાં યોજાયેલી એક સભામાં વડા પ્રધાને કેરળની રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે કેરળમાં કાયદો-વ્યવસ્થાની હાલત દયનીય છે. અને ચર્ચના પાદરીઓ પણ હિંસાનો શિકાર થઈ રહ્યા છે.
તેમણે કહ્યું, “કેટલીય કૉલેજો કૉમ્યુનિસ્ટોના ગુંડાઓનો અડ્ડો બની ગઈ છે. મહિલા, યુવાઓ અને દરેક વર્ગના લોકોમાં ભયનો માહોલ છે. રાજ્ય સરકારમાં બેઠેલા લોકો આરામથી ઊંઘી રહ્યાં છે. કેરળને આ તકલીફોમાંથી ત્યારે જ છુટકારો મળશે જ્યારે એક વખત કૉંગ્રેસ અને એલડીએફની મિલિભગતનું ચક્ર તૂટશે, ત્યારે જ ન્યાય મળશે.”
વડા પ્રધાન મોદી બોલ્યા, “મિત્રો, કેરળની ભ્રષ્ટ અને અસમર્થ સરકારને કારણે કેરળના ભાઈઓ અને બહેનોએ નુકશાન થઈ રહ્યું છે. એલડીએફ અને યુડીએફએ પોતાની આંખો બંધ કરી રાખી છે.”