યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે રાખેલી પુતિનની શરતો નામંજૂર, શાંતિસંમેલનમાં સમજૂતી કેમ ન થઈ?

યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની શરતોને ઇટાલી અને જર્મનીએ નામંજૂર કરી છે.

સ્વિટ્ઝરલૅન્ડમાં યુક્રેન દ્વારા આયોજિત સમ્મેલનમાં ભાગ લેનાર દેશોએ એક વ્યાપક ચર્ચા પછી પુતિનની શરતોને નકારી દીધી છે.

ઇટાલીનાં વડાં પ્રધાન જિયોર્જિયા મેલોનીએ રાષ્ટ્રપતિ પુતિનની યુદ્ધ રોકવાની યોજનાને પ્રૉપેગેન્ડા ગણાવી હતી. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પુતિનની શાંતિયોજનાને “તાનાશાહી શાંતિ” ગણાવી હતી.

યુક્રેનમાં મોટ પ્રમાણમાં થયેલા આક્રમણ પછી યુક્રેન માટે આયોજિત આ સૌથી મોટું શિખર સમ્મેલન છે. આ સમ્મેલનમાં 90 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો ભાગ લઈ રહ્યાં છે. પુતિને આ સમ્મેલન શરૂ થાય તે પહેલાં પોતાની શરતો રાખી હતી.

સ્વિટ્ઝરલૅન્ડમાં યુક્રેનના સંકટને ખતમ કરવા માટે આયોજિત બે દિવસીય બેઠકમાં ધોષણાપત્રનો એક ડ્રાફટ પણ તૈયાર કરવામા આવ્યો.

આ પત્રમાં યુક્રેનની ક્ષેત્રીય અખંડતા અને તેની વિરુદ્ધ કોઈ પણ પરમાણૂ ધમકીને સ્પષ્ટ રીતે નામજૂંર કરાઈ હતી.

આ ધોષણાપત્રને રવિવારે સત્તાવાર રીતે સ્વીકારવામા આવ્યું હતું. આ પત્રમાં કહેવામા આવ્યું છે કે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે રાતા સમુદ્ર અને અઝોવ સાગરમાંથી પસાર થતાં વેપારી જહાજોની અવરજવર માટે મંજૂરી આપવી જરૂરી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના ચીફ ઑફ સ્ટાફ એન્દ્રેઈ યેરમાકે સ્વિટ્ઝરલૅન્ડ સમ્મેલન દરમિયાન બીબીસીને કહ્યું, “યુક્રેનની સ્વતંત્રતા, સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામા આવશે નહીં.”

પુતિનની મુખ્ય શરતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિવાર્તા શરૂ કરવા માટે બે શરતો રાખી હતી.

પહેલી શરત હતી કે યુક્રેને દોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝાપોરઝિયાથી પોતાના સૈનિકો હટાવવા અને બીજી કે યુક્રેન નેટોમાં સામેલ ના થાય.

યુક્રેન સાથે યુદ્ધવિરામ માટે પુતિને એવા સમયે શરતો સામે રાખી હતી કે જ્યારે 90 દેશોના પ્રતિનિધિ સ્વિટ્ઝર્લૅન્ડમાં મુલાકાત કરી રહ્યા હતા.

આ સંમેલનમાં રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી આ સંમેલનમાં ભાગ લીધો હતો.

રશિયાના વિદેશ મંત્રાલયના નેતાઓ સાથે બેઠકમાં પુતિને કહ્યું હતું, “યુક્રેન જ્યારે દોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝાપોરઝિયાથી પોતાના સૈનિકો હટાવશે અને નેટોમાં સામેલ ન થવાનું એલાન કરશે ત્યારે રશિયાની સેના પીછેહઠ શરૂ કરી દેશે.”

પુતિને એ વાત પર ભાર મૂક્યો હતો કે આ વિસ્તારોમાંથી યુક્રેને પોતાના સૈન્યને સંપૂર્ણપણે હટાવવું પડશે. જોકે, એ વાત સત્ય છે કે આ વિસ્તારો પર રશિયાની સેનાનો માત્ર આંશિક કબજો છે.

આ સાથે જ પુતિને કહ્યું હતું કે યુક્રેને નેટોમાં સામેલ થવાનો પ્લાન છોડવો પડશે. યુક્રેને ફરીથી નિષ્પક્ષ, જૂથ નિરપેક્ષ અને પરમાણુમુક્ત સ્થિતિ હાંસલ કરવી પડશે.

યુક્રેને રશિયન ભાષા બોલતા લોકોના અધિકારો સુનિશ્ચિત કરવા પડશે. યુક્રેને નાઝીકરણ અને સૈન્યીકરણથી પાછળ હટવું પડશે.

પુતિને કહ્યું કે યુક્રેને પોતાની સીમાઓ સાથે જોડાયેલી નવી વાસ્તવિકતાઓનો સ્વીકાર કરવો પડશે. રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેનની સેનાને સુરક્ષાપૂર્વક વાપસીનો રસ્તો આપવાનો વાયદો પણ કર્યો હતો.

પુતિનની શરતો કેટલી વિશ્વસનીય?

પુતિને યુદ્ધ ખતમ કરવાની શરતો યુક્રેન દ્વારા આયોજિત શાંતિ સંમેલનના એક દિવસ પહેલાં રાખી હતી.

ચીન, બ્રાઝીલ અને સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓએ આ સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.

આ સંમેલનમાં લેવામાં આવેલા નિર્ણયો વિશે મધ્યસ્થો દ્વારા રશિયાને જાણકારી આપવામાં આવશે. સંમેલનની યોજના પ્રમાણે આ મધ્યસ્થો ત્યાર બાદ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરાવશે. આ પહેલાં પણ આ પ્રકારની વાતચીતમાં સમજૂતીઓ થઈ ચૂકી છે.

જેમ કે યુક્રેનને અનાજની નિકાસ માટે મંજૂરી દેવા માટે ગ્રેન કૉરિડૉર બનાવ્યો હતો.

ઝેલેન્સ્કીએ પુતિનની શરતો વિશે શું કહ્યું?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પુતિનના યુદ્ધવિરામના પ્રસ્તાવને અલ્ટિમેટમ ગણાવ્યું હતું, જેના પર ભરોસો ન કરી શકાય.

ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુદ્ધવિરામની શરતો માનવામાં આવે તો પણ પુતિન સૈન્ય હુમલાઓ રોકશે નહીં.

તેમણે કહ્યું કે પુતિનનો આ સંદેશો એવો જ છે જેવા સંદેશાઓ હિટલર આપતા હતા.

ઝેલેન્સ્કીએ કહ્યું, “હિટલર કહેતો હતો કે ચેકોસ્લોવાકિયાનો એક ભાગ મને આપી દો તો હું યુદ્ધ ખતમ કરી દઈશ. આ એક જુઠ્ઠાણું હતું. ત્યાર બાદ હિટલરે પોલૅન્ડનો એક ભાગ માગ્યો હતો. જોકે, હિટલરે ત્યાર પછી પણ આખા યુરોપ પર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો.”

યુક્રેન અને નેટો દેશોનું વલણ

હકીકત તો એ છે કે પુતિન આ પ્રકારનાં નિવેદનો પહેલાં પણ આપતા રહ્યા છે.

પુતિને હાલમાં આપેલાં નિવેદનોમાં કંઈ નવું નથી. યુક્રેનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં પણ આ જ વાત કહેવામાં આવી છે.

મંત્રાલયના નિવેદન પ્રમાણે, “સ્વિટ્ઝર્લૅન્ડમાં શાંતિ શિખર સંમેલનની પૂર્વ સંધ્યાએ આ પ્રકારના સંકેતો આપવા પાછળ પુતિનનું એક જ લક્ષ્ય છે. એ છે વિશ્વના નેતાઓને આ શિખર સંમેલનમાં ભાગ લેતા અટકાવવા. હકીકત તો એ છે કે પુતિનનું નિવેદન શિખર સંમેલનના બરાબર એક દિવસ પહેલાં સામે આવ્યું હતું, જે દેખાડે છે કે રશિયા શાંતિથી ડરે છે.”

મિખાઇલ પોદોલ્યોકે યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના મુખ્ય સલાહકાર છે. તેમણે કહ્યું રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા રાખવામાં આવેલી શરતોને ‘હુમલાખોરનો એક માનક સેટ’ ગણાવ્યો અને કહ્યું કે તેનું કન્ટેન્ટ અંતરરાષ્ટ્રીય કાયદાઓ માટે ખૂબ જ આક્રમક છે. રશિયાનું નેતૃત્વ આ પરિસ્થિતિની વાસ્તવિકતાનું આકલન કરવા માટે અક્ષમતા દર્શાવી રહ્યું છે.

યુક્રેનના પશ્ચિમી સહયોગીઓએ પુતિનના પ્રસ્તાવની ટીકા કરી છે.

નેટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે કહ્યું કે યુક્રેને પોતાની જમીન પરથી પોતાનું સૈન્ય પાછું બોલાવવાની જરૂર નથી, પરંતુ રશિયાએ યુક્રેનની જમીન પરથી પોતાની સેનાને પાછી ખેંચવાની જરૂર છે.

તેમણે પુતિનની માગણીઓને “શાંતિ પ્રસ્તાવ”ની જગ્યાએ “વધારે આક્રમકતા અને વધારે કબજા”વાળી માગણીઓ ગણાવી હતી.

તેમણે કહ્યું, “આ (પુતિનની માગણીઓ) દેખાડે છે કે રશિયાનું લક્ષ્ય યુક્રેનને નિયંત્રિત કરવાનું છે. રશિયાનું આ લક્ષ્ય યુદ્ધની શરૂઆતથી જ રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે. આ જ કારણે નેટોમાં સામેલ દેશો યુક્રેનનું સમર્થન કરશે.”

અમેરિકાના રક્ષામંત્રી લૉયડ ઑસ્ટિને શુક્રવારે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એ સ્થિતિમાં નથી કે તેઓ કહી શકે કે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરે.

બ્રસેલ્સમાં નેટોના મુખ્યાલયમાં ઑસ્ટિને કહ્યું, “પુતિન એ સ્થિતિમાં નથી કે તેઓ યુક્રેનને કહી શકે કે તેણે શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ.”

તેમણે કહ્યું કે પુતિન ઇચ્છે તો તેઓ આજે જ યુદ્ધ ખતમ કરી શકે છે.