રશિયામાં પુતિનની સત્તાને પડકારનાર વિપક્ષી નેતાનું જેલમાં મોત

રશિયાના સૌથી મોટા વિપક્ષી નેતા ઍલેક્સી નવેલનીનું આર્કટિક સર્કલ ખાતે જેલમાં મૃત્યુ થયું છે.

જેલ વિભાગને ટાંકીને રશિયન ન્યૂઝ એજન્સી આ અહેવાલ આપ્યા હતા.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી મુખર ટીકાકાર મનાતા નવેલની જેલમાં 19 વર્ષની સજા કાપી રહ્યા હતા. જોકે, તેમની સામેના થયેલા કેસો રાજકારણ પ્રેરિત માનવામાં આવે છે.

ગત વર્ષના અંત ભાગમાં તેમને વિશ્વની સૌથી કપરી જેલો પૈકી એક ગણાતી આર્કટિક પીનલ કૉલોની ખાતે ખસેડાયા હતા.

યમાલો-નેનેત્સ જિલ્લાના જેલ વિભાગે કહ્યું હતું કે શુક્રવારે વૉક બાદ તેમની ‘તબિયત લથડી’ હતી.

નિવેદનમાં કહેવાયું છે કે “તેઓ તરત બેભાન થઈ ગયા હતા.” તાસ ન્યૂઝ એજન્સી પ્રમાણે મૃત્યુનાં કારણોની તપાસ કરાઈ રહી છે.

ઍલેક્સી નવેલની કોણ હતા?

સરકારી ભ્રષ્ટાચારને જાહેર કરીને ઍલેક્સી નવેલની ખાસ ચર્ચામાં આવ્યા હતા. તેમણે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને ગુનેગારો અને ઠગની પાર્ટી ગણાવી હતી.

તેમના યૂટ્યૂબ ચેનલ પર મૂકેલા એક વીડિયોને સો કરોડથી વધુ વાર જોવાયો હતો.

છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ રશિયાના રાજકારણમાં વધુ પારદર્શિતાની માગ અને વિપક્ષના ઉમેદવારોને ચૂંટણીમાં મદદ કરતા રહ્યા હતા.

તેઓ વર્ષ 2013માં મૉસ્કોના મેયરપદે ઊભા રહ્યા હતા અને બીજા નંબરે આવ્યા હતા. બાદમાં તેમણે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ગુનાહિત કેસોને કારણે તેમના પર રોક લગાવી દીધી હતી.

તેઓ આ કેસોને રાજકારણથી પ્રેરિત ગણાવતા હતા.

ઑગસ્ટ 2020માં નવેલની સાઇબીરિયાની મુલાકાત લઈ રહ્યા હતા અને એક રિપોર્ટ તૈયાર કરી રહ્યા હતા. તેઓ ત્યાં સ્થાનિક ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારોનો પ્રચાર પણ કરી રહ્યા હતા. એ સમયે તેમને ઝેર અપાયું હતું અને તેઓ માંડમાંડ બચ્યા હતા.

બાદમાં તેમને સારવાર માટે જર્મની લવાયા હતા, જ્યાં ખબર પડી કે તેમના પર રશિયામાં બનેલા નર્વ એજન્ટ નોવિચોકથી હુમલો કરાયો હતો.

નવેલનીએ રશિયાની જાસૂસી સંસ્થાઓ પર તેમને ઝેર આપવાનો આરોપ પણ મૂક્યો હતો. અહેવાલો અનુસાર, તેમણે રશિયાની જાસૂસી સંસ્થા એફએસબીના એક એજન્ટને ભોળવીને હુમલા અંગે માહિતીઓ એકત્ર કરી હતી.

રશિયામાં વાપસી

નવેલનીને ચેતવ્યા હતા કે રશિયા પરત ફરવું તેમના માટે સુરક્ષિત નહીં હોય, પણ નવેલનીએ કોઈની વાત કાને ન ધરી અને કહ્યું કે તેઓ રાજકીય પ્રવાસી બનવાનું પસંદ કરે. તેઓ બર્લિનથી મૉસ્કો પાછા આવ્યા.

તેમને ઍરપૉર્ટ પર અટકાયતમાં લીધા હતા. પોલીસ સ્ટેશનમાં બનેલી એક અસ્થાયી કોર્ટે તેમને રિમાન્ડ પર રાખ્યા.

નવેલની અને તેમના સમર્થકો કહેતા રહ્યા કે રશિયામાં તેમને નિષ્પક્ષ રીતે સાંભળે એવી કોઈ તક ક્યારેય નહીં મળે.

તેમણે લોકોને રસ્તા પર નીકળીને પ્રદર્શન કરવાની અને સરકાર પર તેમની મુક્તિ માટે દબાણ કરવાની અપીલ કરી હતી.

અટકાયતમાં રહેલા નવેલનીનો મુદ્દો હવે બહુ મોટો બની ગયો હતો. નવેલની જેલમાં હતા અને તેમની ટીમે એક નવો શોધેલો રિપોર્ટ પ્રકાશિત કર્યો, જે તેમનો અત્યાર સુધીમાં સૌથી વધુ વાર જોવાયેલો વીડિયો બની ગયો.

એ વીડિયોમાં તેમણે પુતિનનો મહેલ ગણાવાઈ રહેલા એક વૈભવી ઘર અંગે માહિતી આપી હતી અને આરોપ લગાવ્યો હતો કે પુતિનના મિત્રોએ આ આલિશાન ઘર તેમના માટે બનાવીને આપ્યું છે.