ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરાયેલાં પ્રોફેસર શોમા સેનને સુપ્રીમે જામીન આપ્યા

શોમા સેન

ઇમેજ સ્રોત, Getty Images

પહેલી જાન્યુઆરી, 2018માં પૂણે પાસે ભીમા કોરેગાંવમાં થયેલાં રમખાણ કેસમાં ધરપકડ કરાયેલાં પ્રોફેસર શોમા કાંતિ સેનને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.

જોકે કોર્ટે કહ્યું કે જામીન અવધિ દરમિયાન તેઓ વિશેષ કોર્ટની મંજૂરી વિના મહારાષ્ટ્ર નહીં છોડી શકે.

કોર્ટે તેમના પોતાના નિવાસસ્થાન અંગે તપાસ અધિકારીને સૂચિત કરતા રહેવા અને તેમના મોબાઇલ ફોનના જીપીએસને 24 કલાક ઑન રાખવાનો આદેશ આપ્યો છે.

પ્રો. સેન પર યુએપીએની કલમ હેઠળ કેસ નોંધાયો હતો. પૂણે પોલીસે શરૂ કરેલી આ તપાસ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

મહિલા અધિકારો માટે કામ કરતાં પ્રોફેસર શોમા સેના નાગપુર યુનિવર્સિટીમાં અંગ્રેજીનાં પ્રોફેસર હતાં.

ભીમા કોરેગાંવ રમખાણો મામલે તેમની કથિત ભૂમિકા માટે જૂન 2018માં ધરપકડ કરાઈ હતી.

શોમા સેનને જામીન મળતા આ કેસમાં ધરપકડ કરાયેલા કુલ 16 લોકોમાંથી અત્યાર સુધીમાં છ લોકોને જામીન મળી ગયા છે.

ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝની અધ્યક્ષતાવાળી બે જજની બેન્ચે શોમા સેનને જામીન આપ્યા છે. જોકે કેટલીક શરતો પણ રખાઈ છે.

  • શોમા સેના સ્પેશિયલ કોર્ટની મંજૂરી વિના મહારાષ્ટ્ર નહીં છોડી શકે
  • તેમણે પોતાનો પાસપૉર્ટ જમા કરાવવો પડશે
  • 15 દિવસમાં તેમણે એક વાર પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે
  • જો ઉપરોક્ત શરતોનું કોઈ રીતે ઉલ્લંઘન થશે તો વિશેષ કોર્ટ પાસે તેમના જામીન રદ કરવાનો અધિકાર રહેશે, તેના માટે સુપ્રીમ કોર્ટ જવાની જરૂર નહીં રહે

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018ની 1 જાન્યુઆરીએ પુણેના ભીમા કોરેગાંવ ખાતે ઐતિહાસિક યુદ્ધની યાદમાં લાખો દલિતો એકઠા થયા હતા, જે બાદ રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ મામલે સમગ્ર દેશમાંથી ડાબેરીઓ અને ડાબેરી ઝુકાવ ધરાવતા કર્મશીલોની ધરપકડ કરવામાં આવી હતી.

કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં ઇલેક્ટોરલ બૉન્ડ થકી થયેલા શંકાસ્પદ સોદાઓની તપાસ અને જાતિ આધારિત વસ્તીગણતરીનો વાયદો

કૉંગ્રેસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આગામી લોકસભાની ચૂંટણી પહેલાં દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે પોતાના ચૂંટણીઢંઢેરાની જાહેરાત કરતા જણાવ્યું કે ઇલેક્ટોરલ બૉન્ડ થકી થયેલા શંકાસ્પદ સોદાઓ અને યોજનાઓની તપાસની વાત કરી છે.

ચૂંટણીઢંઢેરામાં યુવા ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય અને ભાગીદારી ન્યાયની વાત કરવામાં આવી છે.

ચૂંટણીઢંઢેરો જાહેર કરતી વખતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે નારી ન્યાય યોજના હેઠળ ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે.

જે મુખ્ય બિંદુઓને કૉંગ્રેસને ચૂંટણીઢંઢેરામાં આવરી લેવામાં આવ્યા છે -

  • ખેડૂત ન્યાય યોજના હેઠળ ખેડૂતોને એમએસપી કાયદાની ગૅરન્ટી અને ખેડૂતોના દેવાને માફ કરવામાં આવશે.
  • શ્રમિક ન્યાય યોજના થકી મનરેગામાં લઘુતમ 400 રૂપિયાની મજૂરીનું પ્રાવધાન કરવામાં આવશે.
  • ભાગીદારી ન્યાય યોજના દ્વારા લોકોની સામાજિક અને આર્થિક સમાનતા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવામાં આવશે.
  • કૉંગ્રેસે ઇલેક્ટોરલ બૉન્ડને લઈને કહ્યું કે શંકાસ્પદ સોદાઓની તપાસ કરવામાં આવશે અને જે લોકોએ આ અયોગ્ય માધ્યમ થકી ગેરકાયદેસર લાભ મેળવ્યો છે તેમને કાયદાના દાયરામાં લાવવામાં આવશે.
  • આ સાથે જ ચૂંટણીઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે કેસના આરોપીઓ જે કાયદાથી બચવા માટે ભાજપમાં જોડાયા છે તેવા લોકો સામેના આરોપોની ફરીથી તપાસ કરવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું ભાજપ માત્ર ચૂંટણીઢંઢેરો જાહેર નથી કરતો પરંતુ સંકલ્પ પત્ર જાહેર કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી

રાજસ્થાનના ચૂરૂમાં એક ચૂંટણી સભાને સંબોધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીનું નામ લીધા વિના તેમના ચૂંટણીઢંઢેરા પર નિશાન સાધ્યું છે.

તેમણે કહ્યું, “ભાજપ જે કહે છે તે કરે છે. બીજી પાર્ટીઓની જેમ ભાજપ માત્ર ચૂંટણીઢંઢેરો જાહેર નથી કરતી. અમે તો સંકલ્પ પત્ર લઈને આવીએ છીએ. અમે 2019માં જે સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું તેમાંથી મોટાભાગનાં સંકલ્પો પૂરા થઈ ગયા છે.”

શુક્રવારે કૉંગ્રેસ પાર્ટીએ પોતાના દિલ્હી સ્થિત મુખ્યાલય પરથી પાર્ટીનો ચૂંટણીઢંઢેરો જાહેર કરતા ર5 ગેરેંટીઓની વાત કરી હતી, જેમાં યુવાઓ, મહિલાઓ, બેરોજગાર, ખેડુતો માટે અપ્રેન્ટિસ, રોકડ ટ્રાન્સફર, ઉધાર માફી અને એમએસપીના કાયદાની ગેરેંટી જેવી અનેક ધોષણાઓ કરી હતી.

કૉંગ્રેસે પોતાના ચૂંટણીઢંઢેરામાં ઇલેક્ટોરલ બૉન્ડને લઈને કહ્યું કે શંકાસ્પદ સોદાઓની તપાસ કરવામાં આવશે અને જે લોકોએ આ અયોગ્ય માધ્યમ થકી ગેરકાયદેસર લાભ મેળવ્યો છે તેમને કાયદાના દાયરામાં લાવવામાં આવશે.

ગુજરાત રમખાણો અને બાબરી વિધ્વંસના સંદર્ભો એનસીઆરટીનાં પુસ્તકોમાંથી હઠાવાયા

બાબરી વિધ્વંશ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદે (એનસીઈઆરટી) 12મા ધોરણના રાજકીય વિજ્ઞાનના પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, હિંદુત્વની રાજનીતિ, 2002નાં ગુજરાત રમખાણો અને લધુમતી સાથે જોડાયેલા કેટલાય સંદર્ભો હઠાવી દીધા છે.

અંગ્રેજી સમાચાર પત્ર હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે પાઠ્યક્રમમાં કરેલો ફેરફાર આ શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે. એનસીઆરટીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાઠ્યક્રમમાં આવા ઘણા ફેરફારો કર્યા છે.

એનસીઈઆરટીએ આ ફેરફારોને ગુરુવારે પોતાની વેબસાઇટ પર જાહેર કર્યા હતા.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં એનસીઈઆરટીનાં પાઠ્યપુસ્તકોમાંથી ભણાવવામાં આવે છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સાથે લગભગ 30,000 શાળાઓ સંકળાયેલી છે.

સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે "ભારતીય રાજનીતિમાં વર્તમાન ઘટનાક્રમ" નામનાં ચૅપ્ટરમાંથી "અયોધ્યા વિધ્વંસ"નો સંદર્ભ હઠાવી દેવામાં આવ્યો.

અહેવાલમાં લખવામાં આવ્યું છે કે "રાજકીય મોબિલાઇઝેશન માટે રામ જન્મભૂમિ અને અયોધ્યા વિધ્વંસ (બાબરી મસ્જીદ વિધ્વંસ)નો શું વારસો છે?" આ વાક્યને બદલીને "રામ જન્મભૂમિ આંદોલનનો વારસો શું છે?" કરી દેવામાં આવ્યું.

એનસીઆરટીએ તર્ક આપ્યો છે કે આ ચૅપ્ટરમાં નવા ફેરફારો સાથે સંકલન બેસાડવા આ પ્રશ્નોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો.

આ ચૅપ્ટરમાંથી બાબરી મસ્જિદ અને હિંદુત્વની રાજનીતિનો ઉલ્લેખ પણ હઠાવી દેવામાં આવ્યો છે.

પહેલા ફકરામાં લખ્યું હતું – "કેટલીક ઘટનાઓના પરિણામ સ્વરૂપે અયોધ્યામાં ડિસેમ્બર 1992માં વિવાદીત ઢાંચાને (જેને બાબરી મસ્જિદના નામથી ઓળખવામાં આવતો હતો) તોડવામાં આવ્યો હતો." આ ઘટના દેશની રાજનીતિમાં કેટલાક બદલાવોના ફેરફારનું પ્રતીક બન્યો અને ભારતીય રાષ્ટ્રવાદ અને ધર્મનિરપેક્ષતાની પ્રકૃતિને લઈને દલીલો શરૂ થઈ ગઈ. આ સાથે જ દેશમાં ભાજપનો ઉદય થયો અને હિંદુત્વની રાજનીતિ મજબૂત બની.

હવે આ ફકરામાં ફેરફારો કરવામાં આવ્યા છે. નવો ફકરો કંઈક આ પ્રમાણે છે – "અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પર સદીઓ જૂના કાયદાકીય અને રાજકીય વિવાદે ભારતની રાજનીતિને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું જેને કારણે કેટલાય રાજકીય પરિવર્તનોનો જન્મ થયો. રામ જન્મભૂમિ મંદિર આંદોલન એક મુખ્ય મુદ્દો બની ગયો જેણે ધર્મનિરપેક્ષતા અને લોકતંત્ર વિશે ચર્ચાઓની દિશા બદલી નાખી. સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠના નિર્ણય પછી (9 નવેમ્બર 2019માં જાહેર કરેલ નિર્ણય) થયેલા આ ફેરફારોનું પરિણામ આવ્યું કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થયું."

અહેવાલ પ્રમાણે એનસીઈઆરટીનું કહેવું છે કે આ ફેરફારો રાજકારણમાં થયેલા વર્તમાન ફેરફારોની ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત લોકતાંત્રિક હક્કો નામનાં ચૅપ્ટરમાંથી ગુજરાત રમખાણોનો સંદર્ભ હઠાવી દેવામાં આવ્યો છે. આ ચૅપ્ટરમાં એક ન્યૂઝ કોલાજ હતો જેમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ હતો.

પહેલા આ ફકરામાં લખ્યું હતું – "શું તમે આ પેજ પર ન્યૂઝ કોલાજમાં રાષ્ટ્રીય માનવ અધિકારનો સંદર્ભ જોયો? આ સંદર્ભ માનવ અધિકારો પ્રત્યે વધતી જાગરૂકતા અને માનવીય ગરિમા માટે કરેલા સંઘર્ષને દર્શાવે છે. કેટલાંક ક્ષેત્રોમાં માનવ અધિકારના ઉલ્લંઘનના કેટલાક મામલાઓ સામે આવ્યા છે અને ઉદાહરણ રૂપે ગુજરાતનાં રમખાણો તરફ લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું."

હવે આ ફકરામાં ફેરફાર કરીને લખવામા આવ્યું છે – દેશભરમાં માનવ અધિકાર ઉલ્લંઘનના કેટલાક મામલાઓ તરફ લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

ગુજરાત રમખાણોનો સંદર્ભ હઠાવવા માટે એનસીઈઆરટીએ તર્ક આપ્યો છે કે ન્યૂઝ કોલાજ અને તેનો કન્ટેન્ટ એક એવી ઘટનનો ઉલ્લેખ કરે છે જે 20 વર્ષ જૂની છે અને કાયદાકીય પ્રક્રિયા થકી તેનો હલ થઈ ચૂક્યો છે.

પાઠ્યક્રમમાં કેટલીક જગ્યાએ જ્યાં મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ છે તેમાં પણ ફેરફાર કરવામા આવ્યો છે.

ચૅપ્ટર પાંચમાં "અંડરસ્ટેન્ડિંગ માર્જિનલાઇઝેશન"માં મુસ્લિમોને વિકાસના લાભોથી વંચિત રાખવા સાથે સંકળાયેલા સંદર્ભને હઠાવી દેવામાં આવ્યો છે.

પહેલા ફકરામાં લખ્યું હતું – 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, ભારતની કુલ વસ્તીમાં 14.2 ટકા લોકો મુસ્લિમ છે. આજે ભારતમાં અન્ય સમુદાયોની તુલનામાં તેઓ હાંશિયા પર રહેનારો સમુદાય છે. આ લોકો વર્ષોથી સામાજિક અને આર્થિક વિકાસના લાભોથી વંચિત છે.

આ ફકરામાં ફેરફાર કરીને કંઈક આ રીતે લખ્યું છે. – "2011ની વસ્તી ગણતરી પ્રમાણે મુસ્લિમ ભારતની વસ્તીના 14.2 ટકા છે. તેઓ સામાજિક અને આર્થિક રૂપે તુલનાત્મક રૂપે નબળા છે અને આ કારણે તેમને હાંશિયા પર રહેનાર સમુદાય માનવામાં આવે છે."

બાળકોનાં જન્મપ્રમાણપત્ર માટે માતા-પિતાએ ધર્મ જણાવવો પડશે

જન્મ પ્રમાણપત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અંગ્રેજી સમાચાર પત્ર 'ધી હિંદુ'ના એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તૈયાર કરેલા મૉડલ નિયમો પ્રમાણે, બાળકોના જન્મની નોંધણી કરતી વખતે માતા અને પિતા બન્નેનો ધર્મ અલગ-અલગ નોંધવામાં આવશે.

આ નિયમને રાજ્ય સકરાર તરફથી નોટિફાઈ કરવામાં આવશે.

પહેલાં બાળકોના જન્મની નોંધણી કરતી વખતે માત્ર પરિવારનો ધર્મ નોંધવામાં આવતો હતો. હવે બાળકોનાં જન્મપ્રમાણપત્રમાં ધર્મવાળા કૉલમનો વિસ્તાર કરવામાં આવશે, જેમાં "પિતાનો ધર્મ" અને "માતાનો ધર્મ" જણાવવો પડશે.

જો કોઈ બાળકને દત્તક લેવા માગે તો તેમણે પણ આ જ રીતે કરવું પડશે.

છેલ્લા વર્ષે 11 ઑગસ્ટે સંસદમાં જન્મ અને મૃત્યુ નોંધણી (સંશોધન) અધિનિયમ, 2023ને પસાર કરવામાં આવ્યો હતો. આ સંશોધન પ્રમાણે જન્મ અને મૃત્યુ ડેટાબેઝને રાષ્ટ્રીય સ્તરે મૅનેજ કરવામાં આવશે અને તેનો ઉપયોગ રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર) માટે કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ મતદાન સૂચિ, આધાર સંખ્યા, રાશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા અન્ય ડેટાને અપડેટ કરવા માટે પણ થઈ શકે છે.