You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્રયાન-3 : ચંદ્રની સપાટી પર અત્યાર સુધી ઇસરોને શું શું મળ્યું?
- લેેખક, જહાન્વી મૂલે
- પદ, બીબીસી સંવાદદાતા
ચંદ્રયાન-3 મિશનમાં ભારતને તેના લૅન્ડર વિક્રમને ચંદ્રની સપાટી પર ઉતારવામાં સફળતા મળી હતી, પરંતુ વાસ્તવિક કામ ત્યારપછી શરૂ થયું હતું. વૈજ્ઞાનિક પ્રયોગોનો આ તબક્કો મહત્ત્વપૂર્ણ છે.
ચંદ્રની સપાટી પર ઉતરેલા લૅન્ડર વિક્રમ અને તેમાંથી બહાર નિકળેલા રૉવર પ્રજ્ઞાને દરરોજ ત્યાં ડેટા ભેગા કરીને પૃથ્વી પર મોકલવાના હોય છે. જેનું ઇસરો દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
વૈજ્ઞાનિકોને આશા છે કે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નવી જ તસવીર બહાર આવી શકે છે જેને કારણે કેટલાક નવા સવાલો પણ ઊભા થઈ શકે છે.
તો આવો જોઈએ કે અત્યારસુધી કઈ કઈ જાણકારી મળી શકી છે અને પ્રજ્ઞાન અને વિક્રમ હાલ શું કામ કરી રહ્યા છે.
પ્રજ્ઞાન રૉવરને ચંદ્રની સપાટી પર શું મળ્યું
ચંદ્રયાન-3ના વિક્રમ લૅન્ડરે ચંદ્રની સપાટી પર તાપમાનનું પ્રથમ વૈજ્ઞાનિક અવલોકન નોંધ્યું હતું.
27 ઑગસ્ટ, 2023ના રોજ ઇસરોએ તે વિશે માહિતી આપી.
વિક્રમ લૅન્ડર પરના ચંદ્ર સરફેસ થર્મોફિઝિકલ ઍક્સપેરિમેન્ટ એટલે કે ChaSTE(ચેસ્ટ) ઉપકરણે અહીંની જમીનનું તાપમાન માપ્યું. ઉપકરણમાં ચંદ્રની સપાટીથી 10 સેમી નીચે પહોંચવાની અને તાપમાન રેકૉર્ડ કરવાની ક્ષમતા છે.
ChaSTE દ્વારા મોકલવામાં આવેલા ડેટા અનુસાર, ચંદ્રની જમીનમાં 1 સેમી નીચેનું તાપમાન 50 ડિગ્રી સૅલ્સિયસથી વધુ છે અને માત્ર 8 સેમી નીચેની જમાનમાં તાપમાન -10 ડિગ્રી સૅલ્સિયસ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો અર્થ એ કે માત્ર 8 સેમી ઊંડાઇએ તાપમાનમાં 60 ડિગ્રી સૅલ્સિયસનો તફાવત જોવા મળે છે.
દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં તાપમાનનું આ પહેલું અવલોકન છે.
ઇસરોના વૈજ્ઞાનિક બીએચએમ દારુકેશાએ સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું હતું, “જો તમે પૃથ્વીની સપાટીથી બેથી ત્રણ સેમી નીચે જાઓ છો, તો તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો તફાવત જોવા મળે છે પરંતુ ચંદ્ર પર આ તફાવત 50 ડિગ્રીથી વધુ છે. જે ખૂબ જ નોંધપાત્ર છે. ઉપકરણ આગામી દસ દિવસમાં તાપમાનમાં થતા ફેરફારોને પણ રેકૉર્ડ કરીને તેનો રિપોર્ટ આપશે.
ઇસરોને મળેલી માહિતીનું મહત્ત્વ શું છે
કેન્દ્ર સરકારની વિજ્ઞાન પ્રસાર સંસ્થામાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ટી.વી.વેંકટેશ્વરન અનુસાર ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટે ચંદ્ર પર ઑક્સિજન, સલ્ફર અને આયર્ન જેવાં તત્ત્વો ચંદ્ર પર હોવાનું જણાવ્યું છે. પ્રજ્ઞાન રૉવરે ચંદ્રની સપાટી પર માટી ખોદીને આ વાતની પુષ્ટિ કરી છે. આપણે એ ન સમજવું જોઈએ કે ચંદ્ર પર આ તત્ત્વો અલગથી રહેલાં છે. આ તત્ત્વો ચંદ્ર પર અલગઅલગ સ્વરૂપમાં રહેલાં હોઈ શકે છે.
તેઓ કહે છે કે, ઑક્સિજન ઑક્સાઇડ કે પછી અન્ય કોઈ સ્વરૂપમાં હોઈ શકે છે. એવી જ રીતે, બીજાં તત્ત્વો જેમકે સલ્ફર અને આયર્ન પણ અલગ સ્વરૂપોમાં હાજર હોઈ શકે. ઇસરો ચંદ્ર પરથી મળેલા આ ડેટાનું વિશ્લેષણ કરીને તેનાં અવલોકનો અને પરિણામો આવનારા દિવસોમાં પ્રકાશિત કરશે.
હાઇડ્રોજન ની હાજરી માટે અભ્યાસ કરવાની જરૂર છે. પ્રજ્ઞાન રૉવર આ વિશે આવનારા દિવસોમાં માહિતી મેળવી શકે છે.”
ચંદ્ર પર માનવ વસાહતોની શક્યતા છે?
અમે તેમને પૂછ્યું કે શું ચંદ્ર પર નવી શોધથી ચંદ્ર પર માનવ વસાહતો વસાવવાનું અને ચંદ્રને અંતરિક્ષમાં નવો બેઝ બનાવવાનું સપનું પૂરું થઈ શકે?
તેમણે કહ્યું કે, ચંદ્ર પર ઑક્સિજન મળી આવ્યો છે. આપણને હજુ ખબર નથી કે ત્યાં હાઇડ્રોજન છે કે નહીં. બંને હોઈ શકે પણ આપણે હજુ એ જાણતા નથી.
ઇસરોના ચંદ્રયાન-1 સ્પેસક્રાફ્ટ મુજબ ચંદ્ર પર થીજી ગયેલાં પાણીની સંભાવના છે. જો આ પુરવાર થઈ જાય તો ચંદ્ર પણ પાણીની શોધ એ ખૂબ મહત્ત્વની શોધ બનશે. તે માનવતા માટે મોટી ઉપલબ્ધિ બશે. કારણ કે પાણીમાંથી ઑક્સિજન અને હાઇડ્રોજનનો શ્વાસ લેવા માટે અને સ્પેસક્રાફ્ટ્સના ઈંધણ તરીકે ઉપયોગની સંભાવના બનેલી રહેશે. જો એક વખત આ તબક્કે વૈજ્ઞાનિકો પહોંચે તો ચંદ્ર પર સ્પેસ સ્ટેશન અને માનવ વસાહતોની સંભાવના તરફ વધી શકાય. હાલ તો આ બાબતે કંઈ કહી શકાય નહીં.”
પ્રથમ અવલોકન મળ્યું
ચંદ્રયાન-3 મિશને ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર ગંધક (સલ્ફર) મળવાની માહિતી મોકલી છે.
પ્રજ્ઞાન રૉવરે દક્ષિણ ધ્રુવ પર સલ્ફર અને ઑક્સિજન હોવાનું નોંધ્યું છે.
ઇસરોએ મંગળવારે જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર એલ્યુમિનિયમ, સલ્ફર, કૅલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મૅન્ગેનીઝ, સિલિકન અને ઑક્સિજન હોવાનું નોંધાયું છે.
હાઇડ્રોજનની ઉપસ્થિતિની તપાસ થઈ રહી છે.
આ માહિતી પ્રજ્ઞાન રૉવર પર લાગેલા લેઝર ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્રોસ્કૉપી ઉપકરણ વડે નોંધવામાં આવી છે. આ ઉપકરણ ચંદ્રની સપાટી પરથી પરાવર્તિત પ્રકાશના વર્ણપટની તપાસ લેઝર વડે કરે છે અને તેનાથી ચંદ્રની સપાટી પર રહેલા ખનીજો વિશે અંદાજ લગાવી શકાય છે.
આની પહેલાં પ્રજ્ઞાન રૉવરે પૃથ્વી પર રહેતા લોકો માટે સંદેશ મોકલ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તે અને તેનો મિત્ર વિક્રમ (લૅન્ડર) એકદમ મજામાં છે.
માંડ-માંડ બચી ગયું પ્રજ્ઞાન
27 ઑગસ્ટ, 2023ના રોજ પ્રજ્ઞાન રૉવરના માર્ગમાં ત્રણ મીટરનો ખાડો જોવા મળ્યો હતો. આ ખાડાનો વ્યાસ લગભગ ચાર મીટર જેટલો હતો.
માર્ગમાં વચ્ચે ખાડો હોવાને કારણે રૉવરને બીજા માર્ગે જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઇસરોએ માહિતી આપી હતી કે હવે પ્રજ્ઞાન તેના બીજા માર્ગે આગળ વધી રહ્યું છે.
અહીં ડાબી બાજુની તસવીરમાં, પ્રજ્ઞાન રૉવરના માર્ગમાં આવેલો ખાડો જોઈ શકાય છે જ્યારે પ્રજ્ઞાન આ માર્ગે પરત વળ્યું ત્યારે તેના ચાલવાથી બનેલા વ્હીલ ટ્રેક જમણીબાજુની તસવીરમાં જોઈ શકાય છે.
પ્રજ્ઞાનનું મિશન સૂર્યાસ્ત પહેલાં શક્ય હોય તેટલું અંતર કાપીને ચંદ્રની સપાટી પર મુસાફરી કરી તેના અવલોકનો વિક્રમ લૅન્ડરને આપવાનું છે.
પ્રજ્ઞાન રૉવરની શિવશક્તિ પૉઇન્ટ સુધીની સફર
વિક્રમ લૅન્ડર ચંદ્ર પર ઊતર્યાના થોડા કલાકો બાદ પ્રજ્ઞાન રૉવર બહાર આવ્યું. તે પછી, ઇસરોએ ચંદ્ર પર ‘શિવ શક્તિ’ પૉઇન્ટની પરિક્રમા કરી રહેલા પ્રજ્ઞાન રૉવરનો વીડિયો જારી કર્યો. ઇસરોએ જાહેરાત કરી કે ચંદ્રયાન-3 મિશનનો બીજો ઉદ્દેશ્ય પૂર્ણ થયો. ચંદ્રયાન-3 મિશનમાં ઇસરોએ ચંદ્ર પર સૉફ્ટ લૅન્ડિંગ, રૉવરનું પરિભ્રમણ અને વૈજ્ઞાનિક પ્રયોગોના ઉદ્દેશ્યો રાખ્યા હતા.
આ પહેલીવાર છે જ્યારે ઇસરોએ પૃથ્વીની બહાર કોઈ ગ્રહ અથવા ઉપગ્રહની સપાટી પર આ પ્રકારનું રૉવર લૉન્ચ કર્યું હોય. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં નિયંત્રિત ભ્રમણકક્ષા કરનાર પ્રથમ અવકાશયાન પણ બની ગયું છે.
ચંદ્ર પરની પ્રથમ તસવીર
ચંદ્રયાન-3નું વિક્રમ લૅન્ડર ચંદ્ર પર તારીખ 23 ઑગસ્ટના દિવસે ઊતર્યું હતું, ત્યાર બાદ લૅન્ડિંગ ઇમેજર કૅમેરાએ તસવીરો લીધી હતી.
આ તસવીરોમાં ચંદ્રયાન-3 જ્યાં ઊતર્યું તે જગ્યાને જોઈ શકાય છે, એટલે કે વિક્રમ લૅન્ડર જ્યાં ઊતર્યું અને વિક્રમ લૅન્ડરના પગ અને તેનો પડછાયો.
ચંદ્રના દક્ષિણ ધ્રુવનો આ વિસ્તાર ઊબડખાબડ છે અને ખડકો ધરાવતી જમીનનો છે. પરંતુ લાગે છે કે વિક્રમ લૅન્ડરે ઊતરવા માટે ચંદ્ર પર સરખામણીમાં સમતલ છે.
જોકે ચંદ્ર પરથી આવેલી પ્રથમ તસવીરથી સ્પષ્ટ થાય છે કે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળતાપૂર્વ લૅન્ડિંગનું પ્રથમ મિશન તો પૂરું થઈ ગયું છે.
પ્રોપલ્શન મૉડ્યુલ પણ સંશોધનમાં જોડાશે
ચંદ્રયાન-3 વિક્રમ લૅન્ડર પ્રોપલ્શન મૉડ્યુલમાંથી 17 ઑગસ્ટે છૂટું પડ્યું હતું.
પરંતુ પ્રોપલ્શન મૉડ્યુલ આવતા કેટલાક મહિનાઓ કે કેટલાંક વર્ષો સુધી ચંદ્રની ભ્રમણકક્ષામાં જ ફરતું રહેશે.
પ્રોપલ્શન મૉડ્યુલ પણ મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી રહ્યું છે. સ્પેક્ટ્રો-પોલરિમેટરી ઑફ હેબિટેબલ પ્લાનેટ અર્થ, શેપ નામનું આ ઉપકરણ પણ આ સ્પેસક્રાફ્ટમાં ફિટ કરવામાં આવ્યું છે.
આ ઉપકરણ પૃથ્વી પરથી પ્રકાશના પરાવર્તનને રેકર્ડ કરશે. જેનો સૂર્ય જેવા અન્ય તારાઓ ફરતે રહેલા અન્ય ગ્રહો પરથી પરાવર્તિત પ્રકાશ સાથે તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે.
તેનાથી પૃથ્વી જેવા અન્ય ગ્રહો પર જીવનની અનેક સંભાવનાઓ પર સંશોધન કરી શકાશે.