ચંદ્રયાન – 3 : માત્ર 12 દિવસમાં ચંદ્ર પર અંધારું થઈ જશે, ત્યારે પ્રજ્ઞાન અને વિક્રમનું શું થશે?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ ગત બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાના ઉપગ્રહ ચંદ્રયાન-3ને ઉતારીને ઇતિહાસ રચી દીધો છે. ઇસરોએ આ મિશન અંતર્ગત એક લૅન્ડર અને રોવરને ચંદ્રની સપાટી પર ઉતાર્યાં છે જેને અનુક્રમે વિક્રમ અને પ્રજ્ઞાન નામ અપાયાં છે.

વિક્રમ અને પ્રજ્ઞાન જુદાં-જુદાં પ્રકારનાં છ ઉપકરણોથી સજ્જ છે, જેનું કામ ચંદ્ર પર વિવિધ પ્રયોગો કરીને માહિતી મેળવવાનું છે.

પરંતુ આ કામ માત્ર આગામી 14 દિવસ સુધી ચાલુ રહી શકશે. કારણ કે વિક્રમ અને પ્રજ્ઞાનનો જીવનકાળ માત્ર આટલો જ છે.

ઇસરોએ પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે વિક્રમ અને પ્રજ્ઞાનની મિશન લાઇફ માત્ર 14 દિવસની છે. પરંતુ આવું કેમ?

વિક્રમ અને પ્રજ્ઞાનનું જીવન માત્ર 14 દિવસનું?

ઇસરોએ ચંદ્રયાન-3 સાથે ચંદ્ર પર પહોંચેલાં વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવરનું જીવન માત્ર 14 દિવસનું હોવાની વાત કરી, આ પાછળનું કારણ છે વિક્રમ અને પ્રજ્ઞાનનો ઊર્જાસ્રોત.

લૅન્ડર અને રોવર બંને સૌર ઊર્જા પર આધારિત છે. બંને પોતાનું કામ કરવા માટે સૂર્યપ્રકાશને ઊર્જામાં તબદીલ કરે છે.

જો તમે વિક્રમ લૅન્ડર અને પ્રજ્ઞાન રોવરની તસવીરો જોઈ હોય તો તેના પર લાગેલી સોલર પૅનલ પર તમારું ધ્યાન ગયું હશે.

વિક્રમ લૅન્ડર ત્રણ દિશાએથી સોલર પૅનલથી ઢંકાયેલું છે, જેથી તેને દરેક પરિસ્થિતિમાં સારો સૂર્યપ્રકાશ મળી શકે.

પરંતુ આવું આગામી 14 દિવસ સુધી શક્ય છે કારણ કે 14 દિવસની અંદર ચંદ્રનો આ ભાગ અંધારામાં ગરકાવ થઈ જશે.

કારણ કે ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 14 દિવસ જેટલો લાંબો હોય છે. ચંદ્ર પર ગત 23 ઑગસ્ટના સૂર્યોદય થયો હતો જે પાંચ-છ સપ્ટેમ્બર સુધી આથમી જશે.

એ બાદ ચંદ્ર પરના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાશે. કારણ કે ચંદ્ર પર પૃથ્વીની જેમ વાતાવરણ નથી જે પૃથ્વીને રાત્રિ દરમિયાન ગરમ રાખે છે.

આવી સ્થિતિમાં ચંદ્ર પર સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે તાપમાનમાં અત્યંત ઝડપથી ભારે ફેરફાર નોંધાય છે.

ઇસરોના પ્રમુખ ડૉ. એસ. સોમનાથે જણાવ્યું કે, “સૂર્યાસ્ત થતાં જ બધે અંધારું છવાઈ જશે. તાપમાન માઇનસ 180 ડિગ્રી સેલ્સિયસ સુધી ગબડી જશે. આવી સ્થિતમાં આ તાપમાને બધી સિસ્ટમ સુરક્ષિત જળવાઈ રહે એવું શક્ય નથી.”

શું બચવાની કોઈ આશા છે ખરી?

આ 14 દિવસ લાંબી રાત્રિ બાદ ફરી એક વાર ચંદ્ર પર સૂર્યોદય થશે.

પરંતુ શું સૂર્યનાં કિરણ ફરી એક વાર પ્રજ્ઞાન અને વિક્રમમાં નવા પ્રાણ ફૂંકી શકશે ખરાં?

ઇસરોના પ્રમુખ ડૉ. સોમનાથ પ્રમાણે આટલા તાપમાને બંને યંત્રો સુરક્ષિત જળવાઈ રહે એવી સંભાવના ખૂબ ઓછી છે.

જોકે, તેમણે એવું પણ કહ્યું કે, “જો આ સિસ્ટમ સુરક્ષિત જળવાઈ રહે તો અમે ખૂબ ખુશ થશું. જો એ ફરી વાર સક્રિય થઈ જાય તો અમે તેમની સાથે ફરી એક વાર કામ શરૂ કરી શકીશું. અને અમે આશા કરીએ છીએ કે આવું જ થાય.”

પરંતુ જો ચંદ્ર પર ફરી એક વાર સવાર થયા છતાં પ્રજ્ઞાન અને વિક્રમ સક્રિય ન થઈ શકે તો?

ઇન્ટરનેટ પર ચંદ્રયાન-3ને લગતી જાણકારી મેળવવાની કોશિશ કરી રહેલા લોકોએ એક સવાલ વાંરવાર કર્યો છે કે શું પ્રજ્ઞાન અને વિક્રમ ધરતી પર પરત ફરશે ખરાં. અને શું એ પોતાની સાથે ચંદ્રના નમૂના લઈ આવશે?

આનો જવાબ છે – ના.

વિજ્ઞાન સાથે જોડાયેલા વિષયોને ઘણા સમયથી કવર કરી રહેલા વરિષ્ઠ પત્રકાર પલ્લવ બાગલા આ વાતનો જવાબ વિસ્તારપૂર્વક આપે છે.

તેઓ કહે છે કે, “આ મિશન ચંદ્રના નમૂના એકઠા કરવા માટેનું નથી. તેના પર મોજૂદ ઉપકરણ લેઝરની મદદથી જાણકારી ભેગી કરશે, જેનું વિશ્લેષણ કરાશે. હાલ ભારત પાસે એવી તકનીક ઉપલબ્ધ નથી જેનાથી તે ચંદ્ર પર પોતાનું મિશન મોકલીને એને ત્યાંના સૅમ્પલ સાથે પરત પૃથ્વી પર લઈ આવી શકે. હાલમાં જ ચીને આ કામ અત્યંત સફળ રીતે કરી બતાવ્યું છે. આ પહેલાં અમેરિકા અને રશિયા પણ આવું કરી ચૂક્યાં છે.”

ચંદ્ર પર ઊલટી ગણતરી શરૂ

આવી સ્થિતિમાં ચંદ્ર પર પહોંચતાંની સાથે જ પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લૅન્ડરની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ છે.

પરંતુ આટલા ઓછા સમયમાં આ બંને ચંદ્ર પરથી જાણકારી કેવી રીતે મોકલી શકશે?

પલ્લવ બાગલા આ વિશે કહે છે કે, “ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચ્યા બાદ મારી ઇસરોના પ્રમુખ ડૉ. એસ. સોમનાથ સાથે વાત થઈ છે. તેમણે જણાવ્યું કે આ 14 દિવસમાં ચંદ્ર પર જે કામ થવાનું હતું, એ શરૂ થઈ ગયું છે. થોડા સમયમાં જ તેની તસવીરો આવવાનું પણ શરૂ થઈ જશે.”

ઇસરો તરફથી સતત વિક્રમ લૅન્ડર દ્વારા ખેંચાયેલી તસવીરો મોકલવાનું ચાલુ છે. આ સાથે જ એક વીડિયો પણ જાહેર કરાયો છે.

આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં પ્રજ્ઞાન રોવર વિક્રમ લૅન્ડરમાંથી બહાર નીકળતું દેખાઈ રહ્યું છે.

પરંતુ તસવીરો લેવા સિવાય આ ઉપકરણ ચંદ્ર પર શું કરશે?

આગામી 14 દિવસમાં શું થશે?

14 પૈકી બે દિવસ થઈ ચૂક્યા છે. અને હવે માત્ર 12 દિવસ જ બાકી છે. ગત બે દિવસમાં આ ઉપકરણોનું પરીક્ષણ કરાયું છે.

ઇસરો તરફથી સતત આવી રહેલ અપડેટમાં જણાવાયું છે કે તમામ સિસ્ટમો બરાબર છે.

બાગલા જણાવે છે કે, “ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ પહેલા બધાં ઉપકરણોની તપાસ થાય છે. ચકાસણી થાય છે કે એ સારી રીતે કામ કરી રહ્યાં છે કે નહીં, એકબીજા સાથે સંવાદ સ્થાપિત કરવામાં સક્ષમ છે કે નહીં. ત્યારબાદ એ વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ થશે. લૅન્ડર વિક્રમ તરફથી કામ શરૂ થઈ ચૂક્યું છે. કારણ કે ઇસરો પાસે વધુ સમય નથી. માત્ર 14 દિવસનો સમય છે, જેમાં તમામ વૈજ્ઞાનિક પ્રયોગો પૂરા કરવાના છે.”

તેઓ કહે છે કે, “ચંદ્ર પર હાલ દિવસ છે અને સૂર્ય જોઈ શકાય છે. આ ઉપકરણ સોલર પાવર આધારિત હોવાને કારણે, સૂર્યાસ્ત સાથે જ એ કામ કરવાનું બંધ કરી દેશે. તેમની બૅટરીઓ નિષ્પ્રાણ બની જશે. આવી સ્થિતિમાં ઇસરોએ તરત એ દિશામાં કામ શરૂ કરી દીધું છે.”

નાસા પ્રમાણે, ચંદ્રનો દક્ષિણ ધ્રુવ એક રહસ્યમય જગ્યા છે જ્યાં કામ કરવું અત્યંત જટિલ છે.

આવી સ્થિતિમાં શું પ્રજ્ઞાને આવનારા દિવસોમાં કોઈ પડકારોનો સામનો કરવો પડશે ખરો?

બાગલા જણાવે છે કે, “ઇસરો તરફથી એક તસવીર જાહેર કરાઈ છે જેમાં વિક્રમનો એક પગ દેખાઈ રહ્યો છે જે તૂટ્યો નથી. અને અન્ય પગ પણ સુરક્ષિત છે. આ સાથે જ જમીન દેખાઈ રહી છે, જે ઘણી સપાટ લાગી રહી છે. આ અત્યંત ખુશીની વાત છે, કારણ કે હવે રોવર પોતાનું કામ સારી રીતે કરી શકશે.”

છ પૈડાંવાળા આ રોવરનું વજન માત્ર 26 કિલોગ્રામ છે, જે અત્યંત ધીમી ગતિએ ચાલે છે.

પરંતુ ચંદ્રની સપાટી પર ચાલતાંચાલતાં પ્રજ્ઞાન રોવર આગામી બે અઠવાડિયાંમાં શું કરશે?

બાગલા કહે છે કે, “પ્રજ્ઞાન ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીન પર ચાલશે જ્યાં અત્યાર સુધી વિશ્વના કોઈ દેશનું ઉપકરણ ચાલ્યું નથી. આવી સ્થિતિમાં તેની તરફથી જે પણ ડેટા મોકલાશે એ અત્યંત ખાસ અને નવી જાણકારી હશે.”

“એ ચંદ્રની સપાટીની રાસાયણિક સંરચના વિશે જણાવશે કે ચંદ્રની જમીનમાં કયાં તત્ત્વોની હાજરી છે. અને ચંદ્રનો આખો ભૂગોળ સમાન નહીં હોય. અત્યાર સુધી ચંદ્રના જે પણ ટુકડા આવ્યા છે, એ ચંદ્રની ભૂમધ્યરેખાવાળા ક્ષેત્રથી આવ્યા છે. આવી સ્થિતિમાં આ મિશનથી જે પણ ડેટા આવશે, એ નવીન હશે.”

આ કામ રોવર પર મોજૂદ એલઆઈબીએસ એટલે કે લેઝર ઇડ્યૂસ્ટ બ્રેકડાઉન સ્પૅક્ટ્રોસ્કોપ કરશે.

આ એક અત્યાધુનિક યંત્ર છે, જેનો ઉપયોગ એક સ્થળ પર રહેલાં તત્ત્વો અને તેમના ગુણોની ઓળખ કરવા માટે થાય છે.

આ ઉપકરણ ચંદ્રની સપાટી પર તીવ્ર લેઝર ફાયર કરશે, તેના કારણે સપાટીની માટી તરત ઓગળી જઈને પ્રકાશ ઉત્સર્જિત કરશે.

તેની તરંગલંબાઈનું વિશ્લેષણ કરીને એલઆઈબીએસ સપાટી પર રહેલાં રાસાયણિક તત્ત્વો અને સામગ્રીઓની ઓળખ કરશે.