એ નવા રિપોર્ટમાં શું છે જેને કારણે અદાણી જૂથને એક જ દિવસમાં 35,000 કરોડનું નુકસાન થયું

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે અમેરિકી શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રીસર્ચે અદાણી જૂથ પર શેરોમાં ગડબડીનો આરોપ લગાવ્યો ત્યારે તેના માલિક ગૌતમ અદાણી દુનિયાની ત્રીજી સૌથી અમીર વ્યક્તિ હતા.

પરંતુ આ રિપોર્ટ આવતા જ તેમની સંપત્તિ 120 અબજ ડૉલરથી ઘટીને 39.9 અબજ ડૉલર થઈ ગઈ હતી.

એટલે કે તેની સંપત્તિ રાતોરાત ઘટીને ત્રીજા ભાગની રહી ગઈ હતી. હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર તેની કંપનીઓના શેરના ભાવમાં ચેડાં કરવાનો અને ટેક્સ હેવન દેશોના માધ્યમથી છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો હતો.

જોકે, ત્યારથી લઈને અત્યાર સુધી અદાણી ગ્રૂપની કેટલીક કંપનીઓના શેરમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી. પરંતુ 31 ઑગસ્ટે બ્રિટિશ અખબારો 'ધ ગાર્ડિયન' અને 'ફાઇનાન્શિયલ ટાઇમ્સ' દ્વારા OCCRPના દસ્તાવેજોના આધારે પ્રકાશિત થયેલા અહેવાલે ફરી એકવાર અદાણી જૂથને મુશ્કેલીમાં મૂકી દીધું છે.

આ રિપોર્ટ આવ્યા પછી અદાણી જૂથની કંપનીઓએ શેરબજારમાં 35200 કરોડ રૂપિયા ગુમાવી દીધા છે.

મીડિયામાં પ્રકાશિત ઑર્ગેનાઇઝ્ડ ક્રાઈમ ઍન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) દસ્તાવેજોમાં શું છે?

‘ધ ગાર્ડિયન’ અને ‘ફાઇનાન્શિયલ ટાઈમ્સે’ OCCRP દસ્તાવેજોના આધારે અહેવાલ આપ્યો છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે ટેક્સ હેવન કન્ટ્રી મોરેશિયસના બે ફંડ - ઇમર્જિંગ ઈન્ડિયા ફોકસ ફંડ (EIFF) અને ઇએમ રિસર્જન્ટ ફંડ (EMRF) એ 2013 અને 2018 ની વચ્ચે અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં નાણાં રોક્યા હતા અને તેમના શેર ખરીદ્યા અને વેચ્યા હતા.

આ બે ફંડ્સ દ્વારા યુએઈના રોકાણકાર નાસિર અલી શબાના અહલી અને તાઈવાનના રોકાણકાર ચાંગ ચુંગ લેઉંગે આ કંપનીઓમાં નાણાંનું રોકાણ કર્યું હતું.

આ પૈસા બર્મુડાના ઇન્વેસ્ટમેન્ટ ફંડ ગ્લોબલ ઑપર્ચ્યુનિટીઝ દ્વારા લાવવામાં આવ્યા હતા. 2017માં નાસિર અલી અને ચાંગ ચુંગ લેઉંગનું આ રોકાણ લગભગ 43 કરોડ ડૉલર હતું. હાલમાં તેની કિંમત રૂ. 3550 કરોડ છે.

જાન્યુઆરી 2017માં આ બે રોકાણકારોનો અદાણી ઍન્ટરપ્રાઇઝ, અદાણી પાવર અને અદાણી ટ્રાન્સમિશનમાં અનુક્રમે 3.4, 4 અને 3.6 ટકા હિસ્સો હતો.

ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી પર શું છે આરોપો?

ઓસીસીઆરપીના દસ્તાવેજો અનુસાર ગૌતમ અદાણીના ભાઈ અને અદાણી પ્રમોટર ગ્રૂપના સદસ્ય વિનોદ અદાણીની યુએઈ સ્થિત ગુપ્ત કંપનીઓ એક્સેલ ઇન્વેસ્ટમેન્ટ અને એડવાઇઝરી સર્વિસીઝ લિમિટેડને ઇઆઈએફએફ, ઇએમઆરએફ અને જીઓએફ તરફથી જૂન 2012થી ઑગસ્ટ 2014 વચ્ચે 14 લાખ ડૉલર આપવામાં આવ્યા.

ઓસીસીઆરપીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇઆઈએફએફ, ઇએમઆરએફ અને જીઓએફ વિનોદ અદાણીના કહેવા પર અદાણી ગ્રૂપની કંપનીઓમાં નાણાંનું રોકાણ કરી રહ્યા હતા.

આનો અર્થ એ થયો ઇઆઈએફએફ, ઇએમઆરએફ અને જીઓએફ જેવી શેલ કંપનીઓ હતી જેના દ્વારા વિનોદ અદાણીએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં જંગી નાણાંનું રોકાણ કર્યું હતું. તેના કારણે કંપનીની નાણાકીય સ્થિતિ કોઈ વાસ્તવિક વ્યવસાયના આધારે નહીં પરંતુ આ ફંડના આધારે ખૂબ જ સારી દેખાઈ રહી હતી.

તેના કારણે શેરબજારમાં કંપનીની સ્થિતિ ઘણી સારી દેખાઈ રહી હતી. તેથી આ જૂથની કંપનીઓ તરફ રોકાણકારોનું વલણ ઘણું વધી ગયું હતું. કંપનીનો કારોબાર એટલો સારો નહોતો જેટલો શેરબજારમાં તેના શેરના દેખાવ પરથી લાગતો હતો.

હકીકતમાં વિનોદ અદાણીના કહેવા પર નાસિર અલી અને ચાંગ ચુંગ લેઉંગના ફંડોએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં નાણાં રોક્યા હતા. આ સાથે પ્રમોટર જૂથ (જેમાં વિનોદ અદાણી સભ્ય હતા) અદાણી ગ્રૂપ એ તેની કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટ્રાન્સમિશનમાં 78 ટકા (જાન્યુઆરી 2017) કરતાં વધુ હિસ્સો ધરાવે છે.

આ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19-Aનું ઉલ્લંઘન હતું, જેના પ્રમાણે સ્ટૉક ઍક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓ દ્વારા 25 ટકા જાહેર હોલ્ડિંગ ફરજિયાત છે.

નિયમ 19-એ શું છે?

સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19-Aને 4 જૂન 2010ના રોજ એક સંશોધન દ્વારા લાવવામાં આવ્યો હતો. તેના પ્રમાણે શેરબજારમાં સૂચીબધ્ધ દરેક કંપનીને 25 ટકા પબ્લિક શેર હોલ્ડિંગના નિયમનું પાલન કરવું પડશે. એટલે કે પોતાના 25 ટકા શેર સામાન્ય ઇન્વેસ્ટરો માટે રાખવા પડશે.

આ ભાગીદારીમાં પ્રમોટર કે પ્રમોટર ગ્રૂપમાં સામેલ વ્યક્તિમાં પતિ-પત્ની, માતા-પિતા, ભાઈ-બહેન કે સંતાનો સિવાય ગ્રૂપની સબસીડરી કંપનીઓ અને એસોસિએટ કંપનીઓની કોઈ ભાગીદારી ન હોય.

કંપનીના શેરોની પ્રાઇસ ડિસ્કવરી એટલે કે શેરોની કિંમતોના નિર્ધારણમાં એ અગત્યનું છે. આ નિયમનું ઉલ્લંઘન સૂચવે છે કે શેરના ભાવમાં કૃત્રિમ રીતે હેરાફેરી કરવામાં આવી છે. તેનાથી ઇન્સાઇડર ટ્રેડિંગના સંકેતો પણ આપે છે. જેના કારણે શેરબજારની વિશ્વસનીયતાને પણ અસર થાય છે.

ઓસીસીઆરપીની વેબસાઈટ પર આ મામલાને લગતા રિપોર્ટમાં ભારતીય શેરબજારના નિષ્ણાત અને પારદર્શિતાના આંદોલનકારી અરુણ અગ્રવાલ સાથે વાત કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે કંપની માટે 75 શેર હોવા એ ગેરકાયદેસર નથી પરંતુ આમ કરવાથી તે માર્કેટમાં શેરની કૃત્રિમ અછત ઊભી કરે છે. આ સાથે જ કંપની તેના શેરની કિંમતમાં વધારો કરી લે છે.

જેમ જેમ શેરની કિંમત વધે છે તેમ તેમ માર્કેટ કેપિટલાઇઝેશન (બજારમાં હાજર શેરોને તેમની કિંમતો દ્વારા ગુણાકાર કરીને મેળવવામાં આવેલું મૂલ્ય) પણ વધે છે. તેનો અર્થ એ છે કે કંપની શેરના ભાવમાં છેડછાડ દ્વારા તેની સંપત્તિમાં વધારો કરે છે.

અદાણી સમૂહે આ રિપોર્ટ પર શું કહ્યું?

અદાણી ગ્રૂપે આ રિપોર્ટને એ કહીને ફગાવી દીધો છે કે આ રિ-સાઇકલ્ડ છે. એટલે કે જૂના રિપોર્ટને નવી શૈલીમાં રજૂ કરાયો છે.

એમાં કહેવામાં આવ્યું છે કે આ દિગ્ગજ રોકાણકાર જ્યોર્જ સોરોસ સંબંધિત લોકો તરફથી તોડી-મરોડીને રજૂ કરાયેલો રિપોર્ટ છે. તેને વિદેશી મીડિયાના એક વર્ગનું સમર્થન પણ મળેલું છે.

ગ્રૂપે કહ્યું કે પત્રકારોએ જે મોરેશિયસના ફંડનું નામ લીધું છે તે પહેલાં જ હિંડનબર્ગ રિપોર્ટમાં આવી ચૂક્યો છે. અદાણી ગ્રૂપ પર લાગેલા આરોપ તદ્દન પાયાવિહોણા છે.

તેમાં હિંડનબર્ગના આરોપોનું જ પુનરાવર્તન કરાયું છે. મીડિયામાં આવેલા નિવેદનમાં અદાણી ગ્રૂપે કહ્યું કે તેની કંપનીઓ પબ્લિક શૅરહોલ્ડિંગ સંબંધિત નિયમનના નિયમોનું પાલન કરી રહી છે.

ગ્રૂપે કહ્યું કે આ સોરોસ સમર્થિત સંગઠનોની હરકત લાગી રહી છે. વિદેશી મીડિયાનો એક વર્ગ પણ એને ઉછાળી રહ્યો છે જેથી હિંડનબર્ગ રિપોર્ટની ચર્ચા એક વાર ફરીથી ઊભી કરી શકાય. સમૂહે કહ્યું કે આ દાવાઓ એક દાયકા પહેલાં બંધ થયેલા મામલાઓ પર આધારિત છે.

કંપનીએ કહ્યું કે ત્યારે ડીઆરઆઈએ ઓવર ઇનવોઇસિંગ, વિદેશોમાં ફંડ ટ્રાન્સફર કરવા, રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન અને એફપીઆઈ મારફતે રોકાણના આરોપોની તપાસ કરી હતી. એક સ્વતંત્ર એડ્જુડિકેટિંગ ઑથોરિટી અને એક ઍપિલેટ ટ્રિબ્યૂનલે આ વાતની પુષ્ટિ કરી હતી કે કોઈ ઓવર-વેલ્યૂએશન નહીં હતા અને નાણાકીય વ્યવહારો કાયદેસર જ હતા.

માર્ચ-2023માં સુપ્રીમ કોર્ટે અમારા પક્ષમાં નિર્ણય આપ્યો હતો. આથી આ આરોપોનો કોઈ આધાર નથી.

ફાયનાન્સિયલ ટાઇન્સના રિપોર્ટમાં સેબીની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે જે સમયે અદાણી ગ્ર્રૂપમાં કથિતરીતે ગેરકાયદેસર ફંડિગ કરાઈ એ સમયે માર્કેટકના રેગ્યુલેટર સેબીના ચીફ યૂ. સી. સિન્હા હતા.

આ વર્ષે માર્ચ મહિનામાં તેમણે અદાણી સમૂહના મીડિયા વેન્ચર એનડીટીવીની નૉન-ઍક્ઝિક્યૂટિવ ચૅરમૅન બનાવ્યા હતા. જોકે ઇન્ડિયન એક્સપ્રેસે જ્યારે યૂ.સી.સિન્હા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમનું નામ રિપોર્ટમાં નથી.

અલબત્ત કૉંગ્રેસ નેતા રાહુલ ગંધીએ આ મુદ્દે સરકારને ઘેરતા કહ્યું, “2014માં અદાણી ગ્રૂપ વિરુદ્ધ તપાસ થઈ. તેમાં સેબીને પુરાવા આપવામાં આવ્યા અને સેબીએ અદાણીને ક્લિનચીટ આપી. જેમાં જેન્ટલમૅને અદાણીને ક્લીનચિટ આપી અને તેમને હવે એનડીટીવીના ડાયરેક્ટર બનાવ્યા છે. આથી એ સ્પષ્ટ છે કે કંઈક અત્યંત ખોટું થયું છે.”

ઓસીસીઆરપી શું છે?

ઓસીસીઆરપી ઇન્વેસ્ટિગેટિવ પત્રકારોનું સંગઠન છે. તેની સ્થાપના 2006માં થઈ હતી. શરૂઆતમાં તેને યુનાઇટેડ નેશન્સ ડૅમૉક્રેસી ફંડે ભંડોળ આપ્યું હતું.

આ નેટવર્કની પહેલી કચેરી સારાયેવોમાં ખોલવામાં આવી હતી. ઓસીસીઆરપીમાં શરૂઆતમાં 6 પત્રકારો હતા પરંતુ હવે 30 દેશોમાં તેના 150થી વધુ પત્રકારો કામ કરે છે.

તેનો ઉદ્દેશ્ય પત્રકારોના એક ગ્લોબલ નેટવર્ટ બનાવવાનો છે અને જે સરળતાથી પરસ્પર જાણકારી અને માહિતીઓ શૅર કરે જેથી ભ્રષ્ટાચાર અને અપરાધના ગ્લોબલ નેટવર્કને સારી રીતે સમજીને એનો પર્દાફાશ કરી શકાય.

આસીસીઆરપીએ અત્યાર સુધી અપરાધ અને ભ્રષ્ટાચારના 398 મામલાની પડતાલ કરી છે. એના કારણે 621 ધરપકડો અને સજા થઈ ચૂકી છે. 131 લોકોએ પોતાના પદ પરથી રાજીનામા આપવા પડ્યા છે અને 10 અરબ ડૉલર્સથી વધુ દંડ લાદવામાં આવ્યો છે અથવા એટલી રકમ રિકવર થઈ શકી છે.

જ્યૉર્જ સોરોસનો ઓસીસીઆરપી સાથે સંબંધ શું છે?

ઓસીસીઆરપીને દુનિયાનાં કેટલાંક મોટાં સંગઠનો નાણાકીય મદદ આપે છે. જ્યૉર્જ સોરોસની ઑપન સોસાયટી ફાઉન્ડેશન પણ તેને આર્થિક મદદ કરે છે.

ઑપન સોસાયટી ફાઉન્ડેશન વિશ્વના 120 દેશોમાં કામ કરે છે. તેને 1984માં બનાવવામાં આવ્યું હતું. જ્યારે અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો ત્યારે જ્યૉર્જ સોરોસે કહ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિદેશી રોકાણકારો અને દેશની સંસદના સવાલોનો જવાબ આપવો પડશે.

જ્યૉર્જ સોરોસ હંગેરી મૂળના અમેરિકી કારોબારી અને પરોપકારી છે. 2021માં તેમની કુલ સંપત્તિ 8.6 અરબ ડૉલર હતી. તમણે 32 અરબ ડૉલર્સની પોતાની સંપત્તિ ઑપન સોસાયટી ફાઉન્ડેશનને આપી દીધી હતી. તમાં 15 અરબ ડૉલર વહેચવામાં આવ્યા છે.

ઑપન સોસાયટી ફાઉન્ડેશનની વેબસાઇટ અનુસાર આ એક એવા જીવંત અને સમાવેશી લોકતંત્ર માટે કામ કરે છે જેમાં સરકારે પોતાના લોકો જવાબદાર હોય.

હિંડનબર્ગ મામલામાં હજુ સુધી શું શું થયું?

25 જાન્યુઆરીના રોજ અમેરિકી શૉર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગે એક રિપોર્ટ જાહેર કર્યો જેમાં અદાણી ગ્રૂપ પર શૅરના ભાવોમાં ગડબડી કરવાનો અને ટૅક્સ હૅવનનો ખોટો ઉપયોગ કરવાના આરોપ લાગ્યા હતા.

તેમાં કંપની પર ખૂબ જ મોટું દેવું હોવાનો પણ ઉલ્લેખ છે. અદાણી ગ્રૂપે એનું ખંડન કર્યું. પરંતુ ત્યાર બાદ કંપનીની સંપત્તિમાં ખૂબ જ ઘટાડો આવ્યો અને ગ્રૂપના ચૅરમૅન ગૌતમ અદાણીની સંપત્તિ 120 અરબ ડૉલર્સથી ઘટીને 39.9 અરબ ડૉલર્સ રહી ગઈ હતી.

હાલ આ મામલામાં સુપ્રીમ કોર્ટની તપાસ ચાલી રહી છે. જોકે આ મામલાની તપાસ માટે બનેલી ઍક્સપર્ટ કમિટીએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તપાસમાં અદાણી ગ્રૂપની ઉણપ સામે નહીં આવી. પરંતુ હિંડનબર્ગ રિપોર્ટ પહેલા કેટલીક સંસ્થાઓએ અદાણી ગ્રૂપના શૅરની શૉર્ટ પૉઝિશન લઈ લીધી હતી એટલે શૅર ગગડતા નફો કમાયો.

સેબીએ આ મામલામાં 25 ઑગસ્ટના રોજ રિપોર્ટ દાખલ કરી. સેબીએ જણાવ્યું કે તેણે કુલ 24 પરિબળોની તપાસ કરી. તમાં 22ની તપાસ પૂરી થઈ ચૂકી છે. બે તપાસની રિપોર્ટ વચગાળાની છે. સેબીએ જણાવ્યું કે તે પોતાની તપાસમાં સામે આવેલા તથ્યોના આધાર પર આગળની કાર્યવાહી કરશે.

સેબીની વિસ્તૃત તપાસ રિપોર્ટ હજુ સામે નથી આવી શક્યો. 24 મામલાની તપાસ દરમિયાન તેણે કેવાં પગલાં લીધાં, તપાસમાં શું મળ્યું, એની જાણકારી હાલ નથી જોવા મળી.