અદાણી જૂથની એ કોલસાની ખાણ જેનો 'છત્તીસગઢનાં ફેફસાં' ગણાતા જંગલમાં વિરોધ થઈ રહ્યો છે

    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી ન્યૂઝ, છત્તીસગઢ

ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના વેપારી જૂથ દ્વારા મધ્ય ભારતના જંગલના વિકસાવવામાં આવી રહેલી કોલસાની ખાણનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે.

વનવાસી આદિવાસીઓ અદાણી જૂથ દ્વારા વિકસાવવામાં આવનારી કોલસાની નવી ખાણનો એક વર્ષથી વિરોધ કરી રહ્યા છે.

હાઈ-પ્રોફાઇલ રાજકારણીઓ અને સેલિબ્રિટી કર્મશીલો તરફથી તેમને તાજેતરમાં સમર્થન મળ્યું છે, પરંતુ એકલવીર વિરુદ્ધ શક્તિશાળી સેનાના આ યુદ્ધમાં આદિવાસીઓ માટે વિજય મેળવવાનું મુશ્કેલ હશે.

છત્તીસગઢ રાજ્યનું હરિહરપુર ગામ બે વિસંગત વિશ્વના છેડે ઊભું છે. તેની પૂર્વમાં અદાણી જૂથ દ્વારા સંચાલિત પારસા ઇસ્ટ કેટે બાસન (પીઈકેબી) ઓપન કાસ્ટ કોલસાની ખાણ દૂર સુધી ફેલાયેલી છે. આ ખાણ લગભગ એક દાયકા જૂની છે.

થોડાં છૂટાછવાયાં ઘરવાળા એક નાનકડા ગામની બીજી બાજુ વિશાળ હસદેવ જંગલ પથરાયેલું છે. તેની નીચે પાવર ગ્રેડના અબજો ટન કોલસાનો ભંડાર આવેલો છે.

આ વન મધ્ય ભારતના ગાઢ જંગલની જમીનનો સૌથી મોટો વિસ્તાર હોવાનું કહેવાય છે.

તે 1,70,000 ચોરસ કિલોમીટર અથવા 65.6 ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલું છે. તેને ‘છત્તીસગઢના ફેફસાં’ પણ કહેવામાં આવે છે.

અહીં પ્રસ્તાવિત લેમરુ એલિફન્ટ રિઝર્વ પણ આકાર પામવાનું છે.

અહીંના આદિવાસી ગ્રામજનો કોલસાની પ્રસ્તાવિત ખાણ શરૂ કરવાનો વિરોધ એક દાયકાથી વધુ સમયથી કરી રહ્યા હતા.

જોરદાર વિરોધ અને વન-પર્યાવરણ પર નકારાત્મક અસર થવાની ચેતવણી સરકારની પોતાની ફૉરેસ્ટ રિસર્ચ એજન્સીએ આપી હોવા છતાં આ પ્રોજેક્ટ માટે ગયા વર્ષે અંતિમ મંજૂરી આપવામાં આવી હતી.

તેના અનુસંધાને 2022ની બીજી માર્ચથી અનિશ્ચિત કાળનું આંદોલન શરૂ થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની અદાણી જૂથની તરફેણ કરવા બદલ કોંગ્રેસ પાર્ટી વારંવાર ઝાટકણી કાઢતી હોવા છતાં રસપ્રદ વાત એ છે કે છત્તીસગઢની કોંગ્રેસના વડપણ હેઠળની રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

વધતો પ્રતિકાર

હરિહરપુરા તરફના માર્ગ પર એક બાજુએ તાણવામાં આવેલો તંબુ છેલ્લા એક વર્ષથી આ આદિવાસી આંદોલનનું કેન્દ્ર બનેલો છે.

ફતેહપુર, ઘાટબારા અને સાલ્હી જેવા નજીકના ગામડાના રહેવાસીઓ અહીં રોજ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરે છે.

સપ્તાહમાં એકવાર હજારો લોકો અહીં એકઠા થાય છે અને અદાણીને “પાછા જાઓ” વિનંતી કરતા સૂત્રોચ્ચાર કરે છે.

હસદેવ અરંદ બચાઓ સંઘર્ષ સમિતિ પ્રતિકાર જૂથના એક સભ્ય મુનેશ્વર સિંહ પોર્ટેએ બીબીસીને કહ્યું હતું કે,"અધિકારીઓએ ગ્રામ પંચાયતની બેઠકના બનાવટી દસ્તાવેજો સુપરત કરીને અમારી જમીન ગેરકાયદે હસ્તગત કરી છે. અમે જમીન સંપાદન માટે ક્યારેય સંમતિ આપી ન હતી."

છત્તીસગઢ સરકારે બીબીસીના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો, પરંતુ અદાણી જૂથે આ આરોપોને નકારી કાઢતાં જણાવ્યુ હતું કે, "કાયદાનું સંપૂર્ણ પાલન કરીને" આ કાર્યવાહી કરવામાં આવી છે.

અદાણી જૂથે જણાવ્યું હતું કે, "રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ કડક કાયદાકીય અને નિયમનકારી માળખા મુજબ જમીન સંપાદન તથા લોકોના પુનર્વસનની કામગીરી કરે છે તેમજ તેણે ગ્રામજનોની સંમતિ મેળવવાની પ્રક્રિયા યોગ્ય રીતે કરી છે." (આ પ્રોજેક્ટમાં 74 ટકા હિસ્સા સાથે અદાણી જૂથ ખાણ વિકાસકર્તા અને ઑપરેટર તરીકેની ભૂમિકામાં છે)

જોકે, અમે જે ગામોનો પ્રવાસ કર્યો ત્યાં વિરોધ કરી રહેલા આદિવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે હસદેવ અરંદ જેવા અંતરિયાળ, આદિવાસી વિસ્તારોમાં કાયદા મુજબ ગ્રામ સભા અને ગ્રામ પરિષદના મંતવ્યને ધ્યાનમાં લેવાં અનિવાર્ય છે, પરંતુ તેનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અથવા તો તેને ધ્યાનમાં જ લેવામાં આવ્યા ન હતા.

કમસેકમ ત્રણ ગામના લોકોએ આ ઉલ્લંઘન બાબતે તપાસની માગણી કરતી અરજી જિલ્લા વહીવટીતંત્રને કરી છે. બીબીસીએ તે અરજીઓ મેળવી છે, જે આ પ્રોજેક્ટને આપવામાં આવેલી જમીન તથા પર્યાવરણીય મંજૂરી સામે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અપીલનો એક ભાગ છે.

રામલાલ કાર્યમ નામના એક વિરોધ પ્રદર્શનકર્તાએ કહ્યું હતું કે “આ જંગલમાં અમારા દેવતાઓનો નિવાસ છે. અમે મૂર્તિપૂજા નથી કરતા. ખાણકામ અમારી પ્રાચીન પરંપરા તથા જીવનશૈલીનો નાશ કરશે.” આ ખાણકામ રોકવાની માગણી સાથે રામલાલ અને અન્ય કેટલાક લોકોએ 2021માં રાજ્યની રાજધાની રાયપુર સુધી 300 કિલોમીટર પગપાળા કૂચ કરી હતી.

વધતા મતભેદ

આ બધા પુરાવા કેમેરા પર મેળવવાનું આસાન નથી. વિરોધ વધી રહ્યો છે તેમ આ જંગલ એક સર્વેલન્સ ઝોન બની ગયું છે.

આ જંગલમાં બે દિવસના પ્રવાસ દરમિયાન કેટલાક લોકો બાઈક્સ અને એસયુવીમાં અમારો પીછો કરતા રહ્યા હતા. અમે ઘાટબારા ગામમાં પ્રવેશીને ગામના વડા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક લોકોએ અમારું વાહન તોડી નાખવાની ધમકી આપી હતી.

એ લોકો આદિવાસી યુવાનો હતા અને તેઓ ખાણના વિકાસની તરફેણમાં છે. તેઓ લઘુમતીમાં હોવા છતાં તેમનો પ્રભાવ વધતો હોય એવું લાગે છે.

ફતેહપુર ગામના રહેવાસી કેશવ સિંહ પોર્ટેએ કહ્યું હતું કે “પ્રગતિ કરવી હોય તો થોડો વિનાશ જરૂરી છે.” કેશવ સિંહ એ વ્યક્તિ છે, જેમણે અમે ઘાટબારા જતા હતા ત્યારે સાંકડા રસ્તા પર બે અન્ય લોકો સાથે અમારી કારને બે ચક્કર માર્યાં હતાં.

સંતુલિત વિરોધની જરૂરિયાત હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે "વન પેદાશો કરતાં અમારી આકાંક્ષા મોટી છે."

અમે બીજા ગામમાં જવાનો પ્રયાસ કરતા હતા ત્યારે ચંદ્રકુમાર અને તેના ભાઈએ અમારી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

ચંદ્રકુમારે સ્વીકાર્યું હતું કે તેઓ અદાણી જૂથની વર્તમાન ખાણમાં ટેક્નિશિયન તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યુ હતું કે "કંપનીએ ગામડાઓમાં શાળા, પાણી અને આરોગ્યની સુવિધાઓ સહિતનો ઘણો હકારાત્મક વિકાસ કર્યો છે."

અદાણી જૂથે બીબીસીને જણાવ્યું હતું કે તેમણે સ્થાનિક લોકોના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પહેલ કરી છે. તેમાં આશરે 800 બાળકો માટેની એક શાળા, 4,000થી વધારે યુવાનોને વ્યાવસાયિક પ્રવૃત્તિની તાલીમ અને સ્થાનિક મોબાઈલ ક્લિનિક્સના સંચાલનનો સમાવેશ થાય છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે "પીઈકેબી ખાણ રાજસ્થાન વિદ્યુત નિગમની ઇંધણની જરૂરિયાત સંતોષવાનું કામ 2013થી કરી રહી છે. આ ખાણને લીધે જિલ્લામાં રોજગારના પ્રત્યક્ષ તથા પરોક્ષ 15,000થી વધુ તક સર્જાઈ છે અને આ કામ સ્થાનિક લોકોને મજબૂત ટેકા વિના શક્ય ન હતું."

જોકે, કેટલાક ગ્રામજનો અને કર્મશીલો એવો આક્ષેપ કરે છે કે સમુદાય સાથેનો સકારાત્મક સંબંધ, તેમને વિરોધ પ્રદર્શન બંધ કરવા માટે સમજાવવાની અદાણી જૂથની તરકીબ છે.

તેમણે દાવો કર્યો હતો કે અમારી પ્રવૃત્તિ પર નજર રાખવા માટે અને આંદોલનને અંકુશ બહાર જતું અટકાવવા માટે કંપનીએ વન વિસ્તારમાંના દરેક ગામમાંથી યુવાનોની ભરતી કરી છે.

પ્રવાહ પલટાઈ રહ્યો છે

ગયા વર્ષે થોડા સમય માટે એવું લાગ્યું હતું કે આદિવાસીઓનો અવાજ દૂર સુધી સંભળાઈ રહ્યો છે.

દેશના અગ્રણી રાજકારણીઓ પૈકીના એક રાહુલ ગાંધીએ રાજ્યમાં ખાણકામની પરવાનગી આપવાના પોતાના પક્ષના નિર્ણય સાથે ખુલ્લેઆમ અસંમતિ વ્યક્ત કરી હતી.

દેશના અગ્રણી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગયા મહિને જાહેર કર્યું હતું કે એક ઝાડ પણ કાપવામાં આવશે તો વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બનશે.

કૉંગ્રેસ પક્ષે તો કેન્દ્ર સરકારને પત્ર લખીને ખાણકામની મંજૂરી પાછી ખેંચી લેવા પણ જણાવ્યું હતું.

જોકે, આ પ્રદેશના અગ્રણી સામાજિક કાર્યકર આલોક શુક્લ આ બાબતને રાજ્ય સરકારની ‘વિલંબની યુક્તિ’ ગણાવે છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારને મંજૂરી પાછી ખેંચવાનો બંધારણીય અધિકાર છે અને એ માટે કેન્દ્ર સરકારની પરવાનગીની જરૂર નથી.

તેમણે ઉમેર્યું હતું કે છત્તીસગઢ સરકારમાં ઝડપથી કામ કરવા માટેની “રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ” છે, કારણ કે તેના પર એક અન્ય કોંગ્રેસશાસિત રાજ્ય રાજસ્થાનનું દબાણ છે. રાજસ્થાનના વિદ્યુત ઉત્પાદક નિગમને કોલસાનો પૂરવઠો પારસામાંથી મળવાનો છે.

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજકીય વાતાવરણ જટિલ બન્યું છે. વળી લાંબા અને ગરમ ઉનાળામાં અંધારપટના જોખમ સંદર્ભે રાજકારણીઓનું ધ્યાન ઊર્જા સલામતી પર વધારે છે.

સર્વોચ્ચ અદાલતે આ પ્રોજેક્ટ સામે સ્ટે આપવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે જમીન સંપાદનને પડકારતી અરજીઓને ખાણકામ સામે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ગણી શકાય નહીં અને આદિવાસીઓ અધિકારનો નિર્ણય “વિકાસના ભોગે નહીં,” પરંતુ અલગથી કરવામાં આવશે.

અલબત, વિરોધ પ્રદર્શનકર્તાઓને ખાતરી છે કે તેમનો વિજય થશે.

પ્રતિકાર જૂથના અગ્રણી સભ્ય ઉમેશ્વર સિંહ આર્મોએ કહ્યું હતું કે “અમને અદાલતમાં વિશ્વાસ છે. આ માત્ર હસદેવ માટેની લડાઈ નથી. અમે, આબોહવા પરિવર્તન તથા પર્યાવરણીય અધોગતિના જોખમ જેના પર તોળાઈ રહ્યું છે તે આ દેશ અને વિશ્વ માટે લડી રહ્યા છીએ.”